ભગવા ભેખની ભીતર – એક સ્ત્રી પતિના મૃત્યુ પછી કેટલું સહન કરે છે એની લાગણીસભર વાર્તા…

ભગવા ભેખની ભીતર…

‘એ ભાવગર…‘
ભાવગર મંદિરનાં પગથિયાં ઊતરી નીચે આવ્‍યો ત્‍યાં જ શિવગર બાપુનો અવાજ સંભળાયો એટલે ભાવગરે ત્‍યાંથી જ કહ્યું : ‘એ હા બાપુ…‘

‘તું ક્યાં છો ? અહીં આવ.‘

‘એ આવુ બાપુ…‘ કહી ભાવગરે ટેકરી ઉપરથી પોતાની નજરને આઘેરેક લંબાવી જોઇ. લાખી ક્યાંય આવે છે કે નહીં એ જોયું. હા એ લાખી જ હતી. પોતાની નજર હવે લાખીની ચાલને પારખી ગઇ છે. અરે, ચાલને જ કેમ ? આખેઆખી લાખી જ કહેને ! એ આગળ વિચારે એ પહેલા બાપુની ફરીવાર બૂમ સંભળાઇ ‘એ ભાવગર..‘

પણ લાખીના રસ્‍તા ઉપર જ તેની નજર તો ખિતો થઇ ગઇ હતી એટલે એણે હોંકારો ન આપ્‍યો ને લાખીને આવતી જોઇ રહ્યો….

હમણાં હમણાં ત્રણ-ચાર મહિનાથી મંદિરની સફાઇ અને જે ચાર-પાંચ ગાયું મંદિરમાં રાખી છે એનું છાણ-વાસીંદુ કરવા લાખી આવે છે. બાઇ છે તો ત્રીસ-બત્રીસ વરસની ઉમરને ઉંબરે પહોંચેલી, પણ નરવાઇ ને નમણાઇ દેહમાં દોટ્યું દે છે… ચાર-પાંચ વરસનું માંડ સંસારનું સુખ માણ્યું ન માણ્યું ને મૃગજળના માછલા જેમ હાથમાંથી એ સુખ છટકી ગુયું…. સપનું જ કહોને ? કોણ જાણે શું થયું કે દેવશીને ટી.બી. થઇ ગયો…. નકર પાણા જેવો નક્કર દેહ હતો, પણ ટી.બી.નો ખાટલો એને ખાઇ ગયો…. જીંથરી ટી.બી. હોસ્પિ‍ટલમાંય દાખલ કર્યો. દાક્તરે કહી દીધું કે બને એટલો ‘ગરમ‘ ખોરાક લેવા માંડો પણ દેવશીએ કીધું કે ‘ઇ તો આ ભવમાં નહીં બને પણ હવે જ્યાં હું જનમ લઇશ ને ન્‍યાય ઇ નહીં બને….‘
અંતે શરીર ગળતું ગયું. બરફ ગળે એમ ! અને એક દી‘ લાખીના સેંથામાં પૂરેલું દેવશીના નામનું સિંદૂરેય ઓગળી ગયું….! એક આશા હતી : બે વરહનો એક દૂધમલિયો દીકરો, દેવશી આપીને ગયો હતો…. દુ:ખનું ઓહડ દા‘ડા ! દુ:ખ કપાતું ગયું…. સગાંવહાલાં, મા-બાપ, ભાઇ-ભોજાઇ, બેન-બનેવીએ તો કીધું કે : આમ મનને ભાંગી નાખ્‍યમાં ! ચડતી જુવાની છે ને જિંદગી લાંબી પડી છે. તારું રૂપ ને તારો વળોટ જોતાં તો એક કરતાં એકવીસ આદમી મળી રહેશે પણ લાખી નો માની તે નો જ માની… છૂટક દાડિયું કરી ખાતી. ઇંધણ વીણવા જાતી, કડિયાની હારો-હાર ટોપલીયું બની જાતી, કાલાં ફોલવાં જાતી. થાકીને લોથપોથ થાતી ઘેર આવતી પણ બચુડાને બે ઘડી જોતીને ત્‍યાં તો એ થાકેય ઊતરી જાતો ને રંડાપાનું દરદ આંખ્‍યુંમાં ઓગળી જાતું ને બચુડાને ધવરાવતાં ધવરાવતાં તેને બમણો ઊજમ ચડી જાતો…
પણ દુનિયા સીધી નથી હોતી. એમાંય આદમીની જાત આવી ગભરું બાઇને સખ્‍યે જીવવા દેતી નથી હોતી. લાખીનો કસાયેલ દેહ અને ઘરંલુ રૂપ ઘણાનીય આંખ્‍યમાં વસી ગયું હતું…

શરૂ શરૂમાં લાખી ગામધણી અજુભાની ડેલીએ કામ કરવા જાતી. અજુભા અને રમાબા હરખી રીતે સાચવતાં. વીઘાબંધ ડેલી દોઢીને રંગમોલ જેવા ઘરના ચાર ઓરડાની સંજવારી, બે-ત્રણ નવચંદરીયું ભેંસની કોઢમાં છાણ-વાસિદુ અને બપોર કેડ્યે કરાળની વાડીની દાડી…! કામ મળી રહેતું હતું. અને મા-દીકરો જિંદગી બસર કરતાં જતાં હતા. પણ એક દિવસ વાડીએ કોઇ દાડિયા આવ્‍યા નહોતાં ને રજકાના કેરામાં ભેંસુ માટે રજકો વાઢતી લાખીની માંસલ પીઠ આડેથી ઓઢણાનો છેડો નીકળી ગયેલો. આભલાની જેમ આંખ્‍યુમાં સમાઇ જતી એની ગૌર, માંસલ પીઠ અજુભાની આંખ્‍યુંમાં સમાઇ ગઇ. ઝબ્‍બ કરતુંકને કાંડુ જાલ્‍યું… લાખી ફફડી ગઇ. જોયું તો અજુભા.

‘તમે ?‘ લાખીના હોઠમાંથી માંડ માંડ શબ્‍દો ફૂટ્યા.

‘હા લાખી હું ! કે‘દુની કહું કહું થતી વાત આજ હોઠે આવી ગઇ છે !‘

‘એટલે ?‘

‘સમજી જા લાખી ! જુવાન છો. શરીર નરવું છે. પણ એ નરવાઇ ત્‍યારે જ રે‘શે જ્યારે કોઇ પુરૂષનું પડખું મળશે.‘

‘મારો આદમી મોટા ગામતરે વયો ગયોને અજુભા, તે‘દુની મારી આંખ્‍યમાંથી એ વાસનાય વઇ ગઇ. હવે તો નાના-મોટા ગમે ઇ આદમી મને કાં દેખાય છે ભાઇ, કાં બાપ…! તમારે શું થાવું છે? બાપ કે પછી ?‘

લાખીનું કાળઝાળ રૂપ જોઇ અજુભા ડરી ગયા. કાંડું મુકાઇ ગયું. લાખી ચાલી ગઇ…

પંદરેક દિવસ વીતી ગયા હતા. લાખી ઘરે બેઠી હતી. ક્યાં કામ ગોતવા જાવું ? એમાં એક દી‘ પડખેની શેરીમાં રહેતો કરશન કડિયો આવ્‍યો ને બોલ્‍યો : ‘ભાભી, પડખે શહેરમાં બે મોટી બિલ્‍ડીંગું બને છે. તમારે જો આવવું હોય તો આવો, સાઠ રૂપિ‍યા રોજી મળી રહેશે.‘

‘હું આવું કરશનભાઇ… પણ શેમાં આવું ? ગામ તો દોઢ ગાઉ આઘું છે. બસેય ટેમે મળતી નથી. ટેમ્‍પાવાળાનું કંઇ નક્કી નહીં.‘

‘હું છું ને ભાભી. મારી ‘એઇટી‘ છે. હું લઇ જાશ.‘

‘પણ-‘

‘તમ તમારે કાંઇ ચિંતા ફિકર્ય કરશો મા. દેવશી મારો સગા ભાઇ જેવો હતો. આ એ નાતે હું તમારો દેર કે નહીં ? એમાં મારી બીક રાખવાની ?‘

‘ના.. ના.‘ પોતાના મનોભાવને કરશને કળી લીધા એટલે થોડી ભોંઠપ આવી ગઇ. એ બોલી ઊઠી : ‘વાંધો નહીં, હું તિયાર રઇશ કાલ સવારે આઠ વાગ્‍યે….‘

બન્‍ને જવા માંડ્યા. બે મહિના કામ હારે કર્યું પણ આ બે મહિનામાં ક્યારે લાખીને કરશન પ્રત્‍યે મોળું ઓહાણ ન આવ્‍યું. એમાં આવ્‍યું ચોમાહું. અષાઢી મહિનાનું આભ… ને કાળી ભમ્‍મર રીંછડીયું જેવી વાદળિયું હડિયાપાટી લેવા માંડી… કરશન ગાડી પાછળ લાખીને બેસાડીને આવતો હતો. વરસાદ મંડ્યો દેવા. વા-ઝડી, પવન, વરસાદ… બધું ભેગું થયું. બંને ભીંજાઇ ગયાં. કુદરત આગળ મશીનરી ફાવી નહીં. પ્‍લગમાં પાણી ભરાઇ જવાથી મોટરસાયકલ બંધ પડી ગયું. બંને મોદળિયાના ડુંગર પાસે ખીજડા નીચે ઊભા રહ્યાં. કરશને બીડી જેગવી. ઠંડીની મોસમમાં શરીરમાં ગરમી આવી ગઇ ને એનેય પોતાની પત્‍ની રંભાનું માંસલ શરીર યાદ આવી ગયું… સૂર્ય તો ક્યારનોય ડૂબી ગયો હશે કોને ખબર ! વરસાદને લીધે ક્યાંય કશું કળાતું નહોતું. લાખી ઊભી હતી. કરશનની નજર અચાનક લાખી ભણી ગઇ તો વરસાદને લીધે તેના વસ્‍ત્રો શરીર ઉપર ચોંટી ગયા હતા. ભીનાં વસ્‍ત્રોમાં તેની સવળોટી કાયા નખશિખ ઉપસી આવી હતી. અમૃતકુંભ જેવા ઉરોજના ઉભારે કરશનની આંખ્‍યમાં વાસનાના તણખા ચોંટ્યા… એ ઓરો આવ્‍યો. શ્વાસો શ્વાસ ગરમ બની ગયા. લાખી પાછી હટી પણ એ પહેલાં તો એણે ‘ભાભી…‘ કહેતાં બથ ભરી લીધી. લાખીએ આંચકો કાર્યો : ‘કરશનભૈ, આ શું કરો સો ?‘

‘લાખી… હવે હું કરશનભૈ નઇ, એકલો કરશન… અને તું જ મારી લાખી…‘

‘કરમચંડાળ ! હરામખોર…‘ કહેતાં લાખીએ ઝનૂનથી અવળા હાથની એક જ અડબોથ તેના ગાલ ઉપર નાખીને કરશનના માથેથી વાસનાના ભૂતનો નશો ઉતરી ગયો. પરિસ્થિતિનું ભાન થતાં તે પગમાં પડી ગયો. ‘ભાભી મને માફ કરો… ‘

‘માફી ?‘ લાખી કરૂણતાભર્યું હસી ‘ભલા માણસ, મેં તને સગા દે‘ર જેવો ગણ્યો ને આજ તેં સગા દે‘ર જેવાએ ઊઠીને સગા ભાઇની આબરૂ ઉપર જ હાથ નાંખ્‍યો… રે‘વા દે. આજ હું તને માફ નહીં કરી હકુ… કહેતી એ એકલપંડે ગામ ભણી હાલી નીકળી…! તેદુની પુરુષજાત ઉપર નફરત થઇ ગઇ હતી…

બધા આદમી એક જ ચૂલાના તણખા છે ને એક જ ઓગાણની રાખ છે એવું થયું…! ઉંમર નાની હતી એટલે રંડાપો ગાળતાં ગાળતાં જે દુ:ખનો ભાર, જે બોજ સહન કરવાનો આવતો એ બોજો એકલપંડે જ વેંઢારવાનો હતો. કોઇ સગાવાલાને બે શબ્‍દો કહેવાય જાય તો એ છાંટા અંતે તો પોતાની તરફ જ ઊડવાના !

પંદર-વીસ દિવસ ઘરે બેઠા પછી રૂપિ‍યા ખૂટ્યા. અંતે પડખે રહેતા ભગતબાપાએ શિવગર બાપુને ભલામણ કરી દીધી ને મંદિરની સેવાચાકરીનું કામ મળ્યું. સેવાની સેવા ને ભગતિ ની ભગતિ ! સાંજ પડ્યે બે ટાણાં મા-દીકરા માટે બાપુ જમવાનું આપતા અને સવાર-સાંજ શેર દૂધ આપતા. વારપરબે પૈસાની જરૂર પડતી તો પોતાના સેવક સમુદાયમાંથી પચાસ-સો રૂપિ‍યાનો જોગ કરી દેતા…

પરંતુ હમણાં હમણાંથી આ ‘ભાવગર‘ કરીને કોઇ નવો ચેલો જગ્‍યામાં આવ્‍યો છે એની કૂડી નજર લાખી પલક વારમાં પામી ગઇ હતી.

પોતે છાણવાસિદું કરવા કોડ્યમાં જાતી તો ભાવગર ત્‍યાંય પાછળ પાછળ આવતો. કોઇને કોઇ બહાને હાથ, આંગળાને અને શરીરને અડકી લેવાની તેની ધખના અછાની ન રહેતી….

ઘણીવાર બાપુ બહારગામ ગયા હોય ત્‍યારે લાખી લાજ-મર્યાદાનો ઉંબરો ભાવગર વળોટી ન જાય એટલે સાવચેતીથી મંદિરની સફાઇ, કચરો વાળીચોળીને પછી નીચે ઊતરી આવતી અને પછી ગાયનું છાણ વાસિદું પતાવી ઝડપભેર ઘરે પહોંચી જતી.

ત્‍યારે ભાવગર હળવે હળવે ટેકરી ઊતરી, તેની પાસે આવીને ઊભો રહેતો. બોલું બોલું થતી તેની જીભમાંથી શબ્‍દો ફૂટતાફૂટતા : ‘લા…ખી..‘

‘હં..‘ લાખી તેની સામે જોઇ રહેતી કે ભાવગરના માટીપગા પગ ગારો ગારો થઇ જતા. એ બોલતો : ‘કાંઇ નહીં કાંઇ નહીં…‘

‘ના, ના. ભાવગર મા‘રાજ. બોલો, જે કામ હોય ઇ બોલી નાંખો.‘

‘ના ના લાખી, ક્યારેક વાત.‘ કહી પગથિયાં ચડી જતો હતો…

લાખીએ આઘેથી જ, પોતાને તાકીને ઊભા રહી ગયેલા ભાવગરને જોઇ લીધો એટલે સઘળું તેની સમજમાં આવી ગયું. એ આવી ગઇ. તેની કસદાર જોબનવંતી કાયાને ભાવગર આજ ધારી ધારીને તાકી રહ્યો હતો. ત્‍યાં જ લાખી આવીને બોલી : ‘શું મહારાજ? આમ રસ્‍તા વચાળે ઊભા રહીને કોને ગોતતા હતા ? કોઇની વાટ્યો જોતા‘તા?‘

‘તને લાખી, તને…‘ ભાવગરના હોઠ ઉપર શબ્‍દોનો મધપુડો આવીને બેસી ગયો. પણ પછી મનમાં જ બોલ્‍યો : ‘વાટ્ય તો તારા સિવાય આ જિંદગીમાં કોની રહી ગાંડી ? અતાર લગણ તો કોઇ બાઇમાણહને જોઇને મનને કાંઇ થયું નહીં ને આજે ભગવાં પહેરી લીધા પછી દહ દહ વરસે મને આમ ઓચિંતાનો અભરખો કેમ જાગ્‍યો એ જ ખબર પડતી નથી… અને સાચું કહું તો એક‘દી આભમાં ઊગે છે ને એક દી મારામાં ઊગે છે. સવાર પડે છે ને મનમાં પણ તારા આવવાના ભણકારા ઊગવા માંડે છે. અને જ્યારે તને જોઉં છું ત્‍યારે હું જ એવો ખોવાઇ જાઉં છું કે હું જ મને જડતો નથી…
લાખી તાકી રહી. ભાવગર તેની કથ્‍થઇ આંખોમાં ડૂબી ગયો હતો. ત્‍યાં જ શિવગર બાપુએ સાદ પાડ્યો. ભાવગર પગથિયા ચડવા લાગ્‍યો પણ પાછું વાળીને લાખીને જોવાની લાલચ રોકી ન શક્યો.

બપોર ચડી ગઇ હતી, બાપુને પડખે રામપર જવાનું હતું એ દસેક વાગ્‍યે નીકળી ગયા હતા. હવે ભાવગર એકલો જ હતો. પણ ના, પોતાને થયું, પોતે એકલો નહોતો, લાખી પણ હતી… લાખી છાણવાસિદું પતાવી, નીચે રહેલા નળના ચકલે હાથ-મોં ધોઇ રહી હતી. હવે એ ટિફિન લેવા ઉપર આવશે. બાપુ એને સોએક રૂપિ‍યા આપવાનું કહી ગયા હતા બધો મેળ હતો અને એ મેળ આજે પાર ઉતરી જવાનો હતો…

હાથ-મોં ધોઇ લાખી ઉપર આવી રહી હતી. ભાવગર તેને તરસી નજરે તાકી રહ્યો. લાખી ઉપર આવી. બપોરના લગભગ બારેકનો સુમાર થયો હતો. લાખીએ ઉપર આવીને સાવરણી લીધી. આંગણ-ચોગાન સાફ કરી નાંખ્‍યું ને તે ઊભી રહી.
‘લાખી…‘ મંદિરના રસોડામાં જમવાનું બનાવ્‍યું છે. તારું ટિફિન…‘

‘હા‘હા.‘ કહીને લાખી મંદિરના રસોડાની ઓરડીમાં ગઇ. ભાવગરે આજુબાજુ જોયું : કોઇ આવતું તો નથી ને? પણ ના, કોઇ આવતું નહોતું. એણે હળવેકથી ઓરડીમાં પગ મૂક્યો ને ક્યારે પોતાની આડો સાંકળ થઇ ગઇ એય ખબર ન રહી. કામનું વિષ રૂંવે રૂંવે વ્‍યાપી ગયું હતું…. લાખી ટિફિન ભરતી હતી. એણે પાછળથી આવીને પોતાના હાથ લાખીને ગળે વીંટાળી દીધા…. ઘડીભર તો ફડકો લાગ્‍યો, પણ પછી…

લાખી કશું બોલી નહીં ભાવગરના શબ્‍દો લથડ્યા : ‘લા…ખી..‘

‘હા મહારાજ…‘ લાખી હવે સવળું ફરીને બોલી : ‘હા મહારાજ… ભોગવી લ્‍યો. તમારી લાખી તમારી સામે જ ઊભી છે. મૂળ તો તમારે મારી કાયા જ જોતી છે ને ? તો માણી લ્‍યો મારી કાયાને.‘

‘હા લાખી, એ કાયાએ તો મારા જેવાનાં રૂદિયાનેય ભાંગી નાંખ્‍યું છે…‘

‘તો પછી આ તમેય તમારી કાયા ફરતે વીંટાળેલા ભગવા ભેખના ભરમને પણ ભાંગી નાખો…‘

‘લાખી… તું આ શું બોલે છે ? હું તને મારી પત્‍ની બનાવીશ. હું તને ફૂલની જેમ સાચવીશ.‘

‘ભાવગર મા‘જ… જગતના ચોકમાં જેટલા આદમી હતાને એમાંથી એકમાતર, દેવશીના નામની ચુંદડી ઓઢીને લાખીએ એની હાર્યે ચાર ફેરા ફરી એક ભવ જીવી લીધો છે. હવે એક ભવમાં બે ભવ લાખીને કરવા નથી… અને એક વાત તમે બીજી સાંભળી લ્‍યો… આદમીની જાત… સંધાય સરખા એ પછી ભોગી હોય કે પછી હોય જોગી…. મૂળતો એને અસ્‍તરીની કાયાની હાર્યે જ નિસ્‍બત હોય છે. અરે, તમારા કરતાં તો જનાવરની જાતેય સારી કે ઇય ટાણાની મરજાદ જુએ અને તમે આજે ભગવો પહેરીને ? પણ હવે તમને કાંઇ નહીં કહું અતાર લગણ કેટલાય આદમીનાં આવા કૂડાં પારખાં થઇ ગયા છે તે હું આંયા આવી. થયું કે, થોડુંક સત હજી આંયાં મંદિરમાં ને તમારી જેવા જોગીઓમાં ટક્યું છે પણ આજે તો ઇ ભરમનોય ભાંગીને ભૂક્કો થઇ ગ્‍યો. લ્‍યો, હાલો એટલે તમનેય…‘ કહેતાં એણે સાડલો કાઢી નાખ્‍યો અને ચોળીના બટન ખોલવા લાગી….

પણ ત્‍યાં જ ‘ના ના લાખી… રહેવા દે. હું ભાન ભૂલી ગયો. કોઇ દી‘ ક્યાંય નહીંને તારા જેવી સતી ઉપર જ મારી નજર બગડી ?‘ કહેતાં ભાવગરના હૈયામાં પારાવાર પસ્‍તાવો થયો ને એ પૂર આંખ્‍યુંમાં આવી ગયાં. એ બોલી ઊઠ્યો : ‘મને માફ કરી દે લાખી, મેં આવું પાપ કેમ કર્યુ…. નક્કી નક્કી… હજી ક્યાંક મારા મનમાં કોઇ ડાઘ રહી ગયો છે, એ હજી ધોવાયો નથી.‘

‘હા મા‘રાજ, ફક્ત આ કાયા ઉપર ચડાવવાથી જ એ ડાઘ ધોવાતા નથી પણ તમારું મનેય ભગવા રંગે ધોવાવું જોવે..‘

‘હા લાખી..‘ કહેતાં એણે ‘શ્રી રામનામ‘ લખેલો ભગવો ખેસ લાખીની ઉઘાડી કાયા ઉપર ઢાંકી દઇ આગળ-પાછળ કશું પણ જોયા વગર એ બહાર નીકળી ગયો ને શિખરબંધ મંદિરના ગર્ભગૃહમાં તેની ચાખડીઓનો ‘ખટ.. ખટ‘ અવાજ ગુંજી રહ્યો.

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ અવનવા વિષય પર વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી