કાળજામાં મ્હોરતી મહોબ્બત….જેમાં છે જીવન અર્પણ કરતી પ્રણય-ગાથાની કહાણી…વાંચો અને શેર કરો.

  ‘અરે, પેલો મુડદાલ વળી ક્યાં રોકાઇ ગયો?’ ગૌતમેશ્વર ફોર્ટના હજાર પગથિયાં ચડીને છેક ઉપર મંદિરે પહોંચી ગયા પછી કોલેજનાં ડોન ગણાતા વીકીએ આસપાસ જોયું, પરંતુ સુંદરને ક્યાંય જોયો નહીં એટલે વીકીની આ કોમેન્ટથી આખા ગ્રુપમં હસાહસ થઇ રહી. વીકીએ વળી કહ્યું: ‘અમથો તો પંતુજી બહુ ફાંફાં મારતો હતો કે હજાર પગથિયાં એટલે તો વળી શુંય તે? અલ્યા, તારા બાપગોતરમાં બે ટીપાં ઘી ચાખવાય મળ્યાં હોત તોય એના નિશાન શરીર ઉપર ઊગી નીક્ળ્યા હોત. પણ ખાખરાની ખીસકોલી આંબાના રસમાં જાણેય શું? લૂખ્ખો-સૂક્કો રોટલો ને ત્રણ દિવસની ખાટી છાશ ખાઇને જીવન ગુજારો કરતી એ ચોટલી વ પિત્ઝા, બર્ગર, હોટડોગ, કે ઢોંસા તો બાપગોતરમાં કદી જોયા પણ નહીં હોય…!’ વીકીની વાતોથી સુંદર પ્રત્યેની ઉપેક્ષા અને કટાક્ષથી તો ઔર વધારો થઇ રહ્યો.

  ‘શોધો શોધો એ દેઢ પસલીને…’ વીકીએ જોનીને કહ્યું: ‘જુઓ તો ખરા કે એ દેઢ પસલી રોકાઇ ક્યાં ગઇ?’

  પરંતુ હજાર પગથિયાનો થાક જોનીને હજી ય હંફાવી રહ્યો હતો. વીકીએ જોનીને હાંફતો જોયો એટલે બોલ્યો: ‘તું પણ હવે હાંફવા લાગ્યો છો? અરે, આ હજાર પગથિયે તમે હિંમત હારી ગયા? આમાં જિંદગી કેમ કપાશે?’

 ‘જિંદગીની ક્યાં વાત કરો છો, વીકી…’ રુદ્ર બોલ્યો: ‘હવે કાંઇક ખાવાની કર. સાલ્લી ભૂખ બહુ લાગી છે.’

‘હા, વીકી…મને પણ ભૂખ લાગી છે…’ કોઇક જાણે એના મનની વાત કહી એટલે અર્જુન પણ બોલ્યો

 ‘ઊભા રહો. હમણાં પેલી દેઢ પસલીને આવવા દો એટલે રિમાન્ડ ઉપર લઇ જ લઇએ…એ આવે એ ભેગો નાસ્તો લેવા નીચે મોકલી દઇએ…’ વીકીએ કહ્યું. ખરું પણ હજી સુંદર દેખાયો નહી એટલે રુદ્રને પૂછી બેઠો: ‘તુ જો તો ખરા કે એ ‘ફન્ટી’ ક્યાંય દેખાઇ છે કે નહી?’

વીકીની આ કોમેન્ટથી વળી પાછી હસાહસ થઇ ગઇ. ‘હવે એની રાહ નથી જોવી આપણે તો કાંઇક ખાવું જ પડશે.’ હું હવે એક સેકન્ડ પણ ભૂખ્યો રહી શકું એમ નથી’ આખરે શત્રુધ્નએ રોકડું પરખાવી જ દીધું. ‘એ સુંદરીયાની રાહ જોવામા ને જોવામાં આપણે ભૂખ્યા મરી જશું. એની કરતાં કશુંક ખાઇ લઇએ.’

વીકી એક પછી એક ગ્રુપના બધા જ મેમ્બરના ચહેરા તાકી વળ્યો. જોની, રુદ્ર, અર્જુન, શત્રુધ્ન, રણવીર, જયરાજ અને રાજ! સાતે સાત જણાના ચહેરા ઉપર થાક તરવરતો હતો. ભૂખ ઉધડતી હતી. વીકી બોલ્યો: ‘આપણે બધા ભૂખ્યા કે તરસ્યા એક સેકન્ડ પણ નથી રહી શકતા. પણ તમે એ વિચાર કર્યો કે, ઝંકાર હજુ સુધી કશું બોલી નથી. નથી તેને થાક લાગ્યો, નથી ભૂખ, તમારે લોકોએ એને આદર્શ માનવી જોઇએ કે આપણાં ગ્રુપમાં એ એક જ છોકરી છે પણ આપણાં વિશે તેને કશી જ ફરિયાદ નથી. એ એની મસ્તીમાં જ જીવતી હોય છે. અને ઝંકારને ઉદેશીને બોલ્યા: ‘ખરુ ને ઝંકાર?

ઝંકાર વીકી સામે અને પછી બધા સામે વારાફરતી નજર કરી. અને પછી નજર ઢાળી દેતા ટહુકી: ‘ભલે મને મારા વિશે ફરિયાદ નથી, પણ સુંદર વતી એક ફરિયાદ જરૂર છે, વીકી…’

‘સુંદર વતી? એ વળી શી ફરિયાદ?’

‘એ જ કે તમે સૌ મળીને એની મજાક ઉડાડો છો એ મને નથી ગમતું. એનું શરીર ભલે સાંઠીકડાં જેવું રહ્યું, પણ એનો અર્થ એવો નથી કે આપણે એને ‘જોક’  બનાવી દેવો. ભલે એ કશું બોલતો ન હોય, પણ આપણે એને ઉતારી પાડવો ન જોઇએ…!’

‘હવે એ લલ્લુપંજુ જ એક જીવતી જાગતી જોક છે. તો એને જોઇને જોક યાદ ન આવે તો શું યાદ આવે?’ વીકીએ દલીલ કરી. ‘ના વીકી. શરીર, સંતત્તિ,નસીબ – આ બધું ઇશ્વરદત્ત હોય છે. એમાં કોઇ મીનમેખ આપણે મારી શકતા નથી. મજુર ગમે એટલી મહેનત કરે તો એ કરોડપતિ થઇ શકવાનો નથી  કેમ કે ભાગ્ય માનવી પલટાવી શકતો નથી એતો વિધિના લેખમાં જ લખાઇને આવ્યું હોય છે એમ સુંદર જે કંઇ પોતાની પાસે છે, એ શરીર ભગવાન પાસે ધડાવીને આવ્યો છે. એમાં આપણે મશ્કરીનું સાધન બનાવી દીધો એ આપણા સંસ્કારો શોભે નહીં.’

 ‘થેન્ક યૂ… થેન્ક યૂ… આઇ હેવ પ્રાઉડ ઓફ યુ, ધેટ…કે કોઇકને તો મારા પ્રત્યે સન્માન જેવું છે…કોઇને તો મારા પ્રત્યે લાગણી છે. કોઇને તો મારા દૂબળા પાતળા શરીર પ્રત્યે સિમ્પથી…’ બોલતો બોલતો સુંદર નજીક આવ્યો. સૌ કોઇ ચોકી ગયા કે આ આવ્યો ક્યાંથી?

‘અલ્યા.. તું? તું ક્યાં હતો?’ વીકીએ આશ્વર્યથી પૂછયું: ‘તું તો વચ્ચે ક્યાંય હતો નહીને ક્યાંથી ફૂટી નીકળ્યો?’

‘અલ્યા, પેલી ડોલમાં બેસીને તો નથી આવ્યોને?’ રુદ્રએ મજાક કરી

‘વાંદરાની પીઠે ચડીને પરબારો પહોંચ્યો લાગે છે…’ અર્જુને પણ સુંદરની ફિરકી ઉતારવા માંડી…

 ‘ખડમાંકડું ખરું છે…’ વીકી અટ્ટહાસ્ય કરતા કહે: ‘દેઢપસલી દોઢ કલાકમાં આખરે પહોંચી ગઇ…’

 પણ ત્યાં જ એક બીના બની ગઇ. આ બધા સુંદરની મજાક કરતા હતા ને ગૌતમેશ્વર મંદિરનાં દર્શન કરીને પાછી ફરતી એક અલેલટપ્પુ ટોળકીની નજરે ઝંકાર ચડી ગઇ.

આ ઝંકાર એટલે શું? તેની સુંદરતા વિશે તો કહેવાનું જ રહી ગયું કે ઝંકાર શું નહોતી? પાંચ ફિટ સાત ઇંચની ભરપુર માંસલ કાયા અને એ કાયા ઉપર અરવલ્લીની ટેકરીઓના ઢોળાવ જેવા ઉરપ્રદેશ…સફરજનના માવામાંથી બનાવ્યો હોય એવા ફૂલગુલાબી ચેહરો અને ચેહરા ઉપર માપસર ખૂચેંલી મોસંબીની બે ચીર જેવા હોઠ…એના નિતંબ એટલે કેળાના થંભ અને પીઠ એટલે આરસપહાણની બનાવેલી લપસણી. એની રેશમી સિલ્કી ઝુલ્ફો એટલે જાણે લીલાછમ્મ ઘાસનો વૈભવ અને એની બે બદામી આંખો એટલે ઘૂઘવાટા કરતો પેસિફિક મહાસાગર!

‘આ મેરી છમકછલ્લો….’ કરતા બે-ચાર ટપોરી હાથમાં બુલેટની ચેન ઘુમાવતા ઝંકાર આસપાસ ફરી વળ્યા. ઝંકાર ડરીને વીકી પાછળ લપકી. વીકી એની આડો ઊભો રહી જતા ત્રાડ્યો. ‘એય રાસ્કલ ઘરે મા-બેન નથી? પણ એ ભેળી તો સામેની પાર્ટી માંથી એક ફણફણતી ફેંટ વીકીના પિત્ઝાસભર પેડૂ ઉપર પડી અને વીકી ઊથલી પડ્યો. ઝંકાર હવે અર્જુનને આશરે દોડી પણ બીજાએ અર્જુનને અવળા હાથથી અડાડી કે અર્જુનને અડવડિયું ખાઇ ગયો. રુદ્ર સામનો કરવા મથ્યો, પણ કાચા સુતરનો રેંટિયો થઇ ગયો. રાજનું તો ‘રાઝ’ જ રહી ગયું કે એ કઇ રીતે પડી ગયો?! હવે ઝંકાર ધ્રુજવા લાગી. કેમ કે, મંદિર ઉપર સૂનકાર હતો. બપોરી વેળાએ એ લોકો સિવાય કોઇ હતું પણ નહીં. વીકી પાછો ઊભો થયો, પણ સામેની ફરી પાછી એક એવી જ ફેટ આવી કે, એનું શરીર ચૂંથો-ચૂંથો થઇ ગયું. શત્રુધ્ન ગેંગેંફેંફેં થઇ ગયો. એનું તો એક જાણે કાંડું મરડી નાખ્યું અને ચિત્કાર કરી ઊઠ્યો. હવે ઝંકાર સુંદર તરફ દોડી. સુંદર એની આડો ઊભો રહી ગયો.

‘તું? તું આની રક્ષા કરીશ?’ અલેલટપ્પુ આણિ મંડળીનો મુખિયો સુંદરનું સુક્લકડી શરીર જોઇને ઉપહાસ કરતો અટ્ટહાસ્ય કરી રહ્યો, પણ એનું અટ્ટહાસ્ય હવામાં લટકી ગયું. સુંદરે લાગ જોઇને તેના માર્મિક સ્થળે એક જ પાટુ માર્યુ કે પેલો દસ પગથિયાં નીચે ફંગોળાયો. તરત જ બીજાનાં નાક ઉપર મુષ્ટિકાનો પ્રહાર કર્યો. ત્રીજાની છાતી ઉપર પ્રચંડ ધુમ્બો માર્યો. ચોથાની પિંડી ઉપર પાટુ મારીને ફંગોળ્યો. બીજા-ત્રીજાને તો ચક્કર જ આવી ગયા અને એકને લોહીની ઊલટી થઇ ગઇ. ચોથા ઉપર ફરી પાછો એવો જ પ્રહાર. નસકોરી ફુટી. પેલો હજીય ભાનમાં જાણે નહોતો આવ્યો. એકે જણે, સુંદરનો બુશર્ટ ફાડી નાખ્યો, તો વાદળા આડેથી સૂરજ હટ્યા. સુંદરનાં સિક્સપેક એબ ઝળહળ ઝળહળ થઇ રહ્યા. કરામત અને કસબ, બળ અને બુધ્ધિ, ધાર્યા પંચ અને ટાઇમિંગમાં કરેલા પ્રહારે પેલા હારી ગયા. અને અંતે,આખરી ઉપાય લેખે સુંદરે પગનાં મોજામાંથી સડપ કરતો જમૈયો ખેંચ્યો અને બધા ડરીને ભાગી ગયા…

આખરે વીકી, અર્જુન, રાજ, શત્રુધ્ન બધા વાંકાચૂંકા ચાલતા-ચાલતા, હાંફતા-હાંફતા હાથ ખંખેરતા આવ્યા. આવીને સુંદરનો ખભો ઠપકારતા બોલ્યા: ‘યાર સોરી….! અમે તને અન્ડર એસ્ટિમેટ કર્યો. ખરેખર માયકાંગલા તો અમે છીએ. હીરો તો તું છે. તે આજે માત્ર ઝંકાર જ નહી, પણ આપણા ગ્રુપની, દોસ્તની, અરે કોલેજની આબરૂ બચાવી છે. અભિનંદન. શાબાશીનો ખરો હકદાર તો તું એકલો જ છો…અને એ શાબાશી અમે તને આપીએ છીએ…’

 ‘સુંદર મંદમંદ હસી પડતા બોલ્યો: ‘થેન્ક યૂ દોસ્તો..’ અને ખુણામાં આભારવશ થઇને ઊભેલી ઝંકાર તરફ ડગ ભરતા બોલ્યો: ‘તમે બધાએ તો મને અભિનંદન અને શાબાશી આપી દીધા, પણ ઝંકાર મને શું આપે છે?’

જવાબમાં ઝંકારે દોડીને સુંદરને બાથ ભરી જતા કહ્યું: ઝંકાર તને આલિંગન આપે છે…’ વળતી પળે સુંદર પણ આલિંગનનો જવાબ આલિંગનથી જ આપ્યો ત્યારે માત્રને માત્ર સુંદર જ સાંભળે એમ ઝંકાર બોલે: ‘સુંદર, આ તારુ આલિંગન માત્ર નથી, પણ મારા ભાવિ પતિના શરીરનો ભરડો માની લઉ છું!’

લેખક : યોગેશ પંડ્યા

ઘડી બે ઘડી મન બહેલાવી મૂકતી એવી વાર્તાઓ જેમાં પ્રેમ, લાગણી ને હૂફનો સમન્વય હોય! તો એવી વાર્તાઓ વાંચો ફેસબુક પેજ “જલ્સા કરો જૈન્તિલાલ” પર, તેમજ તમારા મિત્રોને પણ વંચાવો પેજની લિંક ફોરવર્ડ કરીને.

ટીપ્પણી