વાર્તા – “એક પગ ઉંબર પર”

“એક પગ ઉંબર પર”

કમલેશ બેન્‍કેથી ઘરે પાછો ફર્યો. બુટ મોજા કાઢી બેઠકરૂમમાં પ્રવેશવા ગયો પણ ઉંબરામાં જ સ્થિર થઇ ગયો. આયેશા ડીવીડી પર મૂકેલી પોતાની સગાઇની સીડી જોવામાં તલ્‍લીન થઇ ગઇ હતી. પ્રીતની પૂણ્‍યવેદી પર મધુર મંત્રોચ્‍ચારનો ધ્‍વનિ સેમસંગ બ્રાન્‍ડ ટીવીના સ્‍પીકરમાંથી પ્રગટી ઉઠતો હતો.

અચાનક કોઇ બારણામાં આવીને ઉભું રહ્યું છે એવો ખ્‍યાલ આવતા જ આયેશા ચોંકી. ચહેરો ફેરવીને જોયું તો, ‘લે પપ્‍પા તમે આવી ગયા?‘ કહેતી શરમથી ઉભી થઇ ગઇ અને ત્રુટક ત્રુટક અવાજે સ્‍પષ્‍ટતા કરવા લાગીઃ ‘જુઓને ગઇકાલે બાજુવાળા પ્રવિણાબેન સીડી જોવા લઇ ગયેલા, તે કહેતા હતા અમુક જગ્‍યાએ પિક્ચર સાવ ઝાંખુ આવે છે ને ક્યાંક ક્યાંક અવાજ દબાઇ ગયો છે. થયું કે ચેક કરી લઉં‘ કહેતા એણે રિમોટનું બટન દાબ્‍યું.

‘હા બેટા એ સારૂ કર્યુ‘ ટીવીના સ્‍ક્રીન પર એકબીજાની આંગળીઓમાં અંગુઠી પહેરાવતા આ કેસેટના કલાયમેક્સ સમા ‘સીન‘ને રિમોટથી પોઝ કરી ગયેલી દીકરીની કાલીઘેલી સ્‍પષ્‍ટતાને મંજુરી આપતા એ સીન જોતા જોતા કમલેશથી મનોમન હસી પડાયું: ‘આ ઉંમર જ એવી છે બેટા. એકબીજા પાત્રને મળવા માટે વારંવાર મન તલપાપડ થઇ ઉઠે. કુંવારા ઓરતા આળસ મરડીને જાગે. દિલને કશુંક મીઠું દરદ ચૂભે. ભાવિ પતિને મળવા જવાનું હોય તોય યુનિવર્સીટીમાં ફી ભરવા જવાના બહાને કે, મંદિરે દર્શન કરવા જવાનું બહાનું કાઢવું પડે. અને ભાવિ પત્નિને મળવા જવાનું થતાય ત્‍યારે ઘરના સભ્‍યો આગળ છોકરાએ કહેવું પડેઃ ‘એક અર્જન્‍ટ મીટીંગ માટે બહારગામ જવું પડે તેમ છે. સવારે આવીશ. બહાના તો આ ઉંમરમાં હાથવગા રાખવા જ પડે. એમાં તારો જરા પણ વાંક નથી. વાંક તો આ બાલી ઉંમરનો… હું પણ તારી મમ્‍મીને મળવા જતો ત્‍યારે પણ આમ જ….

‘પપ્‍પા, પાણી…‘ દિકરીનો રૂપાની ઘંટડી જેવો અવાજ સંભળાયો ને એની વિચારધારા અટકી પડી. પાણીનો ગ્‍લાસ મોઢે માંડ્યો ને આયેશાએ ઝડપભેર જઇને ટીવીનું રિમોટ ઉઠાવ્‍યું. ‘રહેવા દે બેટા‘ કમલેશે હસીને કહ્યું: ‘મેં પણ નિરાંતે ક્યારેય સી.ડી. જોઇ જ નથી. જોવા દેને‘! આયેશા શરમાતી શરમાતી ઉભી રહીઃ ‘‘થાકી ગયા હશોને પપ્‍પા, ચાલો ચા બનાવું જ છું‘‘ કહેતી ચા બનાવવા કિચનમાં ચાલી ગઇ. અને કમલેશે પોઝ થઇ ગયેલા ચિત્રને ફરવર્ડ કરી કેસેટ આગળ જોવા શરૂ કરી. ગોરમહારાજના અટકી ગયેલા મંત્રોચ્‍ચારનો પુનઃધ્‍વનિ સંભળાવો શરૂ થયો. થોડી જ વારમાં કમલેશને પસંદ એવી કડક મીઠી ચા નો કપ લઇને એ ઉભી હતી. ‘લ્‍યો પપ્‍પા ચા…‘‘
ચા પીને કપ પાછો આપતી વખતે કમલેશે કહ્યું: ‘‘કોઇનો ફોન બોન હતો કે?‘‘
‘‘ના‘‘ ટુંકાક્ષરી જવાબ આપીને. આયેશા કિચનમાં ચાલી ગઇ અને કમલેશ વળી પાછો સગાઇની કેસેટ જોવામાં ગુંથાયો.

અચાનક નોકીયો ૬૩૦૦ રણકી ઉઠ્યો. ટીવીનું વોલ્‍યુમ સહેજ ધીમું કરીને કમલેશે આયેશાને સાદ પાડ્યો: ‘‘આયુ બેટા તારો ફોન.‘‘
‘‘હા…‘‘ બહારથી શ્વાસભેર દોડી આવીને મોબાઇલ હાથમાં લેતી વખતે બાપ દીકરીની ચાર આંખો મળી. કમલેશની આંખોમાં પ્‍યાર છલકતો હતો. ચહેરા ઉપર મોઘમ મલકાટ. આયેશા એ મોઘમને પ્રમાણી શકી. એટલે તો એ મોબાઇલ લઇને બહાર ચાલી ગઇ. ‘હલ્‍લો કોણ?‘
‘કોણ બોલે છે?‘ કોઇ ઘેરો પુરૂષ સ્‍વર સંભળાયો.
‘‘હું આયેશા બોલું છું.‘‘ આયેશાએ ઔપચારિક ગંભીરતા ધારણ કરીને કહ્યું.
‘‘ઓળખાણ નથી પડતી?‘‘
‘‘ના‘‘
‘‘અવાજ કોનો છે કહી શકાશે?‘‘
‘‘હું જજ નથી કરી શકતી પ્‍લીઝ આપ‘‘

‘‘ભૂલાઇ ગયો આટલો બધો?‘ સામે છેડેથી અટ્ટહાસ્‍ય સંભળાયું. ‘‘ઇટ્સ વેરી સ્‍ટ્રેન્‍જ. અરે, બીજા ફ્રેન્‍ડસના ફોન આવે તો ઓળખાય જાય કે આ યશનો ફોન છે. આ જયનો ફોન છે, આતો પુવાંગ અને આ તો ધવલ જ હોય. સાંભળ્યું છે કે, તમારા દસેય દોસ્‍તારોના મોબાઇલ નંબર ‘સેવ‘ કરીને જુદી જુદી રીંગટોન વાઇઝ રાખ્‍યા છે. મારો ક્રમ તો કેટલામો હશે કોને ખબર? ક્યારે હાંસિયામાં ધકેલાઇ જાઉં, નક્કી નથી. બીજા મિત્રો સિક્યોર છે, હું તો તારા દિલની બોર્ડર ઉપર છું. ક્યારે ખીણમાં ગબડી પડું કહેવાય નહીં‘‘ વાતવાતમાં ‘‘તારા દિલની બોર્ડર ઉપર… ‘‘ શબ્‍દનો પ્રયોગ થયો એટલે આયેશાને ગુસ્‍સો ચડ્યો. તેનો સ્‍વર વેધક બન્‍યો. ‘હું ક્યારનીય તમને કહું છું કે કોણ બોલો છો, કોણ બોલો છો. એ કહેતા નથી ને મને જેમ ફાવે એમ બોલો છો. રોંગ નંબર પ્‍લીઝ.

‘ઉભી રહે હું ધર્મેશ બોલું છું. ધર્મેશ…‘‘ સામે છેડેથી બદલાયેલ અવાજ હવે જાણે મુળ સ્થિતિમાં આવ્‍યો. ‘ઓળખ્‍યો?‘ હું ધર્મેશ.. પણ સાંભળ મેં કહ્યું એ બધા તારા ફ્રેન્‍ડઝના ફોન આવે ત્‍યારે તો તું એક ઝાટકે ઓળખી જાય છે કાશ! આપણાય સંબંધો એટલા ગાઢ બન્‍યા હોત. પણ રહેવા દે, એ લોકો જ્યારે તારા દિલમાં આષાઢના ગોરંભા જેમ છવાઇ ગયા હોય ત્‍યારે મારો અવાજ ન જ ઓળખાયને?‘

આયેશાને હજી પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો બેઠો કે, આ ધરમનો ફોન છે, પોતાના ભાવિ પતિનો, અને એ પણ આવી બેહુદી ભાષામાં?‘ તેના ચહેરા પર પ્રસવેદ ફૂટી નીકળ્યો. હૃદય ધકધક કરતું વધુ વેગથી ધબકવા લાગ્‍યું. નસોમાં વહેતો લોહીનો પ્રવાહ બમણા વેગથી વહેવા લાગ્‍યો. એ ગુસ્‍સાથી લાલચોળ થઇ ઉઠી. આપણી સગાઇ થઇ એને એક મહિનો પણ નથી થયો અને તમે મને કેટલીવાર ફોન કર્યો? ત્રીજી કે ચોથીવાર? અને મને ફોનનો અનુભવ પણ નથી. બીજું કે આપણે સગાઇ વખતે દોઢ કલાક સાથે રહ્યા પછી એકવાર મળ્યા ઇ મળ્યા! એ પણ તમે દુકાન માટે માલ લેવા અહીં અ)વ્‍યા ત્‍યારે…, અને એ પણ માંડ વીસ મિનીટ, એમાં તમારો અવાજ એક ઝાટકે હું કેમ ઓળખી શકું?‘ અને હમણાં તો તમે જુદા જ વાજે બોલતા હતા.‘ એ કૈંક અંશે હળવી પડી: ‘અને બીજું કે તમે જે નામ આપ્‍યા તેમની સાથે મારે એવો કોઇ સંબંધ નથી કે જેવા તમે બતાવ્‍યા છે. તેઓ મારી સાથે ભણતા હતા. સાથે ભણતા હોઇએ તો બોલવા ચાલવાની છૂટ હોય, આ રાજકોટ છે, રંગીલું છે, જાનમ સમજા કરો.તમારે એમ ન ધારી લેવું જોઇએ.‘ એણે હસીને કહ્યું.
‘‘હું ધારી લેતો નથી પણ મને સો ટકા ખાતરી છે કે તને બહેનપણીઓ કરતા બોયફ્રેન્‍ડમાં વધારે રસ છે. બીકોઝ યુ આર રોમેન્ટિક. યુ આર સેક્સી, કાશ હું આ જાણતો હોત તો….

‘‘તો?‘‘ આયેશની આંખો ડબડબી ઉઠી.
‘‘તો હું આગળ ન વધત. ઉલટાનો એક જ્ઞાતિજન થઇને તારા પપ્‍પાને મળીને આ લોકો સાથે તારૂં ગોઠવી આપત. આમતો હજીય સમય છે. આપણે છુટા પડી જઇએ. આપણા એન્‍ગેજમેન્‍ટના ફોટા મેં મારા ફ્રેન્‍ડને બતાવ્‍યા તો એ બેહુદુ હસી પડતા બોલ્‍યો: ‘તું આની સાથે બંધાયો? આ તો મને લવ કરતી હતી. બાકી છોકરી જક્કાસ છે.‘‘

‘ધરમ… ધરમ તમને આ શું સૂઝયું છે? પ્‍લીઝ આવી મજાક છોડો.
‘મજાક નથી રાણી… પણ વળતી જ પળે એ પાછો વળ્યો: ‘હવે કોના રાણી, મારા તો નહીં જ, કોઇ અજનબીના દિલના હં… તો વાત એમ કરતો હતો કે આ મજાક નથી, તું એને મજાકમાં ખપાવમાં.‘‘
‘‘તમારો નાલાયક મિત્ર કોણ છે?‘
‘દિગ્‍વીજય બારડ, ઓળખાણ, પડીને કે પાડું?‘

‘હા, એને હું કેમ ન ઓળખુ? કોલેજમાં કોઇ છોકરીની છેડતી કરવાનું એણે બાકી નથી રાખ્‍યું. કેટલીય છોકરીઓના એણે સેન્‍ડલ ખાધા છે.‘
‘પણ તારા સેન્‍ડલનું માપ કેટલું છે એ એને જાણવા ન મળ્યું કારણકે તું એને ચાહતી હતી. એણે તારો ચાળો કર્યો પણ તને એ ચાળો ખુબ ગમ્‍યો . તું તેની તરફ ખેંચાઇ પણ નરેશ નામના બંધનોએ તને બાંધી રાખી.‘
‘ના, નરેશ આપણા મારા ઘરની સામે રહેતો હતો. અને પપ્‍પાને મામા કહેતો હતો. પપ્‍પા પ્રત્‍યેની લાગણીને વશ થઇને તેણે દિગ્‍વીજયને માર્યો.‘
‘પણ એ તો બોલ કે, નરેશ તેને શું કામ મારે? મૂળ તો તારા પ્રત્‍યે એને રસ ખરો કે નહીં?‘
‘પ્‍લીઝ તમે એવી બેહુદી વાત ન કરશો. મારામાં કોને રસ છે એ મારે જોવાનું નથી. કોલેજ પુરી કરી એનેય છ મનહના પુરા થયા. રસની વાત કરો તો મને માત્ર તમારામાં જ રસ છે.‘

‘રહેવા દે, ડ્રામા રહેવા દે આયેશા ડ્રામા રહેવા દે સ્‍ટોપ ઇટ! હું ઓડિયન્‍સ ના અપર ક્લાસમાં બેઠેલો શ્રોતા નથી પણ હું આવા ડ્રામાનો ડાયરેકટર છું. બાય ધ વે ડિગ્‍ગીસ બારડ તને ખૂબ ચાહે છે. એક મિત્રધર્મ કરવા દે, હું તને એના હાથોમાં સોંપી દઉં.‘
‘ધરમ..‘‘ આયેશા હવે ચીસ પાડી ઉઠી.
‘‘બિલકુલ શાંતિ આયેશા, સંવાદો પહેલા બોલવાના નથી હોતા. સમજવાના હોય છે, તું એ સમજી લે! તેં અને ડિગ્‍ગીએ ભાગી જવાનું નાટક કર્યું હતુ એ મને ખબર છે.‘‘
‘‘એ એફ.વાય.માં સ્‍ટેજ પર ભજવેલું નાટક હતું.‘‘

એ નાટક રિયલ લાઇફમાં પણ ભજવાઇ રહ્યું હતું પણ નરેશ વિલન બન્‍યો. એણે તારા પપ્‍પાને વાત કરી દીધી અને પછી તરત જ આપણું એન્‍ગેજમેન્‍ટ થયું. હું ડિગ્‍ગીનો દોસ્‍ત મટીને દુશ્‍મન થવા માંગતો નથી. એ તૈયાર છે તને પરણવા, લેકિન તું તૈયાર છો? સાક્ષી તરીકે હું રહીશ. ડોન્‍ડવરી ચાલી આવ. કાલે હું તારી રાહ જોઇશ ઓકે?‘ આગળના કોઇ શબ્‍દ સંભળાય એ પહેલા આયેશાએ મોબાઇલ સ્‍વીચ ઓફ કરી દીધો અને રડી પડી.
કમલેશના કાન આ બાજુ તો હતા જ. થયુ તો હતુ કે આયેશા કદી આ રીતે કોઇની સાથે વાત કરતી નથી. જરૂર દાળમાં કંઇક કાળુ હતું. એ દોડીને રૂમમાં આવ્‍યો ત્‍યારે પોતાની વહાલસોઇ દિકરી હથેળીમાં ચહેરો છુપાવી ધ્રુસ્‍કે ધ્રુસ્‍કે રડી રહી હતી. તેણે આયેશાની પીઠ પર હાથ પસવાર્યો. માથે હાથ ફેરવ્‍યો. એની પાસે ઉભડક પગે બેસી પડ્યો: ‘આયુ, આયુ શું થયું? કોનો ફોન હતો?‘

પણ આયેશા ઢગલો થઇ ગઇ હતી. એટલે કમલેશે આયેશાના બંને હાથ પોતાના હાથમાં લઇને વેધક નજરે ‘કોણ હતું એ કોનો ફોન હતો, સાચું ન કહે તો મારા સોગંદ છે.‘‘
‘‘જુનાગઢથી એમનો ફોન હતો.‘‘
‘‘ધર્મેશકુમારનો?‘‘
‘‘હા.‘‘

‘‘તો ધર્મેશકુમારે એવું તે શું કહ્યું જેથી તારે રોવું પડ્યું?‘‘
જવાબમાં આયેશાએ અત થી ઇતિ સુધીની હકીકત કહી સંભળાવી. અંતે કહ્યું: ‘‘આવા થર્ડ ક્લાસ માણસ સાથે મારી જિંદગી નહીં જાય. હું એવી ચારિત્ર્યહીન છોકરી નથી કે તેણે આવા આક્ષેપો કરવા પડે. તમે એ લોકોને કહી દો, મને આ સંબંધ મંજુર નથી.‘‘
‘‘પણ એ તારી મજાક પણ કરતા હોય બેટા.‘‘
‘‘ના પપ્‍પા, મજાક હોય તોય હું આવી મજાક સહેવા હરગીઝ તૈયાર નથી. મજાકની પણ કંઇક રીત હોય. તમે કાલેને કાલે જ ફુઆને લઇને જુનાગઢ જાવ અને ફેંસલો કરતા જ આવો.‘‘
‘‘પણ… તું એકવાર ખાતરી તો કરી જો.‘‘

‘‘ખાતરી કરી લીધી છે મેં, હવે સહન કરવાનો કોઇ અર્થ નથી. મને આ સંબંધ તલભાર પણ મંજૂર નથી. જો તમે ન જાવ તો તમને તમારી આયેશાના સમ છે. કહેતી તે દોડીને પોતાના રૂમમાં ભરાઇ ગઇ.
કમલેશ ભીની આંખે જ્યોતિના સુખડના હાર ચડાવેલા ફોટાને તાકી રહ્યો.
ભૂતકાળ તેની સામે આંખો ફાડીને તાકી રહ્યો. હજી તો આયેશા બે અઢી વરસની થઇને પાપા પગલી માંડતી હતી ને જ્યોતિ ફરીવાર પ્રેગનન્‍ટ બની. ખોળાનો ખુંદનાર ને પગલીનો પાડનાર રન્નાદે આપશે એવી આશાએ જ્યોતિની એક અભિલાષા હતી. એ અભિલાષાને કમલેશ પુષ્‍ટ કર્યા કરતો. આ પાંચમો મહિનો હતો. જ્યોતિની ગભરાટભરી આંખો ડોક્ટર પામી ગયા હતા. એ મોઘમ હસીને કહેતા: ‘‘બધું જ સારા વાના થઇ જશે. ચિંતા ન કરો.‘‘ આવનારા સુખની કલ્‍પનાથી જ્યોતિ રોમાંચિત થઇ ઉઠતી. પણ અચાનક વડસાવિત્રીના દિવસે વડલો પૂજવા જ્યોતિ નીકળીને રસ્‍તા વચ્‍ચે જ, પત્‍થરની ઠોકરથી ગબડી પડી. તાત્‍કાલિક હોસ્પ્‍િટલ લઇ જાય એ પહેલા ધનુર થઇ ગયું.
– આંચકા ધીરે ધીરે શાંત થતા ગયા.
– એક નિશ્ચેતન શરીર પાછું આવ્‍યું ઘરે! એક નિશ્ચેતન શરીર માના ઉદરમાં જ કાયમ માટે પોઢી ગયું.
સગા વહાલા સતર દિવસ સુધી ઘરે રહ્યા અને અંતે કમલેશે જ મા અને બાપ બનીને ઉછેરી આયેશાને.

આયેશાની સગાઇ જુનાગઢ કરી હતી. ધર્મેશ દેખાવડો હતો. ડબલ ગ્રેજ્યુએટ સુધી ભણેલો હતો. જબરદસ્‍ત પ્રોવિઝન સ્‍ટોર હતો. આયેશાના ફુઆ એટલે કે કમલેશના બનેવી હસુભાઇના સગામાં જ હતા. અને આમ જુઓ તો આ સંબંધ હસુભાઇએ જ કરાવ્‍યો હતલ. કમલેશને નિરાંત હતી કે વચ્‍ચે બનેવી છે એટલે ચિંતા જ નથી. પણ આ રીતે અચાનક જ જમાઇનો ફોન આવ્‍યો અને…
આખી રાત અજંપામાં ગઇ. સવારે એ ઉઠ્યો ત્‍યારે કંઇક યુગોનો થાક તેમણે. અનુભવ્‍યો. તેણે જોયું તો રડી રડીને આયેશાની આંખો પણ સુઝી ગઇ હતી.
‘‘હું ગોંડલ જાઉં છું બેટા…‘‘ તેણે આયેશાના માથા પર વહાલભર્યો હાથ ફેરવ્‍યો: પણ તું કશી ચિંતા કરતી નહીં. તારાથી ઉપરવટ નહીં થઉં. તારું સુખ એ જ મારી જિંદગી.‘‘

કમલેશને ઓચિંતાનો આવેલો જોઇને હસુભાઇને નવાઇ તો લાગી પણ થયું કે બેંકના ઓડીટ બોડીટના કામે નીકળ્યો હોય, પણ જમીને આડે પડખે થયા પછી દિનુભાઇએ વાત મૂકી કે ખરેખર આમ થયું છે. હકીકત સાંભળી હસુભાઇ હચમચી ઉઠ્યા, એટલા માટે કે, ધર્મેશના આવા બેહુદા ફોનથી એની તો ઠીક પોતાનીય કિંમત ઘટી ગઇ છે. તેમ છતા આ બાબતનો ખુલાસો મેળવવા તો જૂનાગઢ જવું જ પડે. હસુભાઇએ નિર્ણય કરી લીધો સાળો બનેવી કલાકમાં તો જૂનાગઢ જવા નીકળી ગયા. ઘરે પહોંચ્‍યા ત્‍યારે ધર્મેશ નહોતો. પણ પોતાના વેવાઇને આંગણે આવેલા જોઇને આયેશાના સાસુ, સસરા, જેઠ, જેઠાણી બધા લાગણીવશ થઇ ઉઠ્યા. ચા પાણી પી હસુભાઇએ ધર્મેશના બાપુજીને પુછ્યું ‘‘ધર્મેશ નથી?‘‘
‘‘એ તો દુકાને હોય.‘‘
‘‘ક્યારે આવે?‘‘
‘‘એનું કાંઇ નક્કી નહીં પણ કામ શું હતું?‘‘

‘‘કામ તો બહુ અગત્‍યનું ઇમરજન્‍સી હતું…‘‘ હસુભાઇના અવાજમાં ગંભીરતા ભળી, ચહેરા ઉપર કડકાઇ. કાલ રાતથી અત્‍યાર સુધીમાં બની ગયેલી બીનાનું સવિસ્‍તર વર્ણન કર્યા પછી બોલ્‍યા: ‘‘કદાચ એને એવું મનમાં હોય તો રાજી ખુશીથી ના પાડી દે! એવી રીતે કોઇની દિકરી ઉપર ચારિત્ર્યના આક્ષેપ કરવા એ સંસ્‍કારની નહીં પણ વિકૃતિની નીશાની છે. જેમ તમે મારા સગા છો એમ આયેશા પણ મારી ભત્રીજી છે. જેને મારી દિકરી ગણીને તમારા ઘરે આપી છે એ એવી ચારિત્ર્યહીન નથી. અરે, એના માટેતો એક કહેતા એકત્રીસ ઠેકાણા ઉભા છે. કમલેશ ખાલી હા પાડે એટલે તૈયાર જ છે. પણ મા વગરની દિકરી, તમારી સાથે વર્ષોનો સંબંધ, અને તમારી મોટી વહુના મોઢે તમારા વખાણ મેં સાંભળ્યા‘તા. થયું કે, આયેશા અહીં દુ:ખી નહીં થાય. અજાણ્યામાં દેવા કરતા મિલકત રૂપિ‍યા ઓછા હોય કે ન હોય તો પણ ચાલશે. પણ સંસ્‍કારી ખોરડું મળે તો કમલેશને નિરાંત. એનું તો હવે કોણ? સિવાય કે, પણ એ એકની એક દિકરી બે દી‘થી રડે છે. તમે કમલેશનો વિચાર કર્યો? મા વગરની દીકરીને એણે મોટી કેમ કરી છે? સ્‍કુલે મૂકવા જતી વખતે એના ચોટલા ગુંથ્‍યા છે, ચોટલા! એનું માથું ધોઇને નવડાવી છે. હાથે કોળિયા આપીને જમાડી છે, નવરાત્રિમાં શણગાર સજાવી આંગળી પકડીપકડીને એ પોતે લઇ ગયો છે ગરબે રમવારમવા, બાપ બનવું સહેલું છે, એક વખત દિકરીની મા તો બની જુઓ.‘‘

હસુભાઇની વાત સાંભળી આખું ઘર સજ્જડ થઇ ગયું….
‘‘અરે અમને તો ખબર પણ નહીં કે ધમો આવો ફોન કરી અક્કલનું પ્રદર્શન કરશે.‘‘ ધર્મેશનો મોટો ભાઇ રમેશ ગુસ્‍સાથી લાલચોળ થતો બોલી ઉઠ્યો. ‘‘હું હમણાં જ એને બોલાવી લાવું છું.‘‘ કહેતો એ નીકળી ગયો. અડધો કલાક પછી તે પાછો આવ્‍યો ત્‍યારે ધર્મેશ પણ હતો. હસુભાઇએ તેને બોલાવ્‍યો: ‘‘અહીં આવ‘‘

ધર્મેશ આવ્‍યો.
‘‘શું તકલીફ છે તારે?‘‘ હસુભાઇએ પુછ્યું.
‘‘કોઇ તકલીફ નથી.‘‘
‘‘આયેશા તને નથી ગમતી?‘‘
‘‘ખૂબ ગમે છે.‘‘ બધાની શર્મ છોડીને તે બોલ્‍યો.
‘‘તો એના કેરેક્ટર વીષે તને સંદેહ છે?‘‘
‘‘નેવર‘‘
‘‘તો પછી તેં ફોન શું કામ કર્યો હતો?‘‘

ધર્મેશ નીચી મુંડીએ ઉભો રહ્યો કે હસુભાઇ તીખા સ્‍વરે બોલી ઉઠ્યા: ‘‘તને શરમ નથી આવતી આવી રીતે પોતાની ભાવિ પત્નિ ઉપર ચારિત્ર્યનો આક્ષેપ કરતા? તારામાં સંસ્‍કાર જેવું કંઇ છે કે નહીં?‘‘ હસુભાઇનો અવાજ ઉંચો થયો. ‘‘બોલ બોલ આવો ફોન કરવાની તને જરૂર શું પડી? અને આ દિગ્‍વીજય બારડ છે કોણ?‘‘
‘‘એ મારો મિત્ર છે. એકવાર એણે મને કહેલું કે, તે અને આયેશા સાથે ભણતા હતા. આયેશા ખુબ સુંદર છે તે આયેશાને સારી રીતે ઓળખે છે. હું માત્ર ગમ્‍મત ખાતર…‘‘
‘‘આવી ગમ્‍મત? તને ખબર છે એ કાલની રડે છે?‘‘
‘‘હં સોરી.‘‘

સાંજેકના સાડા પાંચ-છ એ હસુભાઇ અને કમલેશ ઘર તરફ જવા નીકળ્યા ત્‍યારે ધર્મેશ ખાસિયાણા મોઢે તેમને ‘આવજો‘ કહેવા બસસ્‍ટેન્‍ડે આવ્‍યો હતો. હસુભાઇ પણ ઘરે ફોન કરીને કમલેશ સાથે સીધા રાજકોટ જ આવ્‍યા. પોતાની લાડલી ભત્રીજીના હૃદયમાં જે ઘાવ લાગ્‍યો હતો એ દૂર કરવા જ સ્‍તો, આયેશાને આખી હકીકત કહી સંભળાવી. પણ એ એકની બે ન થઇ. હસુભાઇએ ખુબ મનાવી કે, ધર્મેશની એ એક બાલિશતા હતી. છતાં આયેશા નામક્કર ગઇ. છેવટે હસુભાઇએ જુનાગઢ ફોન કરીને વડીલોને કહ્યું કે ‘‘આવતીકાલે ધર્મેશને મોકલો.‘‘
હસુભાઇને થયું કે બન્ને જણા રૂબરૂ મળે તો સમાધાન થઇ જશે કદાચ.

બીજે દિવસે સવારમાં જ ધર્મેશ આવ્‍યો. હસુભાઇએ એકાંતમાં આ ગંભીર બાબત વિષે સમજાવ્‍યો ત્‍યારે ધર્મેશને થયું કે એક ‘મજાક‘ કેટલી મોંઘી પડી હતી? છેવટે હસુભાઇએ આયેશાને પ્રેમથી સમજાવી એક રૂમમાં આમને સામને બન્ને જણાને ગોઠવી સિફતથી સરકી જવાનું મુનાસીબ માન્‍યું. સામે બેઠેલી આયેશાને જોઇને ધર્મેશ વીલે મોઢે એટલું જ બોલ્‍યો: ‘‘આઇ એમ વેરી સોરી આયેશા.‘‘
‘‘હવે તેનો અર્થ નથી. પણ મેં તમને આવા હલકટ નહોતા ધાર્યા. મારા જીવનમાં આવેલો પ્રથમ પુરૂષ એ જુનાગઢના ધર્મેશ લાલજીભાઇ ઠક્કર છે. બીજું કોઇ નથી.‘‘

‘‘હું કહું છું ને કે, મારી ભૂલ થઇ ગઇ છે..‘‘
‘‘એવી ભૂલ કઇ રીતે થાય? કોઇ દિવસ પણ ન થાય. તમે બે વેણ ઠપકાના આપ્‍યા હોત, બે તમાચા મારી લીધા હોત તો મને દુ:ખ ન લાગેત પણ તમે જે મારા ચારિત્ર્ય ઉપર કીચડ ઉછાળ્યો એ કીચડના ડાઘ તો મારા હૈયામાંથી ક્યારેય નહીં ભૂસાય ધર્મેશ.‘‘
‘‘મે તો માત્ર મજાક કરી હતી.‘‘

‘‘આવી મજાક કદી તમારા ભાઇએ ભાભીની કરી છે? તમારા પપ્‍પાએ તમારા મમ્‍મીની કરી હશે? મજાક આવી ન હોય. મજાક ક્યારેય અનલિમિટેડ નથી હોતી. એને લિમિટ હોય છે. અને એ લિમિટ ક્યાં સુધી લંબાવવી એ જો માણસને ખબર ન પડે તો પછી એનો કોઇ અર્થ નથી ને? મારી ઉપર મજાક કરતા પહેલા તમારે તમારા અંતરાત્‍માને પુછવું હતું કે આવી ગંદી મજાક કરી શકું? શેઇમ… શેઇમ… પોતાની ભાવિ પત્નિ ઉપર આવી મજાક? પણ રહેવા દો, તમે મારા પતિ હોવાને લાયક જ નથી. આજે હું જ સામેથી આપણું વેવિશાળ ફોક કરું છું. તમે જે ઘરેણા, કપડા અને કટલેરી મને ચડાવ્‍યા હતા એ બધું પાછુ લઇ જાવ. મારે તમારી જેવા માણસ સાથે ચાર ફેરા ફરીને શું નર્કના દોઝખમાં પડવું છે? ચાલો, જવા દો યુ મે ગો એન્‍ડ ફરગેટ મી.‘‘

ધર્મેશ સ્‍તબ્‍ધ થઇ સાંભળતો રહ્યો.
‘‘હું તમને કહું છું, તમે જઇ શકો છો. ત્‍યાં જે વસ્‍તુ તમે મને પ્રેઝન્‍ટમાં આપેલી એ પણ સામેલ છે. સાભાર પરત…‘‘ કહી એણે પડખે પડેલા થેલાને બન્‍ને વચ્‍ચે મુક્યો. ‘‘જિંદગીના છેલ્‍લા પહેલા જુહાર, ભવિષ્‍યમાં કોઇ બીજી નિર્દોષ છોકરીની મજાક ન કરશો‘‘ કહી તે ઉભી થઇ ગઇ.

ધર્મેશની આંખોમાં ઝળઝળિયા બાજી ગયા એનો કંઠ ગળી ગયો ડૂમાઓની વચ્‍ચે. એ ત્રુટક ત્રુટક સ્‍વરે બોલ્‍યો. ‘‘મેં મારી ભૂલ સ્‍વીકારી લીધી છે આયેશા, હવે કોઇ દિવસ કોઇની પણ મજાક નહીં કરું. છતાં પણ છેલ્‍લીવાર હાથ જોડીને તમને વિનંતી કરું છું કે બની શકે તો આ સંબંધ અકબંધ રહેવા દો તો સારૂ, હું તમને અઢળક સુખ આપીને મારી મજાકથી જ આપેલા દુ:ખના ડાઘને ધોઇ નાખીશ. આ મારું વચન છે તેમ કહી ખુરશી પરથી ઉભો થઇ ભાંગેલ પગે ચાલતો થયો. પરંતુ એ બારણામાંથી બહાર નીકળે એ પહેલા આયેશા બોલી ઉઠી: ‘‘મારી એક છેલ્‍લી વાત સાંભળતા જાવ.‘‘
ધર્મેશનો એક પગ ઉંબરાની અંદર, એક પગ ઉંબરાની બહાર હતો. તેણે ભીના નેત્રે પાછું વળીને આયેશાની સામે જોયું.

આયેશા મીઠું હસી પડી., ને બોલી ‘‘કાં? કેવી રહી મારી મજાક?‘‘
ધર્મેશ પહેલા તો ફાટી આંખે આયેશાને તાકી રહ્યો. પણ પછી બોલ્‍યો: ‘‘આ તારી મજાક હતી? રહેવા દે તારી મજાકને તારી પાસે જ રાખ. તારા માટે ભલે એ મજાક હશે પણ હવે હું એને મજાકમાં ખપવવા માંગતો નથી. મેં તારા રૌદ્ર સ્‍વરૂપને જોઇ લીધું છે. થેંક ગોડ, કે તારૂ અસલીરૂપ તાકડે જ છતું થઇ ગયું. તું તો મારાથી આગળ વધીને મારા ભાઇ – ભાભી, મમ્‍મી – પપ્‍પા સુધી છેક પહોંચી ગઇ. આવી કલ્‍પના તો તારા વિશે મેં કદી પણ નહોતી કરી, પણ હવે તો છુટા પડવું જ છે પછી આવી વાતો કરવાનો કોઇ મીનીંગ નથી. લેટ્સ ગો ઇટ!!‘‘

આયેશાની આંખો ડબડબી ઉઠી: ‘‘પુરૂષની સહનશીલતા આટલી જ હોય. મને ખ્‍યાલ છે.‘‘
-આંસુ તેના ગાલ પર રેલાયા.: મજાક અમારે જ સહન કરવાની? તમે તો ન સહન કરશી શક્યાને?‘‘ જવાબમાં ધર્મેશ બોલ્‍યો: ‘‘કરવી છે. જિંદગીભર સહન કરવી છે. પણ મજાક નહીં માત્ર તને.‘‘
આયેશાની મોટી મોટી કાળી ભાવુક આંખો ધર્મેશ સામે મંડરાઇ રહી કે ધર્મેશે ઉંબરની બહાર પડેલો પગ, અંદર લઇ લેતા હસીને કહ્યું: ‘‘આ મારી બીજીવારની મજાક હતી.!!!‘‘

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ આવી જ વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી