પ્રેમ એટલે? – સાચા પ્રેમની પરખ મુસીબતમાં જ થાય…

પ્રેમ એટલે ?

અને આખરે એક ધન્‍ય ક્ષણે રૂપની રાજવણ રાજલે લાઇબ્રેરીમાં પ્રવેશ કર્યો અને રણજીત એન્‍ડ કંપનીની આતુરતાનો અંત આવ્‍યો. આઠ દોસ્‍તારોની બનેલી રણજીત આણિ મંડળીના એક સૌદર્ય પ્રીતિ ધરાવતા સભ્‍ય બબલુએ પડખે બેઠેલા ચંદ્રેશને કહી દીધું :

‘લો આ ગયા જલવા.‘

ચંદ્રેશે સૌ સાંભળે એમ કહ્યું : ‘ગુલાબનો ગોટો છે કે મઘમઘતો આખો બગીચો લાઇબ્રેરીમાં ઘુસી આવ્‍યો છે ?‘
સરમળો મન બોલ્‍યો કે : ‘ગુલાબ નથી, જલવા નથી બગીચો નથી પણ આ તો આપણી નજર સામે જ ઓગળતો માખણનો પીંડો છે પીંડો !‘

ત્‍યારે તનુષે રણજીતને કહી દીધું : ‘તેરે સપનો કી રાની અબ આ ગઇ. હવે બસ તું અને એ. અમે છુટ્ટા. પણ કાળજુ કઠણ કરીને કોઇ નક્કર રીઝલ્‍ટ લાવજે યાર… વીશ યુ બેસ્‍ટ લક. અમે તારા ‘ગુડ લક‘ ની બહાર રાહ જોઇએ છીએ….‘
રણજીતે ગળુ ફુલાવ્‍યું. ડોક ટ્ટાર કરી. છાતી ફૂલાવી. એટલે સૌ કોઇને થઇ ગયું : ‘આજ ઘોડી સામે પાર…‘ અને નક્કી કરેલા એજન્‍ડા પ્રમાણે સૌ કોઇ મિત્રો તેને વીશ કરીને બહાર નીકળી ગયા. સૌ કોઇ નીકળી ગયા પછી રણજીતે પેન્‍ટનું ખીસ્‍સું તપાસ્‍યું. મનીયા માળીને ત્‍યાંથી આજે સવારમાં જ તૈયાર કરાવેલું પ્રપોઝ કરવા માટેનું ‘ગુલાબ‘ રેડ્ડી જ હતું પણ પોતે રેડ્ડી થઇ શકતો ન હતો. કાળજુ તો એનું સવાશેર નું હતું. કેમ કે ગમે તેવી મારામારી અને હાથાપાઇમાં રણજીત એન્‍ડ કંપની કોલેજમાં ‘શેર‘ ગણાતી પણ આ સાલ્‍લુ ‘આઇ લવ યુ‘ કહેવામાં જ એ સિંહનું કાળજું શિયાળનું બની જતું. છતાં પણ આજે દોસ્‍તોએ પાનો ચડાવ્‍યો હતો. રણજીત ઊભો થયો. રાજલ કોર્નરના ટેબલે બેઠી હતી. રણજીતે જોયું તે એકલી જ હતી. કામ સિધ્‍ધ થઇ જાય તેમ હતું. તેણે ધીમે પગલે તેની તરફ પ્રયાણ આદર્યું. અને રાજલ પાસે જઇને ઊભો રહ્યો.
‘હાય રાજલ – ‘ ‘ઓહ.. હાય ! કેમ છો ?‘ રાજલે સ્મિત કર્યું ‘હાઉ આર યુ?‘
‘યસ. આઇ એમ ફાઇન. બટ યુ ?‘
‘આઇ એમ ટુ ફાઇન… કહો, શું કશુંક કામ હતું ?‘
‘હા.. હા.. હું તમને, હું તમને… મીન્‍સ કે તમને મળવા ઘણાં દિવસથી… માગતો હતો.‘ રણજીત ઢીલો પડતો ગયો.
‘તો બોલોને ? કેમ અટવાયા ? બોલો – બોલો.‘
‘ઓહ..‘ રણજીતને થયું ખરેખર અટવાઇ ગયો. : હવે શું બોલવું ?
કાળજું પાણીમાં બેસી ગયું. જીભના લોચા વળવા માંડ્યા. શું કહેવું ? આખરે તેણે બાફી જ દીધું :
‘મારે સ્‍ટેટેસ્‍ટીકનું મટીરીયલ્‍સ જોઇતું હતું. કોઇએ કહ્યું : આપની પાસે છે. તો છે ?‘
‘છે ને ! તમારે જોઇએ છે ?‘
‘હા… મારે જોઇએ છે.‘
‘ઓ.કે. રાજલે હસીને કહ્યું : ‘કાલે લેતી આવીશ. ઓ.કે. ?‘

‘યા… યા.‘ કરતો રણજીત પાછો પડ્યો. અને ક્યારનોય ગુલાબ લેવા માટે ખિસ્‍સામાં ગયેલી આંગળીઓને ફૂલ નહીં પણ કાંટા વાગ્‍યા. લાઇબ્રેરીની પાછળની બારીએથી એક સાથે ચૌદ આંખોને એટ ધ મોમેન્‍ટ ઝટકો લાગ્‍યો કે ભાઇએ લોચો માર્યો છે ! તેના ચહેરા ઉપરનો પરસેવો જ કહી આપતો હતો કે રણજીત, ગુલાબ અને તેનું બેડલક એક સાથે જ બહાર નીકળી રહ્યા છે !! બહાર આવીને રણજીતે બધાની હાજરીમાં પરસેવો લૂછતાં કહ્યું : ‘સાલ્‍લુ, એના રૂપમાં પગ પાણી પાણી થઇ જાય છે !
બટક બોલો બબલુ બોલ્‍યો : ‘યાર અત્‍યારથી તારા પગ પાણી પાણી થઇ જાય છે તો સુહાગરાતે તારું શું થશે ?‘
‘કાલે મળવાનું કહ્યું છે.‘ અંતે રણજીતે કહ્યું.
‘પણ તેં બાફ્યું શું ?‘
જવાબમાં રણજીતે આખી કથા સંભળાવી. બીજે દિવસે જરા સજ્જ ધજ્જ થઇને રણજીત લાઇબ્રેરીમાં બેઠો. આજે તો આખી મંડળીએ તેને બરાબર ટ્રીટ કર્યો હતો. અને તાકીદ પણ આપી હતી
‘અલ્‍યા જો જે હો ? પાણીમાં બેસીને આપણી મંડળીનું નામ નહીં બોળાવતો….‘

‘આજે તો હું છું ને એ છે.‘ આખરે રણજીતે કોલરના છેડા ઉપર હાથ ફેરવતા કહ્યું. બરાબર સાડા નવે ફ્રી પિરિયડમાં રાજલ લાઇબ્રેરીમાં આવી ! અને તેના નક્કી કરેલા ટેબલ ઉપર બેસી ગઇ. દોસ્‍તારો રાજલને મુગ્‍ધ નજરે તાકી રહ્યા હતા ત્‍યાં જ, રાજલે તે બધા ઉપર સ્મિત કરીને રણજીતને સ્‍ટેટેસ્ટિકના મટિરિયલ્‍સની બુક બતાવતા કહ્યું : ‘મટિરિયલ્‍સ..‘ અને રણજીત સ્મિત કરતો કરતો ઊભો થયો. રાજલે તેને કહ્યું : ‘તમારે માટે લાવી છું…‘ રણજીતને લાગ્‍યું કે લાઇફમાં પહેલી વાર તેને કોઇક ‘લાઇક‘ કરી રહ્યું છે. ‘થેન્‍ક યુ. વેરીમચ… ‘ રણજીતે હાથ લંબાવ્‍યો. રાજલે તેની ક્ષણેકવાર રણજીતના હાથમાં મૂકીને પાછી ખેંચી લીધી. અને. બોલી : ‘ઓ.કે. ધીસ ઇઝ માય પ્‍લેઝર. એન્‍ડ આઇ હેવ પ્રાઉડ ઓફ યુ. વીશ યુ બેસ્‍ટ લક.‘
‘પ્‍લીઝ… લીસન મી.‘ રણજીત થડક થડક થયો : ‘આઇ વોન્‍ટ કે હું તમને…‘
‘વ્‍હોટ ? રાજલની ભ્રમરો ખેંચાઇ ચહેરો થોડો તંગ થયો. : ‘વ્‍હોટ આર યુ સે ટુ મિ ?‘ મીન્‍સ કે,
‘આઇ વોન્‍ટ… આપણે કેન્ટિનમાં જઇએ અને કશુંક પીએ. ઇફ યુ ડોન્‍ટ માઇન્‍ઙ…‘
‘યા. ઓ. કે. ઓ.કે…. થેન્‍ક યુ.‘ રાજલ ઊભી થઇ : ‘ખરેખર તમે મારા મનની વાત કરી.‘ જવાબમાં રણજીત ગદગદીત થઇ ગયો. રાજલ આગળ બોલી : ‘આમ પણ હોસ્‍ટલમાં સવારમાં નાસ્‍તાનું કશું ઠેકાણું જ નહોતું.‘
‘ઓહ નો… તો તમે ભૂખ્‍યા આવ્‍યા છો !‘
‘હા. આખરે રાજલે દિલ ખોલ્‍યું : ‘ધીસ ઇઝ હોસ્‍ટેલ લાઇફ.‘

રણજીતના કાળજે ચીતરાઇ આવ્‍યું કે તો પછી મારા ઘરે જ આવતા રહો.ને ? ઘર વિશાળ છે. દિલ વિશાળ છે. તમને સમાવવા માટે જગ્‍યા જ જગ્યા છે.‘ પણ તે બોલી ન શક્યો. રાજલની પાછળ પાછળ ચાલતો થયો. મિત્રોએ અંગુઠો બતાવીને ‘ડન‘ કર્યું. રણજીતને લાગ્‍યું કે પ્રેમનું પહેલું પગથિયું પોતે ચડ્યો છે. નાસ્‍તો કરી કોફી પીને રાજલે બીલ પે કરવા પર્સમાં હાથ નાખ્‍યો કે રણજીતે સમુળગું પર્સ જ આંચકી લીધું. અને કહ્યું :
‘શું કામ અમને શરમાવો છો ? બીલ તમારે નહીં મારે ચૂકવવાનું છે. અને આજે જ નહીં, હવે પછી ક્યારેય નહીં.‘
રાજલ હસી પડી. અને બોલી : ‘ઠીક છે. તમે ચુકવજો પણ મારું પર્સ તો પાછું આપો.‘
‘નથી આપવું‘ રણજીતે વોલેટમાંથી પૈસા ચૂકવીને ખીસ્‍સામાં મૂકતાં એક હાથે રાજલનું પર્સ પકડી રાખતાં હિંમત કરી : ‘દીધું એ લેવું નથી અને લીધું એ દેવું નથી. રાજલ. ચાહે પછી એ કોઇ પણ ચીજ હોય…‘ કહેતો એ કેન્ટિનની બહાર તરફ ચાલતો થયો. ‘અરે વાહ. તમો પણ ખરા છો ! આવું તે કશું હોઇ શકે ? રાજલ પણ તેની પાછળ પાછળ આવી. ‘દોસ્‍તી અને પ્રેમ માં એવું જ હોય અને રાજલ હું તો તમને –‘ રણજીત તેને પર્સ આપતા તેની આંખોમાં તાકી રહ્યો. કે રાજલની આંખો બદલાઇ જાણે. ચહેરો તંગ થયો. એણે કહ્યું :
‘તમે મને ? તમે મને શું ?‘
‘મીન્‍સ કે હું તો તમને દોસ્‍તથી પણ વધારે માનું છું.‘ રણજીતે બોલી નાંખ્‍યું.
‘હા દોસ્‍તી બરાબર છે. બાકી મને લફંગાઓના બહુ ખરાબ અનુભવ છે. એકવાર દોસ્‍તીનો હાથ બઢાવે પછી કહે કે ‘હું તો તને પ્‍યાર કરૂં છું.‘ પણ એવી પ્‍યારવાલી દોસ્‍તીની મને સખત એલર્જી છે. રણજીત, માઠું ન લગાડશો પણ એવા કેટલાય લુખ્‍ખાઓને મેં સીધાદોર કરી નાખ્‍યા છે!‘

રણજીતને લાગ્‍યું કે પેટની અંદર ગયેલી દાબેલીથી પોતે દબાઇ ગયો છે કે શું ? એ કશું બોલ્‍યા વગર રાજલથી છુટ્ટો પડ્યો. ટોળી બહાર ઊભી જ હતી. ‘ડન ?‘ દોસ્‍તારોએ પૂછ્યું જવાબમાં રણજીતે કહ્યું,
‘વછેરી સાલ્‍લી ખતરનાક છે. બટકું ભરી લે તો મૂકતા આવડતું નથી.‘ છતા આજે દોસ્‍તારોએ તેની પીઠ થપથપાવતા કહ્યું કે : ‘છતાં તેં પ્રયત્‍ન સારો કર્યો. ‘આગે આગે ગોરખ જાગે‘!
કોલેજમાં બીજે જ અઠવાડિયે ટેલેન્‍ટ મોર્નિંગનો કાર્યક્રમ નક્કી થયો.: રાસગરબાં, લોકગીત, ડ્યુએટ ફીલ્‍મી સોંગ્‍સ, માઇન્‍સ, એકપાત્રીય અભિનય, નાટક, ક્વીઝ… દોસ્‍તોની મંડળીએ જ્યાં જ્યાં જોડીનું પરફોર્મન્‍સ બતાવવાનું હતું ત્‍યાં ત્‍યાં રાજલ સાથે સંતલસ કરીને રણજીત-રાજલનું નામ લખાવી દીધું. પણ ફિલ્‍મ ‘સિલસિલા‘ના ‘યે કહાં આ ગયે હમ… ઇસી રાહ ચલતે ચલતે‘ ગીતમાં રણજીત ગીત જ આખું ભૂલી ગયો. શેણી-જિણંદના નાટકમાં આખા સંવાદનો જ કચરો કરી નાખ્‍યો. ક્વિઝમાં તો બધા જ જવાબ રાજલે જ આપ્‍યા. રાસગરબામાં શ્રુતિ અને શેખરની જોડી બેસ્‍ટ દજોડી તરીકે એવોર્ડ લઇ ગઇ. રણજીતે કપાળ પર હાથ પછાડ્યો. રાજલ પણ રણજીતના નબળા પરફોર્મન્‍સથી નિરાશ થઇ ગઇ. તે દિવસે સાંજે ‘ટેલેન્‍ટ મોર્નિંગ‘ ના એવોર્ડસ અપાતા હતા તેમાં આ બાબતનો પણ ઉલ્‍લેખ થયો. મંડળીની સામે રાજલે પણ રણજીતના નબળા પ્રતિસાદની નિરાશાજનક પ્રતિક્રિયા આપી.
આખરે રણજીતે મિત્રો સમક્ષ હૈયાવરાળ ઠાલવી કે હું તેની હાજરી માત્રથી નર્વસ થઇ જાઉં છું. તેના પરફોમન્‍સથી મને મારા ઉપરનો આત્‍મવિશ્વાસ ઉડી જાય છે. દોસ્‍તો એ પૂછ્યું : ‘તો તારો આત્‍મ વિશ્વાસ આવશે ક્યારે ?‘ જવાબમાં રણજીતે કહ્યું : ‘જ્યારે હું તેને આઇ લવ યુ કહી શકીશ ત્‍યારે…‘ અને દોસ્‍તો એ પણ કપાળ કૂટ્યા. : ‘ઉફફ રણજીત.‘

દરમિયાન ચોમાસું આવ્‍યું અને ધોધમાર વરસાદ પડ્યો. સતત વરસતા વરસાદને કારણે આસપાસનો વગડો લીલોછમ બની ગયો. શહેરથી થોડે દૂર ડુંગરોની ગોદમાં માળનાથ મહાદેવનું મંદિર હતું. સુંદર નામના મિત્રએ કહ્યું કે ‘તું ભગવાન માળનાથ બાબાના આશિર્વાદ લઇ લે એટલે કામ તારૂં ખતમ.‘ અને પછી સુંદરે પ્‍લાન સમજાવ્‍યો કે તું અને રાજલ એક બાઇકમાં આવો. અહીંથી હું અને સોનાલી આવીએ. ત્‍યાં સાંજ સુધી રોકાશું. બરાબર મંદિરે દર્શન કરીને બહાર નીકળે એટલે તારે વાત વાતમાં રાજલને પૂછવાનું કે બાબા પાસે શું માંગ્‍યું ? એ પણ તને પૂછશે. એટલે તારે બાબા ઉપર વિશ્વાસ રાખીને કહી દેવાનું કે મેં આખે આખી તને માંગી લીધી.
રણજીત કહે : ‘વાહ ! આઇડીયા સરસ છે. આ કેસમાં હું હિમત કરીશ.‘ ત્રીજે દિવસે જ શ્રાવણીયો સોમવાર થતો હતો. રણજીતે માળનાથ બાબાના મંદિરની વાત કરી અને રાજલને આવવા માટે મનાવી લીધી. અને એ ચારેય ઉપડ્યા. માળનાથ શહેરથી ૨૩ કિમી. દૂર હતું. અને ડુંગરની ગોદમાળામકાં હતું. એક તો રસ્‍તો કાચો હતો અને શ્રાવણનું આભ ઝળુંબી રહ્યું હતું. એ લોકો માળનાથ પહોંચવા આવ્‍યા ત્‍યાં જ સોનાલીનો ફોન રણક્યો. તેના ગ્રાન્‍ડપ્‍પાની તબિયત અચાનક સીરિયસ થઇ ગઇ એટલે પાછું ફરવું પડ્યું. સુંદરે કહ્યું : ‘એને મેઇન રોડ સુધી મૂકીને હું પાછો આવું છું.‘ ‘ઓ.કે.‘ રણજીતે કહ્યું. પણ રણજીત રાજલ દર્શન કરીને બહાર નીકળે ત્‍યાં જ વરસાદ તૂટી પડ્યો અનરાધાર ! કંઇ કેટલાય દર્શનાર્થીઓ આવ્‍યા હતા એ અટવાઇ પડ્યા. એક બાજુ ફૂંકાતો પવન, વીજળીના ચમકારા, વાદળના ગડગડાટ અને ધોધમાર વરસાદ ! બે અઢી કલાક મંદિરના પરિસરમાંજ રોકાઇ જવું પડ્યું. અંતે અંધારૂં અવનિ ઉપર ફરી વળ્યું ત્‍યારે નીકળી શકાયું.
‘સોરી રાજલ… મારે લીધે થઇને તારે રેક્ટરનો ઠપકો સાંભળવો પડશે.‘ બાઇક ચલાવતા રણજીતે કહ્યું. જવાબમાં રાજલ બોલી : ‘ડોન્‍ટ માઇન્‍ઙ જ્યાં સુધી રેક્ટરનો ફોન ન આવે ત્‍યાં સુધી ચિંતા નથી. પણ ચિંતા પેટની છે યાર. ભૂખ ખૂબ લાગી છે. કાંઇક ખાવું પડશે હો…‘ ઓકકે…‘ રણજીતે બાઇકને રોડ પર ચડાવતાં જ કહ્યું : ‘જો સામે જ લારી ઊભી છે. ગરમા ગરમ રગડા પૂરી ચાલશે ?‘ ‘હા યાર અત્‍યારે તો ત્રણ દિવસનો ટાઢો રોટલો પણ ચાલી જશે.‘
રણજીતે હસીને બાઇક ઊભું રાખ્‍યું. રાજલ નીચે ઉતરી. રણજીતે બે ડીસનો ઓર્ડર આપ્‍યો. રાજલ ‘પલળીગઇ‘ કહેતી‘કને કપડાં કોરાં કરી રહી કે ત્‍યાં જ એકસાથે ચાર બાઇક આવીને ઊભા. એની ઉપરથી ચાર લફંગા જેવા યુવાનો ઊતર્યા. એમાનો એક રણજીતને ઉદેશીને બોલ્‍યો : ‘અલ્‍યા, તેં બહુ મહેનત કરાવી અમને ! ગાડી ધીમી ચલાવતો હોય તો…‘ ત્‍યાં બીજો બોલ્‍યો : ‘મોંધા મૂલનો આખો બગીચો સાથે લઇને નીકળ્યો હોય તો બગીચાને સલામત પહોંચાડવો તો ખરો જને?‘
ત્‍યાં ત્રીજો બોલ્‍યો : ‘બાકી ફૂલ ચૂંટવા જેવું છે હો યાર..‘
ચોથાએ ટાપશી પૂરાવી : ‘તો ચૂંટી લઇએ. આ એક કાંટો આપણને શું કરી લેવાનો છે? એને તો ચપટીમાં મસળી નાંખીશું.‘
‘એય…‘ રણજીતે પડકાર કર્યો : ‘તમે… તમે… (ગાળ) મને સમજો છો શું ? બંગડીઓ નથી પહેરી મેં…‘ ત્‍યાં જ એક જણે રણજીતને કાંઠલો પકડ્યો : ‘ચૂપચાપ બેસ. નહીંતર પતાવી દેશું.‘ જવાબમાં રણજીતે કાંઠલો છોડાવી નાખ્‍યો અને ત્રાડ્યો : ‘ચૂપચાપ બોલ્‍યા વગર ચાલ્‍યા જાવ નહીંતર… ?‘
‘નહિંતર શું હેં ? સગલીને તું અત્‍યારે લઇને નીકળ્યો છે તો અમે એને એમનેમ ચાખ્‍યા વગર જવા દઇશું હેં ? અરે, આ ફૂલને તો આજ સૂંઘ્યા વગર જવા દેવાય ?‘ પેલો રાજલના ભીના બદનને તરસી નજરે તાકી રહ્યો.
‘એ..ય…‘ અંતે રણજીત ત્રાડ્યો.
‘અલ્‍યા..‘ એક જણે આવીને રણજીતને ફેંટ મારી અને બોલ્‍યો : ‘એ તારી કાંઇ સગલી થાય છે કે આમ ગલૂડીયા જેમ ટેં ટેં કરે છે ?‘
‘હા.. એ મારી સગલી થાય છે. લુખ્‍ખાવ ! એ.. મારી-‘ પણ અધૂરા રહેલા વાક્યને પૂરું કરતી રાજલ તીખા સ્‍વરે બોલી : ‘હા એની હું ભાવિ પ‍ત્‍ની છું. એની વાગ્‍દાતા છું. અને એ મારા મંગેતર છે. બોલો શું છે તમારે ? અને મારો ચાળો જો તમે કર્યો ને, તો તમારી હડ્ડી પસલી હાથમાં નહીં આવે સમજ્યાં ?‘
‘આહાહા..‘ કરતો એક જણો ખી ખી કરતો આવ્‍યો અને રાજલનો હાથ પકડી લેતા બોલ્‍યો : ‘અરે આ કાંડુ છે કે મખમલ ? બાકી, રેશમી જવાની અને જોબનનો ઉભાર… થાય છે કે આ સૌની પહેલો હું જ તને ચાખી લઉં.‘ પણ એના બીજા શબ્‍દો આગળ વધે એ પહેલા જ સ્‍તો રણજીતના એક જ બળૂકા પ્રહારે એને ઉડાડી દીધો. અને પછી તો રણજીત ઘડીક પહેલાનો અનરાધાર વરસાદ બનીને તૂટી જ પડ્યો. ચારેય મૂઠીઓ વાળીને નાઠા.
 ચહેરા ઉપર, ઉઝરડાથી ફૂટી ચુકેલા લોહીના ટશિયાને ભીની ઓઢણી વડે સાફ કરતી રાજલ રણજીતને પુછતી હતી. :‘તને વધારે વાગ્‍યું તો નથી ને ?‘ ‘ના… પણ, તને ખબર છે કે તેં પેલા લોકોને શું કહી દીધું ?‘ ‘હા…‘ રાજલ તેના ચહેરા ઉપર પ્રેમથી હાથ ફેરવતા બોલી : ‘જે શબ્‍દો એને તું કહી ન શક્યો એ મેં પૂરા કર્યા. મૂળ તો તારે પણ એ જ સાંભળવું હતું ને ? કેટલાય દિવસથી તું મને ‘આઇ લવ યુ‘ કહેવા જતાં ડરી જતો હતો, એ ડર મારે તારામાંથી કાઢી નાંખવો હતો. અને મને ખુશી છે કે તું મારું રક્ષણ કરી શકે છે. માટે રણજીત, ‘આઇ લવ યુ‘ બોલતી રાજલ રણજીતને વળગી ગઇ. એના મખમલી શરીરને સ્‍પર્શીને રણજીતને ફીલ થયું કે ‘આઇ લવ યુ‘ આવી રીતે જ કહેવાય !!!

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ આવી અનેક પ્રેમકહાની અને નવીન વિષયની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી