છૂપ્‍પા છૂપ્‍પી – તમને શું લાગે છે આ કપલે જે કર્યું છે એ બરોબર છે કે પછી…

છૂપ્‍પા છૂપ્‍પી

મોહિતે બ્‍લ્‍યુ ડેનિમ જીન્‍સનું પેન્‍ટ પહેર્યું, એની ઉપર ચિલિરેડ ટીશર્ટ ચડાવ્‍યું. કાંડામાં રોલેક્સ બ્રાન્‍ડની મોંઘા ભાવની રિસ્‍ટવોચ નાખી. ગળામાં સોનાની ચેન પહેરી શોકેસમાં પડેલી સ્‍પ્રેની બોટલ જાણે કપડા પર ઢોળી દીધી. મદહોશ સુગંધ રૂમમાંથી છેક બહાર સુધી વહી આવી. કોઇ લવ સોંગની ટ્યુન હોઠો વચ્‍ચેની સીટી બનીને બહાર ધસી આવી. બુટમોજા પહેરીને છેલ્‍લી નજર અરીસામાં નાખીને વાળના ઝુલ્‍ફા ઠીક કરી રહ્યો હતો ત્‍યાંજ અરીસામાં કોઇનું પ્રતિબિંબ દેખાયું. એક ઝાટકો મારીને એણે ડોક ઘુમાવી તો બાજુવાળા અનિતાભાભી હતા.

‘અરે, ભાભી તમે?‘ મોહિત મીઠુ સ્મિત કરી અનિતા સામે તાકી રહ્યો.

અનિતા આસપાસ જોઇને બોલી ‘કેમ? હું ન આવી શકું દિયરજી?‘

‘અરે, આવો આવો. વેલકમ.‘ મોહિત એક ડગલું પાછળ હટી ગયો.

‘થેન્‍કયૂ દેવરજી, પણ આજે શું વાત છે! આમ હીરોની જેમ ટનાટન તૈયાર થઇને કઇ બાજુની સફર?‘

‘ઓહ ભાભી, આજે કઇ બાજુ જવાનું છે એ તો મનેય ખબર નથી. પણ સુનંદા એના પિયર ગઇ છે અને અઠવાડિયું રોકાવાની છે. આજે રજા છે. તો થયું કે ચાલો, બહાર આંટો મારી આવું.

‘સુનંદા અઠવાડિયું રોકાવાની છે પિયરમાં?‘ અનિતા તેની મોટી આંખો મોહિત પર માંડતા બોલી, ‘એની તમારા વગર આઠ –આઠ રાત કેમ નિકળશે? ઇમ્‍પોસિબલ! આવા ચાંદના ટુકડા જેવા વરના વિરહમાં ચાંદની ઝાંખી પડી જવાની.‘

‘ઓહ ભાભી.‘ મોહિત શરમાઇ ગયો, તમેય પણ.‘

‘તો શું ખોટુ કહું છું દેવરજી?‘ અનિતાએ તેની કથ્‍થઇ રંગની આંખોનું સંમોહન મોહિત પર છોડ્યું, ‘આજકાલ કરતા તમે અમારી બાજુમાં રહેવા આવ્‍યાને એક વર્ષ થયું, પણ મને તો અઠવાડિયામાં જ તમારા શોખીન સ્‍વભાવની ખબર પડી ગઇ હતી. રોજેરોજ અપટુડેટ તૈયાર થઇને ઓફિસે જવા નિકળો એ કાંઇ પાડોશીથી થોડું અજાણ્યુ રહે!‘

‘હા હો ભાભી.‘ મોહિતે હસી પડતા કહ્યું, ‘મને કપડાનો, સ્‍પ્રેનો, ફરવા જવાનો ખુબ જ શોખ. આ જિંદગી ચાર દિન કી ચાંદની છે પછી શોખ શું કામ પૂરા ન કરી લેવા.‘

‘સાચી વાત છે દિયરજી. મને તો તમારા જેવા વરપ્ણાગી વર જ ગમે. સુનંદા એ બાબતે લકી છે.‘ અનિતાએ આંખો નચાવતા કહ્યું.

‘અરે, તમે પણ.‘ મોહિતે અનિતાની આંખોમાં આંખ માંડતા કહ્યુ, ‘એમ તો રણધીરભાઇ પણ તમને બહાર ફરવા લઇ જ જાય છે ને?‘

‘હવે એમની તો શું વાત કરું? હરીફરીને શેરીના નાકે આવેલી ભગવાન ભેળહાઉસમાં પાણીપુરી કે ભેળપુરી ખવડાવીને પાછા લાવે. તમે જેમ સુનંદાને મોંઘીદાટ હોટલમાં ડિનર માટે લઇ જાઓ છો એવું તો ક્યારેય એમને સપનુંય નથી આવ્‍યું. એમને તો આ ગામથી પેલું ગામ. ફલાણા શહેરથી ઢીંકણા શહેર. આ ટાયરની કંપનીમાં સેલ્‍સમેનની નોકરી છોડવાનું કેટલાય ટાઇમથી કહું છું પણ માને તોને? અને હું તો પરણીને આવી ત્‍યારથી આ ધોંકડા જેવા રૂમમાં ભરાઇ ગઇ છું. એ જ તો મારી દુનિયા.

લગ્‍ન થયે પાંચ વર્ષ થયા, પણ પાંચ વારેય પિક્ચર જોવા નથી લઇ ગયા અને એક આ અમારા બા-બાપુજીની ટકટક. હું તો કંટાળી ગઇ છું. આ હોળી-ધુળેટી જેવા તહેવાર આવે છે. કુંવારી હતી ત્‍યારે તો ફ્રેન્‍ડઝ ને રંગવા ગ્રુપમાં નિકળી પડતા પણ પરણીને આવ્‍યા પછી તમારા ભાઇએ ક્યારેય રજા નથી રાખી, હળી-ધુળેટી પર. પછી, મનેય મન થાય કે એકવાર મને પણ તેઓ રંગી નાખે પણ.‘ અનિતા નિશ્વાસ નાખતા બોલી, ‘બા-બાપુજી અઠવાડિયાથી મારા નાના નણંદને ત્‍યાં પુના ગયા છે અને અઠવાડિયું રોકાવાના છે પણ તમારા ભાઇને એમ ન થાય કે બે જણા એકલા છીએ તો.‘ અનિતાએ ફળફળતો નિ:શ્વાસ નાખ્‍યો. જાણે એમાં કુંવારા અરમાનના સપનાની રાખ ઊડી રડી હતી.
મોહિતે અવશ તેના ગાલે ટપલી મારતા કહ્યું, ‘એમાં મુંઝાઇ ન જાવ. બે દિવસ પછી તો આવશે ત્‍યારે એકસાથે વરસીને તમને એકસામટુ ભીંજવી દેશે.‘

‘પણ વેળા વીતી જાય પછી વરસાદ શું કામના? એને વરસાદ ન કહેવાય, દિયરજી એને માવઠા કહેવાય. વરસાદ તો તમારા જેવા શોખીન જણ જ વરસાવી શકે.‘ કરતા કરતા અનિતાએ મોહિતની છાતી સાથે પોતાનો ચહેરો રગડી દીધો. મોહિતના શરીરમાં અજબની કંપારી આવી ગઇ.

‘ભાભી.‘ તેનો સ્‍વર લથડ્યો. અનિતાની આંખોમાં ગોરંભો ઊમટ્યો. એ તુટક સ્‍વરે બોલી, હવે તો તું જ એકવાર વરસી જા.‘

અને બારણું ક્યારે બંધ થયું એજ ખબર ન રહી. કલાક પછી બંને બંધન મુક્ત થયા. મોહિત ગભરાતો ગભરાતો બોલ્‍યો, ‘ભાભી, શું થઇ ગયું?‘

‘તમે કોઇ પાપ નથી કર્યું.‘ અનિતા કપડા ઠીકઠાક કરતા બોલી, પણ એક સુક્કીભઠ્ઠ ધરતીમાં ધોધમાર વરસીને તેની તરસને છીપાવી છે.‘

અને પછી, મોહિતના ઝુલ્‍ફા સહેલાવતા કહ્યું, ‘તમે કોઇ ગિલ્‍ટ અનુભવો નહિં, તમે કોઇ ચિંતા પણ ન કરો. આપણે બંને બે દિવસ એકલા જ છીએ. લાઇફ એન્‍જોય કરીશું.‘

‘સાચી વાત છે ભાભી: સુનંદા પણ તમારા જેવી હોત તો મને થાત કે વી આર મેઇડ ફોર ઇચ અધર. પણ ઉફ! જવા દો. એ તો મારી ઇમોશન કદી સમજી જ નહીં.‘ આખરે મોહિત પણ બોલ્‍યો.

‘એટલે જ સ્‍તો તમને કહું છું ને દેવરજી.‘ પોતાની મારકણી આંખોની ભૂરકી મોહિત પર છાંટતા અનિતાએ તેને હળવા આશ્લેષમાં લેતા કહ્યું, ‘હું હમણાં ફટાફટ જમવાનું બનાવી નાંખું છું અને ચુપચાપ તમારી રૂમમાં આવી જાઉં છું. પછી સાંજે પિક્ચર જોવા નીકળી જઇશું અને રાત્રે? કોઇ હોટલમાં! અહીં નાહકના પડોશીની ઝપટે ચડી જઇએ.‘
‘વાહ ભાભી ફાઇન આઇડીયા.‘ મોહિતે અનિતાને ફરીવાર જકડી લીધી.

સુખશાંતિ એપાર્ટમેન્‍ટના જૂના જીર્ણજીર્ણ પાંચ માળના કુલ ૪૦ ફ્લેટમાં નિમ્‍ન મધ્‍યમવર્ગના રહીશો હતા. એક બેડરૂમ વરંડા અને કિચનમાં તેમનો સંસાર આ રીતે ફોરતો, મહેંકતો કે વિકાસ પામતો. ચોથા માળે છેલ્‍લા એક વર્ષથી મોહિત રહેવા આવ્‍યો હતો. ‘શણગાર બ્‍યુટિક્સ‘ નામની આલીશાન દુકાનમાં તે નોકરી કરતો અને આઠ હજાર પગાર હતો, પણ શોખીન જીવડો હતો. એક મહિનામાં એનો શોખીન સ્‍વભાવ અતરની મહેકની જેમ ‘સુખશાંતિ‘માં પ્રસરી ગયો હતો. બિલકુલ તેની સામેના ફ્લેટમાં રહેતા રણધીર કાલરાની પત્નિ અનિતા તેની લાઇફસ્‍ટાઇલ અને મજાકિયા આનંદી સ્‍વભાવથી આકર્ષાઇ ગઇ હતી અને કેટલાય દિવસથી તેના દિલમાં ધુંધવાઇ રહેલો પ્રીતનો ધુણો આજે પ્રજ્વલિત થઇ ઉઠ્યો હતો.

બપોર થઇ. મોહિત એટલામાં આંટો મારીને પાછો આવ્‍યો ત્‍યાં સુધીમાં તો અનિતાએ સુક્કીભાજી અને પુરી બનાવી નાંખ્‍યા. બંને જણ એક જ ડીશમાં ભરપેટ જમ્‍યા. સાંજે છ થી નવના શોમાં ‘ગેલેક્સી‘માં એક વિદેશી રોમેન્ટિક પિક્ચર જોઇને નક્કી કરેલા શેડ્યુલ મુજબ હોટલ ‘હેવન‘માં રૂમ બુક કરાવી લીધી. આખી રાત રોમાન્‍સભરી વીતી. સવારમાં છ વાગ્‍યે ઘસઘસાટ સૂતેલા મોહિતના ઝુલ્‍ફામાં હાથ ફેરવતી અનિતાએ તેને જગાડતા કહ્યું ‘મોહિત, ઉઠો હવે છ વાગી ગયા છે, આપણે વહેલાસર નીકળી જઇએ.‘

‘ઓહ ડાર્લીંગ. હવે ઘરે જવાનું મન જ નથી થતું.‘ મોહિતે તેને જકડી લેતા કહ્યું, ‘થાય છે કે આપણે બંને અહીં જ રોકાઇ જઇએ.‘

‘ગોઠવશું ગોઠવશું.‘ પોતાના ઉર સાથે મોહિતને ચાંપી દેતા અનિતાએ કહ્યું, ‘આ રીતે એકમેકને મળતા રહીશું. ઓ.કે.?‘

‘ઓ.કે. અનિતા.‘ કહી મોહિત ઊભો થયો. નહાઇ ધોઇ ફ્રેશ થઇ બંને રૂમ નંબર ૪૦૩માંથી બહાર નીકળી તાળુ મારતા હતા ત્‍યાં જ સામે ક્રોસમાં રહેલો રૂમ નંબર ૪૦૮નો દરવાજો ખુલ્‍યો અનિતા-મોહિતની નજર રૂમમાંથી બહાર નીકળેલા સ્‍ત્રીપુરુષ સામે ગઇ અને બંને ચોંકી ગયા. એ બીજુ કોઇ નહીં પણ રણધીર અને સુનંદા હતા!

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ અવનવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર..

ટીપ્પણી