પ્રેઝન્‍ટઃ લાગણીની અનોખી અભિવ્‍યકિત

પ્રેઝન્‍ટ

તમે કયારેય કોઇને પ્રેઝન્‍ટ આપી છે ? જો ન આપીહોય તો બસ એકવાર આપી જુઓ. અને પછી જુઓ એ પ્રેઝન્‍ટની કમાલ કે સામેના પાત્રમાં તમારા તરફની જે લાગણી, સ્‍નેહ, પ્રેમ છે એમાં કેટલો બધો ઉછાળો આવે છે. હા, વાત ખરી છે. ‘ પ્રેઝન્‍ટ‘ દિલનીએક ઉર્મિ છે. લાગણીની અનોખી અભિવ્‍યકિત છે. એ અભિવ્‍યકિત સામેના પાત્રને સ્‍પર્શ્‍યા વગર રહી શકતીનથી.

તમે તમારા ભાઇને ભેટ આપો, ભાભીને ભેટ આપો, મમ્‍મીને ભેટ આપો, પપ્‍પાને ભેટ આપો. તમારી ફ્રેન્‍ડ કે પછી તમારા ફિઆન્‍સે કે પછી તમારા પતિદેવને ભેટ આપી શકો છો. પણ ભેટ આપતી વખતે એક નિઃસ્‍વાર્થ અને નિખાલસ ગણતરી કરી લેજો કે એ વ્‍યકિત જેને તમારા તરફથી જે ભેટ મળે છે એ પછીની તમારા તરફથી લાગણીમાં ઓચિંતો અનુરાગ વધી જતો હોય છે. જો કે લાગણી તો હોય જ છે. પણ એમાં વ્‍હાલની માત્રા વધી જતી હોય છે. તો પ્રેઝન્‍ટ, એક ભેટ તમારા સબંધોમાં તાજપ લાવે છે. કુમાશ લાવે છે. ઘણીવાર સાવ સુકકાઇ ગયેલા સબંધો વચ્‍ચે લાગણીના જળનો નૂતન છંટકાવ કરી એ સબંધો ફરી એકવાર તાજા-માજા બનાવી દે છે.

પરંતુ ભેટ કઇ રીતે, કોને અને કેમ આપવી ? એ પણ એક કલા છે. જે ભેટ તેના જીવનમાં કંઇક અનોખી મધુરતા લાવે, નૂતન પરિણામ બક્ષે તેને ઉપયોગી પણ થઇ શકે અને એ ભેટ તેના જીવનના ગૌરવને બક્ષે એવી ભેટ આપવી એ યોગ્‍ય છે. જેને કપડાનો શોખ જ નહોય તેને ગમે તેવા નવા નવી ફેશન નવી ડીઝાઇનના વસ્‍ત્રોનીભેટ આપો તો તેને કોઇ અસર કરી શકશે નહિ. પરંતુ તેને મનગમતી વસ્‍તુની એક સુંદર મજાની પ્રેઝન્‍ટ ખરીદીને આપશો તો તેનું દિલ બાગ-બાગ થઇ જશે.

કેટલીક વ્‍યકિતઓને અનુરૂપ પ્રેઝન્‍ટની યોગ્‍યતા જોઇએ તો તમારા સંતાનો અભ્‍યાસ કરતા હોય જેઓને અભ્‍યાસ સિવાયની કોઇ ઇતર પ્રવૃતિઓ કે કલામાં રસ પણ હોય છે. તમારૂ સંતાનને ચિત્રકળા, સંગીત, સાહિત્‍ય, રમતગમત જેવી અનેકવિધ પ્રવૃતિઓમાં રસ હોય છે. તો ચિત્રકળામાં રસ ધરાવતુ હોય તો સુંદર મજાનું કલરબોક્ષ, પીંછી, સ્‍કેચપેનનો સેટ ખરીદી આપશો તો તે ખૂબ રાજી થશે. સાથો સાથ તેને પ્રોત્‍સાહન પણ મળશે. આગળ જતા તે ઉતમ ચિત્રકાર બની શકવાની પ્રેરણા ય પામશે. તેને સંગીતકલામાં રસ હોય તો નાનકડું માઉથપીસ, ઓરગન, પિયાનો, વાંસળી, હારમોનિયમ કે પછી મ્‍યુઝિકલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ લાવી આપો. એ પ્રેઝન્‍ટ નથી પણ તેનામાં રહેલી કલાના ગૌરવનો આવિષ્‍કાર છે. સંગીતની સારે ગમ પ તેનામાં રહેલા અચ્‍છા સંગીતકાર, ગાયક, ગાયિકા બનવાના શમણાને સજીવન કરે છે. એમાં કોઇ શંકા નથી જ. અત્‍યારે તો ટી.વી. પડદે કેટલા બધા બાળકોની અંદર રહેલી સંગીત ક્ષમતાને બહાર લાવવાના સ્‍ટેજ (પ્‍લેટફોર્મ) આપે છે, તમે તેના બચપણમાં લાવી દીધેલી એક માત્ર ચીજ (પ્રેઝન્‍ટ) તેની સફળતાના દ્વાર ખોલી આપે છે. એ તો જયારે એ કદાચ મોટા ગજાના ગાયક-સંગીતકાર કે ગાયિકા બને છે ત્‍યારે જ સમજાય છે.

ઘણા બાળકોને વાર્તા વાંચનનો શોખ હોય છે. જીવરામ જોષી કે બકોર પટેલની વાર્તાઓ વાંચીને તો આપણી ત્રણ ત્રણ પેઢીઓ મોટી થઇ છે. તો જુના કે નવા લેખકોની વાર્તાઓની રંગીન છપાઇમાં છપાયેલી ચોપડીઓ આપશો તો એ રાજીના રેડ થઇ જશે. એક વિચારકે કહ્યુ છે કે બાળકોને કશુ જ ન આપો તો ચાલશે પણ રોજે રોજ એને એક ‘વાર્તા‘ આપો. વાર્તા જીંદગીમાં જીવતા સમજતા, વહેતા શીખડાવે છે. ઘણાં બાળકો વાર્તા રસના પિયૂષ પાઇને બાળવાર્તાઓ, જોડકણા, કવિતા પણ લખતા હોય છે. તો આવી પ્રેઝન્‍ટ તેનામાં રહેલી સર્જકતત્‍વની ઉર્મિઓને નૂતન આકાર આપે છે. તો રમતગમતમાં રસ લેતો બાળક આવતીકાલનો વિશ્વનાથ આનંદ, સચીન કે પી.ટી. ઉષા, અંજુ જયોર્જ પણ બની શકે છે. તેને ગમતી કોઇપણ રમત ગમત માટે તેને સ્‍પોર્ટસ ના સાધનો લઇ આપો. એનાથી એનું માનસિક બળ વધશે સાથે શારિરિક રીતે પણ મજબૂત બનશે.

તમારા માતાપિતા અવસ્‍થાને ઉંબરે આવીને ઉભા છે. તેનોનું મન હવે અધ્‍યાત્‍મની ડાળે જંપતુ હશે. તો તેમને માટે તમે ધાર્મિક પુસ્‍તકોની પ્રેઝન્‍ટ પણ આપી શકો છો. સ્‍તુતિ-સ્‍તવન માળા પણ આપી શકશો. તમે તેને રૂદ્રાક્ષ, તુલસીપારાની માળા, પવિત્રિ, કોઇ દેવ દેવીઓના ચિત્રો, ફોટા પણ આપી શકશો. અત્‍યારે તો સી.ડી.નો જમાનો છે. ભલે તેઓ શારીરિક દુર્બળતાને હિસાબે યાત્રા કરવા ન જઇ શકતા હોય તો પણ તમે તેમને ચારધામની જાત્રા, અમરનાથ યાત્રા, વૈષ્‍ણોદેવી યાત્રા વિ. ની સુંદર મજાની વિડીયો સી.ડી. એક પ્રેઝન્‍ટ તરીકે આપી શકશો. ટેલિવિઝન ઉપર એ યાત્રાની સી.ડી. જોતા જોતા તેમણે આપેલા તમોને શુભઆશિર્વાદ અને દુઆ-જાતરા કરાવ્‍યા બરાબરની જ હશે.

ભાઇના લગ્‍ન થયા હોય તો નવા નવા ભાભી આવ્‍યા હોય. સ્‍ત્રીઓને સાડીનો ખૂબ શોખ હોય છે. તેમના લગ્‍નને એક મહિનો પુરો થયો તો નણંદ તરફથી સુંદર સાડીનું પેકેટ પ્રેઝન્‍ટમાં આપશો અને એમનું મન પણ ચોરી શકશો. તેમનું હદય ખૂબ રાજી થશે. અથવા તો સ્‍પ્રેની એક બોટલ પણ ઉપહારમાં આપી શકશો.

તમારા કદાચ મેરેજ થયા હોય અને ભાભી બનીને સાસરીયે જાવ છો ત્‍યારે તમારા દિયર, નણંદ માટે સુંદર મજાની પ્રેઝન્‍ટ લઇ જઇ શકશો. વ્‍હાલસોયા દિયર માટે ગળાની ચેન, પેન્‍ડલ, વીંટી, ટીશર્ટ કે જીન્‍સ કોટનનો શર્ટ આપશો તો એની નજરમાં તમારૂ મન પર્વત જેટલુ નહિં, બલ્‍કે આકાશ જેટલુ ઉંચુ થઇ જશે. તો નાની નણંદ માટે કાચ-મેટલની કંગન, જવેલરી, ઇમીટેશન, ડ્રેસ કે પછી નાનકડી બહુ નજીવી કિંમતની સોનાની અંગુઠી પણ લઇ જઇ શકશો.

ઘણીવાર તમારા ફ્રેન્‍ડને પ્રવાસનો શોખ હોય છે. સ્‍વજનોમાં પણ હોય છે. તો તે માટે પ્રવાસ વિશેષાંક આપી શકશો. એનાથી આગળ વધીને જુદા જુદા પ્રદેશોમાંથી તેમણે ન જોયેલા હોય તે પ્રદેશના રાજય ટુરિઝમ કે સ્‍ટોલમાંથી એના ‘સ્‍થળ વિશેષ ફોટોગ્રાફ‘ ની બુક આવે છે એ પણ આપી શકશો. એનાથી આગળ વધીને એને પ્રવાસ દરમયાન અત્‍યંત જરૂરી એવો એક કેમેરો પ્રેઝન્‍ટમાં આપશો તો એ જીંદગીભરનું સંભારણુ બની રહેશે એમાં શંકા નથી.

ભાઇ-બહેન, કાકા-મામા ના કોઇના લગ્‍ન હોય તો તેને ઉત્‍કૃષ્‍ટ લેખકોના લગ્‍ન સંસારના સુંદર પુસ્‍તકો આપો. એ પણ એક નૂતન પ્રેઝન્‍ટ છે. છેલ્‍લે તમારા પ્રિયપાત્ર માટે શું પ્રેઝન્‍ટ લેવી ? એની કોઇ ટીપ્‍સ નથી, એતો પસંદ અપની અપની…

લેખક : યોગેશ પંડ્યા

આધુનિક નવલિકાઓ વાંચવા આજે જ લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી