ક્ષમા …સ્ત્રી નું પર્યાયવાચી ???!!!

- Advertisement -

“હેલો, જ્યોતિ..કેમ છો ? તારું ખાસ કામ છે. આજે દિલ ખોલીને તારી સાથે વાત કરવી છે.પપ્પાની તબિયત બગડતી જાય છે. કંઈ કહી ન શકાય કે કેટલો સમય કાઢશે…ક્યારેક તો લાગે છે કે છૂટી જાય તો સારું…ખુબ રિબાય છે…એમાય આ છેલ્લા ૪ વર્ષની એમની પીડાએ તો હદ પાર કરી છે…મને દીકરી થઇ ને પણ હવે એમ થાય છે કે ભગવાન એને તું ઉઠાવી લે..હવે છુટકારો આપ…ક્યારેક લાગે છે કે ..કૈક એવું છે કે એમનો જીવ અટકી રહ્યો છે……….”

જ્યોતિ શાંતિથી સાંભળી રહી હતી..એની સૌથી જૂની ને પ્રિય મિત્ર સપનાનો ફોન હતો.

ફોન પર તો સપનાને સાંત્વના આપી પણ એને પોતાને શું થયું ?????

“જીવ અટકી રહ્યો છે..” જ્યોતિના મગજમાંથી ખસતું જ ન હતું…..

કેટકેટલી કોશિશ કરી પણ,… હવે તો… એ બાળપણના દિવસો આંખ સામે તરવરવા લાગ્યા…સ્કૂલ ચાલુ હોય ત્યારે તો ખાસ સમય ન મળે પણ, વેકેશન ચાલુ થતા જ બંને બહેનપણીઓ આખો દિવસ સાથે ને સાથે પસાર કરતી…બંનેના શોખ ને ઉછેરમાં આસમાન-જમીન નું અંતર પણ દિલથી તો જાણે બંને જોડિયા બહેનો જ..

ભૂતકાળ ના દિવસો એના માનસપટ પર પ્રભુત્વ જમાવવા લાગ્યા…

“જ્યોતિ, હું તો કાલે ભરૂચ જઈશ..ને ૧૫ દિવસ પછી આવીશ..તું મારા વિના શું કરીશ ?..અરે હા.. પપ્પા ને કાકા આવવાના નથી. તું એમનું ધ્યાન રાખજે હો..ખાસ તો પપ્પા જમવા બેસે ત્યારે એમને પીરસવા આવી જજે…તું તો જાણે જ છે કે પપ્પા કેવો ગુસ્સો કરે..કંઈ થયું તો મમ્મીને બીજીવાર ક્યાંય જવા નહિ દે…સંભાળી લેજે હો..”…….૯ વર્ષની ઉમર..ને કેવી પાકટ વાતો..!!!

બધા જ એવું કહેતા કે એના પપ્પાના સ્વભાવને લીધે સપના ઉમર કરતા જલ્દી મોટી થતી જાય છે….

“તું તારે જા….હું કાકાનું ધ્યાન રાખીશ….પણ તું મને રોજ યાદ કરજે હો..મને તારા વિના ગમશે નહિ…”….જ્યોતિ એના શબ્દો યાદ કરી રહી….ને અચાનક એનો ચહેરો લાલઘૂમ થઈ ગયો…આખું શરીર ગુસ્સાથી કંપવા લાગ્યું….યાદોના વમળમાં ફસાવા લાગી….

સપના ને એના કુટુંબીજન ગયા ત્યારથી એના પપ્પા અને કાકાને સમયસર પીરસી ને જમાડવાની જવાબદારી જ્યોતિના માથે આવી…શરુ ના ૧-૨ દિવસ તો બંને જ્યોતિના ઘરે જ જમવા આવે…પણ પછી સપનાના કાકાને પણ ધંધાના કામે બહારગામ જવાનું થયું…ને એના પપ્પાનો કોઈ સમય નક્કી નહિ… એટલે રાતે ટીફીન લઇને જ્યોતિએ એમના જ ઘરે જઈ ને પીરસી ને જમાડી આવવાનું નક્કી થયું.

જ્યોતિ રમણકાકાની થાળી પીરસી રહી હતી ને કાકાએ એને પકડી ને ખોળામાં બેસાડી..ને માથે હાથ મૂકી વ્હાલ કરવા લાગ્યા…જ્યોતિને ખુબ જ અજુગતું લાગ્યું.. એણે ક્યારેય સપનાને પણ રમણકાકાના ખોળામાં બેસતા જોઈ ન હતી…એ તરત સરકી ગઈ ને સજાગ થઇ જલ્દીથી રમણકાકા જમી લે એની રાહ જોવા લાગી…પછી ઘરે જતી હતી ત્યાં કાકાએ બુમ પાડી કહ્યું કે,… “કાલે ફરી આ જ સમયે ટીફીન લાવજે…ને સ્કુલનું લેશન હોય તો એ પણ લઈને આવજે..  અહી બેસીને કરજે…” વળી, જ્યોતિના ઘરે ફોન કરીને પણ કહ્યું કે, “જ્યોતિ ખૂબ ડાહી ને હોશિયાર છે…”

જ્યોતિ ઘરે પહોચી ત્યારે તો એના પપ્પા ખૂબ ખુશ હતા કે દીકરીના વખાણ થઇ રહ્યા છે.

આજે પાંચમો દિવસ હતો…આજે કોણ જાણે..જ્યોતિને સપના ખૂબ યાદ આવતી હતી..પહેલી જ વાર બંને બહેનપણી આટલા લાંબા સમય માટે છૂટી પડી હતી…રમણકાકાની  થાળી પીરસતા-પીરસતા જ્યોતિ ડૂસકે ચડી….કાકાએ એને ખોળામાં ખેચી લીધી ને માથે હાથ ફેરવવા લાગ્યા..

અચાનક એ હાથ હવે તો નીચે ને પછી તો સાથળ સુધી પહોચવા લાગ્યો…જ્યોતિ એક અજીબ ગૂંગળામણ અનુભવવા લાગી…ને એકદમ ધક્કો મારી ને ખોળામાંથી ઉભી થઇ ભાગતી ભાગતી ઘરે પહોચી….

સાવ કાચી ઉમર…૯ વર્ષ..કશી જ સમજ પડતી ન હતી…માત્ર એટલું જાણતી હતી કે કૈક ગમતું નથી…વિચિત્ર છે…રાત્રે એણે મમ્મીને કહેવાની કોશિશ કરી…પણ, વ્યર્થ…..શું કહેવું ?…કંઈ સમજાય તો ને ??!!

છટ્ઠો દિવસ….આજે જ્યોતિ ને સપનાના ઘરે જવાની સહેજેય ઈચ્છા ન હતી…મમ્મી-પપ્પાએ પરાણે મોકલી હતી….ખુબ સજાગ હતી…જલ્દીથી રમણકાકાને જમાડીને ઘરે પછી ફરી રહી હતી ને…. એના કાને કોઈની વાતચીત ના શબ્દો…”ઈ X X Xના ને તો જોરની લાત જ દેવી’તી ને સાલો પેશાબ કરતા’ય ભૂલી જાત….”……….કંઈ સમજાયું નહિ….એટલે ઘરે આવી ને તરત એણે પપ્પા ને પૂછ્યું કે, “….. આનો મતલબ શું ?”…..ને એના ગાલે એક જોરદાર…………ગાલ લાલઘુમ થઇ ગયો..રડતી રડતી સુવા જતી રહી..પણ, ઊંઘ આવે ?…….વિચારતી રહી કે, ” …….એનો અર્થ શું ?”….સવારે સમય મળતા મમ્મી ને પૂછ્યું…જાણે બીજો ગાલ માં ની મહોર ની જ રાહ જોતો હોય…..!!!!………………..ખુબ રડી…કોને પૂછું ?..એવું તે શું છે ?…..વિચાર મગજમાં એવા તો ઘુમવા લાગ્યા..ને પાછો એમાં માં-બાપનો માર….શરીર તપવા લાગ્યું…પણ જે થયું એ સારું થયું…..૪ દિવસ ટીફીન લઇ રમણકાકા પાસે ..માંથી  છુટ્ટી મળી…

આજે સાવ સારું હોય, ફરી મમ્મીની હાકલ પડી કે…”ટીફીન તૈયાર છે…જલ્દી જમી લે ને જા…”

કોણ જાણે કેમ જ્યોતિને રમણકાકા નાનપણથી જ ગમતા નહિ…પણ, સરોજકાકી ખુબ પ્રેમાળ એટલે એ હોશે હોંશે સપનાના ઘરે જતી.

આજે તો નક્કી કરી ને જ નીકળી હતી કે કાકા જમી લે કે તરત પાછી…પણ, આજે રમણકાકાને જમવાની કોઈ ઉતાવળ જ ન હતી..એ તો જ્યોતિ સાથે સ્કુલની વાતો કરવા લાગ્યા..ને, અચાનક જ્યોતિને ખેચી લીધી..ને લુંગી ઊતારી બાજુમાં ફેંકી..જ્યોતિ આ બીહામણી આકૃતિ જોઈને સૂન્ન થઇ ગઈ…કંઈ વિચારે એ પહેલા તો ..રમણ(કાકા ??) એ એનું ફ્રોક ખેચી નાખ્યું…જ્યોતિ ધ્રુજવા લાગી…”શું કરવું ?”……..કંઈ સમજાય તો ને… ??!! ………ને અચાનક એના કાને પડઘો ગુંજી ગયો….”ઈ X X Xના ને તો જોરની લાત જ દેવી’તી ને સાલો પેશાબ કરતા’ય ભૂલી જાત….”………..પૂરી તાકાત લગાવીને લાત મારી…ને, “સાલીઇઇઇઇ  ઇ ….” ની ચીસ સંભળાઈ…

ભાગતી-હાંફતી જ્યોતિ ઘરે પહોચી…ને એના હાલહવાલ જોઈ પપ્પાએ ગાલ પર જોરથી એક…”ફ્રોક ફાટેલું છે તો સમજાતું નથી કે બીજું પહેરીને જઈએ..”……….શું કહેવું ?…કોને કહેવું ?…આ બધું શું થઇ રહ્યું છે ?….બાળમાનસ BUSY BUSY ..થઇ ગયું…..એટલું તો જરૂરથી સમજી કે…કોઈ રાક્ષસથી બચવું હોય તો ક્યાં ને કેવી રીતે લાત મારવી…..કોઈ મદદ કરશે નહિ..પોતાની જાતનું રક્ષણ જાતે જ કરવું પડશે….

સપના ને એનું કુટુંબ ભરૂચથી પાછું આવી ગયું..પણ હવે જ્યોતિને બહાના બનાવતા આવડી ગયું છે…સપનાના ઘરે કામ સિવાય જતી જ નથી…

જ્યોતિ મક્કમ બની ગઈ છે…જ્યાં જવું હોય ત્યાં જ જાય ને જેમ કરવું હોય એમ જ કરે…કોઈ ના મારની એને અસર થતી જ નથી…

સમય પસાર થવા લાગ્યો…જ્યોતિ હવે યૂવાન બની રહી છે…

અચાનક એક દિવસ રમણ(કાકા) ભટકાઈ ગયા…”અલી તું તો ફટાકો લાગે છે ને…મારો હાથ ફરે પછી શું થાય…?? હા હા હાહ હા………………” જ્યોતિ હચમચી ગઈ…પણ હવે એ ડરી નહિ…એની આંખો આગ વરસી રહી…”જે બોલવું હોય તે બોલી લે…પણ મને તું પામી નહિ શકે…ને યાદ રાખ..તું કદી શાંતિથી મરી નહિ શકે…..મૌત માટે ભીખ માંગતો રહીશ…ત્યારે હું પણ આવું જ અટ્ટહાસ્ય કરીશ….મારી ઈચ્છા વિરુદ્ધ યમરાજ પણ…………”

એક સમયે તો જ્યોતિ એ વિચાર્યું કે આ રમણને ખુલ્લો પાડી દે..પણ, એની સપના…..એના પર શું વીતશે ?..કાકીનો શું વાંક…??….સમાજ મને કેવી નજરે જોશે ????…..ને આ રમણ રાક્ષસ બચી ગયો….

જ્યોતિ આખી રાત યાદોના વમળોમાં ફસાતી રહી….સવાર ક્યા પડી ગઈ એ ખબર જ ન પડી…

મન મનાવીને એણે સપનાને ફોન કર્યો…”હવે તબિયત કેવી છે ?”

“જ્યોતિ, પપ્પાની તબિયત તો એવી જ છે..પણ, ફરી એ જ કહીશ કે કૈક છે..એ ચોક્કસ..ડોક્ટરે પણ આશા છોડી દીધી છે પણ, જીવ અટક્યો છે…ને મમ્મી પણ એવું બોલી કે… ‘એના કરમ નડે છે…’ …મને તો કંઈ સમજાતું જ નથી..મારાથી તો પપ્પાની હાલત જોવાતી જ નથી..હવે છૂટી જાય તો સારું…”..ને ડૂસકે ચડી…..જ્યોતિ શું જવાબ આપે ??????????????

જ્યોતિનું માથું ભમવા લાગ્યું…આંખો આગ વરસી રહી..”શું કરવું ?”……ને ત્યાં છાપા ઉપર નજર ફરી…क्षमा विरस्य भूषणम……

શું થયું….વર્ષોથી કોરીકટ આંખે આજ આંસુ…??!!!!!!!!!!!

ત્યાં તો ફોનની રીંગનો અવાજ….

“જ્યોતિ..શું કહું ???..દુઃખદ સમાચાર કે ખુશ ખબરી ???….પપ્પા છૂટી ગયા….”

લેખક – આરતી  પરીખ 

ટીપ્પણી