અંજળ પાણી – પોતાનો પ્રેમી અચાનક સાત આઠ વર્ષો પછી મળે એ પણ ટ્રેનમાં અને પ્રેમિકાની સાથે હતા તેના બે સંતાનો…

અંજળ પાણી…..

ધોળા રેલ્વે સ્ટેશનમાં અમદાવાદ તરફથી આવતી અને ભાવનગર તરફ જતી સાબરમતી ટ્રેન બરાબર ત્રણ સવા ત્રણ ઉભી રહી. ઉપહાર સ્ટોલની બાજુના બાંકડા પર બેઠેલો દેવો ઉભો થઇને પ્લેટફોર્મ પર થોભી ગયેલી ટ્રેન તરફ ચાલ્યો પણ ત્યાં જ, એને નજર સામે જ ખુલ્લી બારીમાંથી અંદર દ્રષ્ટિ કરતા જ ચમકી ગયો. ડબામાં બેઠેલ એ અજાણી લાગતી સ્ત્રીને જોતા જ અંતર કેરા કમાડના આગળીયા ફટાફટ ખુલી ગયા અને એની આડશે રહેલા ભૂલાયેલી પ્રિતના આભલા જાણે ચોખ્ખા ચણાક થઇ એને ભીતર જ હસી પડ્યા. એ હાસ્ય, સ્મિત બનીને દેવાની મો-કળા અને હોઠ ઉપર પણ રેલાઇ ગયુ. ડબામાં બેઠેલ સ્ત્રી હવે અજાણી ન રહી. એની ઓળખાણ તો જાણે ભવભવની હતી.બારી ઢુંકતા પહોંચતા જ તેના હોઠ ઉપરથી શબ્દોય ફુટી ગયાઃ એ લીલા….

અંદર બેઠેલ સ્ત્રી ચમકી, કોઇનો સાદ તેને બોલાવતો હતો સાદ અજાણ્યો લાગ્યો પણ કયાંક અગાઉ સાંભળ્યો હતો એણે આમ તેમ જોયુ. તો ડબાનું પગથીયુ ચડીને નજર સામે જ આવીને ઉભા રહી ગયેલ એક અજાણ આદમીને જોઇને એ સંકોચાઇ ગઇ, પડખે બેઠેલ એક ત્રણ ચાર વરસની દિકરી અને સાત આઠ વરસના દીકરા તરફ નજર વાળી લીધી.
પણ ત્યાં જ દેવો એની સામેની ખાલી સીટ ઉપર બેસી જતા બોલ્યોઃ કાં લીલા ? ઓળખાણ પડે છે ? હવે સાદ પરખાઇ જતા વાર ન લાગી એટલે લીલાએ ઝબ્બ કરતાકને સાડલાનો છેડો માથે નાખી દીધોને બોલી ઉઠીઃ લે તમે ?
ઓળખ્યો એમ ને ?
ઓળખાણ તો પડે જ ને તમેય ખરા છો…

હું કે તું ? પહેલા ઇ બોલ ….
લીલા કાંઇ બોલી નહી. દેવો તેની સામુ જોઇ રહ્યો અને પછી બોલ્યો આ છોકરા ?
મારા છે એક દિકરો અને એક દિકરી ભગવાને આપ્યા છે. દેવાએ છોકરાવ તરફ નજર કરી તે પછી બોલ્યોઃ
કયાં ગઇ હતી ?
પિયરમાં ?
ઘણા દિવસે મળી લીલી…
હા… ઘરમાં મોટી છુ. બે વાડીપડા છે. ચાર બળદની ખેતી છે કામ બહુ રહે છે. દોમદોમ સાયબી એમ જ કહોને…
લીલી કંઇ બોલી નહી, કે દેવો બોલી ઉઠ્યોઃ તુ તો લગન કરીને ગઇ ઇ ગઇ. પછી સમખાવા પુરતુય વખત પર સામુ જોયુ નય. સાસરીયામાં બહુ ડૂબી ગઇ..
અસ્તરીનો અવતાર એટલે સમજી લો કે ઝાડવાનો અવતાર નવા સગપણ એટલે નવા પાંદડા જુના સબંધ અને સગપણ તો સુકકા પાંદડા બનીને ખરી જાય. લગન આ કેડે તો પિયરીયુ પારકુ બની જાયને, પારકા હોય એને અંગના કરવા પડે….
પણ હું કયાં પારકો હતો લીલી. આપણી ત ભવભવની પ્રિત હતી….
એ પ્રિત હતી ત્યારે હતી. હવે તો એ લેણદેણ પુરી થઇ ગઇ… દેવા.
તુ મને આમ ભૂલી જાશ એવો વશવા નહોતો.
પણ તે જ એ વશવાને તાડ્યો પછી મારો શું વાંક ?
તે ચાર મહીનાય મારી વાટ્ય નો જોઇ ?
હુ; આદમી માણહ નહોતી દેવા, તારી વાટ્યમાં પ્રિતના રંગ ઝાંખા તો થઇ ગયા‘તા, દાડે દાડે એ ભૂંસાઇ પણ જતા‘તા. મે તારી ખૂબ રાહ જોઇ પણ તુ પરદેશમાં રળવા ગયો હતો ત્યાંથી તુ ન આવ્યો ને તે ન જ આવ્યો. મારે એક અબળા થઇને મરદજાતના ઓઝલની ચાર ભીંત વચ્ચે રહેવાનુ હતુ. તુ આવી ગયો હોત તો એ વંડીને ઠેકીનેય અડધી રાતે તારી હાર્યે હાલી નીકળત.
પણ મે સમાચાર તો મોકલાવેલા લીલી….
વળતા સમાચાર તો મે પણ મોકલાવેલા, પણ એ સમાારનો વળતો પડઘો તે પાડ્યો નહી તે પાડ્યો જ નહી. અંતે પછી મારા મા-બાપ આગળ મારે ઝૂકી જવુ પડ્યુ.
મને એનો વાંધો નહોતો પણ પરણ્યાનું આણું વાળવા તુ આવી ત્યારે હું તને મળવા આવેલો, તારી વાડીએ જતા, તારી સામો મળ્યો, મે તને બોલાવી પણ તુ તો જાણે હું કાંઇ અણજાણ આદમી હોય એમ બોલ્યા વગર જ હાલતી થઇ ગઇ…
તે મને અધવચ્ચે રખડાવી તેની રીંહ હતી…
એ રીંહ હવે તો નથી ને….
એ રીંહ તો નથી હવે એનો ધોખોય નથી. જે થવાનું હતુ એ થઇ ગયુ. જે દિ‘ગયા એ થોડા પાછા વળવાના હતા ?
પણ આપણા હૈયા તો એકબીજા તરફ વળેલા છે ને લીલી…
હૈયાની વાત તો જે દિ‘ મે માયરામાં બેસીને જેસીંગના હથેવાળો કર્યો તે દિ‘ જ ભીતરમાં ભંડારીને એક કોર મેલી દીધી છે દેવા… હવે હુ; કોઇકની થઇ ગઇ યુ. એને મે કોઇકનુ; નામનુ પાનેતર ઓઢી લીધુ છે…
આ કોણ લીલી બોલે છે ?
ના દેવા, આ જેસીંગની ધણીયાણી બોલે છે.
તો મારી લીલી ?
એ તો ઉડતા જોબન હાર્યો હાર્ય જ ઉડીને રાખ થઇ ગઇ. હવે તો આપણો સબંધ એક ભાઇ બહેનનો…
લીલી… દેવો ચીસ પાડી ઉઠ્યોઃ લીલી હું તને હજી યાદ કરૂ છુ. હજી હું તને હૈયાથી વેગળી કરી શકતો નથી કારણ કે એક દિ‘ આપણી વચાળે પ્રેમ હતો.
એ પ્રેમને ભૂલી જજે. હવે આપણી વચ્ચે કોઇ સબંધ નથી. કોઇ સારૂ માણહ ગોતીને પરણી જાજે…
એકવાર પરણ્યો પણ ફાવ્યુ નહી. છુટી કરી દીધી.
કારણ ?
હું એનામાં તને ગોતતો હતો પણ તુ એમાં કયાંય ન મળી. અને પછી હાર્યો હાર્ય જીવતા ફાવ્યુ નહી….
કયારેક પરાણે ફવરાવી લેવુ પડે છે દેવા…
તારે તો મારી જેવુ નથી થ્યુ ને ?
ના દેવા ના, મને જેસીંગ હથેળીમાં ફુલ જેમ રાખીને સાચવે છે. ભગવાને બધુ જ આપ્યુ છે હવે કાંઇ અબળખા નથી.
કયારેય હું યાદ નથી આવતો ?
ના…. જેસીંગના સહવાસમાં મને જેસીંગ અને મારા આ બે છોકરા સિવાય કશુ યાદ નથી આવતુ…
તો મે તને યાદ રાખી તેનું શું ?


એ તારો ભ્રમ હતો… કહી તે ઉભી થઇ ગઇ. શિહોર આવી ગયુ હતુ… દેવો ઉભો થઇ જતા બોલ્યોઃ લીલી….
રહેવા દે દેવા, આ ગાડીના ટેશન જેવુ આપણુ જીવતર પણ એક ટેશન છે. તારામાં જો મને પામવાની જરાક જેટલીય ઉતાવળ હોત તો તું મારી જીંદગીમાં એક ટેશન બનીને ઉભો રહ્યો હોત. પણ તુ જરાય ઉતાવળ ન કરી શક્યો. ને હું આગલા ટેશને ઉતરી ગઇ…
આ તો બધી અંજળની વાત છે…
હા લીલી… જયાંથી તારે ચડવાનું છે ત્યાં જ તો મારે ઉતરવાનું થયુ, બસ હવે તો કહેતા એણે લીલીના હાથને હાથમાં લેતા કહ્યુઃ એકવાર તો મારા માથે હાથ ફેરવ જેથી હું એના સંગાથે ….

લીલીયે તેના ભૂખરા ઝૂલ્ફામાં હાથ ફેરવ્યો અને પછી આંખમાં ભીનાશ લીને એ બન્ને છોકરાને કાંખમાં તેડીને ઉતરી ગઇ ત્યારે બંધ પોપચે બહાર સુધી રેલાઇ ગયેલા રેલાને દેવો લૂછતો હતો.
ટ્રેન શિહોર સ્ટેશન છોડતી હતી.

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી