આજે વર્લ્ડનો Tobacco Day : એક ડોક્ટર મિત્રએ “તંબાકુ” પર મોકલેલ ખાસ લેખ

તમાકું અને તેની આડઅસરો…તમાકું વિષે ખૂબ બોલાય છે અને લખાય છે. ચાલો આજે આપણે તમાકું અને તેની આડઅસરો વિષે જાણીઍ. માનવી સિવાય બીજા કોઈ પ્રાણી કે જીવજંતુ તમાકુંનો ઉપયોગ કરતાં નથી.

તમાકુંને કારણે દુનિયામાં દર 10 સેકન્ડે એક મૃત્યું થાય છે. દર વર્ષે લગભગ ૬૦ લાખ લોકો તમાકુંને કારણે થતા રોગોથી મૃત્યુ પામે છે અને 6,00,000 (છ લાખ) લોકો પેસીવ (નિષ્ક્રિય) ધુમ્રપાનથી મરે છે. ૧૯૯૦ મા લગભગ ૧૧૦ કરોડ લોકોને તમાકુનું વ્યસન હતું જે 2017 સુધીમાં વધીને 200 કરોડ સુધી પહોંચી ગયું છે. જેમા પણ ચીન પછી આપણો દેશ બીજા નંબરે છે.

અચરજની વાતતો ઍ છે કે દુનિયામાં છેલ્લાં 20 વર્ષમાં તમાકુંના વ્યસની સ્ત્રીઓનુ પ્રમાણ ૧૨% થઈ વધીને લગભગ 40%એ પહોંચી ગયું છે.

આજકાલના યુવાનોમાં જે હુક્કા પીવાની ફેશન છે ઍમણે પણ જાણવું જોઈયે કે ભલે ટોબૅકો-ફ્રી ફ્લેવરના હુક્કા હોય પણ ઍ બીડી કે સિગારેટ કરતાં વધું જોખમી હોય છે. હુક્કાના ધુમાડામાં બળતી તમાકું ઉપરાંત ઍલ્યુમિનિયમ અને કોલસા બળે ઍના ધુમાડા પાણીમાં થઈને બહાર આવે ત્યાં સુધીમાં વધુ જલદ થઈ જાય છે.

તમાકુંની જુદી જુદી બનાવટોમાં 4000 જેટલા નુકસાનકારક રસાયણ હોય છે જેમાંથી 50 રસાયણોથી કેન્સર થઈ શકે છે. મૃત્યુના ચાર મુખ્ય કારણ છે એવા રોગો પાછળ તમાકુંજ જવાબદાર છે. દુનિયામાં દર વર્ષે થતી આત્મહત્યા કરતા 30 ગણા વધુ, ડાયાબિટીસથી થતાં મૃત્યુ કરતાં 18 ગણા, અકસ્માતમાં થતાં મૃત્યુ કરતાં 12 ગણા વધુ મૃત્યુ તમાકુંને કારણે થતા રોગોથી થાય છે.

તમાકુંથી ફક્ત કેન્સરજ થાય છે ઍવું નથી. તમાકુંથી બ્લડપ્રેશરની બિમારી, હ્રદયરોગ, પેરાલીસિસ ઍટલે કે લકવો, લોહીની નળિઑ બંધ થવાથી થતું ગેંગ્રિન, પુરૂષોમાં નપુંસકતા, સ્ત્રીઓમાં વ્યંધત્વ, ગર્ભમાં રહેલ બાળકનો કુન્ઠીત વિકાસ, નબળું પાચનતંત્ર, અંધાપો આવવો, યાદશક્તિ જવી વગેરે તકલીફો પણ થઈ શકે છે. ભારતમાં રોજના લગભગ 6000 નવા બાળકો તમાકુંના વ્યસની બને છે.

આપણા દેશમાં લગભગ 3000 બ્રાન્ડના ગૂટખા મળે છે. એક બીડી/સિગરેટ આપણી જિંદગીની 11 મિનિટ અને ફાકી/ગુટખા/માવા/તમાકું આપણી જાતને જિંદગીની 4 મિનિટ ઓછી કરી નાખે છે. આપણા દેશમાં દર કલાકે 90 જેટલા લોકો તમાકુંને કારણે થતા રોગોથી મૃત્યુ પામે છે. આપણા દેશમાં દર વર્ષે ૧૦૦૦ કરોડથી વધુ બીડી/સિગરેટ ફૂંકી જાય છે. અને તમાકુંની પાછળ ₹ 50,000 કરોડનો ધુમાડો કરી નાખે છે. તમાકુના વ્યસન પાછળ થતો ખર્ચ કેટલો મોટું નુકસાન કરી શકે એનો ચોંકાવનારો ચિતાર જોઈએ તો… રોજનાં 50 રૂપિયા બચાવી અને 12% નફા સાથે રોકીએ તો 30 વર્ષે ₹ 77 લાખની બચત થઈ શકે.

દર વર્ષે 45 કરોડ કિલો તમાકુંનુ ભારતમાં ઉત્પાદન થાય છે જેનું 80% જેટલું તમાકું આપણા દેશમાં જ વપરાય છે. દર એક લાખ વ્યક્તિએ 90 જેટલા કેન્સરના દર્દીઓ છે. આપણા દેશમાં દર વર્ષે તમાકુંને લીધે લગભગ 12 લાખ જેટલા દર્દીઓને કેન્સર થાય છે જેમાં લગભગ સાડા ત્રણ લાખ મોઢાના અને ગળાના કેન્સરના નવા દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

સૌરાષ્ટ્રમાં તમાકુંને કારણે થતા કેન્સરનું પ્રમાણ સૌથી વધુ છે. આપણા રાજકોટમાં જ 20 હજાર થી પણ વધારે પાનની દુકાનો છે.

થોડા વર્ષો પહેલા રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટયૂટ દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ, રાજકોટની મ્યુનિસિપાલિટીની શાળાઓના 40% વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું કે તેઓ તમાકુંના વ્યસની છે. આવા બાળકોને કેન્સર થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. કયા કારણોસર એમને આ ટેવ પડી એવું પુછતાં તેમણે જણાવ્યું કે તેઓની આ કુટેવ એમના મિત્રો ઉપરાંત એમના માબાપ અને શિક્ષકોને જોઈને પડી હતી.

મોઢું ઓછું ખૂલે, મોઢામાં સફેદ કે લાલ ડાઘા પડે, ચાંદા પડે, ગાંઠ જેવું લાગે અને જો એ દવા કર્યા પછી પણ ન મટે. ગળામાં ગાંઠ હોય, ગળે ઉતારવામાં તકલીફ પડે, ગળે અટકતું હોય એવું લાગે, કોઈ એક કાનમાં દુખાવો રહ્યા કરે, ચાવવામાં તક્લીફ થાય, કોઈ કારણ વગર દાંત હલે કે પડી જાય, અવાજ ખરાબ રહે… આ બધા કેન્સરનાં લક્ષણો હોય શકે.

આવું કાંઈ પણ જો જણાય તો તરત ડોક્ટરને બતાવો.

જો કેન્સર થઈ જાય તો એની સારવાર જેટલી બને એટલી વહેલી તકે કરાવવી જોઈએ.

જેટલી વહેલી સારવાર કરાવીએ એટલું કેન્સર મટવાના ચાન્સ વધુ રહે.

એક વાત અહીં ખાસ જણાવવા માંગુ છું કે કેન્સર આયુર્વેદ, દેશી દવાઓ, હોમિયોપથી ઔષધોથી કે પછી કોઈ અલ્ટરનેટિવ મેડિસિનથી મટે ઍવું પૂરવાર થયું નથી. આવી સારવારમાં જેટલો સમય બગાડીએ એટલું કેન્સર વધતું જાય છે અને છેલ્લે રીબાઈ ને મરવું પડે છે.

કેન્સરની સારવાર માટે ઓપરેશન, કેમોથેરાપી અને રેડિયોથેરપી એટલે કે શેક ની સારવાર ઉપલબ્ધ છે. જરૂર પ્રમાણે એક અથવા કોમ્બિનેશન માં આ સારવાર આપવામાં આવે છે.

રાજકોટમાં પણ હવે અત્યાધુનિક સારવાર માટે લિનિયર એક્સલરેટર નાં મશીન, નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં અને અન્ય પ્રાયવેટ હોસ્પિટલ માં ઉપલબ્ધ છે. જેનાથી શેકની સારવાર કરવામાં આવે તો ખૂબ ઓછી અડઅસર થાય.

તમાકુથી ફક્ત મોઢાનું કે ગળાનું કેન્સર થાય એવું નથી. પાચન તંત્ર નબળું પડે, ડાયાબિટિસ થઈ શકે, શ્વાસમાં તકલીફ પડે, દમ ની બીમારી તથા અન્ય સ્વસન તંત્ર નાં રોગ, બ્લડ પ્રેશર, હ્રદય રોગ, પેરાલીસીસનો હુમલો અવવો, નાપુંસકતા આવવી, સ્તનનું કેન્સર, શુક્રાણુ કે અંડ માં ખામી આવવી, બાળક ઓછાં વજન નું જન્મી શકે, મિસકેરજ થવાની શક્યતા વધે, સ્તનપાન માં પણ તમાકુંમાં રહેલું નીકોટીન બાળકમાં જઈ શકે, શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે, હાડકાં નબળાં પડે, પગની નસ નબળી પડી જાય જેનાથી કોઈ વાર પગ પણ કાપવો પડે.

જો તમાકુંને અત્યારે છોડવામાં આવે તો… પ્રથમ 20 મિનિટમાં : તમારું બ્લડ પ્રેશર નોર્મલ થવા માંડે,
8 કલાકમાં : ઝેરી તત્વો શરીરમાંથી ઓછા થવા માંડે અને શરીરમાં ઓક્સિજન ધીરે ધીરે નોર્મલ થવા માંડે, 48 કલાકમાં : શરીરમાં રહેલું નીકોટીનનું પ્રમાણ શૂન્ય થઈ જાય. સ્વાદ અને સુગંધ નોર્મલ થાય અને હ્રદય રોગ થવાનું પ્રમાણ ઓછું થાય. 72 કલાકમાં : શરીરમાં સ્ફૂર્તિ વધે, 2 અઠવાડિયા પછી : લોહીનું પરિભ્રમણ સુધરે અને આવતા 3 મહીના સુધી ધીમે ધીમે સુધરે, 3 થી 6 મહિનામાં : ઉધરસ ઘટે અને શ્વાસની તકલીફ ઓછી થાય, 1 વર્ષમાં : તમાકુને લીધે આવનારા હ્રદય રોગ ની શકયતા 50% ઘટી જાય અને તેની શરીરમાંથી સંપૂર્ણ અસર જતાં 15 વર્ષ લાગે છે.

તમાકુનો ઉપયોગ કરનાર માટે એક ખાસ ઈનામી યોજના છે. જેનાં ઈનામો કેન્સર, સડી ગયેલા જડબા, યુવાનીમાં ઘડપણ, મોં ઓછું ખુલવું, ગળામાં ચાંદા પડવા, કિડનીની બિમારી, ખાંસી, કફ, દમ, હોજરીમાં અલ્સર. અને બમ્પર ઈનામ… મૃત્યુ. અને આ ઈનામ મેળવવાનું સ્થળ સ્મશાનઘાટ જેમાં મુખ્ય અતિથિ શ્રી યમરાજ છે. આ ઈનામી યોજનાનું ફોર્મ આપની નજીકની પાનની દુકાને મળશે.

આપણી સરકાર પણ આ દિશામાં ઘણા પ્રયત્નો કરે છે. એમના નિયમ અનુસાર શૈક્ષણિક સંસ્થાઓથી પાન ની દુકાન દૂર રાખવી. તે ઉપરાંત ગુટખા પર પ્રતિબંધ લગાવ્યો છે. તમાકુનું વ્યસન ઓછું થાય ઍ માટે WHO ની guideline પ્રમાણે તમાકુની દરેક વસ્તુ પર ખૂબ ઊંચો કર લાગુ કરવામાં આવે છે

હ્રદય રોગ કે કેન્સર જેવી મોટી બિમારીના ખર્ચને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી અમૃતમ્ યોજનાનો લાભ પણ આપણી સરકાર દ્વારા આપવામાં આવે છે. પણ મિત્રો, આપણી કહેવત છે ને કે ચેતતો નર સદા સુખી અથવા prevention Is better than cure, એ મુજબ તમાકું થી દૂર રહેવું હિતાવહ છે.

તમાકુથી થતા રોગોના સારવારનો ખર્ચ ખૂબ વધારે થાય છે. સરકાર તરફથી ભલે રાહત મળતી પણ રોગ ને ભોગવવો તો આપણે જ પડે. રોગનું દુખ, પરિવારને આપવો પડતો ભોગ, સારવાર દરમિયાન વ્યય થતાં કામના કલાકો તથા બંધ થતી કમાણી… આ બધું ગણીએ તો સરવાળે આ દુખ લેવાં જેવું નથી.

મિત્રો, સમજો. તમાકું છુપો ટેરરિસ્ટ છે.

ચાલો આટલું જાણ્યા પછી આપણે સંકલ્પ કરીઍ અને તમાકુંના રાક્ષસને આપણાથી દૂર રાખીઍ.

તમારો, – ડો. વિમલ હેમાની (રાજકોટ)

મારા આ વિચારો પર આપ સૌ પણ મંતવ્ય આપજો અને મિત્રોને ટેગ કરજો !

ટીપ્પણી