“ઇશ્વર હોવાની સાબિતી” – વાંચો ઈશ્વર હાજરાહજૂર હોવાની વાર્તા…

કારતકની રાત સમસમ કરતી વહી જતી હતી. તાપણું એ ટાઢ સામે બાથ ભીડવા પડ્યું હોય એમ ભડભડ સળગીને ટાઢને હાંકી કાઢવાનાં પ્રયત્નો કરતું હતું. ગામની ઓતરાદી સીમનાં તણખુણીયે, કસુંબલ ડાયરો જામ્યો હતો અને વાતુની મહેફીલ મંડાણી હતી દેશી ગડાકૂની ભરેલી ચલમ માંથી ઊંડો કશ લઇ, અડધી રાતનાં ભૂરા રંગના આભ સામે નજર માંડી, જીવરાજ ભગત બોલ્યાં, ‘માળું, કયો કે નો કયો! પણ બચાવાવાળો એક ઉપર બેઠો ઇતો છે જ! એની ઇચ્છા વગર પાંદડુંય હલતું નથી અને એની ગોઠવણ પણ કેવી અજબની છે! આપણને લાગે કે આ બનાવ બની ગયો, ખોટો બની ગયો, પણ સમય જતાં આપણને એવું લાગે છે કે જે થયું ઇ સારું થયું, જે થવાનું છે ઇ સારું થવાનું છે અને જે થાય છે ઇ સારુ થાય છે! અને જે કંઇ થાય છે, એ એની દોરવણી હેઠળ થાય છે, એના તો પૂરાવા છે આપણી પાસે…’

‘ઊભા રહો.’ વાતને અધ્ધવચ્ચેથી જ કાપતા ગજુભા બોલ્યાં, ‘ભગત, તમે કહો છો કે જે કંઇ જે થાય છે ઇ સારા સાટું થાય છે, તો એનો જવાબ આપો કે, ચમનમુખીનો હકલો આ તીસ-પાંત્રીસ વરસની જુવાનજોધ ઉંમરે એકિસડ્ન્ટમાં મરી ગયો તો ઇ શું સારી વાત છે, તમે તમારા આત્માને પૂછો કે આ ઇશ્વરનો ન્યાય છે?’

ગજુભાની ચેલેન્જને લીધે તાપણાની ફરતે બેઠેલા ડાયરાનાં સભ્યો સડક થઇ ગયા. ભગત શું જવાબ આપશે? એવી ઉત્સુક્ક્તા વધી પડી. ગજુભાનો પ્રશ્ન અસ્થાને તો નહતો જ કેમ કે હકલો ચમનમુખીનો એકનો એક દીકરો હતો અને મુખી ઉપર જુવાનજોધ દીકરો ગુમાવ્યાથી વિજળી પડી હતી,

ભગતે ગજુભા સામે જોયું. પછી ફરતે બેઠેલા બધાના ચહેરા તપાસયા. તેઓ ભગત શું હવે જવાબ આપશે એની રાહમાં ભગત સામે તાકી રહયા હતા. એક સુખરામ મહારાજનું માથું નીચે ઢળી ગયું હતું. ભગત મોઘમ હસ્યા. ગડાકૂની એક સટ લીધી ધુમાડા હવામાં કાઢ્યા. પછી બોલ્યા, “ગજુભા, પ્રશ્ન ખોટો નથી. કંધોતર જેવો દીકરો ગુમાવ્યાની પીડતો બાપને ન હોય? પણ, તમે માનવીના કર્મની ઉધારજમા વાંચી શકોતો આ બધું સમજી શકાય! એ હકલો તો આપણાં ગામ માથે પાપનો ભાર હતો એ ખબર છે?’

‘પાપનો ભાર?’ ગજુભા ચમક્યા, ‘અને હકલો?’
‘હા’ ભગતે કહ્યું, ‘ગામની બહેન, દીકરીયું અને જુવાન વહુવારુઓ ઉપર હીણ નજર એની રહેતી. તમે તો મિલિટ્રીમાં હતા એટલે તમને કાંઇ ખબર ન હોય. એક આ સુખરામ મારાજ સિવાય તો આ બધ અડખેપડખેનાં ગામના છે, ઠીક છે. રોજ રાતે ત્રણ ગામની સીમનાં તણખૂણિયનાં સીમાડે આપણે ભેગા થઇએ છીએ પણ..મારે કહેવું નથી પણ રાત જેવું ધાબું છે એટલે ખોટું નહી બોલું, પણ મૂંગા ઠોઠિયાની દીકરી રંભાને ઇ હકલાએ જ ઓધાન રાખી દીધા’તા! પીરમજી સનાળિયાનાં દીકરાની જુવાન વહુને બાવળની કાંટમાં ખેંચી ગયો’તો ઇ તો સારું થયું કે તાકડે જ કનોકુંભાર માટી લેવા એના ગધેડા લઇને નીકળ્યો’તો! ટપુ હજામની કંચુડીને ઊભે નેળમાં આંતરી’તી અને…

ત્યાં જ સુખરામ મહારાજ ધ્રુસકે ધ્રુસકે રડી પડતા બોલ્યા, મારી એકની એક દીકરી શારદાએ કાંઇ અમથી દવા નહોતી પીધી ઇ રાક્ષકના હાથ છેક મારા આંગણાં સુધી પહોંચી ગયા’તા. મારી શારદાને એણે જ ભોળવી ને પછી…’ મહારાજનાં ડૂસકા સ્તબ્ધતાને ચીરતા રહ્યા.

ભગત બોલ્યા, ‘ગજુભા, પાપી પાપે ગયો ને?
ગજુભા સજ્જડ થઇ ગયા, ‘હા, ભગત.’

‘કો’ક ચા બનાવો.’ ગજુભાએ એક બંડીના ખિસ્સામાંથી ખાંડ-ચાનાં પડીકા કાઢ્યા. રોજની જેમ મગન દૂધનો લોટો લાવ્યો જ હતો તરતો તરત જ મંગાળા ઉપર રોજની જેમ ચાની તપેલી ચડી ગઇ.

રાત વીતી રહી હતી. ચંદ્ર આથમવા માટે હવે પરિયાણ કરી રહ્યો. દૂરથી અને અડખેપડખેથી શિયાળીયાની લાળી સંભળાઇ રહી હતી. ઘાટા રગડા શી ચા બનીને તૈયાર થઇ ગઇ. સૌ કોઇ ચા-પાણીનો કહુંબો કરી રહ્યા. ગજુભાએ વાતની શરૂઆત કરી, તે હે ભગત, તમે ભગવાનની હાજુરાહજુરની તો વાત જ ન કરી. ઇ કરો અને દાખલા સાથે સમજાવો કે ભગવાન દરેક જગ્યાએ હાજર રહી શું સારું કરી રહ્યા છે?’

વળી, પાછી ચૂંગી દેશી ગડાકૂથી ભરી. ચકમક સાથે હેમરી પાણો ધસીને ગડાકૂ સળગી ઉઠી, ભગતે એક ઊંડો કસ લીધો. વાત શરૂ કરી ‘એક વખત એક માણસને ભગવાનની શકિત વિશે સંદેહ થયો. એણે ભગવાનને ખાતરી આપવાની હઠ પકડી. ભગવાને કહ્યું હું જે કરું છું એ સારા સાટું જ કરું છું.’

‘પેલો કહે, ‘ખાતરી કરાવો.’
ભગવાન કહે, ‘તું મારી સામે બેસ. હું તને અંર્તધ્યાન કરી દઉ. તું બધાને જોઇ શકીશ, તને કોઇ નહીં જોઇ શકે.’

બીજા દિવસની સવારે પેલો પલાંઠી મારીને ખૂણાં બેસી ગયો. સવાર-સવારમાં જ એક રૂપિયાવાળો આવ્યો. ભગવાનને પ્રાર્થના કરી, ‘હે ભગવાન! આજે હું દિલ્હી જાઉ છું. ચાર વાગ્યાની ફ્લાઇટ છે. હું કરોડો રૂપિયા રળીને લાવું એવા આશિર્વાદ આપ.’

એના ગયા પછી એક ગરીબ આવ્યો બોલ્યો, હે ભગવાન! ત્રણ દિ’થી કાંઇ મળ્યું નથી. બૈરી છોકરાને શું મોઢું બતાવું? છોકરા ભૂખથી ટળવળે છે તું કૃપા કર.’ અચાનક તેનું ધ્યાન એક પાકીટ પર ગયું અને તે રાજી રાજી થઇ ગયો. પાકીટ ખોલીને જોયું તો ઢગલો રૂપિયા હતા. એતો આનંદથી રોઇ પડ્યો, હે ભગવાન તું બહું દયાળુ છો.’

એના ગયા પછી એક ખારવો આવ્યો અને બોલ્યો, ‘હે ભગવાન! દરિયો ખેડવા જવાનું આજ મુહૂર્ત છે. આ બે કેળા પ્રસાદીના તને ચડાવું છું. તો તું આશિર્વાદ આપ કે, મારો ફેરો સફળ થાય.’

એના ગયા પછી ભગવાન પ્રગટ થયા ને પેલા માણસને કહ્યું, ‘હવે જો શું થાય છે? કહીને ભગવાન અલોપ થઇ ગયા. થોડીવાર થઇ ત્યાં એક વિધાર્થી આવ્યો. બોલ્યો, ‘હે ભગવાન! મારે આજે ગણિતનું પેપર છે વચ્ચે એક પણ રજા નથી અને મારી બહેન બીમાર હતી એટલે તૈયારી થઇ નથી. તું કૃપા કરજે.’

છોકરો હજી પગથિયા ઉતરતો હતો ત્યાં જ પેલો રૂપિયાવાળો, પોલીસ પાસે પેલા ખારવાને પકડાવીને મંદિરે આવ્યો અને મોટેમોટેથી બોલવા લાગ્યો, ‘ઇન્સ્પેક્ટર સાહેબ, મારું પાકીટ એણે જ ચોર્યુ છે. હું અહીંથી નીકળ્યો અને પાંચ મિનિટ થઇ કે મને ખબર પડી કે પાકીટ પડી ગયું છે. હું મંદિરમાં પાછો આવ્યો, તો આને મેં મંદિરનાં પગથિયા ઉતરતા જોયો. મને જોઇને પાછળ ભાગ્યો અને ત્યાં એણે કોઇ જગ્યાએ પાકીટ છૂપાવી દીધું. મારા પાકીટમાં બબ્બે હજાર હજારની વીસ નોટ હતી અને આજે મારે દિલ્લી ધંધાનાં કામે જવાનું છે. તમે એની પાસે જ પાકીટ ઓકાવો.’

ખારવો રોવા મંડ્યો, ‘ભાઇ! મેં પાકીટ લીધું નથી. તમારી ગલતફેમી છે. પાછળ તો ખરાબ કેળું પ્રસાદીમાં આવ્યું’તું એ નાખવા ગયો હતો.’
ઇન્સ્પેક્ટર કહે, ‘ચાલ પાછળ….’

એ લોકો દોડી ને પાછળ ગયા તો…. કૂતરું કેળું ખાઇ ગયેલું હવે ખારવાને વગર વાંકે કસ્ટડીમાં પોલીસે પુરી દીધો. ખારવો કહે, ‘મારુ મુહૂર્ત નીકળી જાય છે. બીજા બધા નીકળી જશે મને જવા દો.’ પણ પોલીસ માની નહીં.

ભગત શ્વાસ ખાવા થોભ્યા પછી બોલ્યા, ‘જોજો, એક પાકીટની લીલા..’ પેલા ગરીબ માણસે પાકીટ ઉપરનાં કાર્ડ ઉપરથી છપાયેલા ફોન નંબર એસ.ટી.ડી માંથી ફોન કર્યો અને મળેલા પાકીટ વિશેષ જાણ કરી. વિશેષમાં ઉમેર્યું કે, ‘મારે રૂ.૨૦૦૦ની જરૂર હતી. રૂ. આડત્રીસ હજાર તમને પાછા આપી જઇશ.’ પેલો રૂપિયાવાળો તો અવાચક થઇ ગયો. બીજે દિવસે, પોલીસ, રૂપિયાવાળો, ગરીબ માણસ, ખારવો અને પેલો વિધાર્થી ભેગા થયા. એમાં પોલીસ સિવાય સૌ કોઇ રડતા હતા.

શું કામ? તો પેલું પેલો રૂપિયાવાળો જે પ્લેનમાં જવાનો હતો એ પ્લેન રસ્તામાં તૂટી પડ્યું હતું એટલે એ બચી ગયો ખારવો જેલમાં પૂરાવાથી રોયો પણ બીજા દિવસે ખબર પડી કે દરિયામાં તોફાન આવ્યું હતું અને એમાં સાત માછીમાર દરિયામાં લાપતા થઇ ગયા હતા. એટલે એને અને રૂપિયાવાળાને એટલે રડવું આવ્યું. દસમાં ધોરણનું પેપર લીક થયું અને અચાનક પરીક્ષા કેન્સલ થઇ. હવે ૧૫ દિવસ પછી નવેસરથી લેવાની હતી એટલે વિધાર્થી આભાર માનતો રડતો હતો. પેલો ગરીબ માણસ સાચું બોલ્યો અને પૈસા પાછા આપવા આવ્યો ત્યારે પેલાએ તે ઉપરાંત રૂ. ૧૦૦૦ બક્ષીસનાં આપ્યા એટલે રોતો હતો. વાત પૂરી કરીને ભગતે ગજુભાની સામે જોયું અને પૂછ્યું, હવે સાબિતી જોઇએ છે ઇશ્વર હોવાની?’ અને જવાબમાં ગજુભા રડી રહ્યાં હતા.

લેખક : યોગેશ પંડ્યા

શેર કરો આ રસપ્રદ વાર્તા અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી