વાત કન્યાની પસંદગીની – લગભગ દરેકના ઘરમાં આવું એક નંગ તો હોય જ છે…

વાત કન્‍યાની પસંદગીની…

‘‘જીતુ, તારે હવે કોઇ નિર્ણય લઇ લેવો જોઇએ. હવે તને ૩૭ થવા આવ્‍યા. ૨૩ ની ઉંમરે તો માણસ અચ્‍છો ગૃહસ્‍થી બનીને બીજાનું વેવિશાળેય ગોઠવતો થઇ જતો હોય છે. જયારે આ ૩૭ ની ઉંમરે તારું હજી ગોઠવાયું નથી. હવે તારી ઇચ્‍છા શી છે ? તને કોઇ છોકરી ગમતી નથી કે પછી પહેલેથી જ કોઇ દલિમાં વસી ગઇ છે ? એવું હોય તો પણ બોલ, હું બા-બાપુજીને વાત કરું એટલે એક વાત પાકકી થાય. હવે કયાં લગી તું નાચ્‍યા કરીશ ?‘‘ આખરે, જીતુના બનેવી ધીરજલાલે કહી જ દીધું. જવાબમાં જીતુ બોલ્‍યોઃ ‘ એવુ નથી બનેવી સાહેબ, પણ મારા લાયક કોઇ છોકરી તો મળવી જોઇએ ને ? અને મારી પસંદગી એવી ઉંચીય નથી. દેખાવમાં સાદી પણ બોલ્‍યે ચલાવ્‍યે વવિેકી, વ્‍યવહારમાં કોઠા સૂઝવાળી અને ગ્રેજ્યુએટ સુધી ભણેલી હોય, તો આજ ઘડીએ હું હા પાડવા તૈયાર છું. ‘
‘‘ તો પછી અમરેલીવાળા દનિુભાઇની રેખાને તે જોઇ છે ? ‘‘

‘‘ના ‘‘
‘‘ તો તૈયાર થઇ જા. આપણે કાલે જ નીકળીએ. વાર પણ સારો છે. ગુરૂવાર.‘‘
‘‘ તૈયાર જ છુ…‘‘
બીજે દિવસે બન્‍ને અમરેલી જવા નીકળ્યા. સાંજે ફોન કરી દીધો હતો. જીતુએ રેખાને જોઇ. મુલાકાત પણ ગોઠવાઇ. કન્‍યા જોઇને સાળો બનેવી પાછા ફર્યા. વચ્‍ચે બે દવિસ ગયા પણ ધીરજલાલને જીતુ તરફથી કોઇ પ્રતિસાદ ન મળ્યો. એટલે જાતે જ એ જીતુ પાસે આવ્‍યાઃ
‘‘ કાં, કેમ લાગી છોકરી ? ‘‘
‘‘ આમ તો બરાબર છે પણ સહેજ કાળી છે ‘‘
‘‘ કાળી તો કામણગારી હોય,‘‘ ધીરજલાલે મજાકમાં કહ્યુઃ ‘‘ એના કામણમાં તું ડૂબી જઇશ ‘‘
‘‘ તમારી વાત સાચી. પણ મને ન ગમી. કેમ કે કાળીતો છે જ, પણ એની આંખો જીણી છે. પાંપણો ખૂલ્‍લી છે કે બંધ, એ ખ્‍યાલ નથી આવતો ‘‘
‘‘ તો એને માટે તારો મત ? ‘‘
‘‘ ચાલીશ પર્સન્‍ટ હા, સાઇઠ પર્સન્‍ટ ના. હું પસંદ કરતો નથી બનેવી ‘‘
‘‘ વાંધો નહી‘‘ એ નહી તો એની બહેન ! એક છોકરી છે – ધોળકા. મારા મામાના સાળાના દીકરાની દીકરી. મધુ ! નામ એવા જ ગુણ છે. તને ગમશે. આપણે જઇએ. અને બન્‍ને ગયા. છોકરી સાથે વાતો કરી. ધીરજલાલે કહ્યુઃ ‘‘ એલા, મને તો લાગ્‍યુ કે તું પહેલી જ નજરમાં બોલ્લ્‍ડ થઇ ગયો. ‘‘
‘‘ હું નહી પણ એ ‘‘ જીતુએ કહ્યુઃ ‘‘ છોકરી જાડી છે. અને મને જાડી છોકરી પ્રત્‍યે તો પહેલેથી જ સૂગ છે. ઘરનું કામ પણ ન કરી શકે, એ ટીપડુ મારેય શું કામનું ? ‘‘
‘‘ અરે એના કરતા તો વધારે જાડો લાગે. અને એ સ્‍હેજ નીચી છે એટલે જ તને જાડી લાગી બાકી શરીર તો સારૂ. સાંઠી-ડાંખળા જેવી છોકરી સારી લાગે જ નહી ‘‘
‘‘ ના જીજુ, પાતળી, પદમણી લાગે, ઓરડામાં ઉભી હોય તો ઓરડો મધમધતો બની જાય, બાકી તો એ હસતી હતી તયારે એમ લાગતું હતુ કે ખાલી ગોળામાં કાંકરા ખખડે છે‘‘
‘‘ એટલે મારે શું સમજવાનું ? ‘‘ આખરે ધીરજલાલે પૂછી જ નાખ્‍યુ એટલે જીતુએ કહી દીધુઃ ‘‘ ફૂલ્‍લી નાપાસ… બીજી કોઇ હોય તો બોલો‘‘
‘‘ એક છોકરી છે ટનાટન. સોનાક્ષી સિંહા જોઇલે ‘‘
‘‘ અરે વાહ, કયાં છે ? ઝટ બોલો…‘‘


‘‘ વાસંતી‘‘‘ ધીરજલાલના હોઠમાંથી ટહૂકો થયોઃ ‘‘ એકવાર જોઇ લઇશ પછી તને દુનયિમાં બીજી કોઇ નહી ગમે. પણ આપણે બોમ્‍બે જવુ પડે…‘‘
‘‘ ભલે કાશ્‍મીર જવુ પડે. પણ મારા જીવનમાં વાસંતી કોયલ કયાં થી ? મારી પાનખર શી સૂની જીંદગીમાં એકવાર વસંત બહાર લાવી દો. ‘‘
ધીરજલાલે તરત જ મોબાઇલમાંથી ફોન કર્યો અને આવતા બુધવારનું ગોઠવી પણ દીધું. એ સ્‍વીટ મેસેજ જીતુને પણ આપ્‍યા. અને મંગળવારે ‘‘ગુજરાતમેલ‘‘ મં નીકળી પણ ગયા. પહોંચ્‍યા, બેઠા, વાસંતી આવી, જીન્‍સનું પેન્‍ટ અને સ્‍લીવલેસ ટીશર્ટ પહેરીને ભલે ૨૮ ની ઉંમર હતી પણ ચાર્મિંગ હતી. બન્‍ને વચ્‍ચે પૂરો અડધો કલાક મુલાકાત ચાલી. ધીરજલાલના મનમાં હતુ કે હવે પાકકુ જ છે. પોતાના સસરાએ સોંપેલી સાળા(જીતુ) ની જવાબદારી પૂરી થઇ જશે. એટલે અંદરના રૂમમાંથી બહાર આવેલા જીતુનો હળવો મૂડ જોયો કે ધીરજલાલે તેનો હાથ દાબ્‍યોઃ ‘‘ યસ્‍સ ? ‘‘
‘‘ મારી ઇચ્‍છા નથી જીજુ…‘‘ જીતુ દબાતે અવાજે બોલ્‍યોઃ ‘‘ થોબડું જ સારૂ છે બાકી જેવા હોઠ ખૂલે છે ત્‍યારે વરવી લાગે છે. એના દાંત વચ્‍ચે કેટલી બધી જગ્‍યા છે ? અને એ હસે છે ત્‍યારે હોઠ વિચિત્ર વાળે છે. અને એના વળેલા હોઠ બિભત્‍સ પણ લાગે છે. કપડા પણ કેવા પહેર્યા હતા ? છિ… છિ.., એ મને ન પોષાય ‘‘
‘‘ અરે ગાંડા, આ બોમ્‍બે છે. અને હવે તો ભાવનગર, રાજકોટ, પાટણ, બોટાદ અને કરજણમાં ય છોકરીયું જીન્‍સ પહેરવા મંડી છે. એમા કાંઇ નવાઇ નથી. અને લગ્‍ન પછી તારે કપડા બાબતે ચોખ્‍ખી સૂચના આપી જ દેવાની કે ભૈ, આ નહી ચાલે ! પણ તુ હા પાડી દે‘‘ જીજુ…. જીતુએ કહ્યુઃ ‘‘ એની વાતો તમે નહી, પણ મે સાંભળી છે એણે એકલી પિકચરની જ વાતો કરી. કયો હિરો સારો, કયો નહી ? કયો એકટર એને ગમે છે, કયો નહી, કયા હીરોમાં કઇ વિશેષતા છે એવી જ વાતો કરી. હવે અત્‍યારથી જ તેના માનસમાં આટલા બધા પુરૂષ ચિતરાયેલા છે, ત્‍યાં મારા નામનું ચિત્ર કેમ ઉપસશે ? ‘‘
‘‘ અરે પાગલ ! તુ પુરૂષ છે અને સ્‍ત્રીને કઇ રીતે પ્રેમ આપવો, અને કઇ રીતે વાળવી, એ મર્દનું કામ છે. એ કાંઇ મારે તને શિખડાવવાનું ન હોય ‘‘‘
‘‘ પણ મૂળ તો મારે તેને મેરેજ પછી વાળ્યા જ કરવાની ને ? હું હેરાન થઇ જાઉ. અને સ્‍ત્રી માત્ર પતંગિયા જેવી ચંચળ હોય છે. આ તો બાવાના બેય બગડે જીજુ. હાથે કરીને ઉપધિ વહોરવાની ! નહી જીજુ, આ સોદો મને મંજુર નથી. બીજી કોઇ બતાવો‘‘ ધીરજલાલને ગુસ્‍સો આવી ગયો છતા આ એકનો એક સાળો હતો. એને ખીલે બાંધવાની જવાબદારી પ.પૂ.સાસુ સસરાએ તેને સોંપી હતી. એટલે ન છૂટકે ગુસ્‍સો ગળી જતા કહ્યુ ‘ તુ વિચારીજો, નહિંતર પછી અહીં આવ્‍યા છીએ તો, એક બીજી છોકરીને ય જોતા જઇએ. કાલે ટ્રેનમાં જ મારા કાકાના સાઢુભાઇ સાથે વાત થઇ. અને એમણે બતાવ્‍યુ. નામ દક્ષા છે. પણ ચોઇસ તારા વિચાર મુજબની છે. એ લોકો આવેલા પણ છોકરો આ છોકરીને પસંદ નહોતો પડ્યો. પણ આપણું નકકી થઇ જશે. ચાલ..‘‘
‘‘ઓકે ઓકે‘‘ જીતુની આંખમાં દક્ષા સાંગોપાંગ ચિતરાઇ ગઇ. કેીવ હશે ? કેવી લાગતી હશે ?
ધીરજલાલે ફોન કરીને પૂછ્યુ તો સામેથી જવાબ આવ્‍યો.
‘ આજે રાત્રે સાડા આઠે આવી જાવ.‘‘


અને બન્‍ને ગયા. ચા નાસ્‍તો થયા. મુલાકાતેય થઇ, દક્ષા સાદી હતી પણ નમણી હતી. ધીરજલાલને દક્ષા ગમી ગઇ. અને તેમણે મનોમન નકકી ય કરી નાખ્‍યુ કે હવે બેડો પાર. જીતુને ગમી જ જશે.
મુલાકાત પુરી થઇ અને બન્‍ને નીકળ્યા. દક્ષા, જીતુને તાકી રહી. પેલા લોકોએ જવાબ માટે અપેક્ષ્‍િત હતા. ધીરજલાલે કહ્યુઃ
‘‘ પૂછીને જવાબ આપુ છુ‘‘
હોટલ પર પહોંચ્‍્યા પછી જમીને ધીરજલાલે એ જ પૂછ્યુઃ
‘‘ કાં ? દક્ષાએ તને જીતી લીધો ને ? ‘‘
જવાબમાં જીતુ કહેઃ
‘‘ પણ એની આંખોમાં અનોખી પ્‍યાસ દેખાતી હતી જાણે આપણને ખાઇ જવા ન માગથી હોય ‘‘
‘‘ એ તો તુ છે જ એવો હેન્‍ડસમ ? આ ઉંમરે પહોંચ્‍યા છતાય એ તો ઠીક, પણ એના અવાજમાં પૈરૂષી છાંટ હતી. બાઇ બોલે છે કે ભાઇ ? એ જ ખબર ન પડે ! એણે સાડી પણ દેશી ઢબે પહેરી હતી. નાક થોડુ મોટુ પણ લાગ્‍યુ. હવે જમાનો બદલાયો છે. આપણા ઘરે કોઇ આવે તો મારી તો કિંમત જ કરી જાય કે જીતુ આવી બૂડથલ વહુ લાવ્‍યો ‘‘
‘‘ ભાઇ જીતુ, થોડુ ઘણું લેટ-ગો કરવુ પડે. એ તો લગ્‍ન પછી વળોટમાં આવી જશે‘‘
‘‘ પણ મારામાં શું ખામી છે ? હું તો કનૈયા જેવો જ છુ ને ? ‘‘
‘‘ આપણુ લીવીંગ સર્ટી ઉંમર છૂપાવી શકતુ નથી. પણ રહેવા દે, છોઙ ના પાડી દઇશુ. ઠીક છે, એક છોકરી બગસરા છે. જોવા જવુ હોય તો તૈયાર થઇ જા. પણ આ વખતે વાતનું પૂર્ણ વિરામ વાળવાનું. બહુ નાચ્‍યા નહી કરવાનું. હવે તને ઐશ્વર્યા રાય નહી મળે. ડુ યુ અન્‍ડરસ્‍ટેન્‍ડ ? ‘‘

‘‘ હા બાપા હા. મનેય ખબર છે કે ઐશ્વર્યા નહી મળે પણ મને ગમવી તો જોઇએ ને ? ‘‘ બગસરાવાળી વાતને બે ત્રણ દવિસ પસાર થઇ ગયા. હવે જીતુય ઉતાવળો થયો હતો. બે દિવસમાં તો બનેવીને બે ત્રણ વાર ફોનેય કરી દીધા. ધીરજલાલે કહ્યુઃ ‘‘ એ લોકોને એક-બે ઠેકાણે વાતચીત ચાલે છે. પછી કહેશે. પણ એક છોકરી દામનગર છે. ગરીબ ઘર છે પણ કહે છે કે છોકરી સારી છે ‘‘મને મંજુર છે‘‘ જીતુએ કહ્યુ એટલે બન્‍ને ગયા. છોકરી જોઇને આવ્‍યા પછી જીતુએ સામેથી જ કહ્યુઃ ‘‘ગરીબ ઘર છે પણ મને કોઇ વાંધો નથી. પણ છોકરી સૂઘરા જેવી હતી. કદાચ અઠવાડીયે એકવાર નહાતી હશે. કેમ કે એના શરીરમાંથી ખરાબ વાસ આવી રહી હતી. અને ભાષાય પણ રફ હતી.‘‘
‘‘ જો જીતુ, દામનગર એક ગામડુ છે. અને ગામડાની છોકરી ગામડા જેવી જ હોય. પણ કોલેજ પુરી કરી છે. ઘરરખ્‍ખુ પણ છે. લાજ મર્યાદા વાળી પણ છે ‘‘ અને શરમાળ પણ ખરી. અને જીજુે, શરમ વાચાને હણી લે છે. અમે ઘરે રહ્યા આખા સાડા ત્રણ જણા. અને એ ન બોલે, કે ન ચાલે એ તો ચાલે જ કેમ ? હું તો ધંધાર્થે બહાર રખડતો હોઉ એવા સંજોગોમાં બા-બાપુજી સાથે પણ એવું જ વર્તન કર્યા કરે તો બા-બાપુજી એમ જ કહે કે આ મીંઢી તને કેમ કરતા ગમી ગઇ ? ‘‘ ધીરજલાલને થયુઃ જીતુને એક થપાટ ચોડી દઉ પણ ના, એ એમ ન કરી શકયા. એ ગુસ્‍સામાં ને ગુસ્‍સામાં ઘરે જતા રહ્યા. પણ જીતુના સદનસીબે, બીજે જ દિવસે બગસરાથી ફોન આવ્‍યો. ફોન જીતુની બહેન શારદાએ જ ઉપાડ્યો. શારદાએ આ વધામણી ધીરજલાલ આગળ ખાધી. ધીરજલાલે ગુસ્‍સામાં કહી દીધુ ‘‘ શારદા, તું એ ડોબાને કહી દે કે સમય હોય ત્‍યારે એ જાતે જ જોઇ આવે, મારે કેટલી જગ્‍યાએ અળખામણું થવું ? ‘‘
‘‘ અરે પણ, આ એક છેલ્‍લીવાર જઇ આવોને ! પછી હું નહી કહુ. હું ય હવે એનાથી કંટાળી ગઇ છુ ‘‘
‘‘ઠીક છે….‘‘ ધીરજલાલ ટાઢા પડ્યાઃ ‘‘ જાઉ છુ બીજુ શું, પણ બા-બાપુજીને ખાતર… ‘‘ અને બન્‍ને બગસરા ગયા. છોકરીનું નામ નેહા હતુ પણ ખરેખર નામ પ્રમાણે જ ગુણ હતા. નેહા એટલે નેહા આંખોમાંથી વરસતુ અમી. લાંબા વાળ, હસમુખી મ્‍હો ફાડ, સપ્રમાણ માંસલ શરીર. ધીરજલાલને થયુ મારો દીકરો તો આનાથી કયાંય નાનો છે. બાકી હું આ છોકરીને જ પસંદ કરી લઉ..‘‘

ચા-નાસ્‍તો થયા. પછી બન્‍નેની મુલાકાત ગોઠવાઇ ગઇ. મુલાકાત લાંબી ચાલી. વચ્‍ચે વચ્‍ચે કયારેક કયારેક બન્‍ને વચ્‍ચે વાતચીત દરમ્‍યાન હાસ્‍યના ઠૂમકા પણ બે ત્રણ વાર સંભળાયા. પુરી અઠયાવીસ મીનીટ પછી જીતુ બહાર નીકળ્યો. ધીરજલાલને મનમાં થયુઃ ‘‘ હાશ… અંતે મારી જવાબદારી પુરી થઇ…!! ‘‘ પછી જવાબ મોકલીએ જ…‘‘ હસતા હસતા જ પુરા આત્‍મ વિશ્વાસ સાથે ધીરજલાલે એ લોકોને કહ્યુ અને બન્‍ને નીકળ્યા. સાંજે સીધા ધીરજલાલ જીતુને લઇને પોતાના ઘરે જ પહોંચ્યા.
‘‘કાં ? કેમ થયુ ? ‘‘ ચા પાણી પીધા પછી શારદાએ પતિ ધીરજલાલને પૂછ્યુ ‘‘ નકકી કરીને જ આવ્‍યા ને ? ‘‘
‘‘ તારા ભાઇને પૂછ, મને નહી ‘‘ ધીરજલાલે આછી ચીડથી પૂછ્યુ.
‘‘ કાં ભાઇ ? કેમ લાગી ? છોકરી ગમી ને ? ‘‘
‘‘ આમ ઠીક હતી…પણ આમ … જોવા જઇએ તો…‘ પણ જીતુ અડધુ વાકય ગળી જતાબોલ્‍યો ‘‘ તુ જીજાજીને જ પૂછને એમને કેમ લાગી છોકરી ? ‘‘

પણ શારદા ધીરજલાલને કાંઇ પુછે એ પહેલા ધીરજલાલ મોટેથી ત્રાડી ઉઠ્યાઃ ‘‘ તારા મતે ગમે તેવી હોય પણ તારી બહેન કરતા તો સારી જ હતી સમજયો ? ડોબા….‘‘ કહેતા દાદરો ચડીને ઉપરના પોતાના રૂમમાં જતા રહ્યા ત્‍યારે ભાઇ-બહેન હતપ્રભ બનીને એક બીજાની આંખોમાં તાકી રહ્યા !!!

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી