શું તમારા ઘરની સ્ત્રીઓ પુરતી ઊંઘ લે છે?? સ્ત્રીઓ માટે કેમ જરૂરી છે પુરતી ઊંઘ, આવો જાણીએ…

ક્યારેક નવજાત બાળકની સંભાળ માટે તો ક્યારેક એક્ઝામમાં તે તૈયારી કરતું હોય ત્યારે, ક્યારેક જુવાન દીકરો-દીકરી ઘરે મોડાં આવે કે ઘરમાં કોઈ માંદું-સાજું હોય ત્યારે પ્રેગ્નન્સીથી લઈને જીવે ત્યાં સુધી મમ્મીઓ સતત મોડે સુધી જાગતી હોય છે અને સવારે વહેલી ઊઠીને કામે લાગી જતી હોય છે. આ અપૂરતી ઊંઘને કારણે મમ્મીઓની હેલ્થ પર અને તેમના જીવન પર ઘણી અસર પડી રહી છે. ગઈ કાલે મધર્સ ડે હતો. એ નિમિત્તે આપણે જાણીએ આ અપૂરતી ઊંઘ મમ્મીઓને કઈ રીતે અસર પહોંચાડી રહી છે

પ્રેગ્નન્સીમાં જ્યારે મોટા પેટ સાથે સૂવાનું હોય ત્યારે છેલ્લા બે મહિના માટે મોટા ભાગની સ્ત્રીઓ માટે અઘરું થઈ જતું હોય છે. વળી રાત્રે એક-બે વાર ટૉઇલેટ માટે પણ ઊઠવું પડતું હોય છે. આ છે તેના ઉજાગરાઓની શરૂઆત. પછી બાળક જન્મે એટલે લગભગ એકથી દોઢ વરસ સુધી તે સતત રાત્રિજાગરણ કરતી હોય છે. એ પછી પણ ૩-૪ વર્ષનું બાળક થાય ત્યાં સુધી તે દરરોજ રાત્રે પથારી ભીની કરે કે સમજણું થાય તો પણ તેને ટૉઇલેટ જવા માટે મમ્મીને ચોક્કસ ઉઠાડે. એ પછી સ્કૂલિંગ શરૂ થઈ જાય, એક્ઝામ આવે અને આપણે જાણીએ છીએ એમ એક્ઝામ એકલા બાળકની હોય જ નહીં, મમ્મીઓની પણ હોય એટલે તે પણ બાળક જોડે ઉજાગરા કરતી જ હોય. છોકરાઓ મોટા થાય અને રાત્રે ઘરે મોડા આવે તો રાહ જોતી મમ્મી બેઠી હોય. જ્યાં સુધી બાળક ઘરે ન આવી જાય મમ્મીને ઊંઘ આવે ખરી? ઘરમાં કોઈ સાજું-માંદું હોય તો જાગે કોણ? મમ્મી જ. આટલાં વર્ષોથી ઉજાગરા કરી-કરીને પછી મમ્મીઓને એવી તો આદત પડી જાય જાગવાની કે જ્યારે કંઈ ન હોય તો પણ શાંતિથી સૂવાનું તેના માટે કપરું બની જતું હોય છે. વળી ૪૫-૫૦ વર્ષ પછી મેનોપૉઝનો સમય આવે અને હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને લીધે પણ મમ્મીની ઊંઘમાં તકલીફ ઊભી થતી હોય છે. ઘણાં બાળકોના મોઢે સાંભળવા મળે છે કે મમ્મીને તો આદત છે રાત્રે મોડી સૂએ, પણ સવારે તો વહેલી જ ઊઠે; પરંતુ બાળકો એ સમજતાં નથી કે આવી આદત પડી કઈ રીતે? ગઈ કાલે ઘણાં બાળકોએ તેમની મમ્મી સાથે મધર્સ ડે ઊજવ્યો હશે. બાળકો અને પરિવાર માટે જ સતત જીવતી મમ્મીઓ ક્યારેય પોતાની હેલ્થની કાળજી રાખતી નથી અને એ કાળજીની શરૂઆત પૂરતી ઊંઘથી થાય છે. આજે તેમના આ અપૂરતી ઊંઘના પ્રૉબ્લેમને સમજીએ.

જવાબદારીઓના અતિરેકમાં ઊંઘનો લેવાય છે ભોગ મમ્મીઓમાં અપૂરતી ઊંઘનો પ્રૉબ્લેમ સતત રહે છે એ વાત સાથે સહમત થતાં વલ્ર્ડ ઑફ વુમન-વાશીનાં ગાયનેકોલૉજિસ્ટ અને ઇનફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘જો ફક્ત બાળકની જ વાત કરીએ તો એ જ એક એટલી મોટી જવાબદારી છે કે ૨૪ કલાક પણ એના માટે ઓછા પડતા હોય એમાં ઉપરથી આટલી બીજી જવાબદારીઓ જેમાં ઘરની અને રસોડાની જવાબદારીઓ, સામાજિક જવાબદારીઓ અને આજની સ્ત્રીઓ જે વર્કિંગ છે એ તેમના કામની અને આર્થિક જવાબદારીનું પણ ભારણ ઉઠાવે છે. ઘણી મૉડર્ન મમ્મીઓ બાળક સૂઈ જાય પછી તેનું પ્રોફેશનલ કામ કે ઘરનાં બાકીમાં કામો ખતમ કરતી હોય છે. આ બધામાં જે સૌથી વધુ નુકસાન થાય છે એ છે તેની હેલ્થનું. કોઈ પણ મમ્મીની પ્રાથમિકતાનું લિસ્ટ ચકાસીએ તો એમાં તેની ઊંઘ સૌથી છેલ્લે આવતી હોય છે, જે બાબતે જાગૃતિ જરૂરી છે. મમ્મીઓએ એ સમજવું જરૂરી છે કે ૨૪માંથી ૮ કલાક જ્યારે તે સૂઈ જશે ત્યારે બાકીના ૧૬ કલાક ડબલ એનર્જીથી કામ કરી શકશે.’

અસર

મમ્મીઓને ઍવરેજ ૮ કલાકની ઊંઘ જરૂરી છે. જો એ ન લે તો તેમને કયા પ્રકારના પ્રૉબ્લેમ આવી શકે છે એ બાબતે વાત કરતાં સ્લીપ ડિસઑર્ડર ક્લિનિક-બાંદરાનાં સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ અને ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘જેમને તાત્કાલિક અપૂરતી ઊંઘની તકલીફ હોય તેમનામાં થાક, ચીડ, ગુસ્સો, કામ કરવાની અક્ષમતા, નિર્ણયશક્તિ પર અસર, સેક્સ માટેની અરુચિ જેવાં લક્ષણો દેખાય છે, જેની અસર તેમના પોતાના આપસી સંબંધો અને કામ પર પડતી હોય છે. વળી જ્યારે અપૂરતી ઊંઘની સમસ્યા લાંબા સમયથી હોય જે મોટા ભાગની સ્ત્રીઓમાં હોય જ છે જેને ક્રૉનિક સ્લીપ ડીપ્રાઇવેશન કહે છે. આ તકલીફ હોય ત્યારે એ મોટી બીમારીને આમંત્રી શકે છે. જેમ કે ઓબેસિટી, ડાયાબિટીઝ, હાર્ટ-ડિસીઝ, બ્લડ-પ્રેશર જેવી તકલીફો ચાલુ થઈ શકે છે. હકીકત એ છે કે કોઈ પણ બીમારીની જડમાં અપૂરતી ઊંઘ કારણભૂત બને છે. એ રોગ પ્રતિકારક શક્તિને પણ નબળી કરે છે. માણસની મૂળભૂત જરૂરિયાતોમાં શ્વાસ પછીનું સ્થાન ઊંઘનું છે. સ્ત્રીએ આ સમજવું જરૂરી છે.’

સર્વેમાં જાણવા મળેલાં રસપ્રદ તારણો

હાલમાં બ્રિટનમાં થયેલા એક સર્વે અનુસાર મમ્મીઓની રાત્રે પાંચ કલાક માંડ મળતી ઊંઘ અને કરીઅર-પ્રેશરને કારણે તેમની રિલેશનશિપ અને તેમની હેલ્થ ખરાબ થઈ રહી છે. આ સર્વે બ્રિટનના ‘મધર ઍન્ડ બેબી’ મૅગેઝિન દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં મમ્મીઓની ઉંમર ઍવરેજ ૩૦ વર્ષની હતી. આ સર્વેમાં જાણવા મળેલાં રસપ્રદ તારણો ચકાસીએ.

૧. સર્વેમાં એવું જાણવા મળ્યું કે આધુનિક જીવનની ભાગદોડમાં ઘર-બાળકને કામ વચ્ચે આ સ્ત્રીઓ એટલી થાકી જાય છે કે જેને કારણે તે પોતાનું માતૃત્વ માણી નથી શકતી.

૨. એટલું જ નહીં, ૯૦ ટકા સ્ત્રીઓએ કહ્યું કે તેમની રિલેશનશિપ પર ઘણી મોટી અસર પડી રહી છે. ૭૦ ટકા સ્ત્રીઓના જીવનમાંથી સેક્સ ગાયબ થઈ ગયું હતું અને ૯૨ ટકા સ્ત્રીઓને એમની પ્રોફેશનલ લાઇફ સંપૂર્ણ ખરાબ થઈ ગયેલી લાગતી હતી.

૩. આ સ્ત્રીઓમાં ૫૬ ટકા સ્ત્રીઓ ખુબ દુખી છે. પંચાવન ટકા મમ્મીઓ કબૂલે છે કે તે એટલી થાકી જાય છે કે તે તેના બાળક પર જ ચિડાઈ જાય છે. એમાં પણ ૭૦ ટકા મહિલાઓ છે કે જે ૩૫ વર્ષથી વધુ ઉંમર ધરાવે છે. આ સર્વેમાં એ ખાસ જાણવા મળ્યું કે એ સ્ત્રીઓને વધુ પ્રૉબ્લેમ થઈ રહ્યા હતા જે ૩૫ વર્ષથી ઉપરની મમ્મીઓ હતી.

૪. ૮૨ ટકા વર્કિંગ મમ્મીઓએ કબૂલ્યું કે ઓછી ઊંઘને કારણે તેમનું પ્રોફેશનલ કામ અસર પામી રહ્યું છે.

૫. સર્વેમાં ખબર પડી કે બાળકના જન્મ પછીના ચાર મહિના તો મમ્મીઓને ફક્ત ચાર જ કલાક સૂવા મળે છે અને ૧૮ મહિના એટલે કે દોઢ વર્ષનું થાય પછી માંડ તેઓ પાંચ કલાકની ઍવરેજ ઊંઘ લઈ શકે છે.

૬. ભારતમાં સ્ત્રીઓને સતત ફરિયાદ રહે છે કે તેમના પતિ બાળઉછેરમાં યોગદાન નથી આપતા, પરંતુ બ્રિટનમાં થયેલા આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે ફક્ત ૩૧ ટકા પિતા જ એવા હતા જે તેમનું બાળક રડે તો રાત્રે ઊઠતા હતા. માતા-પિતા બન્ને ફુલટાઇમ કામ કરતાં હોય તો પણ રાત્રે બાળક માટે મા જ ઊઠે એ સમગ્ર દુનિયામાં જોવા મળતી પરિસ્થિતિ છે.

૭. ૭૦ ટકા સ્ત્રીઓએ કબૂલ્યું કે તેઓ એટલી થાકી જાય છે કે મગજથી કોઈ કામ બરાબર નથી કરી શકતી, જેને કારણે તે ગુસ્સે થયા કરે છે, તેને ચીડ ચડ્યા કરે છે, યોગ્ય નિર્ણય લેવામાં અસમર્થ બની જતી હોય છે અને કોઈ કામ એકાગ્રતાથી નથી કરી શકતી.

સૌજન્ય : મિડ ડે 

ખુબ સાચી વાત કહી છે લેખમાં, શેર કરો આ માહિતી તમારા દરેક મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી