સ્ત્રીઓમાં સુંદરતા અને દયાભાવ બંને માંથી કયો ગુણ હોવો જરૂરી છે અને કેમ? આવો જાણીએ…

તાજેતરમાં એક વેબપોર્ટલ દ્વારા કરવામાં આવેલો સર્વે કહે છે કે આજના જમાનાના પુરુષો છોકરીઓની બાબતમાં સુંદરતા કરતાં દયાળુ સ્વભાવને વધુ પ્રેફરન્સ આપી રહ્યા છે. આ હકીકત સાથે તમે સહમત છો? શું કામ આ ચેન્જ પુરુષોની માનસિકતામાં આવ્યો છે એ વિશે થોડીક વાત કરીએ

સૌંદર્ય વ્યક્તિને ઈશ્વરની દેન છે અને એમાં કૉસ્મેટિક ચેન્જ કર્યા પછી પણ બહુ લાંબા ફેરફાર આપણે નથી કરી શકતા એ હકીકત છે. જોકે સ્ત્રી અને પુરુષ વચ્ચેના આકર્ષણમાં આ સુંદરતાનો બહુ મોટો રોલ આજ સુધી રહ્યો છે. સ્ત્રી એટલે સૌંદર્ય એ વાત સદીઓથી સર્વ સહમતીથી સ્વીકારાઈ છે અને એટલે જ જેટલી વધુ સુંદરતા એટલી વધુ સ્ત્રી ઇચ્છનીય હોય એ ધારાધોરણ હેઠળ સ્ત્રી-પુરુષના સંબંધો આગળ વધતા આવ્યા છે. આપણાં સ્થાપત્યો જોઈ લો કે પછી બીજા કોઈ ગ્રંથો કાઢીને જોઈ લો, દરેક જગ્યાએ સૌંદર્યની બાબતમાં સ્ત્રીઓને મુઠ્ઠીઊંચેરી જ દર્શાવવાના તમામ પ્રયત્નો થયા છે. જોકે હવે આ ટ્રેન્ડ, આ માનસિકતા અને ઇચ્છનીયતા બદલાયાં છે એવો દાવો એક મૅટ્રિમોનિયલ પસંદગીમાં મદદ કરતા એક ખાસ વેબપોર્ટલે પોતાના એક ખાસ સર્વેક્ષણ દ્વારા કર્યો છે. બનિહાલ નામની ન્યુરો સાયન્સ-બેઝ્ડ વેબસાઇટ દ્વારા દિલ્હી, મુંબઈ અને બૅન્ગલોર આ ત્રણ રાજ્યના લગભગ ૧૦,૦૦૦ લોકો પર એક સર્વે કર્યો જેમાં એને જાણવા મળ્યું કે ૨૭ ટકા પુરુષોએ સ્વીકાર્યું કે તેમને મહિલાઓમાં કાઇન્ડનેસ એટલે કે દયાળુ સ્વભાવ વધુ અટ્રૅક્ટ કરે છે તેમની સુંદરતા કરતાં. વેબસાઇટનું માનો તો પુરુષો માને છે કે એક સ્ત્રી સુંદરતામાં ઓગણીસ-વીસ હશે તો ચાલશે, પણ તેનામાં દયાનો ભાવ તો હોવો જ જોઈએ. બીજું, આ સર્વેમાં માત્ર છ ટકા પુરુષોની દૃષ્ટિએ જ સ્ત્રીઓમાં શિક્ષણને અનિવાર્ય ગણ્યું.

આ સર્વેને આપણે પુરુષોના બદલાઈ રહેલા પ્રેફરન્સિસ માટે લૅન્ડમાર્ક ગણી શકીએ? કેટલાક નિષ્ણાતો અને પુરુષોને જ આ વિષય પર પૂછીને કરીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી.

સમજદારીનું પ્રમાણ

આજે સ્ત્રી અને પુરુષ લગભગ-લગભગ સરખા સ્તર પર પહોંચી ગયાં છે. એક સમય એવો હતો જ્યારે સ્ત્રી ઘરની અંદર પુરાયેલી હતી. તેની પાસે ઘર સંભાળવા સિવાયની કોઈ આવડત હતી જ નહીં અને એટલે તેની અપેક્ષાઓ પણ નહોતી રખાતી. આવી રહેલા બદલાવને સ્વાભાવિક ગણતાં રિલેશનશિપ-એક્સપર્ટ અને સાઇકોલૉજિસ્ટ ડૉ. સંજોય મુખરજી કહે છે, ‘જે સમયમાં સ્ત્રીઓનો કોઈ અવાજ જ નહોતો, સ્ત્રીઓ કહ્યું માનવાની જ હતી અને સ્ત્રીઓને જેમ વાળો એમ વળવાની હતી એ સમયમાં સ્ત્રી પાસેથી સુંદરતા સિવાયની કોઈ અપેક્ષા પુરુષોને ન હોય એ સ્વાભાવિક જ છેને. આજે એ જમાનો નથી. આજે સ્ત્રીઓ પુરુષોથી પણ આગળ છે. આજે સ્ત્રીઓનો પોતાનો અવાજ છે, પોતાની ઓળખ છે અને પોતાના ગમા-અણગમા છે. એ સમયે માત્ર સૌંદર્યને પકડીને રાખનારો પુરુષ મૂરખ ગણાય. પ્રૅક્ટિકલી આ દુખી થવાની દિશા છે. બીજું, આજનો યુવાન પ્રૅક્ટિકલ છે. તેને સમજાય છે કે જીવનમાં શાંતિ જોઈતી હશે તો લાઇફ-પાર્ટનર સુંદર કરતાં સમજદાર હોય એ વધારે જરૂરી છે. કાઇન્ડનેસ જ નહીં, ઓવરઑલ નેચર અને હકારાત્મક સ્વભાવ વધુ જરૂરી છે. આ બદલાવ પુરુષોની સમજદારીનું પ્રમાણ છે, બીજુ કંઈ નહીં.’

દયા નહીં સંભાળ

આજના સમયમાં મહિલાઓ પુરુષો સાથે ખભેખભા મિલાવીને ચાલે છે. આજે પુરુષોને ઘરનું કામ કરે એ જ બાબત મહિલાઓ પાસેથી અપેક્ષિત નથી. સ્વાભાવિક છે કે અપેક્ષા બદલાય તો પ્રેફરન્સિસ પણ બદલાય. સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મીતા દોશી કહે છે, ‘મારી દૃષ્ટિએ આજના પુરુષો મહિલાઓ દયાળુ હોય એ નથી જોતા, પણ તે કેટલી કૅરિંગ છે એ વધુ શોધે છે. એક બાબત ધ્યાનમાં રાખવી કે જે ખૂટતું હોય એની શોધ પહેલાં થાય. આજની મહિલાઓ દુનિયા સાથે તાલમેલ રાખીને ચાલવામાં એટલી વ્યસ્ત છે કે તેની પાસે પરિવાર માટે કે સ્વજનો માટે સમય ઓછો પડે એ બનવાજોગ છે. સ્માર્ટનેસ અને સફળ કરીઅર ધરાવતી મહિલાઓ સુંદરતા માટે પણ સભાન તો છે જ. તો પછી એને શોધવાને બદલે કદાચ જેની સૌથી વધુ જરૂરિયાત હોય એ જ પુરુષો પહેલાં શોધે એ કુદરતી છે. જો તમે કૅરિંગ છો તો કાઇન્ડનેસનો ગુણ ઑટોમૅટિકલી તમારામાં આવી જ જવાનો છે. બીજું, જો તમે કૅરિંગ અને કાઇન્ડ છો તો તમે તમારા નજીકના લોકો માટે જે પણ કરવું પડે એ કરી છૂટશો એવો વિશ્વાસ પુરુષોને છે એટલે જ સુંદરતા ઓછીવત્તી હશે તો પણ આ ગુણો હશે તો પુરુષો લૉન્ગ ટર્મ રિલેશનશિપમાં આગળ વધશે.’

સુંદરતા પણ છે લિસ્ટમાં

દેખાવમાં જરાય સુંદર ન હોય પણ ગુણવાન હોય એવી સ્ત્રીઓ માટે પુરુષો ખૂબ ઉત્સુક હોય છે એવું પણ નથી. સુંદરતા આજે પણ પુરુષોના પ્રેફરન્સ-લિસ્ટમાં છે, પણ સહેજ પાછળ. અપેક્ષિત ગુણો હોય એ પછી થોડીક સુંદર હોય એ બાબત પુરુષોને જરૂરી લાગે છે. ડૉ. સુજોય મુખરજી કહે છે, ‘સુંદરતા એટલે ખૂબ રૂપરૂપનો અંબાર સ્ત્રી નહીં, પણ કમસે કમ દેખાવમાં પ્રેઝન્ટેબલ હોય એવું દરેક પુરુષ પોતાના લાઇફ-પાર્ટનરની બાબતમાં ઇચ્છતો હોય છે. દેખાવ સાવ પિક્ચરમાં જ નથી એવું તો કહી જ ન શકાય. હા, દેખાવ જ પ્રાયોરિટીમાં છે એ ચિત્ર છેલ્લાં ઘણાં વષોર્માં બદલાયું છે.’

આજનો યુવાન પ્રૅક્ટિકલ છે. તેને સમજાય છે કે જીવનમાં શાંતિ જોઈતી હશે તો લાઇફ-પાર્ટનર સુંદર કરતાં સમજદાર હોય એ વધારે જરૂરી છે. કાઇન્ડનેસ જ નહીં, ઓવરઑલ નેચર અને હકારાત્મક સ્વભાવ વધુ જરૂરી છે.

– ડૉ. સંજોય મુખરજી, સાઇકોલૉજિસ્ટ અને મૅરેજ-કાઉન્સેલર

મારી દૃષ્ટિએ આજના પુરુષો મહિલાઓ દયાળુ હોય એ નથી જોતા, પણ તે કેટલી કૅરિંગ છે એ વધુ શોધે છે. સ્માર્ટનેસ અને સફળ કરીઅર ધરાવતી મહિલાઓ સુંદરતા માટે પણ સભાન તો છે જ. તો પછી એને શોધવાને બદલે કદાચ જેની સૌથી વધુ જરૂરિયાત હોય એ જ પુરુષો પહેલાં શોધે એ કુદરતી છે.

– ડૉ. મીતા દોશી, સાઇકિયાટ્રિસ્ટ

પુરુષો શું માને છે?

સુંદરતા જેમ બાહ્ય બ્યુટી છે એમ કાઇન્ડનેસ, કૅરિંગનેસ જેવી બાબતો ઇનર બ્યુટી છે અને યસ, આ વાત સાવ સાચી છે કે હવેના છોકરાઓને પોતાના લાઇફ-પાર્ટનરમાં કે પછી અન્ય કોઈ પણ સ્ત્રીમાં બાહ્ય બ્યુટી કરતાં ઇનર બ્યુટીમાં વધુ રસ છે. આપણે બધા જાણીએ છીએ કે જીવનમાં એકસરખો સમય ક્યારેય નથી રહેતો. ક્યારેક સારા તો ક્યારેક નબળા દિવસો પણ આવે. આ નબળા દિવસોમાં તમારો સાથ આપી શકે એ દિવસોને પસાર કરવામાં તમારું પીઠબળ બની શકે એવો લાઇફ-પાર્ટનર દરેક પુરુષ આજે ઇચ્છી રહ્યો છે. એ પ્રૅક્ટિકલ છે અને વાસ્તવિક અભિગમ સાથે આગળ વધવામાં કંઈ ખોટું નથી, કારણ કે આ જીવનભરનો પ્રશ્ન છે. મેં મારા જીવનમાં આ જ બાબત ધ્યાનમાં રાખીને પાર્ટનરની પસંદગી કરી છે. બ્યુટી તમને થોડીક ક્ષણો માટે આકર્ષિત કરી શકે, પણ એનો નશો ઊતરતો હોય છે. છેલ્લે તો તમને તેની સુંદરતા કરતાં તેના સારા સ્વભાવની જ જરૂર પડે છે. હું આજે પ્રાઉડ સાથે કહી શકું છું કે મારી ફિયાન્સે બિંદી ખરેખર ઇનર બ્યુટીમાં સવોર્પરી છે. અફકોર્સ, બાહ્ય દૃષ્ટિએ પણ તે સુંદર છે જ.

– વિશાલ મહેતા, IT કંપનીનો માલિક, કાંદિવલી

તમે આજે સુંદર છો, પરંતુ કાલે ન પણ હો. સુંદરતા કાયમી નથી, પણ કેટલાક ગુણો કાયમી છે. આજના છોકરાઓ એટલા સ્માર્ટ છે કે તેઓ જે ટેમ્પરરી છે એને વધુપડતું મહત્વ આપીને પર્મનન્ટ લાઇફને જોખમમાં મૂકવા તૈયાર નથી. બેશક, પાર્ટનર પ્રેઝન્ટેબલ હોય એટલું દરેક પુરુષ મનમાં ઝંખતો હોય છે, પણ એ પ્રેઝન્ટેબલ હોય એટલું જ. દીપિકા પાદુકોણ જેવી દેખાતી હોય, પણ નેચરવાઇઝ સારી ન હોય તો તેને જીવનસંગિની બનાવવા માટે પુરુષો તૈયાર નથી. કાઇન્ડનેસ એક ગુણ હોય એ સ્ત્રીમાં બીજા બધા ગુણો આપોઆપ આવી જતા હોય છે.

– દર્શન ભૂતા, સ્ટૅમ્પ-ડ્યુટી કન્સલ્ટન્ટ, મલાડ

 

લેખન-સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ સુંદરતા અને દયાભાવની વાત તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી