બાજરાનો રોટલો, ભાઠાના રીંગણાં અને સાનીઃ તેહિનો દિવસાઃ ગતાઃ

નવી નવેલી દુલ્‍હન જેમ પ્રિયતમના ઓરડે કુમકુમવંતા રૂમઝુમ પગલાં પાડે, બસ એમ જ ચૂપકે ચૂપકે ચોરીચોરી શિયાળો મંદમંથર પગલે આવ્‍યો તો ખરો પણ અચાનક જ પછી આપણને ખબર પણ ન પડે એમ માગશરની વંડી ઠેકીને અધમધરાતે સીધો આપણા શયનખંડની બારીની તિરાડમાંથી પોતાના વસ્‍ત્રો સંકોરીને પ્રવેશી ગયો. શનિવારે રાત્રે ઠીકઠીક ગરમીના સાનીધ્‍યમાં પંખાના ત્રણ પોઇન્‍ટ સાથે હવા ખાતા સૂતા હતા પણ રવિવારે જાગ્‍યા ત્‍યારે થયુ કે ઓહ ? આ શું ? અચાનાક ટાઢ ? કંબલ-શાલ અને કોટ શોધવા જવું પડયું અને ફરી પાછુ શિયાળાની સવારની રજાઇમાં શરીર છૂપાવીને સૂઇ જવાનું મન થઇ ગયું – એ જ આ નટખટ શિયાળો, ઓણેસાલ ખતખબર આપ્‍યા વગર છાને પગલે આવી ગયો છે. નહિતર તો દર સાલ દિવાળીના પરબ આવે ત્‍યારે ધીરે ધીરે તેનો પગ પેસારો થઇ જતો માલુમ પડે છે. બેસતા વરસને દિવસે તો સ્‍વ્‍ેટર પહેરવું પડે, શાલ ઓઢવી પડે. પણ ઓણસાલ દિવાળી ગઇ, સાથોસાથ કારતક પણ કોરેકોરો જ ગયો. ટાઢ કયારે પડશે ? એવુ ખેડૂતો વિચારતા હતા કારણકે શિયાળુ પાક જીરૂ અને શિયાળાની ટાઢને રેડો સબંધ છે. જેમ સાંવરીયાના હેતના હુલ્‍લાળામાં પ્રિયતમાના રોમેરોમ પુર્ણપ્રન્‍ના અને તૃપ્‍તિથી મહોરી ઉઠે એમ જ જેવી શિયાળાની ટાઢ ત્રાટકે છે, ત્‍યારે જીરૂ વધ્‍યે ચડે છે. મુખરિત થાય છે. અને મહેકે છે. થોડા અંશે ઘઉં પણ ખરા જ, મારી કિશોરાવસ્‍થા અને ઉગતી યુવાનીનો ગુલાબી કાળતો છે. મારા ગામનું વીડ અરે આ શિયાળાની શનિ-રવિની બપોર, ત્‍યારે એવી ટાઢ પડતી, જેથી, મારા ગામની વીડમાં કાઠીયાવાડી કન્‍યાની કાયા જેમ આડબીડ ફુલીફાલી દેશી બોરડીની લાલચટ્ટક ચણીબોર હાથમાં ઉભરાઇ જતાં એ બોર ચૂંટલા અમે ભાઇબંધો સાથે શનિવારની બપોરે દફતર ખભેથી વેગળું કરી ન કરી, લુસપૂસ ખાઇને વહ્યા જતા ને છેક સાંજે આવતા પણ આવતા ત્‍યારે ચડ્ડીના બેય ખિસ્‍સા બોરથી હાંફતા હોય, બુશકોર્ટના ખિસ્‍સા પણ ખરા જ. અલબત, અમારી આંગળીઓના ટેુરવા કાંટા ચૂભવાથી લાલ ચટ્ટક થઇ ગયા હોય પણ એ દર્દ અમારે માટે શ્રુલ્‍લક લાગતું પગની પાનીમાં પણ દેશી બાવળની શૂળ ભોંકતી પણ એ તો ભાઇબંધ કાઢી દેતા, પછી એ ચૂભન બોરના ખટમીઠા સ્‍વાદમાં કયાં ભૂલાઇ જતું એ જ ખબર ન પડતી, હવે એ બોર જોઉ છું ત્‍યારે મારી મનની આંખો સામે મારા ભાઇબંધો, શનિરવિની ઢળતી બપોર, વીડમાં રખડવાનો આનંદ, લૂંબઝૂંબ થતી બોરડીઓ તરસ્‍યા થતા ત્‍યારે અડખેપડખેની વાડીઓમાં ટૂકટૂક થતા એન્‍જીનની મશે પડતા ધધૂડામાં ખોબો રાખીને પાણી પીવાનું સુખ અને પછી છાસટીયાની હેઠવાસમાં પડેલા ખાટલા ઉપર લંબાવી દેતા ડિલ, હજી ઘણીવાર દોડીને ચાલ્‍યુ જવાનું મન થાય છે. પણ શહેરી આંચળા એટલુ સાહજિક તન અને મનને થવા દેતા નથી.

લોકસાહિત્‍યમાં એક દુહો છેઃ કાઠીયાવાડમાં કો‘કદી ભૂલો પડ ભગવાન; થા મારો મહેમાન તો સ્‍વર્ગ ભુલાવું શામળા; કાઠીયાવાડની કોઇ એક ગામડાના કોઇ દેશી ઘરે જઇને નાક સતેજ કરજો તો, મંગળા ઉપર શેકાતા લીલાકંચન જેવા બાજરાના રોટલાની સોડમ તમારા જઠરાગ્નિને એવો તો પ્રજજવલ્લિત કરશે. કાઠીયાણીના હાથની બે ચીજ વખણાય છે. એક નતો નખથી ખજૂરા પાડેલા અને વેલણથી વિરડા ગાળેલા અને એ વીરડામાં ડૂબાડૂબ ઘી પૂરેલા રોટલા અને બીજી તે દિવાળીના પરબમાં હરખભર્યા હૈયે ઘરની બહાર વંડીએ ખડકી, ડેલા, દરવાજાની બહાર તેને પેરેલલ ચાકળા જેટલી જગ્‍યામાં ચિતરેલા ઓળીયા, એમાંય જયારે દેશી રીંગણા (કાંટાવાળા) કોઇપણ જંતુનાશક દવાની મદદ વગર પાકયા હોય એને સુકકલ થોરના ભૂંભલા, સાંઠીયુ કે કરગઠીયાના બનાવેલ ભાંઠે શેકવા મૂકયા હોય, ધીરે ધીરે એ ભાઠાએ રીંગણા શેકાઇને કોઇ રબારણના વાંહા જેમ માખણ શા માવા જેવા બની જાય અને પછી એને માત્ર લીલા લસણ-ડુંગળીમાં વઘાર્યો હોય ફત્‍યારે એનો સ્‍વાગ બત્રીસ ભોજન અને તેત્રીસ શાકના સ્‍વાદને પણ ફિકકો પાડી દે છે. આને ‘ભડથુ‘ કહેવામા આવે છે. શહેરીજનો ‘ઓળો‘ કહે છે. આ ભડથાનો સ્‍વાદ મે બાવીસ બાવીસ વર્ષ સુધી ચાખ્‍યો છે, સેવ્‍યો છે અને સાચવ્‍યો છે. મારી બા જે દી ભડથુ બનાવતી તે અમે ધરાઇ ધરાઇને ખાતા, આ એક એવુ વ્‍યંજન છે જે નડતુ નથી. અત્‍યારે શહેરના હાઇવે રોડ ઉપર ‘બેગન કા ભડથા‘ વાંચીને જાઉ છુ. ઓળો રોટલો ખાઉ છુ પણ મારા ગામની હવાએ જે રીંગણા શેકતા હતા અને એ પવનમાં વહેતી ધૂળની સોડમ શેકાતા રીંગણાની સાથોસાથ ભળી જતી હતી એ સોડમ નથી આવતી આ ઓળામાં શેકાયેલા રીંગણાની સોડમ પણ માણવા નથી મળતી.

આ શિયાળો નવયુગલોને ખૂબ ગમે છે. એનું: કારણ છે કે મતવાલા માગશરના મરમી કામણ, લગ્‍નોત્‍સુક મુગ્‍ધા લગ્‍ન કરીને સાસરે આવે છે, સ્‍ત્રી અને પુરૂષના સબંધો અલૌકિક છે. જેની તૃપ્‍તિની કોઇ વ્‍યાખ્‍યા નથી. બે શરીર જયારે એક બને છે તેની ઉપર પ્રેમના બંધ બાંધે છે. શિયાળાની રાત્રી એટલે જ કોઇ યુગલને જઇને પૂછીશુ ત્‍યારે એના સદાબહાર દિવસો હશે. લગ્‍ન પછીનો પહેલો શિયાળો શરૂઆતના દિવસો એકબીજાના હોઠોથી બોલાયેલી ન બોલાયેલી કંઇ કેટલીયે વાતોના દાબડા ખૂલતા જાય છે. એક કવિ કહે છેઃ ‘તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશુ પ્રેમ…‘ સ્‍ત્ર નહિ કહી શકેલી પ્રેમની વાતો સાંભળવા તત્‍પર હોય છે. પુરૂષ પ્રેમને ઝંખે છે. આ નોંકઝોંક શિયાળાની રાત્રીઓને રમણીય બનાવે છે. શિયાળાના સરનામાનું ત્રીજુ નામ છે – કાળા તલનું કચરીયું અથવા સાની, આ શહેરના માર્ગો ઉપર ‘શકિતનો રજા સાની‘ વાંચવા મળે છે. – લારીઓ ઉપર ના સાની કાઠીયાવાડની ભૂમિ ઉપર પાકેલા પત્‍થરીયા પાણીથી પાકેલા તલની બનાવેલી સાનીની મધુરતા ઓર છે, એ તલ જયારે ઘાણીમાં પીલાય છે, ત્‍યારબાદ એમાં ગોળ નાખવામાં આવે છે. ગુંદર, ટોપરૂં અને અન્‍ય મસાલા સૂકો મેવો નાખવામાં આવે છે. એનો સ્‍વાદ ચોકલેટને ભૂલાવી દે તેવો છે. આમ પણ સાની ઠંડી સામે રક્ષણ આપે છે. તલનું તેલ શરીર માટે નરવું છે. શિયાળામાં એક-બે વાર તલના તેલનો માલિસ કરવો જોઇએ.

લેખક : યોગેશ પંડ્યા

શેર કરો આ શિયાળાની સુંદર વાત તમારા મિત્રો સાથે અને દરરોજ આવી અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ…

ટીપ્પણી