તમે હન્‍ડ્રેડ પર્સન્‍ટ એકબીજાના ‘હમસફર‘ છો?

એક મુક્તક છે : ઝુકેલ પાંપણ ઉપરનો ભાર, એટુંકમાં કહી દો કે, આ ઇનકાર કે ઇકરાર, એ ટુંકમાં કહી દો અનુનયની નદી ઓળંગવી મુશ્‍કેલ છે, તમે આ પાર કે ઓ પાર, એટુંકમાં કહી દો, ઘણી રાતો ઘણી વાતો, ઘડી ગુસ્‍સો ઘડી માં પ્‍યાર. કે, એનું નામ છે સંસાર? એ ટુંકમાં કહી દો…

સંસારના બે પાત્રો જેનું નામ છે પતિ અને પત્નિ. એક સ્‍ત્રી અને પુરૂષનું અગ્નિની શાક્ષીએ કે શાદીના મંડળ નીચે, ફુલોની સાખે મનની આંખે અને ઉભય શરીરોની પાંખે ભેગા થવુંએનું નામ સંસાર છે.

એકવાર સંસાર નામના મલકમાં બંનેના સપનાનું ગાડુ આવીને ઉભુ રહે છે ત્‍યાર પછી એ બંનેના અજાણ્‍યા પરિચય મટી જાય છે અને નવું નામકરણ થાય છે. તે નામ પતિ અને પત્નિનું છે. અજાણી યુવતીને ચાહવા લાગેલો પુરૂષ એને પ્રાપ્‍ત કરવા કદાચ આકાશપાતાળ એક કરે છે. અને એને મેળવી લે છે ત્‍યારબાદ એનું ઝનુન ખતમ થઇ જાય છે. પણ સ્‍ત્રી માટે એના દિલમાં ત્‍યાર પછી રહેવાનું સપનું શરૂ થાય છે. પુરૂષનો પ્રેમ લગ્‍ન સુધી ધુંઆધાર હોય છે, જે લગ્‍ન થઇ જાય છે પછી એ સમથળ થઇ જાય છે. જ્યારે સ્‍ત્રીનો સાચો, સાચુકલો અને હૃદયનો પ્રેમ લગ્‍ન પછી જ શરૂ થાય છે. કદાચ એટલે જ લગ્‍ન નામના સુંવાળા બંધનોથી બંધાયા પછી બંને વચ્‍ચે થતા ઝઘડા, પડતી અંટશ અને છમકલાં, વડકાં કે વાગ્‍બાણનું દુઃખ પત્નિને વધારે થાય છે.

કોઇ લગ્‍ન સમારંભમાં ફંકશનમાં કે પાર્ટીમાં એકબીજાની સામે હસતુ રહેતુ દંપતી જાહેરમાં ખુશ રહેવાનો દંભ કરે છે પણ ઘેર પહોંચે છે પછી એકબીજા માનસિક અને શારીરિક રીતે જુદા પડી જાય છે. પોતપોતાના રૂમમાં ભરાઇ જાય છે, નહિં તો એનું સ્‍થાન હિંચકો, ઝુલો, ખાટ કે ખુરશી લઇ લ્‍યે છે. ઘણી વાર વિચાર આવે છે કે હમણાં જ આપણી આંખ આગળથી પસાર થઇ ગયેલા લગ્‍થ્‍ન સુધીના ગોલ્‍ડન પિરિયડને કોની બદદુઆ લાગી ગઇ. નહિંતર તો એને શેરીના નાકે પોસ્‍ટમેનની કલાકોના કલાકો સુધી રાહ જોતો જોયો હતો. પાંચ-પંદર દિવસે જાણીતા તીર્થસ્‍થળે ફરવા લાયક ફનસ્‍ટેશને, કે બગીચાના અંધારિયા અને ફુલોથી આચ્‍છાદિત ખુણે પ્રેમ ગોષ્ઠિ કરતા આપણે જોય હતા.

શું એ બધુ પિક્ચરનું શુટીંગ માત્ર હતુ? એક ડ્રામા હતો કે પછી હતુ એક જુઠાણું?

જે પુરૂષ દિવસમાં એકવાર પણ પોતાની પત્‍ની સામે સ્મિત ન કરી શકે. હસીને દિલની બે વાત ન કહે કે એકવાર પણ સ્‍પર્શે નહિં એને પતિ નહિં પણ વસ્‍તુનો માલિક કહેવો પડે. કેમ કે એ પત્‍ની ને હમસફર નહિં પણ એક રમકડું જ માને છે. જ્હોન કવિ રેઇનરમેરિયા રિલ્‍કે કહે છે : કે સ્‍ત્રી પ્રેમનું અમલીકરણ કરે છે અને પુરૂપ્ષ માત્ર પ્રેમની પંચાત કરે છે. પ્રેમ એ સ્‍ત્રીઓની હૈયામાં બાંધેલી સપનાની ગઠરી છે અને એ સ્‍ત્રી જ સાચો પ્રેમ કરી શકે છે. જ્યારે પુરૂષ પ્રેમ નામનું માત્ર નાટક કરી જાણે છે.

સપ્‍તપદીના સાત ફેરા ફરતી વખતે પુરૂષને ભાવિ પત્‍ની ના શરીર સુધી પહોંચવા માટેની રમણા હોય છે જ્યારે સ્‍ત્રીના મનમાં, પોતાના પતિના મન સુધી પહોંચવા માટેની ગડમથલ અને ઉલઝન છે. પુરૂષ સામાન્‍યતઃ પ્રેમ કરીને લગ્‍ન કરે છે અને સ્‍ત્રી બહુધા લગ્‍ન કરીને પ્રેમ કરે છે. પ્રેમ લગ્‍નો નેવું ટકા સફળ થતા નથી, કારણ કે ત્‍યાં પ્રેમને બદલે અપેક્ષાઓ જન્‍મવા માંડે છે. લગ્‍નને જેમ જેમ દિવસો પસાર થતા રહે છે. તેમ તેમ પ્રેમની મિણબતી બુઝવાવા લાગે છે. અને અપેક્ષાનું ઉંબાડીયું ઔર ને ઔર પ્રજ્વલિત થતું રહે છે. આશ્ચર્યની વાત એ છે કે, ઉંબાડિયાને હવા આપવાનું કામ પતિ પત્‍ની જ કરે છે. જ્યાં પ્રેમ નથી ત્‍યાં સંસાર નથી પણ નાટક છે. જ્યાં પ્રેમ છે ત્‍યાં નંદનવન છે. લગ્‍ન પ્‍હેલા પત્નિની ઉડતી ઝુલ્‍ફો લગ્‍ન પછી જટા લાગે છે તો લગ્‍ન પહેલા ખડખડાડ હસતા પતિને હસમુખા કહેનાર વાગ્‍દતાને એ જ ‘હસમુખભાઇ‘ વેવલાઇ લાગે છે. પહેલાની જેમ પત્‍નીની આગોશમાં બેસીને વાતો કરતા પતિને ખણખોદિયો લાગે છે તો લગ્‍ન પહેલા નેહ નીતરતી ભાવિ પત્‍ની ની આંખો પતિ ને સંશય કરતી હેડલાઇટ લાગે છે. અલબત સ્‍ત્રી અને પુરૂષના ઝઘડામાં પતિ માલિકીભાવ દાખવતો થઇ જાય પછી સ્‍ત્રીનું દિલ તુટી જાય છે. અને એકવાર મન, મોતી અને કાચ તુટી જાય છે પછી યથાવત રૂપમાં સંધાતા નથી.

પ્રેમ એ સાહજિક છે. એ વેચાતો નથી. ઉછીનો મળતો નથી. એનું ક્યાંય કારખાનું પણ નથી. એને માટે આયાસ કામિયાબ નિવડતો નથી. સંસારરથને ચલાવવા માટે પતિપત્‍નીની વચ્‍ચે પ્રેમ નામનું પેટ્રોલ પણ જરૂરી છે. અન્‍યથા આ ગાડી અટકી જાય છે અને આ પેટ્રોલનો કુવો માત્ર હૃદયમાં જ હોય છે. લગ્‍નને બીજે દિવસે જ લાગતી કળી, પતિને માટે વાસી ફુલડું બનીને પગ નીચે જ કચડાઇ જાય છે પછી પત્‍ની માટે લગ્‍ન એ કુઠરાઘાત સમુ બને છે. તો લગ્‍નનું ઘરચોળું ઓઢીને આવેલી પત્‍ની પોતાના પતિને પોતાના માવતરથી સ્‍વજનોથી કે ‘ઘર‘ થી વિખુટો પાડી દે તે પત્‍ની પ્રિયા નથી. લગ્‍નજીવનના વીસ વરસ વીત્‍યા પછી પણ સદાય તરોતાજા રહેત યુગલના પરસ્‍પરના સાહચર્ય, પ્રેમ, લાગણી અને સમર્પણને માણ્‍યા પછી ધન્‍યતા અનુભવાય છે. એ બેસ્‍ટ યુગલને મળ્યા પછી તેમના સુખદ સંસારનું રહસ્‍ય જાણવા માટે પ્રેમભરી પૃચ્‍છા કરી તો તેમણે.

કેટલાક પ્રશ્નો જવાબો તૈયાર કરવા માટે આપ્‍યા. એમાં પતિ અને પત્‍ની બંને માટેના સવાલો છે. (૧) પતિદેવો માટે : તમે આજની તારીખે પણ પત્‍નીને ‘આઇ લવ યુ‘ કહો છો ખરા? તેમનો ચહેરો તમને હજીય આકર્ષક લાગે છે? તેમની બનાવેલી રસોઇના વખાણ કરો છો? તેમની પાસે બેસીને પુછ્યું છે કે મારી સાથે પરણીને તું ખુશ તો છે ને? ઊભા થતા વિવાદોમાં આક્રમક થઇ જવાને બદલે વિવાદનું મુળ પકડીને પોઝિટિવ બન્‍યા છો ખરા? તેની સુંદરતાને આટલા વર્ષે વખાણો છો ખરા? ઘરકામમાં મદદ કરો છો? તેના સગાનસબંધીઓને એટલાજ ઉમળકાથી ચાહો છો, જેટલો ઉમળકો લગ્‍ન પહેલા હતો? એનો બર્થ ડે અને તમારી લગ્‍નતિથિ તમને યાદ છે? એને ગમતી ચીજ લાવી આપો છો? ક્યારેય પણ તેના સ્‍વભાવ જીદ કે અહમ માટે હકારાત્‍મક બન્‍યા છો? તેની પ્રવૃતિની પ્રગતિ જાણી ખુશ થાવ છો? અને એ ખુશી ઘરમાં સંતાનો સાથે વહેંચો છો? તમે ક્યારેય પણ પ્રેમનું અડપલું કરી શકો છો?

(ર) પ‍ત્‍ની માટે : તમે અંગત પળોમાં બ્રોડ થાવ છો ખરા? તમે ક્યારેય જીદ કરીને (બાળક જેવી) તમને ગમતી ચીજ લાવી દેવા માટે કૃત્રિમ છણકો, રીસ કરો છો ખરા? તેમને પામીને તમે તન અને મનથી સંતૃપ્‍ત છો? એમની આવકમાં તમે ગૃહસ્‍થી ચલાવી શકો છો? એમના માવતરને તમારા માવતર ગણી શકો છો ખરા? આર્થિક ખેંચ સરભર કરવા તમે કોઇ રીતે સહાયભૂત થઇ શકો છો ખરા? તમારા પતિની મહત્‍વકાંક્ષા અને સ્‍વપ્‍ન પુરા કરવા તમે સાથ આપો છો? એમના શારીરિક માનસિક સ્‍ટ્રેસ વખતે તમે તેને તમારી પનાહ આપો છો? એમના તમારી સગાઇ પછીની મીઠી વાતો તમે ક્યારેય પણ શેઅર કરો છો? જો આ પશ્‍નોના જવાબો ‘હા‘ અથવા આંશિક ‘હા‘ માં હોય તો તમે હન્‍ડ્રેડપર્સન્‍ટ એમની સાથે હમસફર છો.

લેખક : યોગેશ પંડયા

વાંચો રોજ નવી વાર્તાઓ અમારા પેજ : “જલ્સા કરોને જેંતીલાલ” પર 

ટીપ્પણી