લોહીનું ટીપું – યોગેશ પંડ્યાની પિતા પુત્રની ખૂબ સમજવા જેવી વાર્તા…

લોહી નું ટીપુ

જાનગઢ બાઉન્‍ડ્રી પસાર થઇ ગયા પછી વિક્રમે કાર ઉભી રાખી.
બારીના કાચ નીચે ઉતર્યા. પાછલી સીટમાં બેઠેલા જીલુભાએ ચશ્‍મા ઠીકઠાક કરી બારીના કાચની આરપાર જોયું. તો, પરિચિતતાની ઝાંકી થઇઃ આ તો પોતાના જ વતન – ગામની હદ આવી ગઇ હતી. અહીંથી તો ગામની સીમ શરૂ થતી હતી. અહીંથી જ સ્‍તો, ગામમાં જવા માટેના આડફેટ રસ્‍તા ફાટતા હતા. તેઓ વિક્રમ સામે અજમંજસ ભાવે તાકી રહ્યા. અને પછી બોલ્‍યાઃ ‘ અહીં ? વિક્રમ, અહીં શું છે ? ‘

‘ જે તમને બતાવવા લઇ આવ્‍યો છું એ જ બાપુ, એજ…‘ વિક્રમે હોંશમાં આવી જઇને શર્ટના કોલર ઉંચા કરતા કહ્યુઃ ‘ આ જુઓ, સામે જે દેખાય છે એ જ મારી સાઇટ‘

‘સાઇટ ? ‘ જીલુભાને આશ્ચર્ય થયુ. અને તેઓ વિક્રમને ગાડીમાંથી નીચે ઉતરતો તાકી રહ્યા. વિક્રમે નીચે ઉતરી, અવળું કરી ડાબા હાથ વડે જ બહારથી બારણાને ધકકો માર્યો. બારણું ઓટોમેટીક લોક થઇ ગયુ. અને પછી જીલુભાની સાઇડના બારણાના હેન્‍ડલનું બટન દબાવ્‍યુ. બારણું ખૂલ્‍યુ. જીલુભા આસ્‍તેથી નીચે ઉતર્યા અને બહાર આવ્‍યા.

બહારનો ખૂશનૂમા પવન તેમના શ્વાસ વાટે થઇને છેક ફેફસા સુધી ઉંડે ઉતરી ગયો. તાજી તાજી વટડાની હવા, માટીની આછી આછી પરંતુ ચિરપરિચિત ગંધને તેઓ વળી વળીને ઉંડા ઉંડા શ્વાસ લેતા લેતા, મહેંકને માણતા રહ્યા. એ મીઠી મહેંક તેમના તન-મનને ધીરે ધીરે પ્રફુલ્લિત પણ કરતી ગઇ. જીલુભાના ચહેરા ઉપર એ, સંતૃપ્‍તી નો લીલો પરિતોષ છવાઇ વળ્યો.

 

કેટલા વખતે વગડાનો શ્વાસ માણવા મળ્યો ? તેમણે ગણતરી કરવા માંડીઃ પૂરા છ મહિના થઇ ગયા. શિયાળામાં છેક આવ્‍યો હતો તે છેક ચોમાસુ ય આવી ગયું. અને એ પણ ગામની હદ સુધી પહોંચતા ? !
અમદાવાદમાં બહુ મજા નથી આવતી. ઠીક છે, દીકરાનું ઘર છે વહુ-દીકરો સાચવે છે. પણ… પણ.. આવી નિર્બન્‍ધ મુકિત નથી. અને મુકિત નથી તો મજા પણ નથી. અને મજા નથી તો મનની મસ્‍તી પણ નથી. ગૂંગળામણ બહુ થાય છે !

અને મન, તો જાનગઢ પહોંચી જવા કેટલાયે ધમપછાડા કરે છે. ઝાંવા નાખે છે. ઝાંવા ! પત્ર લઇને શરીર તો નહીં, પણ પવન પાવડીની પાલખીમાં બેસીને મન તો કેટલીયવાર જાનગઢ પહોંચી ગયુ છે ! કાયા અમદાવાદમાં હોય છે, આત્‍મા જાનગઢમાં જ રમમાણ કરતો રહે છે.
અઠવાડીયે દસ દિવસે એ ઉદાસ થઇને ગાર્ડનની અંદર આરામ ખુરશીમાં બેઠા બેઠા ખોવાઇ જાય છે. જાનગઢની શેરીઓમાં, ગલીઓમાં, આંગણમાં, ફળિયામાં અને ઓરડામાં… ! ઘણી ઘણી વાર તેઓ વિક્રમને જાનગઢના સમાચારેય પૂછી લે છે, બે ચાર વાર તો જાનગઢ જવાની તીવ્ર ઇચ્‍છાય દીકરા આગળ રજૂ કરી દીધી હતી પણ તબિયત …

હવે તબિયત સાલ્‍લી બહુ કનડે છે. છતા પણ તેમણે વિક્રમ આગળ જીદ કરી હતી, તો વિક્રમે કહેલુઃ ‘ બાપુ, એક તો તમને હાર્ટની તકલીફ. બીજુ ડાયાબીટીસ પણ બોર્ડર ઉપર. એક બાજુ હાઇ બી.પી. અને ચોથુ પ્રોસ્‍ટેટ ! ન કરે નારાયણ ને તમને ત્‍યાં કાંઇક થઇ ગયું હોય તો લોકો અમને ગાંડા ગણે. ‘
‘ … હવે ત્‍યાં શું કામ છે ? ખૂબ રહ્યા. હજી તમને મોહ મૂકાતો નથી ? અહીં તમને કાંઇ તકલી છે ? ‘ પતની દેવકુંવરબા પણ દીકરાનો પક્ષ લઇને કહેતી. ના, થોડા તતડાવતી .. !
‘ પણ આપણી વાડી, ખેતર, સીમ.. ‘ જીલુભા ભાવુક બની દલીલ કરવાનો, લાગણી રજૂ કરવાનો પ્રયત્‍ન કરતા કે દેવકુંવર બોલી ઉઠતાઃ ‘ કોઇ નહી ખાઇ જાય. છાનામાના પડ્યા રહો અહીંયા…‘

એક વખતના આગથીય વધારે ઉગ્ર, પથ્‍થરથી યે વધુ કઠણ અને ગજવેલ કરતાય વધારે બુલંદી જેમના અવાજમાં હતી એ જીલુભા, પત્‍નીની સામે સાવ નરમઘેંસ જેવા બની ગયા. એની તો એમને ખૂદને પણ ખબર રહી નહોતી કે, એમનું જોશ, જવામર્દી અને ખમીર-ખત્રીવટ કયાં બાષ્‍પીભવન થઇ ગયા ? આ છેલ્‍લા પાંચ વરસ માં !
પણ એક તબિયત.. ! આ તબિયત અરમાન આડેનો અંતરાય બનીને ઉભી રહી ગઇ હતી !
‘ બાપુ…‘ વિક્રમે જીલુભાને બોલાવતા કહ્યુઃ ‘ આ જગ્‍યા‘ જીલુભાની વિચાર શૃંખલા તૂટી પડીઃ ‘ શું કહ્યુ વિક્રમ ? ‘
‘ બાપુ, આ જગ્‍યા. જે મે લીધી છે… ‘ વિક્રમે એમની સામે પળવાર જોઇ હાથ ખુલ્‍લા કરતા જમીન ઉપર નજરને અહીંથી ત્‍યાં સુધી પાથરી, પાછી વાળી લેતા જીલુભા સામે મોઘમ સ્મિત કરતા કહ્યુઃ ‘ આ જમીન લીધી બાપુ…‘

‘ અહીં ? આ જમીન ? અહીં તુ શું કરીશ, ખેતી ? ફરીને વિચારોને બાપુ વિક્રમે ભેદી સ્મિત કર્યુ. અને પછી હાથ ખુલ્‍લા કરીને પાંચ ડગલા ચાલ્‍યો. વિરો.. બાપુ વિરો.. કે અહીં હું શું કરીશ ? મે બી પોસિબલ, ફાર્મ પણ કરુ.. ‘
‘ અરે પણ આપણી પાસે પાંચસો વિઘા જમીન પડી છે. શું કામની ? ‘
‘ બિલકુલ કરેકટ! પાંચસો વિ જમીન પણ શું કામની ? ‘
‘ અરે, શું કામની એટલે ? જમીન એ જમીન છે, આપણી છે એના પટ્ટા ઉપર કોઇ બીજાનું નામ નથી લખાયુ હજી ‘

‘ રહેવા દો બાપુ… વિક્રમે મ્‍હો મચકોડીને કહ્યુઃ તમે જેને જમીન કહો છો એ કયાં જમીન જ છે ? ખરાબો છે ખરાબો. પડતર ભોંય છે. જેમાં તમે એરંડાનો એક સાંઠો ઉગાડી આપો. ગુલાબનું એક ફૂલ ખીલવી આપો, કપાસીયાને ચોપીને મને એક જીંડવુ બનાવી આપો બાપુ. મને મંજુર છે… ‘ બોલીને વિક્રમ ખડખડાટ હસી પડ્યો એના અટ્ટહાસ્‍યની ગૂંજ આસપાસ ચોગરદમ ફરી વળી. વિક્રમે ફરીવાર રીપીટ કર્યુઃ પ્‍લીઝ બાપુ, તમને કહુ છુ મે તમને ત્રણ ઓપ્‍શન આપ્‍યા આમાંથી એક પણ ઓપ્‍શન સ્‍વીકારીને પછી… મેં જે તમને કહ્યુ એ પૈકીનું એકપણ કરી શકશો ? અને પછી ને ધારીધારીને જીલુભાને તાકી રહ્યો. જીલુભાની આંખો નીચે ઢળી ગઇ કે વિક્રમે ચેલેન્‍જ કરીઃ ‘ ડોન્‍ટ વરી બાપુ આ ત્રણમાંથી એકેય વિકલ્‍પ સર ન કરી શકો તો પણ વાંધો નથી. લેટ લીવ ઇટ. પણ એક કામ મારૂ કરશો ? મને… તમારી.. પાંચસો વિઘાની…જમીનની અંદર.. કોઇપણ એક ખૂણે ધતુરો ઉગાડી આપશો ? ચાલો, આઇ એમ એગ્રી કે એ જમીન છે‘

કેટલીયે સેકન્‍ડ ભારેખમ મૌનમાં જ પસાર થઇ ગઇ. ‘ ઇટ ઇઝ ઇમ્‍પોસીબલ..‘ વિક્રમે ખભા ઉંચકયાઃ ‘ પાંચસો વિની જમીન નહી પણ બાપુ, પાંચસો વિઘાનું નીટ રણ.. ચોખ્‍ખુ રણ… એન્‍ડ વોટ અ જોક..‘
જીલુભાને ધકકો લાગ્‍યો. વિક્રમના આ વસમા વેણથી ! તેમનું હદય ચાળણી જેવુ થઇ ગયુ. જાણે અ;દરથી કેટલીયે પીડા દ્રવી રહી. મગજમાં કંઇ કેટલાયે વમળ ઉત્‍પન્‍ન થયા. ગળુ સૂકાઇ ગયુ. હૈયુ ભરાઇ આવ્‍યુ. પણ ગમ, ગુસ્‍સો અને પીડા ગળી જઇને પણ આ ક્ષત્રિય એ જાતને જાળવી લીધી.
‘ હું સાચ્‍ચુ કહુ છુ ને બાપુ ? એમાં કશુ ઉગવાનું છે ? ‘
‘બિલકુલ સાચો છે તુ… માંહ્યલી પીડાને જાતથી એકકોર તારવી નાખતા જીલુભાએ જવાબ આપ્‍યોઃ ‘ તે રોકાણ ખોટુ કર્યુ દીકરા‘

‘રોકાણ ? ‘ વિક્રમ હસી પડ્યો. ‘ તમે ભૂલી ગયા બાપુ હું થોડુ ઘણું તો ભણયો છુ. સાવ થમ્‍સઅપ નથી. થોડુંક બ્રેઇન વાપર્યુ ને આ કટકાનો રણીધણી હું થઇ ગયો. તમે તમારા લોહીને એટલુ કાચુ નહીં માનતા બાપુ ! આ જમીન માટે મે એક નયો પૈસોય ખર્ચ્‍યો નથી. પણ કઇ રીતે ? વ્‍હાય ? વિચારી શકો છો ? ‘
‘ના..‘ જીલુભાનું ભોળું હૈયુ આગળ વિરી શકે એમ નહોતુ.
એમણે હથીયાર હેઠા મૂકયાઃ ‘ એ કઇ રીતે ? ‘
‘ ખૂબીલીટી ઇઝ ધેટ. પણ જવા દો, એ ચર્ચા પછી.પહેલા એ કહો કે મારૂ સપનુ સાકાર થશે તો ખરૂ ને ? ‘

‘ કયુ સપનુ ? કેવુ સપનુ ? ‘
‘ બાપુ, હું અહીં એક ફાઇવસ્‍ટાર હોટેલ કમ ગેસ્‍ટ હાઉસ બનાવવા માગુ છુ. આ અષાઢી બીજે પાયાનું ખાતમુહુર્ત છે. ખાતમુહુર્ત કરીને ફકત બે મહીનામાં જ હોટલ ચણી નાખવી છે. કડિયા રાજસ્‍થાનથી મંગાવ્‍યા છે. આર્કીટેકટ મુંબઇનો છે. પણ હોટેલ બનશે ત્‍યારે લકો મ્‍હોંમાં આંગળા નાખી દેશે અને બોલશે કે યાર, આ હોટેલ છે કે કોઇ રાજનો મહેલ. વેલ, તમે જે.કે.ની હોટલ તો જોઇ હશે બાપુ..‘

‘હા, જસુભાએ સારી હોટલ બનાવી છે. આપણે લગભગ એકવાર ગયેલા‘
‘ હા, રીમેમ્‍બર ધેટ, પણ આપણી હોટલ એની કરતા ચાર ચાસણી ચડી જાય એવી બનશે. બસ, તમારા આશીર્વાદ લેવા માટે આજે તમને અહીં લઇ આવ્‍યો છુ. તમારા પગલા અહીં પડે તો આ જમીન મને ફળે. તમે મારા પિતા હોવાનું મને ગૌરવ, ગર્વ અને આનંદ છે. જાનગઢ એ જીલુભાનો પર્યાય છે. જો તમે આ ગામમાં સરપંચ તરીકે ન હોત તો જાનગઢનો વિકાસ આટલો બુલંદ ન થયો હોત. રાજયની મુખ્‍ય નદીની કેનાલનું પાણી જાનગઢમાં લાવવુ એ કંઇ નાની માં ના ખેલ નથી.

જાનગઢને રાજનગર જેવુ વ્‍યવસ્થિત મકાનનું બાંધકામ, શેરી-બજાર-ચોક-ચૌટાનું એક સિમેટ્રીકલ સ્‍ટ્રકચર, સેકટરવાઇઝ પરા બનાવવા ખૂબ અઘરૂ છે. આસપાસના પંથકમાં ૧૯૮૫-૮૬-૮૭ ના વર્ષમાં દુષ્‍કાળમા; પીવાના પાણીનાય સાંસા હતા તયારે જાનગઢમાં ચાર ચાર કૂવા સજીવન હતા. બાપુ ! બીજા બધા ગામડામાં સવાર સાંજ માંડ એક બસ જ આવતી. ત્‍યારે જાનગઢથી રાજયની રાજધાની સુધીની સીધી બસ તમેજ સ્‍તો મૂકાવડાવી હતી. બીજા બધા આસપાસના ગામોમાં એક થી ચાર ધોરણ સુધીની માંડ સુવિધા હતી ત્‍યારે જાનગઢ ગ્રામ પંચાયત હસ્‍તક હાયર સેકન્‍ડરી હાઇસ્‍કુલ ધમધમતી હતી. ગામના ચાર નવલોહિયા યુવાન એન્‍જીનીયર બનીને અમેરીકામાં સેટ થયા છે. ત્રણ ડોકટર તો અમદાવાદની કિડની હોસ્‍પીટલમાં છે. બે જણાને તો રાષ્‍ટ્રીય એવોર્ડ પણ મળી ચૂકયા છે. લશ્‍કરમાં તો ‘જાનગઢ રેજીમેન્‍ટ‘ નામ આપી શકાય એટલી કૂમક છે. આ ગામનો અને યુવાનોનો વિકાસ જીલુભાને આભારી છે. મારા બાપુને આભારી છે. અને આ બધુ તમારા પ્રતાપે. બાપુ, માત્ર તમારા પ્રતાપે. તમે અમસ્‍તા કાંઇ ચાર ચાર ટર્મ બિનહરીફ નથી ચૂંટાઇ આવ્‍યા. એની નેપથ્‍યે તમારૂ કામ બોલે છે. કામ નહી કર્મ… કર્મ.. !! ‘
જીલુભા પુત્રના હોઠોમાંથી ધાણીફૂટ નીકળતી પોતાની પ્રશસ્તિને ગદગદ હૈયે સાંભળતા રહ્યા. વીતેલો ભૂતકાળ ફિલ્‍મની પટ્ટી બનીને તેમના મનઃચક્ષુ આગળથી ફટાકે પસાર થઇ ગયો.

તેઓ બોલ્‍યાઃ ‘હા બેટા! મે મારી નજર સામે એક આદર્શ રાજવીને આદર્શ તરીકે રાખ્‍યા હતા. બસ, એ જ મારો ધર્મ ગણ. ફરજ ગણ કે કર્મ. પણ મે એકવાર નકકી કરેલુ કે જાનગઢને મારે બેઠુ કરવુ છે. તો કર્યુ ! અને જે કંઇ કરી શકયો એનો સંતોષ છે. ‘

‘ … એટલે જ સ્‍તો ગામને હજી તમારા ગળકા આવે છે ને બાપુ ‘ અને જીલુભા ભીતરથી ભીના ભીના થઇ ગયા. ને ફરી પાછા ડૂબી ગયા ભૂતકાળમાં.. ઉંડા ઉંડા સમયગર્ભમાં.
‘ એ બધાને મારે બોલાવવા છે બાપુ…‘ વિક્રમે કહ્યુઃ તમારી સરપંચ તરીકેની કારકીર્દી દરમ્‍યાન જે જે નેતાઓ, કાર્યકરો હતા એ બધાને બોલાવવા છે તમારા મિત્રોને ય બોલાવવા છે આપણુ આખુ ગામ આવશે ઉદઘાટનમાં એક પણ પરિચિતને ચુકવાનો નથી. ‘
‘ એમ ? ‘ જીલુભા ઉત્‍કટપણે પૂછી રહ્યાઃ પણ કયારે, વ્ક્રિમ કયારે ? ‘
‘ બસ, લાભ પાંચમના શુભ દિવસે જ. હોટલનું ઉદ્ભાટન લાભપાંચમના દિવસે જ રાખ્‍યુ છે. તમે જોજો, આપણો સિકકો પડી જશે‘‘
બે મહિનામાં તો હોટલ ચણાઇ ગઇ.

એ દરમ્‍યાન વિક્રમ જીલુભાને બે વખત અહીં લઇ આવ્‍યો હતો. અદભૂત પ્‍લાન હતો. મોટેલ ખરેખર અફલાતૂન બનશે એમાં જીુભાને લેશમાત્ર શંકા નહોતી. હોટેલ ચણાઇ ગઇ ફરનીચર, ફિનીશીંગ, રંગરોગાન… અને સજાવટ !

કોઇ કાંકરોય કાઢી જાય એમ નહોતુ મેવાડથી તો કૂક બોલાવ્‍યા હતા. દેશ-પરદેશ ની રસોઇ ઉપલબ્‍ધ હતી. ઉદઘાટન નકકી થયુ. દેશના વી.વી.આઇ.પી., વી.આઇ.પી., આઇ.એ.એસ. કક્ષાના પોલીસ અધિકારીઓ, નેતા, ઉદ્યોગપતિ, સિમેસ્‍ટાર્સ.. કોણ ન હોતુ આવવાનું ? એ એક સવાલ હતો. જીલુભા વિચારી રહ્યાઃ નાની ઉંમરમાં વિક્રમે જબરજસ્‍ત નેટવર્ક ઉભુ કર્યુ છે. બાકી, આટલા વિશાળ સબંધો બાંધવા અને પછી નિભાવવા બહુ કપરૂ કામ છે !

‘બાપુ…‘ ઉદઘાટનને આગલે દિવસે વિક્રમે કહ્યુઃ ચાલો બાપુ, આપણે આજે જ નીકળવાનું છે. થોડી વ્‍યયવસ્‍થા સંદર્ભે આપણી હાજરી આવશ્‍યક છે. કાલે સમય નહી મળે.‘
રાત્રે જ ફેમિલી હોટલ ઉપર જતુ રહ્યુ.
બીજા દિવસની વહેલી સવારથી જ ગાડીઓ આવતી થઇ ગઇ પણ ગાડીઓ ઉપર ગાડીઓ… વિવિધ રંગની, વિવિધ મોડેલની, વિધવિધ ટેકનોલોજી અને ફેસીલીટીવાળી ગાડીઓ. અધધધ… ઘડીભરતો વિક્રમને પણ થયુઃ કદાચ પાર્કીંગ નાનુ પડશે.

દેશના રાજયકક્ષાના એક પ્રધાનના હાથે ઉદઘાટન હતુ. એટલે આટલો રશ રહે તેની ગણતરી તો વાહન વ્‍યવસ્‍થાપન કમિટીએ કરી જ હતી. પણ થોડીક વાર તો પાર્કીંગની વ્‍યવસ્‍થા ખોરવાઇ ગઇ પણ પછી બધુ સરખું થઇ ગયું. માંગલિક ચોઘડીયે અને શુભ મુહુર્તે રીબન કપાઇ… ચોમેર તાળીઓના ગડગડાટ… પુષ્‍પગુચ્‍છો… ફૂલના હાર… ફૂલના ગજરા… ચારેકોર હારતોરા બૂકેઝ, ડેકોરેશન… મ્‍યુઝિક અને પછી રજવાડી ખાણું !
કેટલા બધા ચહેરા ? .. ઉદઘાટન પતાવી, જમી કારવીને મહાનુભવો નીકળવા લાગ્‍યા. ધારાસભ્‍યો, સંસદસભ્‍યો અને મિનિસ્‍ટરોનો રસાલોય વિદાય લેવા માંડ્યો. સિમેસ્‍ટાર્સના રૂપાળા ચહેરાય ગયા. મિત્રો, કાર્યકરો અને પરિચિતો પણ ગયા. સાંજ પડતામાં તો હોટેલ ખાલી શી થઇ ગઇ. હા, એક પિકચરના શુટીંગનું યુનિટ રોકાયુ હતુ. જેમાં પાંચ થી સાત કલાકારો, બે ડાયરેકટર અને ફોટોગ્રાફી વિગનો આખો રસાલો હતો. જે લોકો હજી અહીંયા રોકાવાના હતા.

જીલુભા મુગ્‍ધ નજરે આ બધુ જોતા હતા. કેટલાક જૂના નેતાઓ કે જે મિત્રો સરીખા હતા તે મળ્યા. એનો આનંદ ચહેરા ઉપર છલકાતો હતો. આજે તેમને ગર્વ થયો કે ખરેખર બાપ કરતા બેટો સવાયો પાક્યો હતો. પોતાના દીકરાની વગ અને ઓળખાણ જોઇને તેમની છાતી ગજગજ ફૂલતી હતી.
પણ એક વાત તેમની સમજમાં ન ઉતરી કે આ જમીન ? આ જમીન કઇ રીતે દીકરાએ ખરીદી ? અને એ પણ એક પૈસો ખર્ચ્‍યા વગર ?
સાંજ પડી.
વિક્રમ આવ્‍યો. બોલ્‍યો બાપુ, નીકળવુ છે ને ?
‘ હા બેટા, પણ મને એમ થાય છે કે હું આજનો દિવસ જાનગઢ જઇ આવુ તો ? ‘

‘ત્‍યાં શું છે બાપુ ? ‘ વ્ક્રિમે સ્‍હેજ કંટાળા ભર્યા સૂરે કહ્યુઃ ‘ મળવાનું હતુ તે બધા તો અહીં આવી ગયા. પછી શું ‘
‘પણ… પણ… મારી એ વાડી, લીલીછમ મોલાત, હીંચકા, આંબાવડિયુ, અને આપણા ઘરની ભીંતો, ફળિયું, એ ચોરડો અને હિંડોળો… જીલુભાના હોઠો ઉપર શબ્‍દો આવીને બેસી ગયાઃ ‘ આ બધા કયાં આવ્‍યા હતા ? જેમને મારે મળવુ હતુ‘‘ પણ આ બધી લાગણી વાહિયાત લાગશે એમ વિચારીને કારમાં બેસી જતા કહેઃ ‘ પણ એક વાત ન સમજાઇ વિક્રમ..કે, આ જમીન ? ‘

‘ નવાઇ લાગે છે ને બાપુ ? ‘ વિક્રમે ગાડી સ્‍ટાર્ટ કરતા કહ્યુઃ ‘ પણ હા, આશ્ચર્ય લાગે તેવી જ બાબત છે આ અસલમાં તો આ જમીન પશવાની હતી. એની તમને ખબર હોવી ઘટે. પશવો એટલે પરશોતમ. ‘‘
‘હા.. હા.. વિક્રમ‘ જીલુભા ભીતરથી ઉપરતળે થઇ રહ્યા. જીલુભાને યાદ આવ્‍યુઃ અહીં બાઉન્‍ડ્રી પાસે જ પશવો ખટારાના પાછલા ટાયરના જોટામાં આવી ગયો હતો. બિચારો આયખાને અધવચ્‍ચે જ ડૂબી ગયો બબ્‍બે દીકરી અને એક દીકરો અન વિલાપ કરતી પત્‍નીને નોંધારા મૂકીને… ‘ જીલુભાને યાદ આવ્‍યુઃ આ એ જમીન હતી. હા, એવુ સાંભળેલુ કે પશવાએ કયાંક જમીન ખરીદી હતી અને બહુ સસ્‍તામાં આવી હતી. ‘
‘ હા બાપુ.. એજ. એજ આ જમીન..! વ્ક્રિમે ગાડીનો ગિયર બદલ્‍યો.
‘ પણ આ જમીન ભેટિયાના દાજીએ પચાવી પાડી હતી‘

‘ હા બાપુ, એ ગરીબની..‘ વિક્રમે એકસીલેટર દબાવ્‍યુઃ એનો છોકરો સાંતી સંચ બળદગાડુ લઇને આવે તો દાજી એને તમંચો બતાવે. પશવાનો છોકરો બી ને ભાગી જાય. એક દિ‘ પશવાની વહુ આવી અને દાજીને ન્‍હોર બતાવ્‍યાઃ ‘ સમજીને જીવી ખાવુ હોય તો આ જમીન મારે ખાતે કરી દઇને હાલતી પડી જા. નહક્ષ્‍હિંતર તારા કૂળદીપકને ફૂંકી મારીશ ‘

‘ હોય નહી.‘ જીલુભા સીટ ઉપરથી ઉંચા થઇ ગયાઃ ‘ દાજીની આ હિંમત ? પછી શું થયુ વિક્રમ ? ‘
‘ છોકરો અને એની મા મારી પાસે આવ્‍યા. હું એને લઇને દાજી પાસે ગયો. એમાં મને તમારી જ ઓળખાણ કામ આવી બાપુ ! તમારો દીકરો જાણીને દાજી કૂણા પડ્યા. મે તોડ કાઢ્યો. દાજીનું કામેય કરી દીધુ અને એ બાઇનું કામેય કરી દીધુ.‘‘
‘ પણ એ કઇ રીતે ? ‘

‘ દાજીને જમીન અપાવી. છોકરાને પૈસા અપાવ્‍યા. વચ્‍ચે હતો હું ! તો.. દસ્‍તાવેજ કરાવતી વખતે મે પશવાના છોકરા પાસે આટલી જમીનને બાદ કરાવી એટલો દસ્‍તાવેજ મારા નામે કરાવી બાકીની જમીન દાજીને નામે કરી આાપી. આમાં મારી મહેનત તો હતી જ. એનું ફળ તો મને મળવુ જોઇએને બાપુ ! અમથીય એ બાઇ પણ સમજી ગઇ હતી કે દાજીની સામે થવાય એવુ નથી. એટલે જ સ્‍તો, એ મારી પાસે આવી હતી. પણ બાઉન્‍ડરી પાસેની આ સાઇટ પહેલી જ નજરે જોતા મને મગજમાં લાઇટ થઇ કે આ નેશનલ હાઇવે ચોકડી ઉપર એગ્રિકલ્‍ચર ફાર્મ ન કરાય પણ હોટલ કરાય. અને એ રીત મારુ સ્‍વપ્‍ન પણ સાકાર થઇ ગયુ. ધેટ મીન્‍સ, કે એક કાંકરે મે ત્રણ પક્ષી માર્યા.. ‘

‘ વિક્રમ…‘ જીલુભાનું લોહી ઉકળી ઉઠ્યુઃ ‘ વિક્રમ, તુ આટલો નીચ નીકળીશ એવી મને ખબર નહોતી. મારૂ લોહી આટલુ બધુ હલકુ નીકળ્યુ ? અરે, કોઇ ગરીબ, અબળા કે ગવરી ગાયોનું રખોપું કરતા કરતા હસતા મોઢે ખપી ગયેલા આપણા વડવાઓના તો તે બલિદાન લજવ્‍યા બલિદાન ! નકકી, નકકી તારી ગળથૂથીમાં કે પછી ધાવણમાં કોઇ ફેર પડી ગયો હશે. એટલે જ… એટલે જ તે આવા હલકા કામો કર્યા. અરે, તું એ પશવાની વહુ માટે થઇને દાજી આડો ઉભો ન રહી શકયો ? તને ખબર છે કે પશવાની માએ મર્યાના મઠ લગી આપણી વાડીનું રખોપું કર્યુ હતુ ! એની મા જીવી અને એનો બાપ મફત આપણા વાડી ખેતર માટે જીવ્‍યા ત્‍યાં સુધી લોહી પાણી એક કરીને મહેનત કરતા રહ્યા. તુ એ ગણ પણ ભૂલી ગયો ? અરે, કમસેકમ તે મને કહ્યુ હોત તો હું ખપમાં આવી જાત. અને દાજીનો કાંઠલો પકડીને કહી દેત કે ખબરદાર જો, આ પશવાની જમીન તરફ આંખ ઉઠાવીને પણ જોયુ છે તો ! તો.. તારી ખેર નથી. બાકી… બાકી, એક રાંડીરાંડને છેતરી ને પડાવેલ જમીન તને પણ ફળશે નહી. વિક્રમ… ‘ જીલુભાનો ક્રોધ અગ્નિની જવાળાઓ જેમ ભભૂકી ઉઠ્યોઃ તું મારો લોહી કહેવડાવવાને લાયક નથી રહ્યો કાફર… ‘‘

‘બાપુ…‘
વિક્રમ પણ ચીસ પાડી ઉઠયો. ગુસ્‍સામાં ને ગુસ્‍સામાં પગ બ્રેક ઉપર ભીંસાઇ ગયો. ગાડી ચરરર…. કરતી ઉભી રહી ગઇ.
‘ બસ… બસ.. હવે કશુ સાંભળવુ નથી. સારૂ કર્યુ તે ગાડી ઉભી રાખી. હું હવે જાનગઢ જવા માંગુ છુ. હું તારી સાથે હવે અમદાવાદ નહીં આવી શકુ. હું જાનગઢ જઇને વિધવાને નામે મારી પચ્‍ચીસ વિઘાની ખીજડાવાળી વાડી જ લખી દઇશ. મારા જીવને તો શાંતિ થશે. અરે… તને ખબર હોવી ઘટે કે એવડા એમણે આપણી માટે શું શું નથી કર્યુ ?

‘ કહેતા જીલુભા ગાડીમાંથી ઉતરી ગયા…
‘ પણ બાપુ, એક આપણા ગોલાની વિધવા માટે આટલુ બધુ ? શા માટે બાપુ ? શા માટે ? ત્‍યારે વોકીંગ સ્‍ટીકના સહારે જાનગઢનારસ્‍તે ચાલતા થઇ ગયેલા જીલુભાએ પાછુ જોયા વગર જ અસ્‍પષ્‍ટપણે પ્રત્‍યુતર વાળ્યોઃ ‘ વિક્રમ, તને એ ખબર ન હોય કે, પશવો કોના લોહીનું ટીપુ હતો ? !!

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ અવનવી વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ.