રોમાન્સની સાઇડ ઇફેકટ – એની આંખોમાં વાસનાનો સાપ સળવળવા લાગ્યો…

રોમાન્સની સાઇડ ઇફેકટ

દેવલ સ્‍કુલના દરવાજામાંથી જેવી બહાર નીકળી કે, ત્‍યાં જ તેણે જોયું, સામેના પાનના ગલ્‍લા પાસે એ છોકરો ઊભો જ હતો. હાથમાં મસાલો ચોળતો. દેવલ એક પળ તેને જોઇ રહી. અને પછી પોતાના ઘરના રસ્‍તે ચાલતી થઇ.
પણ તેનું અનુમાન સાચું પડ્યું. જેવી પોતે રસ્‍તે ચાલતી થઇ ત્‍યાં જ દસ પંદર ફૂટ જેટલું અંતર રાખીને એ છોકરો પણ તેની પાછળ પાછળ ચાલતો થયો.

દેવલે તીરછી નજરે પાછળ ફરીને જોઇ લીધું. છોકરો તેનું પગલે પગલું દબાવતો આવતો હતો. આ રોજનો ક્રમ હતો. છેલ્‍લા એક મહિનાથી એ છોકરો આવી રીતે તેની પાછળ પાછળ આવતો હતો. દેવલ, જેવી સ્‍કુલમાંથી છૂટીને ઘર તરફ જવા રવાના થતી ત્‍યાં જ એ છોકરો દેવલનું પગલે પગલું દબાવતો છેક ઘરના ખૂણા સુધી આવતો અને પછી ક્યાંક ગુમ થઇ જતો.
આજે પણ એમજ પાછળ પાછળ આવી રહ્યો હતો. પણ આજે દેવલ થોડુંક ચાલીને ઊભી રહી ગઇ. છોકરો નજીક આવ્‍યો. દેવલે સ્મિત કર્યું. છોકરાએ પણ વળતું સ્મિત આપ્‍યું. દેવલે તેને પૂછ્યું : ‘‘તમને એક વાત પૂછું ? હું છેલ્‍લા એક મહિનાથી જોઉં છું હું જેવી સ્‍કુલથી છૂટીને ઘરે જવા નીકળું છું તો તમે મારી પાછળ પાછળ આવો છો. ભલે તમે કશું બોલતા નથી પણ તમારું મૌન બોલે છે.‘‘

‘‘અને એ તમે અનુભવી શક્યા છો એટલે આનંદ થાય છે. મિસ દેવલ.‘‘

‘‘ઓહ ! તો તમે મને ઓળખો છો ! મીન્‍સ કે મારા નામની ખબર છે !‘‘

‘‘હા, તમને ઓળખું છું, તમારા પપ્‍પાને ઓળખું છું, તમારા મમ્‍મીને ઓળખું છું, તમારાથી નાની બહેન તોરલને પણ ઓળખું છું. તમારે એક ભાઇ છે જે બહારગામ સર્વિસ કરે છે. જોકે, મે તેમને જોયા નથી પણ તમે અહીં એક વર્ષથી વિદ્યા સહાયક તરીકે નોકરીએ લાગ્‍યા છો ભણવામાં ખૂબ સ્‍માર્ટ હતા અને ભણાવો છો પણ ખૂબ સ્‍વીટ સ્‍વીટ. એ પણ હું જાણું છું.‘‘

‘‘વાઉ..! તમે મારા વિશે શું નથી જાણતા એ પ્રશ્ન થાય છે હવે તો. પણ આ બધા પાછળ તમારો આશય ?‘‘
‘‘કારણ કે હું તમને… ચાહું છું, પ્રેમ કરું છું. માય નેમ ઇઝ નટવર ચાનપુરા. હું બી.કોમ. થયો છું અને અત્‍યારે હું એન્‍જલ એકાઉન્‍ટન્‍સીમાં જુનિયર એકાઉન્‍ટન્‍ટ એન્‍ડ કોમ્‍પ્‍યુટર ઓપરેટર તરીકે જોબ કરું છું.‘‘

‘‘વાહ, ઘણું જ સરસ ચાનપુરા ! પણ મારામાં એવું તે શું ફીલ કર્યું કે તમે મને પ્રેમ કરવા લાગ્‍યા છો ?‘‘

‘‘તમારામાં શું છે, એની કરતા શું નથી એ કહોને ! પહેલી જ સુંદરતા-તમારી આંખો ! તમારી આંખ મને બહુ ગમે છે. કેમકે તેમાં અફીણી નશો છે. તમારા ગાલ ગુલાબના ફૂલની યાદ અપાવે છે. તમારા હોઠ રસીલા છે. તમારી આઇ-બ્રો મેઘધનુષ્‍યના ઢાળ જેવી છે. તમરા વાળની શ્‍યામલતા અષાઢના મેઘ જેવી ગહેરી છે. અને તમારી પીઠ ! શું વાત કરું એની ? કેમ કે, તમે જ્યારે ગુલાબી સાડી બ્‍લાઉઝ પહેરો છો, ત્‍યારે તમે ખુબ દીપી ઉઠો છો. એ વખતે બ્‍લાઉઝમાંથી દેખાતી તમારી શ્વેત પીઠ જોતા લાગે છે કે જાણે માખણનો પીંડો ઓગળી રહ્યો છે અને તમારી પીઠ ઉપર જ્યારે ગુલાબી સૂરજના હૂંફાળા તડકાની પીંછી ફરે છે ત્‍યારે, જેમ હિમાલયના પહાડો ઉપર ખોબેખોબે ગુલાબી રંગ છાંટ્યો હોય એવી ગુલાબી લાગે છે. અને છે પણ કેવી માંસલ ? અને પછી, તમારું આ કુંવારું બદન. તમે આટલા દૂર છો તોય એમાંથી ચંપાની સુગંધ આવે છે અને… તમારી જમણી તરફ કમર લચકાવતી ચાલ…! ખેર, જવા દો… હવે તમારા માટે મારી પાસે શબ્‍દો જ નથી !‘‘
‘‘મારા નસીબ કહેવાય. ચાનપુરા ! તમે તો કોઇ રસિકરાગી કવિની જેમ મારા અંગાંગોના વર્ણન કરવા માંડ્યા. એક સ્‍ત્રી તરીકે હું આનંદ અને ગર્વની લાગણી ફીલ કરું છું.‘‘

‘‘હા દેવલ ! એક સ્‍ત્રી તરીકે હવે કદાચ બાથરૂમના કાચમાં તમે તમારી કાયાના પ્રત્‍યેક વળાંકોને જાણી શકશો પણ સ્‍ત્રી પોતાના ફીગરની લાક્ષણિકતા ફક્ત જાણી જ શકે, પણ પ્રમાણી ન શકે. પુરૂષ તો એ કાયાને માણી પણ શકે.‘‘

‘‘ઓહ ! તમે તો બહુ ગજબની ફિલસૂફી વાપરી શકો છો.‘‘

‘‘કારણ કે, હું પુરૂષ છું અને તમને પ્રેમ કરું છું ચાલો, આજે તો આપણે બંને સાથે જ નીકળીએ…‘‘

‘‘હા.. હા… ચાલો, ચાલો.‘‘
દેવલે નટવર સાથે ચાલવા માંડ્યું. છૂટા પડતી વખતે નટુએ પૂછ્યું :

‘‘દેવલ, આવતીકાલે આપણે ક્યાંક મળીએ, નિરાંતે ?‘‘

‘‘ક્યાં મળશું ? કહો… ‘‘

‘‘કોઇ હોટેલ, બગીચો કે પછી ટોકિઝ અપ્‍સરામાં ?‘‘

‘‘બગીચામાં બેસીશું. ઓ.કે.?‘‘

‘‘ઓ.કે. થેન્‍ક યુ. ઓ.કે.?‘‘
બીજે દિવસે એ પાનના ગલ્‍લે દરરોજ કરતા વહેલો આવી ગયો. સાંજે સ્‍કૂલ છૂટી કે દેવલ બહાર નીકળી. એ આગળ આવ્‍યો. દેવલ હસી. નટુને ગમ્‍યું. બંને જણ બગીચામાં બેઠા. બંનેએ નાસ્‍તો કર્યો. પછી ઠંડુ પીધું, આઇસક્રીમ ખાધો. દેવલ હસી : ‘‘તમારો હાથ બહુ છૂટ્ટો છે.‘‘

‘‘હાસ્‍તો ! આ બધું આખરે તારું જ છે ને તું નથી તો કાંઇ નથી. તું છે તો બધું છે. મારો પ્રેમ, આંખોનું રતન, મારી મમત અને મારું અસ્તિત્‍વ જ તુ છે. મારા શરીરની અિરી તું છે અને મારૂ સ્‍વપ્‍ન તું છે. તો એ સ્‍વપ્‍નને સવારવાનો મારો હકક બને છે કે નહીં ! ‘‘

‘‘ હા, નટવર‘‘

‘‘ તો પછી તારા પરનો પણ મારો અધિકાર અબાધિત ખરો ને ? ‘‘

‘‘ હા જ સ્‍તો વળી. ‘‘

‘‘ તો પછી એ શરીર વાસ્‍તે થોડો રોમાન્‍સ પણ થઇ જાય રાની. ‘‘
નટુની આંખોમાં સાપોલીયા રમવા લાગ્‍યાઃ દેવલ આંખોની ભાષાને વાંચીને બોલીઃ

‘‘ એ બધુ આપણા લગ્‍ન પછી.‘‘

‘‘ તો પછી શું વાર છે ? ‘‘

‘‘ હું ઘરે પૂછી જોઉ ‘‘

‘‘ જલદી હો ! હવે વધારે નહીં રહી શકું ! ચડતા શિયાળાની કડકડતી શર્દીલી એકલી રાતે મારી સાથે બીજું પણ કોઇ હોય એવું આ મારૂ શરીર ઝંખે છે, હું નહીં ‘‘

‘‘ એ શરીરની ઝંખના પણ પૂરી કરી દઇશ પણ મોકો આવે એટલી રાહ જોઉ છું. મારે ઘરે મમ્‍મી પપ્‍પાને અને ભાઇને પૂછવું પડે. પણ એ દિવસ દૂર નથી. ‘‘

એમ કહેતા એણે કાંડા ઘડિયાળમાં જોતા કહ્યુઃ

‘‘ ખૂબ મોડું થઇ ગયું, હવે જવુ પડશે. નહીંતર ઘરે બધા ચિંતા કરશે. ‘‘
નટુનું મન તો નહોતુ છતા કમને ઉભો થતા બોલ્‍યોઃ ‘‘ બે દિવસ નહીં મળું. હવે સોમવારે જ મળીશ ‘‘
‘‘ અચ્‍છા, તું કયાંય બહાર જવાનો છે ? ‘‘

‘‘ હા, રાજકોટ મારા માસીની દીકરીના લગ્‍ન છે. પણ તારે મારો વિરહ વધુ નહીં વેઠવો પડે. સોમવારે આવી જઇશ. અહીં જ, આ ટાઇમે મળશું. ‘‘

‘‘ ચોકકસ, ‘‘
કહી બન્‍ને છૂટા પડ્યા સોમવારે આવ્‍યો ત્‍યારે એક રેડ કલરની મોંઘી સાડી દેવલને આપતા ઉમળકાથી કહેઃ

‘‘ આ એક ભેટ, મારી જેવા નાચીઝ તરફથી…‘‘

‘‘ અરે, પણ આટલો બધો ખર્ચો ? ‘‘

‘‘ ખર્ચો નહીં, પ્રેમ છે પ્રેમ ! તું મને ખૂબ જ વહાલી છે અને એ પ્રેમનું આ નજરાણું છે ! આ સાડી પહેરીને તું મારી સામે આવશે ત્‍યારે હું કેટલો રાજી થઇશ ખબર છે ? કારણ કે, લાલ કલર મને ખૂબ ગમે છે અને આ કલર તારા વાન સાથે પરફેકટ મેચ થશે અને આ સાડીના પ્રત્‍યેક તારે તારને મે ચૂમ્‍યા છે ! અને જયારે તું આ સાડી પહેરીશ ત્‍યારે મારા હોઠનો સ્‍પર્શ તારા અંગે અંગને થશે. અને ત્‍યારે મને કેટલો આનંદ થશે તેનો તને ખ્‍યાલ છે ? ‘‘
દેવલે !!થેન્‍કસ!! કહી, સાડી લઇ લીધી. નટુને ખૂબ ગમ્‍યું એ બોલ્‍યોઃ

‘‘ તારા બર્થ ડે પર પહેરજે. ‘‘દેવલ હસી એ જરા આવેશમાં આવી ગયો,

‘‘ દેવલ, આપણે રાજશ્રીમાં પિકચર જોવા જઇશુ ? ધૂમ-૩ બહુ મસ્‍ત પિકચર છે. તારામાં હું કેટરીના કૈફને અનુભવી શકું છુ. તું માન કે ન માન પણ આઇ લવ યુ વેરી મચ‘‘
એ ક્ષણેક અટકયો પછી બોલ્‍યોઃ

‘‘ કાલે તારે મકરસંક્રાંતિની રજા છે. ઘરે બહાનુ બનાવી દેજે. બારથી ત્રણમાં જઇએ ‘‘

‘‘ અરે પણ…‘‘

‘‘ નો કવેશ્ચન નો આર્ગ્‍યુમેન્‍ટ ઇટ ઇઝ ફાઇનલ. કાલે હું બે ટિકિટ લઇ રાખું છું. ‘‘

‘‘ ઓ.કે. બાબા… યુ આર ટુ નોટી. ‘‘

હસી પડતા દેવલ ઘરે આવી બીજા દિવસે તે ગઇ. નટુ ખુશ થઇ ગયો એ પડખેની ખુરશીમાં બેઠો હતો. જેમ જેમ પિકચર શરૂ થતું ગયું તેમ તેમ તે પણ શરૂ થતો ગયો.
દેવલે એક બે વાર તેને કહ્યુઃ

‘‘ નટુ, આ સારું નથી થતું. તું અત્‍યારથી…‘‘

‘‘ પગલી! ‘‘ નટુ દેવલને ખભે હાથ મૂકતા બોલ્‍યોઃ ‘‘ આ બધા પ્રેમના પાઠ છે અને પ્રેમના પાઠ અત્‍યારથી હું તને નહીં શિખવાડું તો તો બીજું કોણ શીખવાડશે ? આખરે એક દિવસ તો તારે આ બધું શીખવુ જ પડશે ને ? ‘‘
‘‘ હા,‘‘
દેવલ શરમાઇ ગઇ.

‘‘ તો બસ… ડુ ચમન…‘
કહેતા તે નજીક આવ્‍યો અને દેવલની પીઠ પર સખ્‍તાઇથઇ હાથ પ્રસારતા બોલ્‍યોઃ

‘‘ હવે તુ મારી છે એટલે શાંતિથી પ્રેમ પદારથના ઘૂંટ પીતી રહે. અને એ ઘૂંટ ધીમેથી સીપ કરીશ તો અંતરાશ નહીં જાય ‘‘
અને પછી મનમા જ બોલ્‍યોઃ

‘‘ જો અંતરાશ જશે તો પછી તને પણમારે પેલી સોનલ, અલ્‍પા, શીતલ અને મીરાની જેમ જ …. ‘‘
પણ ઇન્‍ટરવલ પડતા જ દેવલ ઉભી થઇ ગઇઃ

‘‘ ચલ, નટુ મને ઘરે જવા દે ‘‘

‘‘ અરે હજી તો પૂરા દોઢ કલાક કરતાય વધારે બેસવાનું છે. પછી તો આ રીતે પાછા કયારે મળશું ? એના કરતા રોમાન્‍સની મજા માણી લે…‘‘

‘‘ નટુ, હું કલાકનું કહી જ આવી હતી અને અહીં આવ્‍યા ત્‍યારે ચોખવટ પણ કરી હતી છતા હું બેઠી‘‘

‘‘ ઓ.કે. બાબાપણ … હવે તુ ઘરે બધાને જલદી સમજાવ એટલે હું ઘોડે ચડીને આવુ. અને તને લઇ જાઉ‘‘
દેવલે ‘‘ હવે તને બે ત્રણ દિવસમાં જ ઘરે બોલાવું છુ ‘‘ કહી દેવલ નીકળી ગઇ. નટુ તેને પોતાની પત્‍ની સમજીને તેની છેડછાડની, અડપલાની કોશિક કરતો રહ્યો પબણ દેવલે બહુ દાદ ન આપી. ત્રીજે દિવસે તે સ્‍કૂલેથી નીકળી ત્‍યાં જ નટુ આવ્‍યો. દેવલે ઉત્‍કંઠાથી કહ્યુઃ
‘‘ સારૂ કર્યુ તુ મળી ગયો. મે મમ્‍મી પપ્‍પાને વાત કરી હતી. મમ્‍મી પપ્‍પાએ લીલીઝંડી આપી દીધી પણ રાત્રે મારો ભાઇ આવ્‍યો છે. પણે એણે કહ્યુ કે છોકરાને જોવો પડે. ઘર, નોકરી બધુ તપાસવું પડે. અને એ માટે તને જોવા માગે છે. તું આજે રાત્રે આવીશ ? ‘‘

‘‘ અરે, આવી જ જાઉને ડાર્લિંગ. પણ જરા હીરો જેવો બનીને આવીશ. તુ જોજે, મારા સાળા સાહેબ મારી એન્‍ટ્રીથી ઇમ્‍પ્રેસ થઇ જશે‘‘

‘‘ હા બાબા હા પણ આવી જજે. મોડું નહીં કરતો.

રાત્રે જયાં નટુ ઘરે આવ્‍યો કે દેવલ તેને રૂમમાં દોરી લાવતા બોલીઃ ‘‘ મોટાભાઇ એ આવી ગયા ‘‘
રૂમમાં નટુને પ્રવેશતા જોઇ ને રણજીત ઉભો થઇ આવકારી રહ્યોઃ

‘‘ આવો આવો, આપની જ રાહ જોવાતી હતી‘‘

‘‘હા…‘‘ નટુએ સ્મિત કર્યુ અને હાથ જોડ્યા.
રણજીતે કહ્યુઃ

‘‘ બેસો, બેસો.‘‘
નટુ સોફા પર બેઠો.

રણજીત તેની સામે જોઇ રહ્યો. નટુએ જીન્‍સનું પેન્‍ટ પહેર્યુ હતુ. ઉપર લાલ લાઇનીંગવાળો શર્ટ પહેર્યો હતો. રણજીતે ઉભા રહીને જ પૂછ્યું,
‘‘ તો, તમે મારી બહેનને પ્રેમ કરો છો ? ‘‘

‘‘ હા, અને જીંદગી સુધી કરતો રહીશ. એ મારી પહેલી અને આખરી ચાહત છે.‘‘
નટુએ ગર્વથી કહ્યુ.

‘‘ મને ખૂબ આનંદ થયો. આપના જેવો સમજદાર, લાગણીશીલ યુવાન મારી બહેનને પ્રેમ કરે છે એ તો અમારા નસીબ જ કહેવાય ‘‘

‘‘ અરે, એ શું બોલ્‍યા ? દેવલને મે જયારે પહેલીવાર જોઇ ત્‍યારે જ મને નકકી થઇ ગયુ કે મારા માટે તે યોગ્‍ય છે, ફિટ છે, પરફેકટ છે ‘‘

‘‘ અને મને જોઇને ? ‘‘
રણજીતે પૂછ્યુ.

‘‘ એનું તો હું શું કહું ? ‘‘

નટુ હસી પડતા બોલ્‍યોઃ
આપ તો ફિટ છો જ..‘‘

‘‘ એમ નહીં, હું પરફેકટ છુ ? ‘‘

‘‘ મરા મતે તો છો જ. છતા પણ પસંદ અપની અપની. આપની ચોઇસ શું કહે છે ? ‘‘

‘‘ મારી ચોઇસ આ છે નટુભાઇ, મને એવું લાગે છે કે આ આપણા બન્‍ને માટે રાઇટ ચોઇસ છે…‘
એમ કહીને તેણે ટેબલના ખાનામાંથી હંટર કાઢ્યું
‘‘ કેમ લાગે છે ? ‘‘

‘‘ જમાવટ છે. આપે બોડી બનાવવા ખૂબ જહેમત ઉઠાવી છે‘‘

‘‘ તો પછી થોડીક બીજી જમાવટ કરવા જહેમત ઉઠાવુ ? ‘‘
કહેતા એક જ હંટર નટુના બરડામાં ફટકાર્યુ. નટુનો બરડો ચમચમી ગયો. નટુ ચોંકી ઉઠ્યુઃ

‘‘તમે… તમે આ શું કરો છો ? ‘‘

‘‘ તમને લાલ રંગ ખૂબ પસંદ છે ને ! હું એ રંગની રંગોળી પૂરવા કેટલાય દિવસથી ઇચ્‍છતો હતો ‘‘
કહી રણજીતે દાંત ભીંસ્‍યા અને બીજુ હંટર ફટકાર્યુ. નટુ બેવડો વળી ગયો. બીજા ઘાની કળવળે એ પહેલા તો અઢી કિલોના હાથનો એક ઘુસ્‍તો પેટમાં વાગ્‍યો.

‘‘ ઓ મા… ઓ બાપા…. ‘‘
નટુ ચિત્‍કારી ઉઠ્યો અને ભાગ્‍યો. પણ ત્‍યાં જ રણજીતે એનો કાંઠલો પકડી લીધોઃ

‘‘ ભાગે છે કયાં ? હવે તો સીધો દોર કરી નાખું છું‘‘
કહેતા ઢીંકા પાટુનો વરસાદ વરસાવી દીધો. નટુ રડવા લાગ્‍યો.

‘‘ બોલ, હવે શું ઇચ્‍છા છે ? દેવલને બોલાવું ? ‘‘

‘‘ ના, ભાઇ સાબ ના. ‘‘

‘‘ હવે કેમ લાગે છે ? ‘‘
મારી નાખ્‍યો ભાઇ સાબ‘‘

‘‘કોઇ ઇચ્‍છા છે ? પ્રેમ-રસનો એક ઘૂંટ થઇ જાય ? ‘‘

‘‘ ના બાપા ના…. હવે દેવલને તો નહીં, કોઇને પણ પ્રેમ નહીં કરું …‘‘

‘‘ મને આજે પૂરેપૂરું પ્રેમ-જ્ઞાન થઇ ગયું ‘‘

‘‘ તો પછી જ્ઞાનનો છેલ્‍લો પિરીયડ લઇ લઉ ? ‘‘
કહેતા રણજીતે હંટર ઉગામ્‍યું કે

‘‘ ભાઇસાબ… બાપા…‘‘

કહેતા‘કને જીન્‍સમાંથી નીકળી ગયેલ ‘ઇન‘ સરખું કરતો ફાટી ગયેલા શર્ટના ગાજમાં આડા અવળા બટન ફિટ કરતો, પેન્‍ટ ચડાવતો, ચંપલ પહેર્યા વગર જ નટુ ભાગી છૂટ્યો !!

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ આવી અનેક નવીન વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર. વાર્તા વિશેના અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો.

ટીપ્પણી