પિયા કા ઘર – દરેક સ્ત્રી પતિ તરફથી શું ઈચ્છે છે એનું સ્પષ્ટ દર્શન કરાવતી વાર્તા…

પિયા કા ઘર

કોઇ નવી નવેલી ભાભીની આંખોમાં છલકતા પ્‍યાર જેવો શિયાળો જામ્‍યો હતો. અને કોઇ રૂપાંગનાની કાળી ભમ્‍મર આંખોમાં કાજલ આંજ્યુ હોય એવો કાજલઘેરો ગાઢ અંધકાર અવનિ ઉપર પથરાઇ ચૂક્યો હતો. આખો દિવસ પોતાની સજનીનું મોઢું જોયા વગરનો જ પસાર થયો હોય અને સાંજ પડ્યે એ સાજણ સજનીનું હેત પીવા તરસ્‍યો થાય એવો તરસ્‍યો સમય થઇ ચૂક્યો હતો. આકાશમાં ચંદ્રમા ઉંચકાયો જ હતો બરાબર એવા ટાણે બાદલપર જેવા ગામના રણમલ મુખીની દીકરી અને દોમદોમ સાહ્યબીમાં ઉછરેલી રેવાને ઘરઘીને જ્યારે મગન શ્‍યામગઢના પાદરમાં આવ્‍યો ત્‍યારે રેવાના કમખા બંધ છલકતું જોબન અને પોષી પુનમના ચાંદા જેવું ઉજળું રૂપ જોઇને ગામની સ્‍ત્રીઓ મોઢામાં આંગળા નાખી ગઇ. કે આ તો કાગડો દહીંથરૂ ઉપાડી લાવ્‍યો.
તો સાથોસાથ સગાવહાલા પણ વિચારમાં પડી ગયા કે આવી પદમણી જેવી સ્‍ત્રી સાથે ‘પહેલા પતિ‘ ને શું વાંધો પડ્યો હશે કે ફારગતિ (છુટાછેડા) થઇ ગઇ! અને એ વિચારતો મગનને પણ આવેલો જ્યારે છેડાછેડી છોડવા માતાજીના મઢે પહોંચ્‍યા હતા. ત્‍યારે માતાજીના સ્‍થાનકે ઝળહળતા દીવાની સાંખે રેવાનો દોઢ હાથનો ઘૂંઘટો ઉઘડ્યો અને રેવાનો રૂપથી છલકતો ઝળહળતો ચહેરો દેખાયો. મગનને એ જ પળે પહેલી ધણિયાણી યાદ આવી ગઇ: ‘ક્યાં મંછા અને ક્યાં આ રૂપરૂપના અંબાર સમી રેવતી! લાખ ગાડાનો ફરે છે.‘

છેડાછેડી છોડાઇ ગઇ. અને મગનની નાની બહેન ઘરે લઇ આવી પણ રેવાએ ઘૂંઘટની આડમાંથી જોયું તો ફક્ત એક ઓરડાવાળું ઘર હતું. આગળ ફળિયાની થોડી જગ્‍યામાં વાળેલું એકઢાળિયું. ડાબા હાથે ફરજો, ગાંડા બાવળિયા અને થોરના ભૂંભલામાંથી બનાવેલી વાડ, અને ખડકીના બદલે એવી ગાંડા બાવળના સોટામાંથી બનાવેલી ખડકી! રેવા જોઇ રહી. પોતે ક્યાં આવી ગઇ? એવો એક વિચાર તેના માનસપટ ઉપર ફીણફીણ બની પથરાઇ વળ્યો.
ક્યાં પોતાના બાપુની દોમદોમ સાહ્યબી અને ક્યાં આ ગરીબાઇ? ક્યાં એ હવેલી જેવડું મકાન અને ક્યાં આ બાવાની મઢી જેવું ઘર! પણ એણે હસીને સ્‍વીકારી લીધું.

રાત પડી. એક તો શિયાળાનો દિવસ ! માગસર પુરો રંગમાં હતો. હજી તો સાંજ અહીંથી હમણા થોડી ક્ષણો પહેલા નીકળીને દૂર ઊભા ડુંગરાની નજીક પહોંચી જ હતી કે ત્‍યાં અંધારાની બાથમાં બંધાઇને પાદરમાં ઉતરી ગયેલી ટાઢે માથું કાઢ્યું. સમસમ કરતી વહેતી રાત શેરીઓમાં ફરી વળી. ઘડીકમાં તો સોપો પડી ગયો.

મગન અને રેવાના સહજીવનની આજે પહેલી રાત હતી! પણ પોતાની વૃધ્‍ધ અને દમિયલ મા એ એકનો એક ઓરડો રોકી લીધો હતો. અને પોતાને અને પોતાની નવી નવી આશાભરી શમણા વંતી વહુને આજે ઢાળિયાની આડશમાં સુવાનું હતું. વાંસની પટ્ટીઓ બાંધીને ગુણપાટ અને સિમેન્‍ટની થેલીઓથી બનાવેલા બુંગણ એ વાંસપટ્ટીઓની આડે બાંધી દીધા હતા. અંદર મચ્‍છરનો તો કોઇ પાર નહોતો. ઢોરની બગાયુ, માંકડ, ચાંચડ આખી રાત બન્‍નેને ફોલી ઠોલી ખાવાના હતા.

મગનને થયુ: બહુ ખોટું થયું રેવાના દિલમાં અત્‍યારે શું વીતતી હશે? એના નિહાકા મને જરૂર લાગવાના! ક્યાં આ કાચની પૂતળી જેવી રેશમી કાયા અને ક્યાં આ સહજીવનની પહેલી પથારી? જીંદગીના પથ પર પહેલે જ પગલે કાંટા અને કાંકરા?
પણ રેવાને હવે મનમાં એ માંહ્યલું કશું નહોતું. એને તો બસ, સાસરિયાનો નેહ ખપતો હતો. એમ તો એ ખાનદાન ઘરની દીકરી હતી. આવા બધા દુ:ખને એ ગાંઠે બાંધે એમ નહોતી. ગામના ગરીબની દશા એણે જોઇ હતી. પોતાની ખેતર વાડીએ કામ કરવા, દાડિયે આવતી કમુભાભીના ઘરે એ ઘણીવાર જતી. અને કમુભાભીના સંસારને એ જોતી. નકરી ગરીબાઇ હતી. એમાં ચાર છોકરાનો વસ્‍તાર! પણ કમુભાભીનો ઘરવાળો વાલજી, કમુને હથેળીમાં રાખતો! વાલજીને વ્‍હાલે કમુનો સંસાર ઉજળો હતો. નહિંતર કમુય ક્યારેક રેવાને કહેતી: ‘‘રેવા બુ‘ન, અત્‍યારે તમે જેમ રહો છો એમ જ મારા પિયર હું મોટી થઇ છું. મારા બાપુ ગામના સરપંચ. આઠ બળદની ખેડ્ય છે અમારે. ત્રણસો વીઘાની લીલીછમ વાડી અને દોઢસો વીઘાનું ખેતર! પંદરથી પચ્‍ચીસ દાડિયાઓનું તો અમારું રોજનું રસોડું! હા, અરજણ મુખીની વાડીએ જે દાડિયે આવતું એને હાર્યોહાર્ય ભાત લઇને નહીં આવવાનું. રોટલા તો અરજણ મુખી આપતા!

રેવા, કમુભાભીની વાતું ધ્‍યાનથી સાંભળતી. ક્યારેક એનેય એવો વિચાર આવી જતો કે કદાચ પોતાના જીવતરમાં આવું બની શકે. બાપુના ઘરે દોમદોમ સાહ્યબી ભોગવી છે. સાસરવાટમાં સાહ્યબીતો ઠેકાણે રહી ગઇ, દાડિયે પણ જાવું પડે. એટલે મનોમનએ માનસિક રીતે તૈયાર થઇ ગયેલી. એમાં એના લગ્‍ન ભીમા સાથે થયાં. અલબત, મેડીબંધ ખાધેપીધે સુખી ઘર હતું. રૂપિ‍યાની રેલમછેલ હતી. પણ ભીમો?
એકેય એવી એબ બાકી નહોતી જેમાં ભીમો શામિલ ન હોય. દારૂનું પીઠું ભીમાના રૂપિયાથી છલકતું રહેતું જેટલો દારૂ એ પીઠામાં નહોતો છલકતો. જુગારના અડ્ડામાં ભીમાની હાજરીથી રંગત આવી જતી. ગામના આવવરૂ મંદિરે કોઇ બાવો આવ્‍યો હોય, ભીમો ત્‍યાં પહોંચતો અને ગાંજો ચરસ પી પીને પોતે પણ અઘોરી બની જતો. ઘરે રૂપરૂપની અંબાર જેવી પત્‍ની રેવા રાતોની રાતો પોચી પોચી પથારી ઉપર તરસ્‍યા કરતી. પણ રેવા એ ભીમાને મન ‘કશું‘ જ નહોતી. રેવાને એણે કદિ પ્રેમથી બોલાવી તો નહોતી, પરંતુ એની સામે પ્‍યારથી મીટ માંડીને જોયું પણ નહોતું. પતિના પ્રેમના વલવલાટમાં રેવા મુરઝાતી જતી ચાલી.

ધીરે ધીરે રેવા અને ભીમા વચ્‍ચે બોલાચાલી થવા લાગી. બોલાચાલીએ અંતે જીભાજોડીનું રૂપ લીધું. રેવા ક્યારેક વાડીએ કે આશપડોશમાં કોઇ પુરૂષ સાથે બોલતી ચાલતી તો ભીમો એને મારતો. રેવા પ્રતિકાર કરતી તો ઝૂડી નાખતો… અંતે રેવાથી ન રહેવાયું. એ પિયર ચાલી આવી. આવીને એના બાપુને વાત કરી. મુખીનો આત્‍મા કકળી ઉઠ્યો અને છુટ્ટુ કરી દીધું!!

એક ઢાળિયા ઉપર ઢાળેલા સાંધામાંચી જેવા ખાટલામાં બેઠી બેઠી રેવા ફિલ્‍મની પટ્ટી જેમ સડસડાટ વહી જતી જીવતરની ફિલ્‍મને નિહાળી રહી હતી. ત્‍યાંજ કોઇનો પગરવ સંભળાયો. જોયું તો મગન!
ગુલાબી અચકનનો બુશર્ટ, હંસની પાંખ જેવી ચોરણી, શરીર ઉપર નવરંગી રેશમી શાલ, કાનમાં અતરના પૂમડા, પિતરાઇ ભાભીની બાંધણીનો સાફો, બેય હાથની આંગળીઓમાં નકલી સોનાની વીંટીઓ. મગન સોહામણો અને નમણો લાગતો હતો… આવીને એ રેવા પાસે ઊભો રહી ગયો. રેવા મંદ મંદ મલકી રહી. મગન નજદીક આવ્‍યો અને પછી રેવાની સામે બેઠો. ભરત ભરેલા ફૂલવાળા ગુલાબી ઓછાડમાં એક-બે સળ પડી. રેવાની હૈયાની સિતાર રણઝણી ઉઠી. મગને રેવાનું મુખારવિંદ પોતાની બન્‍ને હથેળીઓમાં ઝાલ્‍યુ અને… સાંજ પડ્યેબીડાઇ જતા કમળફૂલ જેવી રેવાની અર્ધ નિમિલિત પાંપણો બીડાઇ ગઇ….

રાત્રિનો ત્રીજો પ્રહર તો ક્યારનોય ચાલુ થઇ ગયો હતો. એની ઉપર દોઢ ઘટિકા વીતી ગઇ હતી. અત્‍યાર સુધી ‘કહુ‘ ‘કહુ‘ થતી વાત મગન હજી કહી શક્યો નહોતો. પણ રેવા સમજી ગઇ હતી કે મગન કૈંક કહેવા માગે છે. એ મગન ઉપર ઝૂકી અને એક હાથે મગનના ઝૂલ્‍ફાને સંવારતી ટહુકી: ‘‘એક વાત પૂછું?‘‘
‘‘એક નહીં ગાંડી, સો વાત પૂછને.‘‘

‘‘તમે મને ક્યારનાય કશુંક કહેવા માગો છો, પણ બોલતા નથી.‘‘

મગન કાંઇ બોલ્‍યો નહીં પણ મનમાં થઇ ગયું કે આ સ્‍ત્રીમાં કંઇ કહેવાપણું નથી. મનની વાત બહુ આસાનીથી કળી જાય છે.

‘‘બોલોને… કેમ મૌન થઇ ગયા?‘‘

‘‘હું નહીં બોલી શકું…‘‘ મગને નિરાશાથી માથું ધુણાવ્‍યુ: ‘‘ના.‘‘ ‘‘કેમ હવે શું છે? હવે તો આપણે જીવતરના મારગ ઉપર હારોહાર ચાલવાના છીએ, એકબીજાનો સહારો બનીને! એકબીજાના સુખ દુ:ખ વહેંચીને જીવવાનું છે. તો પછી આ પડદા શેના?‘‘

‘‘રેવા…‘‘ પાણીમાં અગ્નિ પ્રગટાવે તેવો ઊંડો નિ:શ્વાસ નાખસને મગન બોલ્‍યો: ‘‘મને પારાવાર પસ્‍તાવો થાય છે કે તારી ફૂલગુલાબી જેવી જીંદગીને મેં કાળો રંગ લગાડ્યો. તું મારા માટે નહીં, પણ કોઇ બીજા જણ માટે હતી. ક્યાં તારી ઝરૂખાબંધ હવેલી અને ક્યાં આ ગરીબનું એક ઢાળિયું?! હું તને બીજું તો કંઇ આપી ન શક્યો પણ એક સોહાગણને નિરાંતે સુવા માટે એક બંધ ઓરડો પણ ન આપી શક્યો! હું જાણું છું કે તારા હૈયા ઉપર શું વિતતી હશે,!‘‘

‘‘અરે મારા ભોળા ભરથાર…‘‘ રેવા નિખાલસતા ભર્યું હસી પડી: ‘‘અત્‍યાર સુધીની મારી જીંદગીના તમામ પાના મેં તમારી આગળ ખુલ્‍લા કરી દીધા. એમાં મારા પહેલા પતિ સાથે મને કેમ ન ફાવ્‍યુ એ પણ કહી દીધું. મારે એવા ઓરડાના કોઇ અબળખા નથી. આ વાંસપટ્ટીનું બનેલું આ એકઢાળિયું ય મારા માટેતો સ્‍વર્ગથીય અદકું છે. અરે, એક મારા સાયબાના હૈયે, એક મારા નામનું ઘર બંધાયું છે પછી મારે એવા રંગમહેલના શું અબળખા, બોલો તો…!‘‘

લેખક : યોગેશ પંડ્યા

અદ્ભુત વાર્તા, તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો, દરરોજ અવનવી વાર્તાઓવાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block