આઠ આઠ વર્ષે તમારો દિકરો અને વહુ પોતાના બાળકો સાથે પરત આવતા હોય તો તમે શું કરો..

પારકાં નહીં, પોતાનાં

‘દિનુકાકા, ટપાલ…‘ કહેતો‘ક ને નંદલાલ દરવાજે એક પરબિડિયું નાખીને ચાલ્‍યો ગયો. નંદુ પોસ્‍ટમેને દરવાજે ફેંકેલ પરબિડિયા પરના અક્ષરો જોતા જ દિનકરરાયને રોમે રોમમાંથી ધ્રુજારી પ્રગટી રહી, અક્ષરો ઓળખાઇ ગયા અને એટલે જ ચહેરા પરના ભાવ બદલાઇ ગયા, આટલા વર્ષે સુધાકરનો કાગળ ?

ચહેરા પર ગુસ્‍સાની આછી ઝાંય ફરી વળી. તેમના ચહેરાના ભાવો પકડી લેતાં સગુણાબહેનને થયું કોની ટપાલ હશે ? શું સુરેશકુમારની ટપાલ તો નથી આવીને ? ક્યાંક વળી પાછા દીકરાના સંસારમાં હોળી જાગી કે શું ? અંતરમાં ઉદભવતા પ્રશ્નને તેમણે વાચા આપી : ‘કોની ટપાલ છે ? સુરેખાની ?‘

‘ના, તારા પુતરની…‘ દિનકરરાય સ્‍હેજ ગુસ્‍સામાં બકી ગયા.

‘સુધાકરની ટપાલ છે ?‘ માં ના હૈયામાં આનંદનો ધોધ ઉછળ્યો. એ ઊભા થઇ જતા બોલ્‍યાં : ‘આટલા વરસે !‘

‘હા, સુધાકરની બા ! આટલા વરસે એને મા-બાપ યાદ આવ્‍યાં.
અને પછી સગુણા સામે પોતાની ધારદાર નજર માંડીને બોલ્‍યા : ‘આટલા વરસ સુધી એ ક્યાં ગયો હતો ? મા-બાપ નહોતાં ? મરી ગયાં હતા ?‘

‘એવું ન બોલો..‘ સગુણાબહેન કરગરી ઉઠયા.

‘તો શું હરખમાં આવીને ઠેકડા મારવા માંડું ? ઝુંઝા ઢોલીને કહી આવું કે તું માંડ્ય ઢોલ ટીપવા, અમારો પાટલી કુંવર

આવે છે, છૈયા છોકરાવને લઇને પદેશ ગયેલો બેરિસ્‍ટર પધારે છે, હું એમ કહું?‘

‘અશ્‍શે! હાલ્‍યા કરે, સંસાર છે, છોરૂં કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. દીકરા ભૂલ કરે તો મા-બાપે ભૂલને સુધારવાની હોય.‘

‘બાપ-દાદાની આબરૂનું છડેચોક લિલામ કરી નાંખ્‍યું તોય આપણે થાબડભાણા જ કરવાનાં, આ પાળિયાદગઢની બજારમાં હું નીકળું છું ને ત્‍યારે ચોકમાં બેઠેલા પંચાતિયા મારી સામું આંગળી ચીંધીને હીહી હાહા કરે છે, ખિખવાટા કરે છે, ઇ મને હાડોહાડ લાગી જાય છે. મેં એને આવો નહોતો ધાર્યો…‘

‘જે થવાનું હતું એ તો થઇ ગયું. હવે શું કામ એને યાદ કરીને જીવ બાળો છો? તમારી તબિયત ઉપર અસર થાશે. નકામું..‘ સગુણાબહેન નજીક આવ્‍યા અને દિનકરરાયના કંપતા શરીરને ટેકો દઇને ઓસરીમાં લાવતા બોલ્‍યાં : ‘એણે ત્રણ-ત્રણ વાર ટપાલ લખીને કહેરાવ્‍યું હતું કે મેં એવું કંઇ કામ નથી કર્યું કે તમને લાંછન લાગે. છોકરી ઊંચા કુળની સંસ્‍કારી મા-બાપની અને ભણેલ ગણેલ છે અને રૂઢિચુસ્‍ત બ્રાહ્મણ પરિવારની દીકરી જ છે. તમે જોશો તો મારી પીઠ ઠપકારીને શાબાશી આપશો અને મારી બા તો દક્ષાને એક પળ પણ રેઢી નહીં મૂકે એટલી લાગણીશીલ અને માયાળુ છે,

અમે લોકો આવતી ત્રેવીસ તારીખે તમારા આશિર્વાદ લેવા આવીએ છીએ, દક્ષાનો તો કોર્ટમાં મેરેજ કર્યા તે જ દિવસે આપના આશિર્વાદ લેવા આવવાનો આગ્રહ હતો પણ ત્‍યાં આવીએ તો પંદર-વીસ દિવસ નિરાંતે રોકાઇએ એમ વિચારીને રજા મંજૂરી માટે ઓફીસમાં અરજી આપી છે…‘ સગુણાબહેન અટક્યાં, ઊંડો શ્વાસ લઇને બોલ્‍યાં : ‘પણ… પણ તમને જશ લેતા જ ન આવડ્યો અને એકના એક દીકરાને તમે જાકારો દઇ દીધો, તમે તમારું વિચારો છો, તો ક્યારેક એનું પણ વિચારો કે એના કાળજા પર શું વીતી હશે? સગાં-માવતર ઊઠીને દીકરાને જાકારો આપે તો તો પછી થઇ રહ્યુંને ?‘

‘એ અહીં આવે છે.‘ કરી પરબીડિયું સગુણાબહેનના હાથ પર ઝાપટ્યું…

‘આવે છે ?‘ સગુણાબહેનનાં શબ્‍દો પૂરા થાય એ પહેલાં આંખમાંથી હર્ષશ્રુ ગાલ પર રેલાય ગયા, ‘મારો સુધાકર આવે છે ? એણે લખ્‍યું છે ?‘

‘ના, સુધાકર નથી આવતો બંને બાળકો અને દક્ષા ત્રણ જણા જ આવે છે.‘

‘અને સુધાકર ?‘

‘તું વાંચી લે –‘ કહી કૈંક ગુસ્‍સાથી અને આછી ચીડથી દિનકરરાય ઊભા થઇ ગયા.

ત્‍યારે સગુણાબહેને આંખે ચશ્‍મા ચડાવીને કાગળની ગડી ખોલી, સુધાકરે લખ્‍યું હતું :
પૂજ્ય બાપુજી અને બા.

આપની કુશળતા ચાહું છું. તમારી તબિયત સારી હશે. વચ્‍ચે મનુકાકા અહીં મુંબઇમાં મળેલા ત્‍યારે ખબર પડી હતી કે તમને હાઇપર ટેન્‍શન અને ડાયાબિટીસની તકલીફ થઇ છે, તમે તો પોતે આયુર્વેદ સારી રીતે જાણો છો. દવા નિયમિત લેજો. દવા ચૂકતા નહીં, બીજું તો શું કહું બાપુજી ? શબ્‍દો મળતા નથી. આઠ આઠ વરસે ફરી એકવાર કાગળ લખી રહ્યો છું. મેં પહેલાય કીધું હતું ને અત્‍યારેય કહું છું કે મારાથી જે કાંઇ થઇ ગયું એને ભૂલ ગણો તો ભૂલ, અને આપનો ગુનો ગણો તો ગુનો. પણ હું તમારી પાસે માફીની અપેક્ષા રાખું છું, તમારી ક્ષમાની આરતથી અને યાચનાથી અત્‍યાર સુધી તરફડતો રહ્યો છું, હું તમને કેમ સમજાવું કે…

છોરું કછોરું થાય… એક વખત જાતું કરી દો બાપુજી! જિંદગીમાં બીજું મારે કશું જ જોતું નથી. તમારા શુભ આશિર્વાદ જ મારી મોટી મૂડી છે…

ઘણીવાર ત્‍યાં આવવાનું મન થઇ જાય છે. ઘણીવાર મુંઝાઇ જાઉં છું ત્‍યારે મારી બા નો ખોળો યાદ આવી જાય છે. હૈયું તો કહે છે કે માવતર પાસે દોડી જા ! ને દોડવા જાઉં છું ને પગ પાછા પડી જાય છે ત્‍યારે વહુ-છોકરાવથી સંતાઇને છાને ખૂણે રડી લઉં છું, હું કોને કહું મારું દુ:ખ ?‘

બાપુજી ! બિઝનેસમાં ઘણીય તરક્કી પસાર કરી છે, ધીરે ધીરે કરતા ગાડી બંગલા, મોટર, નોકર-ચાકર બધું થયું છે. પણ મારી જ પાસે હૈયાત હોવા છતાં મારાં માવતર નથી…
બાપુજી ! હું પંદર વીસ દિવસ માટે બિઝનેસ ટુરમાં કેનેડા જાઉં છું, દક્ષા સાથે છેલ્‍લા દોઢ મહિનાથી ઝઘડવાનું બન્‍યું છે, એનું કારણ છે પાળિયાદગઢ આવવા માટેનું ! એ ત્‍યાં આવવાનો આગ્રહ કરે છે અને હું તૈયાર થઇ શકતો નથી. પણ હવે હઠે ભરાઇ છે. એ સાથે આદિત્‍ય અને પિન્‍કીને પણ લાવે છે, હવે બધું તમારી ઉપર છોડું છું. એને પારકાં ગણો કે પછી પોતાનાં… ગુરૂવારે સાંજની ટ્રેનમાં આવે છે, બની શકે તો સામા આવજો.

લિ. તમારો જ
સુધાકરનાં સાષ્‍ટાંગ દંડવત
નમસ્‍કાર

પત્ર વાંચતા જ સગુણાબહેનની આંખમાં શ્રાવણ-ભાદરવો વહી નીકળ્યા. દિનકરરાયે તેની સામે જોયું પછી અડગ પથ્‍થરની જેમ ન પીગળ્યા તે ન જ પીગળ્યા…!

બે દિવસ વીતી ગયા, સાંજે પોતાની પુત્રવધુ દક્ષા અને પોતાની જ મૂડીના વ્‍યાજ સરખા આદિત્‍ય અને પિન્‍કી નામે બે ભૂલકાં પણ આવી રહ્યા છે! ‘કાલ સવારનો સુધાકર…‘ સગુણાબહેનની કલ્‍પનાની રમણીય સૃષ્ટિ ખુલતી હતી. : અને હવે બે છોકરાનો બાપ બની બેઠો છે. કેવા હશે બેય છોકરાંવ… એના બાપ ઉપર ગયા હશે કે એની મા ઉપર ? મીઠાં મીઠાં મધુર સ્‍પંદન તેના હૈયાને ઘેરી વળ્યા હતા. એ પગની ઠેક લઇને હીંચકતા દિનકરરાય પાસે આવ્‍યા ને ઊભાં રહ્યાં. પોતાના પતિની આંખમાં જોયું, હજી પણ એવો જ ક્રોધ અંકાયેલો હતો. એ દબાતે અવાજે બોલી ઊઠ્યાં :‘આજે ગુરૂવાર છે…‘

‘તે શું છે ?‘

‘આપણાં છોકરાવ આવે છે…‘

‘તો આવવા દો…‘

‘પણ તમે કંઇ કહેશો તો નહીં ને ?‘

‘અહીં આવે પછી વાત છે..‘

‘નહીં ! તમે કંઇ નહીં બોલતા. એમાં એ બિચારીનો શું વાંક ? એ તો બિચારાં નિર્દોષ ફૂલડાં..‘

‘છોકરાંવ ને નહીં કહું બાકી વહુને તો જરૂર કહીશ. મોહની ભૂરકી એેણે છાંટી ત્‍યારે આપણો દીકરો આપણને મૂકીને ભાગ્‍યો ને ?‘

‘જવા દો ને હવે ! એમાં એકલીએ એણે જ મોહની ભૂરકી છાંટી હશે ? આપણો સુધાકરેય કેવો છે ? મારે તો કહી જ દેવું છે..‘

‘કહી દેજો બસ ! જે કહેવું હોય એ ! અને જો સાંજે પાંચ વાગે ગાડી આવે છે. હું લેવા જવાની છું. મંગલ ઘોડાવાળાનેય કહી દીધું છે.‘

‘મંગલ નહીં આવે, હું જોઉં છું કે…‘

‘તો હું ચાલીને જઇશ બસ ? બાકી, મારી વહુ-છોકરાં મારી રાહમાં ટટળે તો એનો આત્‍મા દુભાઇ જાય. હવે મારે બીજી વાર જાકારો નથી દેવો…‘ સગુણાબહેને કહી દીધું.

મંગલની ખબર હતી એટલે દિનકરરાય ના જ પાડી આવેલાં. મંગળને બીજી વર્ધી મળી જતાં તે ન આવ્‍યો, સગુણાબહેને સવાચાર સુધી રાહ જોઇ અને પછી ચંપલ પહેરતાં એક નજર દિનકરરાય સામે નાખી : દિનકરરાય બોલ્‍યા ‘તું ક્યાં જાય છે ?‘

‘રેલ્‍વે સ્‍ટેશને…‘

‘મંગલ નથી આવવાનો…‘

‘મને ખબર છે પણ વાંધો નહીં હું ચાલતી જઇશ. ક્યાં આઘું છે પોણી કલાકમાં તો પહોંચી જઇશ.‘ કહી ચાલતા થયાં.

‘ઊભી રહે હુંય આવું છું. તું એકલી ક્યાં ?‘ કહી દિનકરરાયે બૂટ પહેર્યાં, બંને નીકળ્યાં, રસ્‍તામાં સુધાકર વિશે ન ઓકવાનું દિનકરરાય ઓકતાં રહ્યા, પણ સગુણાબહેનના તો હૈયામાં પોતાની વહુ ને પોતાનાં પહુડાંવને મળવાની ઝંખના જાગી હતી. તે બંને પહોંચ્‍યા ત્‍યાં જ ટ્રેન આવી પહોંચી, સગુણાબહેનની બહાવરી આંખો દક્ષાને શોધતી હતી ત્‍યાં જ ડબામાંથી ખૂબસૂરત સૌમ્‍ય, ગોળચટ્ટા મુખવાળી દક્ષા ઉતરી અને પોતાના સાસુને ઓળખી ગઇ, સુધાકર સાથેના એક ફોટામાં તેણે સગુણાબહેનને જોયાં હતા, ડાબી-જમણી આંગળીએ બંને બાળકોને પકડ્યાં હતાં. સગુણાબહેન આમતેમ શોધતાં હતાં ત્‍યાં જ દક્ષા આવીને સગુણાબહેનનાં ચરણસ્‍પર્શ કરતાં ગરવે સાદે બોલી ઊઠી :

‘બા નમસ્‍કાર. હું દક્ષા.‘ સગુણાબહેન ઘડીકમાં પાયલાગણ અર્થે ઝૂકેલી દક્ષાને બે હાથથી ઊભી કરીને તેની આંખમાં તાકી રહ્યાં અને પછી ‘કાં દીકરી ? કેમ છો બેટા.. પહોંચી ગઇને ?‘ કહેતાં દક્ષાને છાતી સરસી ચાંપી દીધી. તો સાસુ-વહુના મિલનને જોઇને અસમંજસમાં ડૂબી ગયેલાં બંને બાળકોને ઉદેશીને સગુણાબહેને કહ્યું ‘જાવ બેટા, જો તમારા દાદા ઊભા…‘ આદિત્‍ય અને પિન્‍કીને અત્‍યાર સુધી તાકી રહેલા દિનકરરાયે હાથ લાંબા કર્યા, બંને ભૂલકાં ત્‍યાં ગયા ને કોણ જાણે કેમ ? પણ દિનકરરાયમાં લાગણીનો એક વંટોળ ઊઠ્યો અને બંનેને પોતાની કોટે વળગાડી લીધાં. ત્‍યારે અત્‍યાર સુધીનો ગુસ્‍સો આંસુ બનીને રેલાઇ ગયો હતો.

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ અવનવી અને અલગ અલગ વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.:  જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી