જો જો આવી નાની ભૂલ તમે ના કરતા

gandhi_rajagopalachari-1

ભારતના છેલ્લા ગવર્નર જનરલ અને પ્રથમ ભારત રત્ન એવોર્ડ વિજેતા સી. રાજગોપાલાચારી એટલે કે રાજાજીના જીવનનો આ મહત્વપૂર્ણ પ્રસંગ છે.1916ની સાલની વાત છે. સી. રાજગોપાલાચારીના ધર્મપત્નિ અલામેલુ મંગલમ્મા ગંભીર માંદગીમાં પટકાયા હતા.

રાજાજી પોતાના તમામ કાર્યક્રમો પડતા મુકીને પત્નિની પાસે પહોંચી ગયા. અત્યંત બિમાર મંગલમ્માએ નજર સામે પતિને જોયા અને એને શાંતિ થઇ ગઇ. રાજાજી પત્નિની પથારી પર જ ખોળો વાળીને બેસી ગયા અને ધીમેથી બિમાર પત્નિનું માથુ પોતાના ખોળામાં લીધુ. મંગલમ્માની આંખો ભીની થઇ ગઇ.

ાજાજી પત્નિના માથા પર હાથ ફેરવતા ફેરવતા વાતો કરી રહ્યા હતા અને પત્નિના અંતરમાં જાણે કે શાંતિના શેરડાઓ ફુટી રહ્યા હતા. લગભગ 15-20 મીનીટ આ રીતે પત્નિનું માથુ ખોળામાં લઇને બેસવાથી રાજાજીના પગમાં ખાલી ચડી ગઇ. એમણે પત્નિનું માથુ ખોળામાંથી ઉંચુ કરવાનો પ્રયત્ન કર્યો પણ પત્નિએ કોઇ સહયોગ ન આપ્યો એટલે રાજાજીને સમજાઇ ગયુ કે એમને ખોળામાં જ માથુ રાખવુ છે.

થોડી ક્ષણો પછી રાજાજીએ પ્રયત્નપૂર્વક પત્નિનું માથુ પોતાના ખોળામાંથી ઉપાડીને ઓસીકા પર રાખી દીધુ. પત્નિએ રાજાજીની સામે જોઇને સજળ નેત્રે એટલુ જ કહ્યુ , ” હું તમારા માટે કેટલો મોટો ભાર છું અને મારાથી તમને કેટલી બધી પીડા પહોંચે છે.” રાજાજી કંઇ ન બોલ્યા ત્યાં જ બેસી રહ્યા. મંગલમ્મા માત્ર અડધી કલાકમાં આ દુનિયા છોડીને જતા રહ્યા. રાજાજીને આ ઘટનાનો જીવ્યા ત્યાં સુધી અફસોસ રહ્યો કે જો થોડી વધુ વાર હું બેસી રહ્યો હોત તો પત્નિ સંતોષ સાથે મારા ખોળામાં જ માથુ રાખીને પ્રાણ ત્યાગ કરત.

મિત્રો, જીવનની કેટલીક ભૂલો એવી હોય છે જે બહુ જ નાની હોય પણ આજીવન ડંખ્યા કરે. આપણા પોતાનાને આપણી ખુબ જરુર હોય ત્યારે એનાથી દુર થવાની રાજાજી જેવી ભૂલ આપણાથી ન થાય તે માટે જાગૃત રહેવુ.

સાભાર : શૈલેશ સગપરીયા

ટીપ્પણી