આજે શિવરાત્રી છે ત્યારે વાંચો એક સત્યકથા જુનાગઢના મેળામાં બનેલા એક ચમત્કારની…

” માણસ રૂખડ “

પૂજ્ય, બાપુની સપ્તાહ દરમ્યાન “રૂખડ” ની સ્પસ્ટ વ્યાખ્યા નક્કી થઇ.
આજે શિવરાત્રીનો પવિત્ર દિવસ હોય,અને જુનાગઢની ગીરીતળેટીમાં શ્રધાળુઓનો માનવ મહેરામણ ઉમટ્યો હોય ત્યારે આજથી લગભગ સૈકાને આળે-ગાળે શિવરાત્રીના દિવસેજ અને મેળામાં ઘટેલી એક સત્ય ઘટનાની વાત કરવી છે .

શિવરાત્રીના મેળાની ધજા ચડાવવાના પ્રથમદિને હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવસાથે મેળામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા જઇ રહ્યા હતા. તે સમયના ધુળિયા,કાચા,એક પટ્ટીના (Single Road )રસ્તા,અને વાહનવ્યવહારના સાધન તરીકે વપરાતા ગાડાને કારણે ઉડતી ધૂળમાં માનવપ્રવાહ વિશેષ દેખાતો હતો.ગરમીના દિવસો શરુ થઇ ગયા હતા.

બપોરના પ્રચંડ તાપમાં એક ફકીર જેવો દેખાતો ઇસમ,ધાતુની ગોળ આકારની ફ્રેમનાં ચશ્માં,ઘઉં વર્ણો,વાન, જીણી,ગીધ્ધ જેવી આંખ,પાતળું સહેજ બહાર નીકળતું નાક,પાતળા હોઠ,મેલું શર્ટ,અને પાયજામો,રદ્દી જુનો મેલો કોટ,પગમાં ઘસાયેલા બુટ,અને માથે આંટી વાળેલ ફાળીયું,અલગારી દેખાતો એક આધેડ ઇસમ,ઘણે દુરથી મેળામાં જવા પગપાળા આવતો હશે,તેના મોઢા ઉપર પરસેવો અને થાક નીતરતા હતા

મેળાને રસ્તે આગળ વધતા,એક ઘેઘુર વૃક્ષ નીચે,એક પત્થરનાપુલ ઉપર છાયામાં ઘડી ભર વિસામો ખાવા બેઠો એજ પુલ ઉપર એક મોટી ઉમરનો,સેવાભાવી માણસ પાણીથી ભરેલું માટલુંલઇ મેળામાં આવતા વટેમાર્ગુઓમાટે પાણીનું પરબ માંડી બેઠો હતો.

ફકીર જેવા દેખાતા ઈસમને ખુબજ તરસ લાગી હોય, તેણે પરબવાળાને પાણી પીવરાવવાની વિનંતી કરી.
પરબવાળા માણસે તેને અર્ધોગ્લાસ પીવા માટે પાણી આપ્યું, ગ્લાસ અર્ધો ભરેલો જોઈ,ફકીરે હસતા હસતા કહ્યું,”અલ્યા ભાઈ,તારા માટલામાં તો હજુ ઘણું પાણી ભર્યું છે,અને આવા આકરા તાપમાં, જયારે હું તરસે મરી રહ્યો છું,ત્યારે તે મને માત્ર અર્ધો ગ્લાસ જ પાણી આપ્યું ?”

પરબવાળાએ હાથજોડતા જવાબ આપ્યો,”ભાઈ, હું સવારથી મફત પાણીપાવાની સેવા કરું છું,હજુ માનવ પ્રવાહ એટલોજ આવશે,અને વધતા તાપમાં પ્યાસ બુજાવવા ઘણા લોકો પાણીપીશે,અહીં પુલની નીચે એક પાણીનો ઝરો છે ત્યાંથી હું પાણી જાતે ભરું છું,પણ મારી ઉમરને હિસાબે વારંવાર હું પાણી ભરવા નીચે શકતો નથી,તેથી હું બધાને માત્ર અર્ધો ગ્લાસ ગળું ભીનું થાય એટલું પાણી પાઉં છું ”

ફકીરને વાત ગળે ઉતરી ગઈ,અને પરબ વાળા ઉપર દયા આવી ગઈ, તેણે તેને કહ્યું,”ભાઈ તું સાચો છે,કઈ વાંધો નહી,તું સવારથી આવા તાપમાં પાણી પાવા બેઠો હોવાથી થાક્યો હોઈશ,એક કામ કર,તું થોડીવાર આરામ કર,અને આવતા-જતા લોકોને હું પાણી પાઈશ “,

પરબવાળાએ એ સૂચન સ્વીકારી થોડે દુર છાયડામાં આરામ કરવા લંબાવ્યું જોતજોતમાં તો તે ઘસઘસાટ ઊંઘવા લાગ્યો, દરમ્યાનમાં આવતા જતા યાત્રાળુઓને,માંગે એટલું છૂટથી ફકીર પાણી પાતો હતો લોકો પણ ધરાઈને સંતોષથી પાણી પીતા હતા, અને પાણી પણ કેવું ?એકદમ ઠંડુ,અને સાકર ઉમેરીને બનાવેલું શરબત જેવું મીઠું,લોકો વધુને વધુ પીવા લાગ્યા, કેટલાક લોકો પોતાની પાસે રહેલ વાસણ પણ ભરવા માંડ્યા.

સાંજ પડી,પરબ વાળાની આંખ ઉઘડી, ફકીર હજુ ત્યાજ બેઠો, બેઠો એકઠા થયેલ લોકોને પ્રેમથી પાણી પાતો હતો,કુતુહલવશ પરબ વાળાએ માટલામાં ડોકું તાણ્યું,અને જોયું,તો જેટલું પાણી ભરેલું મૂકીને પોતે સુતો હતો, તેટલુંજ જ પાણી હજુ તે માટલામાં ભરેલું હતું,અને તે પણ બરફ જેવું ઠંડુ,અને શરબત જેટલું મીઠું ? તેને ઘણું આશ્ચર્ય થયું,પણ મૌન સેવ્યું,

થોડીવારે,ફકીરે કહ્યું,”ભાઈ, તે હવે આરામ કરી લીધો હોય તો,હું વિદાય લઉં,પણ એક વાતનું ધ્યાનરાખજે,
કે જયારે સૂર્ય આથમે,અને અવર જવર ઓછી થાય ત્યારે,તું આ માટલાને રૂમાલથી ઢાંકી દેજે
,માટલું પાણીથી છલોછલ ભરાઈ જશે,અને જ્યાં સુધી મેળો પૂરો નહીં થાય,ત્યાં સુધી,એટલા દિવસ માટલું ખાલી નહી થાય” આટલું બોલી,એ ઇસમ મેળાની ગીર્દીમાં,ધૂળથી ઢંકાયેલી દિશામાં ક્યાય અલોપ થઇ ગયો
*
હવે હું તમને તે ફકીરનુંનામ આપીશ તો જરૂર તમે કહેશો કે આ જાદુનોખેલ હતો

એ ફકીર તે મહમદ છેલ

1850,માં ભાવનગર જીલ્લાના, ગઢડા તાલુકાના નીગાળાગામે, જન્મેલ મહમદ છેલ જાદુગર તરીકે તો પાછળથી ઓળખાયો,પણ તે વાસ્તવિક રીતે તે જાદુગર ઓછો,અને સિદ્ધ પીરના આશીર્વાદથી ચમત્કારિક વધુ હતો તે કોઈ પીરનો મુંજાવર/ઓલિયો/સેવક હતો,વર્ષો સુધી એકનિષ્ઠાથી પીરની સેવા કરતા તેને મળેલ વરદાનના પ્રતાપે તે ચમત્કારી વધુ હતો જાદુગર તરીકે તેણે હાથ ચાલાકીના પ્રયોગો,કે મોટામસ હોલમાં ડી,જે ના તાનમાં નાચીને ખેલ નથી કર્યા,નથી કોઈ દિવસ ડુગડુગી વગાડી રસ્તે ખેલ માંડ્યા પોતાનું પેટ પાળવા,કે આજીવિકા રળવા, છેલે, કદી પોતાની પવિત્ર વિદ્યાને વટાવી નથી. મોજીલો માણસ હતો તેને મળેલ વરદાનમાં એક સ્પસ્ટ હતું કે માનવ જાતની સેવા માટે, ગરીબના કલ્યાણ માટે અને પરોપકારાર્થે આ વિદ્યા વાપરવી અને તેણે તેમજ કર્યું, હા, પણ કોઈ બાળકો,તેનો ચમત્કાર જોવા વિનંતી કરે તો તે વગર પૈસે માત્ર તેઓના મનોરંજનમાટે તે ઘણીવાર નિર્દોષ જાદુના પ્રયોગો કરતો,તેનું કહેવું એમ હતું કે “નિર્દોષ હસતા બાળકનો ચહેરો જુવો,એ બાળક નહી,પણ અલ્લાહ હસે છે,એ લુફ્ત ઉઠાવવો ચૂકશો નહી ”

છેલની જુનાગઢ માં અવારનવાર મુલાકાત રહેતી,તેના મુખ્ય ત્રણ કારણ હતા
1, તે દાતારની જગ્યામાં વધુ શ્રદ્ધા ધરાવતો હતો,અને દર વર્ષે ઉર્ષમાં તે અવશ્ય આવતો
2,શિવરાત્રીના મેળામાં તે અચૂક આવતો ,
3, નવાબ સાહેબના સ્વભાવ,અને પ્રજાહિતના કાર્યોથી તે વધુ પ્રભાવિત હતો

તેમ છતાં એકવાર જયારે નવાબ સાહેબે તેને પોતાના મહેલમાં જાદુનાપ્રયોગ બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી,ત્યારે તેણે ખુદ નવાબસાહેબને પણ ઘસીને નાં પડી દીધી હતી
નવાબ સાહેબના વહીવટમાં રોકાયેલા,તથા અન્ય નાગર ગૃહસ્થો સાથે પણ તેનો અંગત સંબંધ રહ્યો હતો
જેમાં,સ્વ. જીવાભાઈ દિવાન,સ્વ,શિવદત્તરાય માંકડ,રા,બ, ડો, મજમુદાર,કેપ્ટન ડો,પી,ટી મજમુદાર,સ્વ, બજીભાઈ રાણા,સ્વ, દોલતરાય ઝાલા,વિગેરે ને ત્યાં અવારનવાર તે શુભેચ્છા મુલાકાતે જતો

ગામડાની ગરીબ ભોળી પ્રજા જયારે કોઈ શાહુકારના વ્યાજના પંજામાં ફસાતી,ત્યારે તેણે એવા અસંખ્ય ગરીબોને શાહુકારના વ્યાજની ચુસણ નીતિથી છોડાવ્યા હતા

1925,માં મહમદ છેલ અવસાન પામ્યો
તમે માનો કે ન માનો પણ સોરઠ એ સંતો,અને શુરાની ભૂમિ છે ચાહે તે હિંદુ, હોય કે મુસ્લિમ,
લોકોના હિતકાર્યો,ગરીબોનીમદદ,અને અનુકંપા ભારોભાર તેઓએ દર્શાવી છે

(આ પ્રસંગ બંગાળી લેખિકા તારા બોઝે,પોતાના “બોલો કિડ્સ”નામના પુસ્તકમાં પણ આલેખ્યો છે,આ ઉપરાંત,છેલ દ્વારા,અનેક માનવ હિત ચમત્કારનો પણ તેમાં ઉલ્લેખ છે )

લેખક : વ્યોમેશ ઝાલા

દરરોજ અવનવી વાર્તાઓ ને સત્યકહાનીને વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી