આ માહિતી વાંચીને તમને પણ અવનવું વાંચવાનો શોખ જાગી જશે….

રોજ સવારે દાદાજી વહેલા ઊઠીને ટેબલ પર રાખેલી ભગવદ્ગીતા વાંચવા બેસે.

દાદાજીનો આ રોજનો નિયમ. દાદાના પૌત્રને દાદાજી જેવા જ બનવું હતું. એટલે પૌત્ર બધી રીતે દાદાજીના વર્તનની, રીતભાતની નકલ કરે. દાદાજીની જેમ જ ચાલે, બેસે, કામ કરે, ભગવદ્ગીતા વાંચે.

એક દિવસ દાદાજી વહેલી સવારે રસોડાના ટેબલ પાસે બેસીને ગીતાપઠન કરી રહ્યા હતા ત્યારે પૌત્ર તેમની પાસે આવ્યો અને પૂછ્યું, ‘દાદાજી, મેં આ ભગવદ્ગીતા પુસ્તિકા વાંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મને એમાં કંઈ જ સમજ ન પડી.’

દાદાજીએ કહ્યું, ‘ભાઈ, હું આટલાં વર્ષોથી વાંચું છું છતાં મને પૂરેપૂરું પુસ્તક સમજ નથી પડી. છતાં હું રોજ વાંચતો રહું છું.’

પૌત્રે પૂછ્યું, ‘દાદાજી, જે વસ્તુ સમજાય નહીં એવી વસ્તુ એકસરખી વાંચતા રહેવાનો શું અર્થ?’

દાદાજી કંઈ બોલ્યા નહીં. પોતાનું ગીતાપઠન પૂરું કરીને રસોડામાં પડેલી કોલસા ભરેલી વાંસની ટોપલીમાંના બધા કોલસા ખાલી કરીને ગૂણીમાં ભર્યા અને પૌત્રને કોલસાની ખાલી વાંસની ટોપલી આપીને કહ્યું, ‘જા, નદીમાંથી આ ટોપલીમાં પાણી ભરીને આવ.’

પૌત્રે નદીકિનારે જઈને ટોપલીમાં પાણી ભર્યું, પણ ઘર સુધી આવતાં બધું પાણી નીચે પડી ગયું.

દાદાજીએ કહ્યું, ‘જા ફરીથી. હવે દોડીને આવજે.’

પૌત્ર નદીકિનારે ગયો. પાણી ભરીને દોડીને ઘર સુધી આવ્યો છતાં ટોપલીમાંથી પાણી સરકી ગયું.

દાદાને તેણે કહ્યું, ‘આ ટોપલીમાં પાણી ભરવું શક્ય નથી. કહો તો માટલામાં ભરી લાવું?’

દાદાજીએ કહ્યું, ‘ના, મને માટલામાં ભરેલું નહીં, ટોપલીમાં જ ભરેલું પાણી જોઈએ છે. જા, તું પૂરેપૂરી તાકાત લગાવીને દોડજે અને ટોપલીમાં પાણી લઈ આવજે.’

પૌત્રે આ વખતે પોતાની બધી જ તાકાત લગાવી. પાણી ભરેલી ટોપલી લઈને દોટ મૂકી. છતાં પાણી તો ઢોળાઈ જ ગયું. ટોપલી તો ખાલી જ રહી.

પૌત્રે કંટાïળીને પૂછ્યું, ‘દાદાજી, આ ટોપલીમાં પાણી શું કામ મગાવવું છે? એમાં પાણી લાવવું શક્ય જ નથી. જુઓ, એમાંથી પાણી સરકી જાય છે.’

દાદાજી બોલ્યા, ‘બેટા, ભલે ટોપલીમાં પાણી ન ભરાય; પરંતુ તો ટોપલી જો.’

પૌત્રે જોયું તો કોલસા ભરેલી કાળી ટોપલી સાફ થઈ ગઈ હતી.

દાદાજીએ કહ્યું, ‘દીકરા, આવું ગીતાપઠનનું છે. પહેલાં ન સમજાય, બીજી વાર જરાક સમજાય, ત્રીજી વાર થોડી સમજાય. પૂરી ભલે ન સમજાય, પરંતુ મન-મગજ ચોખ્ખાં જરૂર કરે છે.’

સૌજન્ય : મિડ ડે 

શેર કરો આ રસપ્રદ માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી