શું તમને ક્યારેય ઉત્સુકતા થઈ છે, એ જાણવાની કે શા માટે શનિદેવને તેલ ચડાવવામાં આવે છે.

આપણા પુરાણોમાં આપણે શનિદેવ સંબંધિત ઘણી બધી કથાઓ સાંભળી છે વાંચી છે, જે લોકો શનિની પનોતીઓ એટલે કે સાડાસાતીની અને અઢી વર્ષની પનોતીથી પીડાય છે તેમણે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેવામાં શનિદેવની પનોતી ધરાવતા લોકો જીવનમાં મુશ્કેલીઓ ન સર્જાય તે માટે શનિદેવને રીઝવવા માટે ઘણા બધા પ્રયાસો કરતા હોય છે તેમાંનો એક પ્રયોગ છે શનિદેવ પર દર શનિવારે તેલ ચડાવવાનો. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેમ કરવાથી શનિદેવના પ્રકોપથી તમને રાહત મળે છે. તો શું આ વિષે ક્યારેય તમને ઉત્સુકતા થઈ છે કે તેમને શા માટે તેલ ચડાવવામાં આવે છે ? તો ચાલો તે પાછળનું કારણ જાણીએઃ

પુરાણોમાં લખ્યું છે કે રામાણયના યુગમાં શનિ દેવને પોતાની શક્તિ પર અભિમાન થઈ ગયું હતું. તે યુગ દરમિયાન હનુમાનજીના પરાક્રમોની ખુબ જ વાતો થઈ રહી હતી, જે સાંભળી શનિદેવનું અહમ ઘવાયું અને તેમણે હનુમાનજીને તેમની સામે લડવાનો પડકાર ફેંક્યો પણ હનુમાનજીની તેમની સાથે લડવાની જરા પણ ઇચ્છા નહોતી તેમ છતાં શનિદેવેને હનુમાનજી સાથે યુદ્ધ કરવું જ હતું.

છેવટે બન્ને વચ્ચે યુદ્ધ થયું અને હનુમાનજીએ શનિદેવને હરાવી દીધા. હનુમાનજીના પ્રકોપથી શનિદેવ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. આખરે યુદ્ધ પુરું થયું અને હનુમાનજીએ શનિદેવના ઘા પર લગાવવા માટે તેલ આપ્યું. તે જ વખતથી શનિદેવને તેલ ચડાવવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિદેવને તે તેલથી શાતા વળી હતી. તે પ્રમાણે શનિવારે જે કોઈ વ્યક્તિ શનિદેવને તેલ ચડાવશે તેને કષ્ટોમાંથી મુક્તિ મળશે તેવું કહેવાય છે.

જેમ ભગવાન રામ માટેની અનેક ગાથાઓ ગ્રંથોમાં લખાયેલી છે તેમ પુરાણોમાં રાવણ માટે પણ ઘણી બધી કથાઓ લખાયેલી છે. રાવણ ભગવાન શિવનો ભક્ત હતો અને તેણે શિવના આશિર્વાદને પામવા તપ કર્યું હતું અને જ્યારે તેને તપ ફળ્યું ત્યારે ભગવાન શિવે પ્રગટ થઈ તેને વરદાન આપ્યું. તેની આ ઉપલબ્ધીથી રાવણ સમગ્ર બ્રહ્માન્ડમાં એવો છકી ગયો હતો કે તેણે અહંકારમાં આવીને બધા જ ગ્રહોને પોતાના બંદી બનાવી લીધા હતા. તે જ વખતે હનુમાનજીએ લંકાને આગ લગાડી હતી અને તે આગમાં બધા જ ગ્રહો મુક્ત થઈ ગયા. પરંતુ શનિદેવ ત્યાંથી ભાગી શક્યા નહીં અને તેમને ખુબ જ પીડા થઈ.

ત્યારે હનુમાનજીએ શનિદેવને રાહત આપવા તેમના પર તેલ લગાવ્યું. જેનાથી તેમને પીડામાંથી રાહત મળી. તે વખતથી એવી માન્યતા છે કે જે કોઈ વ્યક્તિ શનિદેવને તેલ ચડાવશે તેને પણ તેની દરેક પીડામાંથી રાહત મળશે. અને ત્યારથી શનિદેવ પર તેલ ચડાવવામાં આવી રહ્યું છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ રસપ્રદ માહિતી તમારા મિત્રો સાથે અને દરરોજ અવનવી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી