ભાભીઃ હૂંફાળો સબંધ ધરાવતુ વિશેષણ…

કવિ બોટાદકરની એક સુંદર કવિતા છે,

ટહૂકે વસન્‍તકુંજ કોકિલા રે લોલ
ઘરમાં ભાભીના એવા ગીત રે
ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ
વીરા મારાની મધુર મોરલી રે લોલ
નવલા, એ રાગ વહે નિત્‍ય રે—ભાભીના..
છોડી પિયરની એણે પાલખી રે લોલ
મૂકી માયા ભરી માત રે
ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ…

ભાભીની મૃદુ, લાગણીશીલ, માયાળુ, પ્રેમાળ, સ્‍વપ્‍નીલ અને સંતોષશીલ સંસ્‍કારયુકત રૂપ—મૂર્તિને ઉજાગર કરતી આ કવિતા, કવિતા જ નથી માત્ર બલ્‍કે એક ભાવગીત છે. સાચા હ્રદયથી ગવાયેલુ લખાયેલુ. એક કુંવારી કન્‍યા જયારે પરણીને સાસરે સિધાવે છે ત્‍યારે કોઇ માવતરની દીકરી મટી જઇ ‘પુત્રવધુ‘ કે ‘કુલવધુ‘ બને છે. પીઠી જયારે ચોળાય છે. મીંઢળ જયારે બંધાય છે, કોઇના નામનું પાનેતર પહેરી લગ્‍નના માંડવડા નીચે બેસીને કોઇની સાથે ચારફેરા ફરે છે એ ભેળાં જ પિયરના નામના કે ગામના સરનામા ભૂલી જવા પડે છે. કુંવારી હથેળીમાં આળખેલી મેંદીનો ભાતની હારોહાર જ સાસરવાટના સરનામા ચિતરાઇ જાય છે.

પહેલા જયારે કુંવારી હતી ત્‍યારે મહેંદીની ભાત સખીઓને બતાવતી હવે એ જ ભાત જોનારૂ અન્‍ય કોઇક જણ ઉપસ્થિત છે. એટલે જ સ્‍તો એ એક ગીતમાં એના દિયરને કહે છે. હાથે રંગીને વીરા ? શું રે કરૂં એનો જોનારો પરદેશ રે, મેંદી રંગ લાગ્‍યો કન્‍યા પરણીને સાસરે આવે છે એ પહેલાના તમામ સબંધો હવે પારકા થઇ જાય છે અને હવે પારકા સબંધોને પોતાના કરવાના છે. લગ્‍ન પહેલા એ મા-બાપ, ભાઇ-ભાભી, ભાણી, કાકા-કાકી, માસા-માસી, મામા-મામી કે બ્‍હેન અને ભાઇઓના સબંધોની બંધાયેલી હતી એ સબંધોને અળગા કરવા પડે છે, પહેલા મમ્‍મી-પપ્‍પા હતા તેની જગ્‍યાએ સાસુ-સસરા આવી ગયા છે. નટખટ નણંદ હતી હવે એ નટખટ પણુ છોડવુ પડે છે, કારણકે પોતે ખુદ કોઇની ભાભી બની છે.

— ભાભી

બહુ લાડકુ નામ અને એવો જ નાજુક સબંધનો ઉદભવ થયો છે. કવિ આગળ લખે છે.

સાધી શકે ન અમર સુંદરી રે લોલ,
એવો અમોલ એનો ત્‍યાગ રે
શાં શાં તે મૂલના એના આંકિયે રે લોલ,
શાં શાં સમર્પિ‍યે સોહાગ રે ભાભીના..

કવિ ભાભીના ભાવ સ્‍પંદનોને મધુર, મધુર કલ્‍પનો, રૂપકો અને ઉપમા વડે શણગારે છે. સાસુજી,
જેઠાણી, કાકીજી કે ફઇજીની સાથે કદાચ એકદમ નિકટના કે નિખાલસ સબંધો બંધાતા વાર લાગે છે. જયારે નણંદ સાથે બહુ ટૂંકાગાળામાં નિખાલસતા કે સબંધોની ગાઢી બંધાઇ જાય છે. એમાં સરખી ઉંમર પણ કદાચ કારણભૂત છે કે ‘સખી‘ નો સબંધ વધુ અભિપ્રેત લાગે છે. નાની નણંદ પણ હૈયામાં ગૂંથાતા કોડ અને ધલવલતી વાત ઉલઝન, મૂંઝવણ કે મનોભાવને ભાભી આગળ ખુલ્‍લી મૂકતા હવે અચકાતી નથી. કેટલીક
અંગત વાતોને કે મનોદ્વેગને પણ વ્‍યકત કરતા શરમાતી પણ નથી. પહેલાતો દિવસ આથમ્‍યે અંધારૂ થાય એ પહેલા ઘરભીતર થઇ જવાની સૂચ્‍ના આપતા મમ્‍મી-પપ્‍પાને હવે નણંદ ‘‘ ભાભી સાથે છે‘‘ નું પ્રમાણપત્ર
રજુ કરે છે. અને મા-બાપાનું એન.ઓ.સી. (નો ઓબ્‍જેકશન સર્ટીફીકેટ) આપોઆપ મળી જાય છે.

કુંવારી નણંદ કોઇને હૈયુ દઇ બેઠી હોય તો એ પહેલી વાત ભાભીને કરે છે. યુવક સારો, સમજદાર અને સંસ્‍કારી હોય તો ભાભીએ વાત પોતાના પતિ આગળ મૂકે છે અને કદાચ વડીલો આગળ બધું સીધું પડી ગયું તો નણંદ જન્‍મારો આખો ભાભીના ઋણને ભૂલતી નથી. અલબત્ત, આ બાબતના જસ-અપજશની તમા તૈયારી સાથે ભાભીએ ઉભુંય રહેવુ પડે છે પણ પોતે આ બાબતમાં શ્રધ્‍ધેય છે. તેને વિશ્વાસ છે કે હું જે બાબત કરી રહી છું તે પોતાની નણંદ માટે કરી રહી છું. મારો તો આમાં તલભારનો પણ સ્‍વર્થ નથી. પરંતુ આ બધુ ભાભીના સ્‍વભાવની સાયકોલોજી અને નણંદ પ્રત્‍યેના નેહના મેથેમેટિકસ ઉપર આધારીત છે.

નાનકડી નણંદ કે દિયર પણ ભાભી પાસેથી પૈસા પડાવી વાપરવાનો નિર્દોષ આનંદ માણે છે. કોઇ કુંવારી કન્‍યા પિયરને વેગળું કરીને પુત્રવધૂ બનીને સાસરે આગમન કરે છે. ત્‍યારે જો તેને સૌથી વધારે યાદ આવતુ પાત્ર હોય તો તે મા-બાપ પછી ભાઇઓ છે. એમાંય જો સઘળા ભાઇબહેનોમાં પોતે મોટી ‘દીદી‘ હોય તો તે નાનકા ભાઇઓ માટે સદાય ઝુરતી રહે છે. સાસરે એ જગ્‍યા કદાચ દિયર પૂરી દે છે. કોઇ વહાલસોયો નાનકો દિયર આખો દિવસ ભાભી, ભાભી કરતો તેની પાછળ પાછળ જ ફર્યા કરે છે. ત્‍યારે ભાભી પણ દિયર પ્રત્‍યે અનોખી લાગણીથી ખેંચાતી જાય છે.

‘ભાભી‘ ના સ્‍નેહ, સમર્પણ, પ્રેમ અને કુટુંબ પ્રત્‍યેની લાગણીને કેન્‍દ્રમાં રાખીને કેટલાક ચલચિત્રો પણ બન્‍યા છે. જેમાં ‘ભાભી‘, ભાભી કી ચૂડીયા‘, ‘ભાભીના હેત‘ (ગુજરાતી), ‘નદિયા કે પાર‘, ‘હમ આપકે હે કૌન?‘, ‘ દિયરવટુ‘, ‘હમ સાથ સાથ હે‘ વગેરે ફિલ્‍મોમાં ભાભીના સમર્પણનું ગાન છે તો કેટલાક ઉપર દર્શાવેલ ફિલ્‍મોમાં ભાભી અને દિયર વચ્‍ચેના નાજુક ધાગા જેવા સબંધોનું સંવેદન પણ દ્રશ્યમાન થાય છે.

ગુજરાતી સાહિત્‍યમાં ઉમાશંકર જોષી, પન્‍નાલાલ, પેટલીકર, દેવશંકર મહેતા, ઝવેરચંદ મેઘાણી, જોસેફ મેકવાન, મણિલાલ હ. પટેલ, મોહનલાલ પટેલ, મનહર રવૈયા અને આ લખનાર જેવા વાર્તાકારોએ ભાભી અને દિયર વચ્‍ચેના મીઠાશભર્યા સબંધો કે મનોસંઘર્ષને વ્‍યકત કરતી વાર્તાઓ લખેલી જોવા મળી છે.

દિયરના લગ્‍ન વખતે વરમાં બનીને વ્‍હાલવાનું ભાભીને માટે અમૂલ ટાણુ છે. દિયરને ખોળામાં માથુ લઇ હળવે હાથે તેલ ઘસી દેતી ભાભી બીમારી વખતે દિયરના કપાળે હળવે પોચાં પોચાં હાથે બામ કે વિકસ લગાવી દેતી ભાભી, દિયર નોકરી કરવા ઇન્‍ટરવ્‍યુ આપવા કે પછી પ્રવાસ, ટુરમાં નીકળતા હોય ત્‍યારે દિયરના કપડાને ઇસ્‍ત્રી કરી દેવાથી માંડીને બેગ તૈયાર કરી આપતી ભાભી, થાકયા પાકયા દિયર માટે લીંબુનુ શરબત, ચા કે કોફી બનાવી આપતી ભાભી, દિયરની મુશ્‍કેલી વખતે વચલો માર્ગ કાઢીને દિયરની મુશ્‍કેલી દુર કરી દેતી ભાભી, સાજે માંદે ખડેપગે રહીને પડયો બોલ ઝીલતી ભાભી, દિયરના ‘ખિસ્‍સા ખર્ચી‘ માટે પોતાની પાસે રહીસહી રહેલી રકમનું સમર્પણ કરી દેતી ભાભી, લગ્‍ન પછી હનિમૂનમાંથી પાછા ફરતી વખતે ખાસ યાદ રાખી નાનકડા દિયર માટે કિંમતી કાંડાઘડીયાળ, ગોગલ્‍સ, કેલકયુલેટર, પેન, મ્‍યુઝિકલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ કે પછી શર્ટ-ટીશર્ટની અનોખી પ્રેઝન્‍ટ લઇ આવતી ભાભી ? પરંતુ આ બધા સુમધુર પ્રસંગો જોઇને હદય ગદગદ થઇ જાય છે.

લેખક : યોગેશ પંડયા

જો તમારે પણ ભાભી છે અથવાતો તમે કોઈના ભાભી છો તો શેર કરો આ સુંદર વાત.

ટીપ્પણી