યિસ્ટનો ઉપયોગ કેવી રીતે કરશો? આવો જાણીએ. શેર કરો આ ઉપયોગી માહિતી તમારા મિત્રો સાથે…

યિસ્ટનો લોટ બાંધવો હંમેશા થોડો મુશ્કેલ હોય છે. પરંતુ એમાં પારંગત થઈ જઈએ તો એકદમ આસાન લાગશે. તો આજે જાણીએ કણક બાંધતી વખતે થતી કેટલીક સામાન્ય ભુલો વિશે અને તેના ઉપાયો વિશે –

યિસ્ટ વાપરતી વખતે ધ્યાન રીતે રાખવા જેવી ટીપ્સ –

જો વાનગી પ્રમાણે ઈન્સ્ટન્ટ યિસ્ટની જરૂર હોય અને તમારી પાસે એક્ટિવ યિસ્ટ હોય ત્યારે એક્ટિવ યિસ્ટનું પ્રમાણ 1/4 ચમચી જેટલું વધારવું. દા.ત. વાનગીમાં 1 ચમચી ઈન્સ્ટન્ટ યિસ્ટ ની જરૂર હોય તો 1 1/4 ચમચી એક્ટિવ યિસ્ટ વાપરવું.

ઈન્સ્ટન્ટ યિસ્ટને તમે સીધો લોટ બાંધવામાં વાપરી શકો પરંતુ એક્ટિવ ડ્રાય યિસ્ટને પહેલાં વાટકામાં લઈ બે ચપટી સાકર અને થોડા હુંફાળા પાણી સાથે ઢાંકી 10-15 મિનિટ એક્ટિવ થવા અલગ મુકવું પડે છે. ધ્યાન રાખવું કે પાણી હુંફાળું હોય જો પાણી ગરમ હશે તો યિસ્ટ નાશ પામશે. યિસ્ટમાં ફીણ આવે પછી લોટ બાંધવામાં વાપરી શકાય.

હવે જાણીએ કણક બાંધતી વખતે થતી ભુલો વિશે –

1 યિસ્ટ –

યિસ્ટ જયારે મુખ્ય સામગ્રી હોય ત્યારે તે બરાબર રીતે એક્ટિવેટ થયેલું હોય તે ખુબ જરૂરી છે. યિસ્ટ બરાબર છે કે નહીં તે ચકાસવાની પધ્ધતિ ને પ્રુફીંગ તરીકે ઓળખાય છે. તેમાટે ઉપર જણાવ્યું તેમ 1 ચમચી યિસ્ટ, એક ચપટી સાકર અને હુંફાળા પાણી સાથે વાટકીમાં લઈ 10-15 મિનિટ માટે ઢાંકી દેવું. યિસ્ટ સારી હશે તો 10-15 મિનિટ બાદ તપાસ કરતા યિસ્ટમાં ફીણ દેખાશે. જો એમ ન થાય તો વધુ 5 મિનિટ ઢાંકી રાખવું. પરંતુ ત્યારબાદ પણ યિસ્ટમાં કોઈ ફેરફાર ન થાય તો યિસ્ટ બરાબર નથી.

બીજી મહત્વની વાત કે વાનગી માં કયા પ્રકારનો યિસ્ટ વાપરવાનો છે કારણ આગળ જણાવ્યું તેમ ઈન્સ્ટન્ટ યિસ્ટને તમારે સીધો વાનગી માં વાપરવાનો હોય છે. જયારે એક્ટિવ ડ્રાય યિસ્ટને પહેલાં એક્ટિવેટ કરવું પડે છે. કેટલીક વાર યિસ્ટના લોટને વાનગી પ્રમાણે લગતા સમય કરતા ફુલવા વધારે સમય લાગી શકે છે. કારણ કે અમુક બ્રાન્ડ ની યિસ્ટ ઝડપથી કામ કરે છે. જ્યારે અમુકને વાર લાગે છે.

2. વાતાવરણ-

ઠંડા વાતાવરણમાં યિસ્ટને કામ કરતા વધુ સમય લાગે છે. આવા વખતે વાતાવરણ કેટલું ઠંડુ છે અને તમને કેટલી જલ્દી છે તે પ્રમાણે 1/2 ચમચી થી લઈ ને ડબલ યિસ્ટ વધારે લોટમાં વાપરવું. તેમજ યિસ્ટને ગરમ જગ્યાએ અથવા ઓવન કે ગેસની બાજુમાં મુકવું.
અને તેમ છતાંય કણક ન ફુલે તો (યિસ્ટ સારી ગુણવત્તા ની છે) ઓવનને સૌથી ઓછા તાપમાને પ્રિહીટ કરી ઓવન બંધ કરો અને ત્યાર બાદ કણકને ઢાંકી ઓવનમાં મુકો. જેથી ઓવનની ગરમીથી કણકને ફુલવામાં મદદ મળશે. બીજી રીત એ છે કે કણકવાળા બાઉલને મોટા બાઉલમાં મુકવું અને તે મોટા બાઉલમાં ગરમ પાણી રાખવું. જેથી કણકને ગરમી મળતી રહે.

3. કણક બાંધતી વખતે વપરાતું ગરમ પાણી –

કણક બાંધતી વખતે ઘણી વાનગીમાં હુંફાળા પાણી કે દુધ ની જરૂર પડે છે. આગળ જણાવ્યું તેમ હુંફાળી ગરમીથી યિસ્ટ ને ફુલવામાં મદદ મળે છે પરંતુ વઘુ પડતી ગરમી યિસ્ટનો નાશ કરે છે. તેથી પહેલાં ખાત્રી કરી લેવી કે પાણી કે દુધ બહુ ગરમ ન હોય. તમે પાણી કે દુધ માં આંગળી ડુબાડી 10 સુધી કાઉન્ટ કરતા પાણીથી આંગળી બળે તો સમજવું પાણી ગરમ છે. થોડું ઠંડુ કરી પછી વાપરવું.

4. સ્ટોરેજ –

યિસ્ટને બગાડ વિના લાંબો સમય સાચવી રાખવા એર ટાઈટ ડબ્બામાં અને રેફ્રીજરેટરમાં રાખવું જરૂરી છે.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી