“વાત બાપ-દીકરાના સંબંધની” હૃદયસ્પર્શી વાત આજે જ વાંચો અને શેર કરો

વાત બાપ-દીકરાના સંબંધની

શહેર ઉપર ગોરંભો છવાઇ ગયો હતો. વરસાદ પ્‍ડ્યો કે પડશેના ભણકારા વાગતા હતા. આભ કાળું ડીબાંગ બની ચૂક્યું હતુ. સુખદેવે ઘડિયાળમાં જોયું. રાત્રિના અગિયાર વાગી ચૂક્યા હતા. છેલ્‍લું ગરાગ ભજીયા એંઠી ડિશ બાંકડાપર મૂકીને જ ચાલ્‍યું ગયુ હતુ. સુખદેવે એ ડિશ બાજુમાં એંઠી ડિશો ભરેલી ડોલમાં નાખી અને ઝપાટાબંધ બધું સમુનમું કરવા લાગ્‍યો. ત્‍યાં જ વરસાદ ચાલુ થયો. આખા દિવસનો થાક, કંટાળો બનીને શરીરમાં પ્રસરી ચૂક્યો હતો. ભૂખ પણ લાગી હતી. ભગલો આવ્‍યો નહોતો એટલે એંઠી ડિશો પોતાને જ ઉટકવાની હતી. એણે વધેલા ભજીયા-ગોટાની ડિશ ભરી ઉપર ચટણી રેડી સવારના ૮ વાગ્‍યે નાસ્‍તો કર્યો હતો અને અત્‍યારે ૧૧ વાગ્‍યા હતા. સુખદેવ ઝપાટાભર ખાવા લાગ્‍યો. ત્‍યાં જ એક કૂતરું પૂંછડી પટપટાવતું આવ્‍યું. સુખદેવે થોડાક ભજીયા નીચે નાખ્‍યા, કૂતરું ખાવા લાગ્‍યું. સુખદેવને થયું: ‘‘આ ભૂખ પણ કેવી બેશરમ ચીજ છે? ત્રણ ત્રણ દિ‘ નો ટાઢો રોટલો ને છાશ હોય તોય ભૂખને કશું જ નડતું નથી. એને કૂતરા ઉપર દયા આવી. બીજા બે-ચાર ભજીયા તેને નાખ્‍યા.‘‘

સહસા, ત્‍યાં જ તેની નજર થોડે દૂર અદબવાળી ને ઉભેલા બારતેર વરસના છોકરા પર ગઇ, વરસતા ઝીણાં ઝીણાં વરસાદમાં તે ભીંજાઇ રહ્યો હતો, ટાઢથી ધ્રુજતો પણ હતો. મેલું‘ઘેલું‘ ફાટેલું પહેરણ અને ટૂંકી ચડ્ડી સિવાય તેના ધ્રુજતા અંગો પર કશુંજ નહોતું. તેના ચહેરા ઉપરથી એમ પણ લાગતું હતું કે, તેને ઘણા સમયથી ધરાઇને જમવાનું પણ મળ્યું નથી. સુખદેવે તેને હાથના ઇશારાથી પાસે બોલાવ્‍યો. છોકરો આવ્‍યો. સુખદેવે પૂછ્યું: ‘કેમ ઉભો‘તો?‘ ‘‘કંઇ ખાવું છે, બહુ ભૂખ લાગે છે?‘‘ ‘‘ભજીયા ખાઇશ?‘‘ ‘‘હા‘‘ છોકરાના મોઢામાં પાણી આવી ગયું. સુખદેવે ભજીયાની ડિશ ભરી દીધી. વધેલી ચટણીને ઉપર રેડી. છોકરો ઝડપથી લૂસપૂસ ખાવા લાગ્‍યો. સુખદેવે તેના ખાવાની ઝડપ જોઇને પૂછ્યું : ‘‘કેટલા દિવસથી ભૂખ્યો છે?‘‘ છોકરો ખાતો ખાતો બોલ્‍યો :‘‘પરમ દિવસે સાંજે એક લોજવાળાએ બે રોટલી આપી‘તી અને કાલે એક ચાચાએ બીસ્‍કીટનું પડીકું અપવ્‍યું હતું. પછી કાંઇ ખાધું નથી.

‘‘ક્યાં રહે છે?‘‘

‘ક્યારેક રેલ્‍વે સ્‍ટેશને, ક્યારેક બસસ્‍ટેન્‍ડમાં, આજે ફરતો ફરતો અહીં આવ્‍યો.‘‘

‘‘ક્યાંથી આવે છે?‘‘

‘‘ખબર નથી.‘‘

‘‘તારા મમ્‍મી પપ્‍પા?‘‘

‘‘જાણતો નથી.‘‘

‘‘એકલો જ છો?‘‘

‘‘ના મારી મોટી બહેન પણ હતી.‘

‘‘એ ક્યાં ગઇ?‘‘

‘‘થોડાક દિ‘ પહેલા એક બંગલાવાળા શેઠે કામ કરવા બોલાવી‘તી પછી એણે મારી બેનને ત્‍યાં રાખી લીધી અને મને કાઢી મૂક્યો.‘‘

‘‘તો તારી બહેન?‘‘

‘‘એને નથી આવવા દેતા.‘‘

‘‘રામ… રામ… રામ..‘‘ સુખદેવના મનમાં કંપારી ફરી વળી. સહસા તેણે પૂછ્યું : ‘‘તારી બહેન તને મળે છે?‘‘

‘‘હા. એકવાર બંગલાની વંડી ઠેકીને હું અંદર પડ્યો તો મારી બહેને મને કહી દીધું કે શેઠ સાહેબ ભાળશે તો તને મારશે.‘‘

‘‘શેઠ ક્યાં હતા?‘‘

‘‘બહારગામ ગયા હતા. પણ તમે મારી બહેનને મેળવી દો તો સારું. એ, કાળા ચશ્‍માવાળા માણસની મને બહુ બીક લાગે છે. એ મારી બહેનને કંઇ કરી તો નહીં નાખેને?‘‘

‘‘આપણે કંઇક કરશું… તું ચિંતા નહીં કરતો…‘‘ સુખદેવે વાતનો વીંટો વાળ્યો. છોકરાએ ડિશ પૂરી કરી લીધી હતી. ‘‘હવે વધારે જોઇએ છે?‘‘ સુખદેવે પૂછ્યું. છોકરો હસ્‍યો ‘‘ધરાઇ ગયો.‘‘ સુખદેવે વકરો ગણ્યો. વરસાદના લીધે સારો વકરો થયો હતો. નહિતર તો સામે પીઝાવાળા, બર્ગરવાળા, પાંઉભાજીવાળાએ ગરાગી તોડી છે. નહિંતર તો સુખદેવના હાથનો કસબ વખણાતો. લોકો છેક ક્યાંયથી તેના ભજીયા ખાવા આવતા. વકરો ગણીને તેણે પૈસા ગજવામાં મૂક્યા. છોકરો પાણી પીને ઊભો થયો. ‘‘એક કામ કરીશ?‘‘ ‘‘વાસણ ધોઇ નાંખુ એમ જ ને?‘‘ છોકરો હસીને બોલ્‍યો. પેટની આગ ઠરી ગઇ હતી અને તેના ચહેરા પર તેજ આવ્‍યું હતું. સુખદેવને તેની સામેના માણસના વિચારો કળી જવાની કુશળતા ગમી ગઇ. અને એ કશી સુચના આપે એ પહેલા તો એણે ડિશોનો ખડકલો ઉટકવા પણ માંડ્યો. છોકરાની ઝડપ જોઇને સુખદેવને થયું : ‘‘છોકરો કામનો છે. લારીને તાળું મારીને સુખદેવે સાયકલ સાબદી કરી થેલા આગળ હેંડલમાં ભરાવ્‍યા. છોકરો અદબ વાળીને ઊભો હતો. તેની આંખમાં રહેલી નિર્દોષતા સુખદેવને સ્‍પર્શી ગઇ. તેણે છોકરાને પૂછ્યું : ‘‘કાલ થી આવીશ? તને ફાવે તો ગરાગને ડિશો આપવાની, લેવાની અને ધોવાની. એવું કામ કરવાનું ફાવશે?‘‘ ‘‘ હા ફાવશે. કાલથી જ આવું. બોલો, ક્યારે આવું.?‘‘

‘‘સવારે સાડા આઠ નવે લારી ખોલું છું. તું અહીં સફાઇ કરી રાખજે. બે બાંકડાની અલગ ચાવી છે એ તને આપું છું. એ ગોઠવી રાખજે. અને બીજે દિવસે સુખદેવ આવ્‍યો ત્‍યારે સૂચના મુજબનું બધું કામ પતાવી દીધું હતું. સુખદેવ રાજી થયો. ભગલો અને આ છોકરો.. બન્‍ને સરખી જ ઉંમરના હતા. પણ બન્‍નેમાં લાખ ગાડાનો તફાવત હતો. સુખદેવે ભજીયાનો લોટ ડોઇને એક ઘાણ કાઢયો ગરાગ આવવા લાગ્‍યા. સુખદેવે પૂછ્યું : ‘‘એલા, તારું નામ શું? એ તો હું પૂછવાનું જ ભૂલી ગયો.‘‘

‘‘મારું નામ તો મને ખબર નથી, પણ મારી બહેન લાલો કહીને બોલાવતી હતી.‘‘ સારું તો હું ય લાલો કહીશ.‘‘ અને લાલાએ બધું કામ કુશળતાથી ઉપાડી લીધું. સુખદેવને હળવાશ થઇ. હવે તેનો કસબ જાણે કરીને ખીલવા માંડ્યો એમાં લાલાના પગલાં શુકનિયાળ નીવડ્યા અને શુક‍નિયાળ નીવડી લાલાની જીભની મીઠાશ. ગ્રાહકોને કેમ સંતોષ આપવો એ એની આગવી ટ્રીક હતી. મહિનો વીતી ગયો. સુખદેવે તેને ત્રણસો રૂપિ‍યા આપ્‍યાં. લાલાએ રવિવારની ગુજરીમાંથી બે પાટલૂન અને બે શર્ટ લીધા. હજામત કરાવી. હવે તે કંઇક સ્‍વસ્‍થ અને સ્‍વચ્છ લાગતો હતો. ધીરે ધીરે કરતા ભજીયા બનાવતા પણ શીખી ગયો. હવે તે સુખદેવને કશું કામ કરવા દેતો નહીં. છ આઠ મહિનામાં તો તે એક્સપર્ટ બની ગયો. પોતાની કૂનેહ ખીલી ઉઠી. અને ગરાગી જામી ગઇ. ગરાગ ઘણીવાર તો કહેતા : ‘‘સુખા, આ છોકરો ક્યાંથી ગોતી કાઢ્યો? બાકી, ભજીયા તો એના બાપના હોં! તનેય આંટી મારી ગયો માળો…‘‘ લાલો ત્‍યારે પોરસાતો અને સુખદેવ તેની તરફ એક બાપની નજરે જોઇ રહેતો. પુરતા પોષણ અને આહારને લીધે લાલાનું શરીર વળી ગયું. હવે દાઢી મૂછ આવવા શરૂ થયા. જુવાની આળસ મરડીને ઉભી થઇ. આત્‍મ વિશ્વાસ પણ વધ્‍યો. અને એક દિવસ આત્‍મવિશ્વાસ અને કાંડાના બળે એ મોટું કામ કરી નાંખ્‍યું. એ જાણ્યા પછી તો સુખદેવે એનો વાંસો ઠપકાર્યો. વાતમાં એમ બન્‍યું કે, ચોકમાં જાડેજા કરીને એક જમાદાર લાલાના હાથના ગોટા ખાવા આવ્‍યા. અને લાલાના હાથના વખાણ કરતા થાકતા નહીં. એ દિ‘ લાલાએ કહ્યું : ‘‘જમાદાર સાહેબ, એક શેઠે મારી બહેનને કામવાળી તરીકે રાખી લીધી છે. અને હવે ઇ છોડતો નથી.‘‘ વાત સાંભળીને જાડેજાનો ચહેરો ફરી ગયો. એ સાંજે જ, એ લાલાને લઇને ત્‍યાં જઇ ચડ્યો શેઠ ગલોફામાં પાન ભરાવીને બેઠા હતા. પણ ખાખી વર્દીને જોઇને ઊભા થઇ ગયા.

જાડેજાએ બે-ચાર રમરમતી સંભળાવી. શેઠ ઢીલોઢફ થઇ ગયો. જાડેજાએ લાલાની બહેનને પરત મેળવી આપી પણ તેની બહેનનું રૂપ જોઇ જાડેજાએ અનુભવ્‍યું કે કદાચ એક-બે વરસ અહીં વધુ રહી હોત તો જીવવાને લાયક ન રહી હોત. ‘‘ભાઇ !‘‘ કહી બહેન લાલાના ખભે માથું નાખી રડી પડી. લાલો એને લઇ આાવ્‍યો. ભાઇ-બહેન એક ઓરડી ભાડે રાખીને રહેવા લાગ્‍યા. સમય વીતતો ચાલ્‍યો. સુખદેવનું શરીર હવે સાવ ખખડી ગયું હતું. લાલાને દૂરના મામાની ભાળ મળી અને બહેનને વળાવી. બહેન સુખમાં હતી. એનો પતિ એની ઉપર ઓળઘોળ હતો. બહેનના ચહેરા ઉપર એ સુખની તૃપ્‍િત હતી. ‘‘ભજીયા હાઉસ‘‘ હવે પૂરબહાર ચાલતું હતું.

સુખદેવે ભગલાને પણ શીખવાડવાની કોશિષ કરી પણ ભગલો ટક્યો નહીં. બે-ચાર વર્ષ વીત્‍યા આ દરમિયાન તેની પત્નિ લીલીએ મોટું ગામતરું કરી નાખ્‍યું. ભગલો પણ કોઇની છોકરી ઉપાડી લાવ્‍યો. સુખદેવનું શરીર લેવાઇ ગયું હતું. હવે તે લારીએ આવતો પણ ઘડીક રહીને ચાલ્‍યો જતો. લાલો દુકાન વધાવી રાતના બધો જ વકરો સુખદેવના હાથમાં મૂકી દેતો. સુખદેવની આંખ ભીની બની જતી. એક દિવસ રાતના બારેક વાગ્‍યે લાલો સુખદેવના ઘરમાં દાખલ થયો તો બાપ દીકરા વચ્‍ચે તડાફડી બોલતી હતી. વાતવાતમાં ભગલાએ પાઇપ હાથમાં લીધી. અને જેવી સુખદેવની પીઠ ઉપર ઉગામી એ જ વેળાએ લાલાએ ઘા ઝીલી લીધો. ભગલો પાછો પડી ગયો. લાલાએ એકજ થપાટ ભગલાને ઝીંકી દીધી. : ‘‘નરાધમ, દેવ જેવા બાપની ઉપર આવો જુલમ કરતા શરમ નથી આવતી.?‘‘ ‘‘તો પછી લઇ જા તારા ઘરે, તને બહુ લાગણી હોય તો આ દમલેલને.‘‘ ‘‘લઇ જઇશ. તને પુછવા નહીં રોકાઉં.‘‘ કહી, ભગલાની પાટુના પ્રહારથી પડી ગયેલા સુખદેવને તેડી લીધો. સુખદેવ રડતો રડતો કહેતો હતો: ‘‘આ તો દૂધ પાઇને સાપ ઉછેર્યો છે સાપ, આ દીકરો નથી પણ દીપડો છે.

‘‘ડોસા…‘‘ ભગલાએ એવી પાછી રાડ નાખી. ‘‘બંભધ મર નહીંતર હવે તો તારું આવી જ બન્‍યું છે. કરતો પાછો પાઇપ ઉગામ્‍યો પણ હવે લાલાએ એક જ ફેંટ ભેગા તેને જમીન સરસો પાડી દીધો અને ત્રાડ્યો : ‘‘ખબરદાર જો હવે સહેજ પણ આગળ વધ્‍યો છે તો…‘‘ અને ભગલો ડરીને ઘરની બહાર ભાગી છૂટ્યો. લાલો, સુખદેવને તેના ઘરે લઇ આવ્‍યો. દવા પાણી, સેવા ચાકરી કરવામાં કોઇ મણાં ન રાખી પણ લીલી ગયા પછી માનસિક રીતે ભાંગી પડ્યો હતો. અને ઉપરથી સગા દીકરાએ ઘરમાંથી કરેલી તેની હકાલપટ્ટી. લાલાએ તેના આંસુ લૂછતા કહ્યું, ‘‘હું તમારો જ દીસકરો છું ને? આજે હું જે કંઇ છું તે તમારા લીધે છું. નહિંતર આ દુનિયામાં મારું કોણ હોત?‘‘

ગૂમનામી અને ગુનાખોરીના રવાડે ચડી ગયો હોત અને કોઇ જેલમાં જિંદગી કાપતો હોત. તમે મને આશરો જ નઆપ્‍યો પણ મારી બેનની આબરુંય ઢાંકી છે. કહેતો તે પહેલીવાર રડી પડ્યો. વનિતાએ તેની પીઠ ઉપર હાથ પસવાર્યો… હા, રેલ્‍વે સ્‍ટેશનમાં રહેતી મામાના ઘરે મોટી થતી એક છોકરી વનિતાસાથે એણે લગ્‍ન કરી લીધા હતા. દિવસો વીતવા લાગ્‍યા. સુખદેવની દવા કરાવવા કોઇ દવાખાના બાકી નહોતા રાખ્‍યા. પણ સુખદેવ નુ સારું ન થયું અને એક દિવસ ફાની દુનિયા છોડીને તે ચાલી નીકળ્યો. પાડોશી, જૂના ગરાગો, દૂર-નજીકના સગા બધા ભેગા થયા. બધાએ ભગલાને બોલાવ્‍યો પણ ભગલો ન આવ્‍યો. અંતે લાલાએ નનામીને કાંધ દીધી. અંતે સૌના કહેવાથી સુખદેવને અંગુઠે અગ્નિ પણ તેણે જ ચાંપ્‍યો. ચેહ બળતી રહી. સુખદેવનું ખોળિયું પંચમહાભૂતમાં વિલિન થઇ ગયું. સુખદેવ સાથેના તમામ સંબંધો સ્‍થૂળ રીતે પૂરા થયાહતા. સ્‍મશાનેથી પાછા ફરતા લાલાએ વાંહો વળીને જોયું તો જાણે સુખદેવ તેની સામે ઊભો હતો અને કહેતો હત : ‘‘દીકરા, તારું કલ્‍યાણ હજો.‘‘ હવે લાલો ન રહી શક્યો. હથેળીમાં મોં છૂપાવી રડી પડપડ્યો. મનોમન કહેતો હતો : ‘‘તું આ ભવમાં તો નહીં પણ ગયા ભવમાં તો જરૂર મારો બાપ હોઇશ પણ હવે આવતા ભવેય તારો દીકરો થાઉં.. એવું જ વિધાતા પાસે વચન માંગું છું.

લેખક : યોગેશ પંડ્યા 

વાર્તાઓ, જોક્સ, સમાચાર, રસોઈની રેસિપી તેમજ લેખ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ 

 

 

 

ટીપ્પણી