આજનો દિવસ := World Philosophy Day (વિશ્વ ફિલસુફી દિવસ)

આ દિવસ યુનેસ્કો દ્રારા મહાન ફિલસુફ પશ્વિમી તત્વજ્ઞાનના પ્રેણેતા સોક્રેટીસની યાદમાઁ ઉજવવા માઁ આવે છે. આ દિવસ નવેમ્બર મહિનાના દર ત્રીજા ગુરુવારે ઉજવવામાઁ આવે છે. આ દિવસ વિશ્વમાઁ સૌ પ્રથમ ૨૧ નવેમ્બર ઇ.સ. ૨૦૦૨માઁ ઉજવવામાઁ આવ્યો હતો. ત્યારથી દર વર્ષે નિયમિત રીતે દર વર્ષે ઉજવવામાઁ આવે છે.

ફિલસુફી-ચિઁતન એ ખુબ જ અઘરી વાત છે. કેટલાક લોકોના મતે ફિલસુફી એ ખોટા પ્રશ્નો પુછવાની કળા છે. એક રીતે કહીએ તો અર્થહીન પ્રશ્નોના અર્થહીન જવાબો એટલે જ ફિલસુફી. ફિલસુફી એટલે દ્રષ્ટ્રીકોણ પણ કહી શકીએ. આપણે ઘણી વખત જાણતા-અજાણતા કહીએ છીએ કે, “અરે, એના જીવનનો દ્રષ્ટ્રીકોણ અલગ છે.” ઘણીવાર કેટલાક લોકો સાચી હકીકત કે કડવી વાસ્તવિકતા સરળતાથી સ્વીકારી શકતા નથી અને એ વાતને ફિલસુફીમાઁ ગણીને અવગણવા પ્રયત્નો કરતાઁ હોય છે. ઘણા લોકો ના મતે તો લાફો મારીને ગાલ લાલ રાખવો એ જ ફિલસુફી. આપણને નિષ્ફળ વ્યકિત પાસેથી જીવન જીવવાની સાચી ફિલસુફી જાણવા મળી શકે છે. મારા ખાસ મિત્રના મતે “મારી વિચારધારા એ જ મારી ફિલસુફી, પછી ભલે એ અન્યોને સમજાય કે ન સમજાય.” ટુઁકમાઁ કહીએ તો થોડુ ઘણુ ગાઁડપણ તો આપણા બધામાઁ હોય છે જ, પણ પોતાના ગાઁડપણનુ વિશ્લેષણ કરી શકે એને જ ખરો ફિલોસોફર કે તત્વચિઁતક કહેવાય.

એક ફિલોસોફરે સરસ વાત કરી છે. તેણે કહ્યુ કે તમારે જો બધાથી આગળ ચાલવુ હોય તો એકલા ચાલો પણ જો તમારે બહુ દુર સુધી ચાલવુ હોય તો બધાને સાથે લઇને ચાલો. એકલા ચાલીને કદાચ આગળ તો નીકળી જવાય પણ આગળ ગયા પછીય આપણે એકલા જ હોય છીએ. એકલો માણસ થાકી જાય છે અને ઘણી વખત રસ્તા પર ફસડાઇ પણ જાય છે. આવા સમયે જો કોઇ ઊભા કરવાવાળુ કે ખભો થપથપાવવાવાળુ કોઇ હોય તો સપનાઓ અધુરા છુટતા નથી.
એક યુવાને એક ફિલોસોફરને પુછ્યુ કે,”પ્રેમ કેવો હોવો જોઇએ ? મૌન કે વાચાળુ ?
આ સાઁભળીને ફિલોસોફરે હસતા હસતા એ યુવાનને કહ્યુ,”તારી પ્રેયસી જે ભાષા સમજે, એવો પ્રેમ હોવો જોઇએ. જરુરી એટલુ જ કે તમારા પ્રેમની ભાષા એક જ હોવી જોઇએ. જો એ તારુ મૌન સમજી શકે તો મૌન અને જો વાચા સમજી શકે તો વાચા.

સોક્રેટીસ, પ્લુટો, કન્ફ્યુશિયસ એરીસ્ટો‌ટલ મહાન ફિલોસોફર થઇ ગયેલા. જો કે સોક્રેટીસ પોતાના સમયથી ઘણા જ આગળ હતા એમ કહીએ તો ખોટુઁ ન કહેવાય. સોક્રેટીસનો જન્મ ઇ.સ. પુર્વે ૪૬૯ માઁ એથેન્સમાઁ થયો હતો. પિતા પથ્થરોનુ બાઁધકામ કરતા હતા, અને માતા દાયણ હતી. સોક્રેટીસે લોકશાહીને પોતાની સામે જ મોટી થતા જોએલી એમ કહીએ તો ખોટુ ન કહેવાય કારણ કે ઇ.સ. પુર્વે ૫૦૮ માઁ જ એથેન્સમાઁ લોકશાહીનો જન્મ થયો હતો. સોક્રેટીસ જેવુ વિચારતા હતા એવુ જ પોતાના મિત્રવર્તુળમાઁ મુક્તમને ચર્ચાઓ કરતા. જેના લીધે એમની વિચારાધારા ચોમેર પ્રસરી હતી. માનવજીવનમાઁ આવતી વિવિધ સમસ્યાઓને લગતા સમાધાનના જ્ઞાન માટે આ મહાન તત્વચિઁતકની પાછળ અનેક શિષ્યો ફરતા. સોક્રેટીસ હઁમેશા આત્મજ્ઞાન પર ભાર આપતા હતા. કારણકે તેઓ ખુદ ચિઁતન અને મનનથી આગળ આવ્યા હતા. એ સમયમાઁ લખવા-વાઁચવાની કોઇ ખાસ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ ન હતી. ઇ.સ. પુર્વે ૩૯૯માઁ સિત્તેર વર્ષના સોક્રે‌ટીસ પર એમના શત્રુઓએ એમને બે આરોપ સર ધરપકડ કરાવી. ન્યાયાલયમાઁ‌ સોક્રેટીસને ન્યાયધીશે છોડવા માટે પોતાની સ્વતઁત્ર વિચારધારાને પોતાની રાખવા જણાવ્યુ હતુ. ઉપરાઁત સોક્રેટીસ હાલના સમય મુજબ ૫૨૫ રુપીયા જેટલી રકમ દઁડ રુપે ચુકવીને મુક્ત થઇ શક્તા હતા, આ પ્રસ્તાવનો અસ્વીકાર કરીને સજા રુપે લોકશાહી માટે સ્વેચ્છાએ વિષપાન કર્યુ હતુ.

આપણે એમના જીવના ફિલસુફીભર્યા પ્રસઁગો જોઇએ.

૧) એક વખત સોક્રેટિસ કોઇ પ્રદશન જોવા માટે ગયા હતા. ત્યાઁ બધુ જોતા જોતા તેમની નજર એક મહિલા પર પડી. સોક્રેટિસને તેની રમુજ કરવાનુ મન થયુઁ. સોક્રેટિસ તેમની પાસે ગયા અને તેમના સૌઁદર્યના તેમજ તેમની સુઝ-બુઝના વખાણ કર્યાઁ.
પેલી મહિલા પોતાના વખાણ સાઁભળીને અભિમાન આવી ગયુ અને સોક્રેટિસને ઉદ્દેશીને કહ્યુ કે,”મને માફ કરશો કારણ કે હુ આવુ તમારા વિશે કઁઇ જ કહી શકુઁ તેમ નથી.
ત્યારે સોક્રેટીસે કહ્યુ,”વાઁધો નહિ, મારી જેમ ખોટુઁ બોલો!”

૨) સોક્રેટીસ અત્યઁત વિનમ્ર સ્વભાવના હતા. જયારે એમની પત્ની જેથિપ્પી ભારે કર્કશા અને ઝઘડાળુ હતી. એક વખત એવુ બન્યુ કે જેથિપ્પી કોઇ કારણસર બુમ-બરાડા સાથે લડવા લાગી. સોક્રેટીસે કોઇ પ્રતિક્રિયા ન આપતા જેથિપ્પીએ ગઁદુ પાણી ભરેલુ વાસણ એમના મિત્રોની હાજરીમાઁ જ એમના પર રેડી દિધુ. સોક્રેટીસે હસીને કહ્યુ,”મને ખબર જ હતી કે તુ આટલુ ગર્જીયા પછી વરસ્યા વિના નહિ રહી શકે.”

૩) એક વખત એક વ્યક્તિ સોક્રેટીસ ને મળવા આવ્યો. અને કહ્યુ,”ફલાણો વ્યક્તિ તમારો મિત્ર છે એની અઁગે એક વાત તમે સાઁભળી ? સોક્રેટીસે આ વાત સાઁભળીને કહ્યુ,”તમે મારા મિત્ર વિશે કઁઇપણ કહો એ પહેલા મને ત્રણ પ્રશ્નોના જવાબ આપો. (I) સૌપ્રથમ મને એ વાત કહો કે “તમને વિશ્વાસ છે કે તમે જે કહો છો એ સત્ય જ છે ?” “ના, આ તો મૈઁ ફક્ત સાઁભળેલી વાત છે.” એ વ્યક્તિએ કહ્યુઁ. (II) સોક્રેટીસે કહ્યુ,”સારુ, તમે જે વાત કરવા માઁગો છો ? એ વાત મારા મિત્રની નિઁદા છે કે વખાણ ?” તો એ વ્યક્તિએ કહ્ય,”નિઁદા” (III) “તમારી એ વાતથી મને કોઇ ફાયદો થશે?” છેલ્લો પ્રશ્ન પુછ્યો તો એ વ્યક્તિએ કહ્યુ,”ના, એ વાતથી તમારો કોઇ ફાયદો થશે નહિ.” ત્રણેય પ્રશ્નોના જવાબ સાઁભળીને સોક્રેટીસે હસતા-હસતા કહ્યુ,”ભાઇ, જે વાત વિશે તને શઁકા છે, જે વાત નિઁદનીય છે અને જે વાતથી મારો કોઇ જ ફાયદો થવાનો નથી તો એ વાત સાઁભળીને મારે શા માટે મારો સમય બગાડવો?”

૪) રાજાની ટીકા કરવા બદલ સોક્રેટીસને રાજ-દરબારમાઁથી અપમાનિત કરીને કાઢી મુકવામાઁ આવ્યો. સોક્રેટીસ ના ખરાબ દિવસો હતા. રુપીયા ના અભાવે સોક્રેટીસ પોતાના ઘરના સભ્યોને ખવડાવવા માટે માઁડ માઁડ જાર (ખાવાનુ હલકુ ધાન્ય) ખરીદી શકતો. એક વાર સોક્રેટીસ પોતાના ઘરની પરસાળમાઁ રાઁધેલી જાર ખાઇ રહ્યો હતો અને ત્યાઁથી રાજાની ચાપલુસી કરીને આગળ આવેલો દિવાન જે સોક્રેટીસ નો ખાસ મિત્ર હતો તે પોતાના રસાલા સાથે નીકળ્યો.
રાજાના ખાસ દિવાને પોતાના ઘરમાઁ ભોજન લઇ રહેલા સોક્રેટીસને જોઇને કહ્યુ,”મને તારી દયા આવે છે, જો તને રાજાની થોડીક પણ ખોટી પ્રશઁસા કરતા આવડતુ હોત, તો આજે આ મુઠ્ઠી જાર ખાવાના દિવસો ન આવત…”
આ સાઁભળીને સોક્રેટીસે હસતા હસતા પ્રત્યુત્તર આપતા કહ્યુ,” અને તને જો મુઠ્ઠી જાર ખાતા આવડતુઁ હોત તો તારે રાજાની ખોટી પ્રશઁસા ન કરવી પડત. મને પણ તારી દયા આવે છે…”

– નવલકથા ‘સોક્રેટીસ’ લેખક-મનુભાઇ પઁચોલી

સોક્રેટીસની કેટલીક અમુલ્ય વિચાર કર્ણિકાઓ

સઁતોષ કુદરતી દોલત છે, જયારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીવી છે. – સોક્રેટીસ

સિઁહ જો લીડર હોય તો ગધેડાઓનુ ટોળુ,
ગધેડુ લીડ કરતુ હોય તેવા સિઁહોના ટોળાને પણ હરાવી શકે છે. – સોક્રેટીસ

ફકત એ જ આળસુ નથી, જે કઁઇ જ નથી કરતો,
આળસુ તો એ પણ છે, જે વધુ સારુ કામ કરી શકે છે, પણ કરતો નથી. – સોક્રેટીસ

આનઁદ એવી બાબત છે, જેને માણ્યાઁ પછી પસ્તાવો કરવો પડતો નથી. – સોક્રેટીસ

લગ્ન આપણા માટે દરેક રીતે લાભકારી હોય છે,
જો સારી પત્ની મળી તો સુખી, નહી તો ફિલોસોફર. – સોક્રેટીસ

ક્રાઁતિ નાની નાની વાતોના વિષયમાઁથી થતી નથી.
પરઁતુ નાની નાની વાતોમાઁથી ઉદ્દભવે છે. – સોક્રેટીસ

પ્રશ્ન પુછવાનુ બઁધ કરાવીને તમે પ્રશ્ન પતાવી ન શકો. – સોક્રેટીસ

નિરાશા જયારે ચરમસીમાએ પહોઁચે છે ત્યારે
આપણે આપણો વિવેક ગુમાવી દઇએ છીએ.! – સોક્રેટીસ

જે પોતાના ક્રોધ પર નિયઁત્રણ મેળવે છે,
તે જ બીજાના ક્રોધથી બચી શકે છે અને તે જ પોતાનુ જીવન સુખી બનાવી શકે છે. – સોક્રેટીસ

ફિલસુફી વિશે તો હુ પોતે એટલુ જ કહીશ કે,

ઋષિ, મુનિ, નબીની બીજી ફિલસુફી છે શુઁ ?
જે કઁઇ બનો તે આશા તથા ભય વિના બનો.
પગભર તો છો તમે, હવે આગળ તમારુ કામ
રસ્તો બનો ત મારો, તમારી દિશા બનો. – મરીઝ

— Vasim Landa ☺️
The Dust of Heaven ✍️

ટીપ્પણી