“આંખો આડેના પડળ” – દેરાણી અને જેઠાણીની આ ખુબ સરસ વાર્તા…

હજી તો લાલજીનાં મોતને પૂરો મહિનોય વિત્યો નહોતો અને એક દિવસ કંચન, કપાસ નીંદવાન દાંડિયા કરવા હેઠલી શેરી વળોટીને બજાર તરફ જતી હતી ત્યાં જ ગામની ‘ઉતાર’ જવલબાએ તેમને સાદ પાડ્યો: ‘એ કંચન…’

કંચને ઊભી રહેતા કહ્યું: ‘જવલબા, તમે મને બોલાવી?’
જવલડોશીએ કહ્યું: ‘હા કંચન વહુ, હા…મે જ તને બોલાવી. અત્યારે મારા વગર તને બોલાવે છેય કોણ? તારા જ ઘરમાં તારો કાંકરો કાઢી નાખ્યો છે બધાએ મળીને… કંચન આશ્વર્યથી દિગ્મૂઢ થતી પૂછી રહી: એટલે?

‘એ તને નહી ખબર પડે.કારણ કે તું બહુ ભોળી છો’ જવલડોશીએ તેના ચેહરાનું નિરીક્ષણ કરીને પાણો ગબડતો મૂક્યો: ‘કાંઇ સમજાય છે? કાંઇ ખબર છે?

‘શેની ખબર પડે છે?’
‘આ તારી જેઠાણીની લીલાની લીલા!’
‘ના રે… મને કશી ખબર નથી અને મારી જેઠાણી લીલાની લીલા?
‘એટલે એમ કે લીલા હવે પોતાની લીલા પાથરવા મંડી છે. પણ તું ધ્યાન રાખજે કારણ કે તું બહુ ભોળી છો એટલે કહેવું પડે છ.
‘વાતમાં બહુ મોણ ન નાંખો અને જેવું હોય એવું ચોખ્ખું કહી દો!

જવલડોશીએ આજુબાજુ જોયું પછી મોઢૂં સાવ કંચનનાં કાન આગળ લાવીને કહે: ‘લાલજી, તારો જેઠ, ગુજરી ગયો. આ આઠમો મહિનો થયો વરસીય વાળી લીધી. હવે લાલજીના નિમિત્તનું કાંઇ બાકી નથી અને તારી જેઠાણીએ પોતાનું પોત પ્રકાશવા માંડ્યુ કાલે તું વાડીએ ન્હોતી આવી પણ જે દાડિયા આવ્યા હતા એમને પૂછી લે તારો શામજી અને તારી જેઠાણી લીલા, કૂવાને થાળે બેસીને તાળીયું લેતા હતા. મને તો ખબર નહોતી પણ ગમજી ડોશીએ વાત કરી. અરેરેરે! શું કળીયુગ આવ્યો છે? ભાભી તો સગ્ગી મા કહેવાય. પણ આણે નક્કી તારા ધણીને માથે મોહની ભૂરકી છાંટી દીધી છે. નહીતર શામજી જેવો સાવ સીધોસાદો છોકરો આમ ધડીકમાં બદલાય ન જાય. હવે તો ગામમાં નીકળે તોય બીજાને મોઢે આખો દિવસ ‘ભાભી’ ‘ભાભી’ જ કર્યા કરે છે…’
‘હોય નહી’ કંચન નખશિખ ધ્રુજી ઉઠી: શું બોલો છો તમે?

‘હા, કંચન. આ તો તું મારા પિયરની છોકરી, એટલે મારી ભત્રીજી, મારું લોહી બળે કે આ કંચન જેવી છોકરી માથે શું થવા બેઠું છે? બાકી, તારી જેઠાણીએ નાતરૂ કરવાની અમથી ના નથી પાડી, એ હવે મનેય સમજાય છે. બાકી, આપણું તો નાતરીયુ વરણ! અને હજી કયાં વેગડી વિંયાઇ ગઇ છે? બબ્બે વરસનાં બે જ પહુડા(બાળકો) છે? અને લીલા જુવાનજોધ કાયા એની આ જુવાની એને ઠરવા નહીં દે, પણ આ હોળી તારા જ સંસારમાં લાગી એનું દુ:ખ છે. તું ધ્યાન રાખજે. ક્યાંય તારા ધણીને વશમાં કરીને તારા જ ઘરમાં તારી જગ્યાએ બેસી ન જાય! આ તો શું કરું? બળ્યું, તારું મને દાઝે છે ને એટલે’- અને જવલડોશીએ શંકાનો કાનખજૂરો હળવે’ક લઇને કંચનનાં માનસમાં ઘુસાડી દીધો અને જવલડોશીની વાત સાંભળીને કંચનનાં કાનમાં જાણે ધાક પડી ગઇ. એ હતપ્રભ થઇ ગઇ. વાત છેક અહીંયા સુધી પહોંચી ગઇ છે એ તો એકજ છાપરા નીચે રહેવા હોવા છતાં ખબરેય ન પડી? તેને જવલબાની વાત સાચી લાગી. જે દિવસથી જેઠ બિચારા લાંબા ગામતરે ચાલ્યા ગયા એ પછીથી દિયર-ભાભી વચ્ચેનો મનમેળ જાણે વધતો જ ચાલ્યો છે! વાતવાતમાં હસી-મજાક, ઠઠ્ઠા – મશ્કરી….

એકાદ-બે વાર તો પોતાને પણ થયેલુ કે, જેઠાણી આ રીતે પોતાના પતિ શામજી સાથે હાથતાળી દઈને વાત કરે, એ એમને શોભે ન હીં, પણ પછી થ યું કે બિચારાને રંડાપાનું દુ:ખ આમ હ્ળવું તો થાય છેને ? અને વળી તેઓ ક્યાં કોઈ પરપુરુષ સાથે હસી મજાક ટોળટપ્પા કરે છે! એમાં વળી ‘બાધ’ શુ?
પણ આજે તેને થયુ કે શામજીનો પગ નક્કી ભાભીના મોહમા લપસી પડયો છે. જો, આજ નહી રોકુ તો, પોતાનુ જીવતર અને સંસારેય કદાચ એ લપસણા કાદવમા ફસાઈ જશે!

એ ઘરે આવી ત્યારે જેઠાણી- લીલા રોટલા ઘડી રહી હતી અને શામજી બેઠો બેઠો જમતો હતો. એણે ખડકીમાં પગ મૂકયો ત્યારે લીલા હસીને શામજીને કહી રહી હતી: ‘લ્યો શામજીભાઇ, એક રોટલો લઈ લ્યો….’
‘અરે, હવે નહીં હો ભાભી. હવે તો ધરાઇ ગયો!

‘હોય કાઇ શામજીભાઇ! આમ સાવ જુવાનજોધ થઇને એક રોટલામાં જ ધરાઇ ગયા! શરીર સામુ તો જુઓ, કેવું ઠેકાણે થઇ ગયું છે?’
‘અરે ભાભી, મારી ચિતાં શું કરો છો? તમારું કરોને તમે કેવા સાવ ઠેકાણે થઇ ગયા છો? ખાવાપીવાની તો તમારે જરૂર છે…’ કહેતા, તેણે લીલાનું કાડું પકડીને ઘી વાળો બાજરાનો રોટલો પાછો મૂકાવી દીધો.
બરાબર એવે ટાણે કંચન આવી ચડી. દિયર-ભોજાઇને આમ ખેંચાખેંચી કરતા જોઇને તે દાઢમાં બોલી: ‘વા ભૈ વાહ! દિયર ભોજાઇ વચ્ચે વળી રાત પડવાના ટાણે વળી શું ચાલી રહ્યું છે?’

‘આ જોને તું જ…’ શામજી હસતા હસતા બોલ્યો: ‘ભાભી પરાણે મારી થાળીમાં રોટલો મૂકે છે. મે કીધું કે ભૂખ નથી છતાંય…’
‘હા ભઇ હા! તમારી ભાભીનો આગ્રહ હોયતો તમારે પૂરો કરવો જોઇએ, એ બિચારા આગ્રહ કરી કરીનેય બીજે ક્યાં કરે? એક તમે તો છો.’ કહીને, નીચલો હોઠ કરડતી એ ઢાળીયામાં વળી ગઇ…
શામજી તો તેના બોલ ઉપર હસી પડ્યો પણ લીલાનાં મગજમાં પ્રશ્નોની અનેક કાંકરીઓ ખરી પડી અને એમાંથી નાના મોટા કૈંક વમળ પેદા થઇ ગયા…

અઠવાડિયું થયું. પણ અઠવાડિયામાં તો જેઠાણી-દેરાણી વચ્ચે જાણે મોટી ખાઇ પડી ગઇ. વાત વાતમાં જ, કંચન પોતાની જેઠાણી લીલાને દાઢમાં કંઇ કેટલુંય સંભળાવતી, કટાક્ષ કરતી અને લીલા, આ વાત સમજી ન શકે એટલી અબુધ નહોતી. પણ જો, શામજીને વાત કરે તો… નક્કામું પોતાના જ છોરૂ જેવા દેર-દેરાણીનાં સંસારમાં હોળી પ્રગટે અને જીવતર ખારૂ ધૂધવા બની જાય. એટલે એણે એક દિવસ, શામજી આગળ જુદા થવાની વાત મૂકી. શામજી ભાભીની વાત સાંભળીને ગળગળો થઇ જતા બોલ્યો: ‘ ભાભી, મારી વાતે કે મારા વર્તનમાં કાંઇ ઓછું આવ્યું? મારો, ક્યાંય વારો-તારો દેખાયો? ક્યાં કોઇ દિ’ મારાથી અન્યાય થયો હોય એમ લાગ્યું મારા ભાઇ ગયા એ પછીથી તો મેં…’
‘પછીથી તો તમે મને માં જેમ અને મારા છોકરાવને પંડ્યનાં છોકરાની જેમ જાળવી જાણ્યાં છે. પણ હવે ભેગા રહેવામાં સારાવાંટ નથી’
‘પણ કંઇ કારણ?’
‘મને પરવડતું નથી.’

‘પણ આ બધું તમારું જ છે. બે ઓરડાવાળું ઓસરી બંધમકાન, આ ફળિયું, આ ડેલો…આ બધું મારા ભાઇએ પોતાના હાથ બાવડાના બળે ઊભું કર્યુ છે. હું તો એ વખતે સુરત હીરા ઘસતો હતો. વીસ વરસ સુધી મારા ભાઇ એકલાપંડ્યે ખેતીની સંભાળ રાખતા ગયા અને ઘરનાં ખૂણાં ઊજળા થતા ગયા. બાકી બા-બાપુજી ગુજરી ગયા એ વખતે તો ઘરમાં મુઠ્ઠી જાર પણ નહોતી. મે તો ઘરમા કાંઇ દીધું જ નથી આ પાંચ વરસથી સુરતથી આવ્યો અને બેઠા ભાણે જ જમ્યો છું, મારા ભાઇએ આ પોતાના બાવડાના બળે જૂના જર્જરિત ઘરમાંથી પ્લોટ વિસ્તારમાં આ બીજા મકાનેય કર્યા. ભાભી,આ બધું જ તમારું છે તમે તમારું જ વાપરી ખાવ, મારે આમાંનું કશું નહિ ખપે.’
‘ના શામજીભાઇ, એવું નથી કરવું તમે અહીં રહો. હું આપણાં જૂનાં ઘરે જતી રહું છું’
‘ભાભી નહીંઇઇઇ..’
‘હવે એક શબ્દ બોલો તો તમને મારા લાલિયા ના સોગંદ છે.’

******

તે દિવસે સાંજે જ લીલા નોખી થઇ ગઇ. શામજી ઓસરીની થાંભલીએ માથું ટેકવીને રહરહ રોયો. કંચન ઊભી ઊભી તીખી નજરે જેઠાણીને જોતી હતી અને વિચારતી હતી: ‘હવે મારી ગેરહાજરીમાં આને છાનગપતિયા કરવામાં મોકળાશ રહેશે એટલે તો એ નોખી થઇ ગઇ છે, પણ હું તેને રંગે હાથે એક દિવસ પકડીને ફજેતો ન કરાવું તો હું કંચન નહીં હા! તું નોખી નથી થઇ; પણ મારા પતિને મારાથી નોખો કરતી ગઇ.’
પણ લીલા, એક શબ્દ બોલ્યા વગર, મજિયારાની એક ખીલીય લીધા વગર નોખી થઇ ગઇ. તે દિવસે લાલજીના ફોટા આગળ આંસુ સારતી કહેતી હતી કે: સમાજની આંખેથી વહેમનાં પાટા ક્યારે છૂટશે? પણ એનો ક્યાં એમની પાસે જવાબ હતો?

ત્રણ મહિના વીતી ગયા. એ વાડીએ આવતી તો બેય બાળકોને તેડીને આવતી. વાડી-પડાનાં પણ સામે ચાલીને જ બે ભાગ પડાવી નાખ્યા હતા. એને ક્યારેય કોઇ કામસર શામજીની જરૂર પડતી ત્યારે તે સાત વરસનાં લાલિયાને, શ્યામજી પાસે મોકલતી. શામજીના દિલમાં એરરાટી થઇ જતી. તે મનોમન બબડી ઊઠતો: ‘અરે ભાભી, તમને આ શું સૂઝ્યું? મારું ઓછું તમને ક્યાં આવ્યું? મે તમારી આડે કે છોકરા આડે કોઇ દીવાલ નહોતી ચણી તો તમે જ એ દીવાલના પાયા કેમ નાંખ્યા?

સમય વીતતો ગયો. ભાદરવાનો તડકો જામ્યો. છાતી સમાણો બાજરો લૂંબાઝૂંબ કરતો હતો ને કેડ્ય સમાણો કપાસ ફાટફાટ રૂ ભરીને ડોલતો હતો.

કોઇ સોળ વરસની સુંદરીની જેમ વાડી, જુવાન બનીને મલકતી હતી પણ એવેટાણે જ ગામમાં રોગચાળો પ્રવેશી ગયો. ઘેર ઘેર માંદગીનાં ખાટલા! ઝેરી મેલેરીયાનું પગેરૂ, પાદરે ડગુંમગું ઊભેલા લીલાનાં ખોરડા તરફ વળ્યું ને લાલિયો ઊંધેકાંધ પટકાયો! તે દિ’, દિ’ આથમ્યે વશરામે, શામજીને ખબર આપ્યા: લીલાભાભીનાં લાલિયાને તાવ ચડ્યો છે. આજ ચોથો દિવસ થયો પણ કાંઇ ફેર પડતો નથી’

‘હોય નહી.’ શામજીનું હ્ર્દય થડકારો ચૂકી ગયું. એ પગરખા પહેર્યા વગર જ લીલાનાં ઘરે દોડી આવ્યો: ‘ભાભી, તમારે મને સમાચાર તો મોકલવા હતા’

‘મને થયું કે આજ ઊતરી જશે..કાલ ઊતરી જશે અને કાંઇકેય તમારું કામ પડે તો હું લાલિયાને મોકલતી; પણ આજ લાલિયો જ ખુદ…’
‘અરે, હું નથી? હું તમારો લાલિયો જ છું કમસેકમ આડોશપાડોશ માંથી કોઇને કહેવાય. બોલાવા મોકલાય.’ શામજીએ કહ્યું. લીલા કશું બોલી નહી. તેની આંખોમાં પાણી ઘસી આવ્યા હતા અને એમણે મૌન જોઇને આજ હૈયામાં ઘૂંટાતી વાતને આક્રોશ સાથે શામજીએ બહાર કાઢી….

‘ભાભી હમણાં હમણાંથી શું થઇ ગયું છે? કે તમે પોતાના જ પારકા માનવા લાગ્યા? મે કદી પણ તમને કાંઇ કીધું છે? તમારા માટે ક્યાંય આઘી-પાછી વાતો કરી? કોઇ દિ’ આ છોકરાવને મેં પારકાં ગણ્યા? તો પછી તમે આવું શું કામ કરો કરો છો? મારો વાંક હોય તો કહો. બોલો. અરે તમારું ખાસડું ને મારું મોઢું.’

‘બસ શામજીભાઇ બસ…’ લીલા, છુટ્ટે મોઢે શામજી આગળ રડી પડી: ‘બસ વીરા, બસ! મને તમારું બેમાંથી એકેય જણાનું કશું ખોટું નથી લાગ્યું કે નથી તમારા બંને માંથી કોઇની ફરિયાદ…! દુ:ખ સમાજનું, નાતનું, ગામનાં પંચાતિયાનું.’
‘ગામનાં પંચાતિયાનાં નામ બોલો. એમને મારા એક જ ઢીકે ફીણ લાવી દઉ.’

‘ના શામજીભાઇ. નબળાથી વેગળા સારા. નબળાને ઉપરવાળોય વતાવતો નથી. મે રાહ જોઇ કે લાલિયાને તાવ ઊતરી જશે પણ આજે થયું કે તમને કહેવું પડશે એટલે વશરામભાઇ સાથે કહેવડાવ્યું.’
‘હવે તમે કાંઇ ઉપાધિ કરતા નહીં. મે વશરામને ભાવનગર મોકલ્યો છે હમણાં દાકતર લઇને જ આવશે. લાલિયાને હું કાંઇ નહીં થવા દઉ.’
‘મારો આ એક આધાર…લીલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

‘ભાભી! તમે ઢીલા ન પડો. અરે, આખી રાત તમારી પાસે જ રહીશ અને…..કદાચ ભાવનગર કે અમદાવાદ દાખલ કરવાનું કહેશે તોય હું સાથે જ રહીશ આખરે હું એનો કાકો છું પારકો થોડો છુ?’
‘પણ દુનિયા શું કહેશે? વહેમના પાટા હ્જી દુનિયાની આંખથી ઊતર્યા નથી શામજીભાઈ.’

‘દૂનિયા ભલે ને ગમે તે કહે. દુનિયાને મારો ગોળી! બાકી, ઉપરવાળો તો જુએ છે ને? મે તમને હંમેશા મારી મા ની સ્વરૂપે જોયા છે ભાભી. મારા અને તમારાં હૈયામા તો સાચા (સત્ય) છે ને? બાકી, દુનિયા આખી જખ મારે છે. મને કોઈની પરવા નથી. લ્યો, હવે તમે જરાક બેસો અને લાલિયાને મીઠાવાળા પોતા મૂકો ત્યાં સુધીમાં હું ઘરે જતો આવું ને વાળુ લેતો આવું…આ નાનકો અને તમે બેયે કોણ જાણે સવારનું ખાધું હશે કે કેમ? બાકી, દુનીયાની પરવા છોડો. દુનિયાનું વિચારી વિચારીને ફફડતા રહીશું તો વગર મોતે મરી જશું.’

પણ ત્યાં જ ખડકી આડે, સંતાઇને ઊભી રહેલી કંચન,લીલા અને શામજી આગળ આવતા ગળગળી થતી બોલી ઊઠી: ‘મને માફ કરો ભાભી!’ મેં દેવી જેવી જેઠાણી ઉપર વહેમનું આળ નાંખીને પાપના પોટલા બાંધ્યા! ભાભી, મને માફ કરી દો.’

‘અરે ગાંડી! માફ કરવાની મારી તે કઇ હેસિયત? હું તો તારી મોટીબેન છું. ગાંડી, ચાલ ઊભી થા.તને આજ સાચું સમજાણું કે મોટીબેન ઊઠીને નાની બેનની જિંદગીમાં ધૂળ નાંખતી હશે? બસ…આજ તારી આંખમાં નીકળેલા આસુંએ જ તારા અંતરના કાદવને ધોઇ નાખ્યો છે..’ અને તેણે કંચનને હૈયે સરસી સાહી લીધી!

લેખક : યોગેશ પંડ્યા 

ખુબ લાગણીસભર વાર્તા, શેર કરો આ વાર્તા તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી