લો આવા માણસો પણ હોય… … …!

અર્બન હેલ્થ સેન્ટર (સરકારી દવાખાનું), વેજલપુર, અમદાવાદ. ગુજરાત સરકારની મા વાત્સલ્ય કાર્ડ યોજનામાં કાર્ડ કઢાવવા માટેની લાઈન લાગેલી. (આ યોજનામાં ગુજરાત સરકાર લગભગ બે કે સવા બે લાખથી ઓછી આવકવાળા પરિવારને ગંભીર રોગો કે ગંભીર અકસ્માતમાં, યોજના સાથે સલંગ્ન હોસ્પિટલોમાં સારવાર માટે પ્રતિવર્ષ બે લાખ જેટલી સહાય આપે. સીનીયર સીટીજનો અને એમાં પણ જેને ડાયાબીટીસ-બીપી હોય કે જેમનો હાથ પકડવા કોઈ વીમા કંપનીઓ તૈયાર ના થાય એમના માટે બહુ સારી યોજના છે.) હા તો ,કાર્ડ કાઢી આપવા માટે કામ કરવાવાળા બે કર્મચારીઓ, બંને યુવાન. જેમાં એક આવનાર અરજદારનું ફોર્મ અને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરે, દરેક પેજ પર સહી કરે તેમજ કોઈપણ કઈ પૂછપરછ હોય તો એનો જવાબ આપે. આ કર્મચારી ફોર્મ વેરીફાય કરે પછી બીજા કર્મચારી પાસે ફોર્મ જાય. એ પછી બીજો કર્મચારી કમ્પ્યુટર પર અરજદારના ફિંગરપ્રિન્ટ ને ફોટાઓ લે વગેરે વગરે. એની પાસે વેરીફાય થયેલા ફોર્મ પડ્યા હોય એ પ્રમાણે એ નામ બોલીને અરજદારને બોલાવતો જાય. એ બીજા કર્મચારી પાસે એક ફોર્મ દીઠ દસ મિનીટ જેટલો સમય લાગે. કેબીનમાં એક બારી જ્યાંથી લોકો ફોર્મ આપે કે પૂછપરછ કરી શકે, આ બારી ખુલે એટલે પહેલો એક કલાક તો ભારે ભીડ હોય, બાકી એક બીજું બારણું જ્યાંથી લોકોએ લાઈન પ્રમાણે ફોટો પડાવવા અંદર જવાનું, પણ એમાય શિસ્ત રાખવાને બદલે બિનજરૂરી રીતે અંદર ભીડ થઇ જાય. વળી એક બારી પેલા કમ્યુટરની પાછળ પણ ખરી, ઘણા ય ત્યાંથી ય ઊંચા થઈને પૂછપરછ કરે, એ પણ પેલા ફોટો અને ફિંગરપ્રિન્ટ લેતા કર્મચારીને.

હવે આ લાઈનમાં એક વ્યવસ્થિત ભણેલ-ગણેલ દેખાતા એક અંકલ અને એના વાઈફ પણ હતા (જો કે લાઈનમાં મોટા ભાગના મોટી ઉમરના લોકો જ હતા. ) એ અંકલનું ફોર્મ આઠમાં નંબરે પડેલું. મતલબ વારો આવવામાં દોઢ કલાક જેટલો સમય લાગી શકે. હવે એમાં બન્યું એવું કે અંકલના વાઈફ એક હાથમાં ચાલુ ફોન લઈને પેલા બારણામાં ઘૂસીને પેલા કમ્યુટર પર બેઠેલા કર્મચારીને ફોન આપ્યો કે,”લો તો જરા વાત કરો.”. હવે ફોનમાં સામેથી કંઈપણ વાત કહેવામાં આવી આ ભાઈએ ફોન પેલા ફોર્મ વેરીફાય કરવાવાળા કર્મચારીને આપી કહ્યું કે,”લો તો વાત કરોને.”

હવે આ કર્મચારીએ થોડીવાર ફોનમાં જે કહેવામાં આવ્યું એ સંભાળીને એટલું કહ્યું કે,”તમારી કિશોરભાઈની વાતને એ બધું બરાબર પણ હું આ માજીનો વારો પહેલા લઉં તો જેમેણે વહેલા આવીને આગળ ફોર્મ મુક્યા છે એમને શું જવાબ આપું. એમનો ફોર્મ લાઈનમાં જે નંબરે છે એ પ્રમાણે જ આવશે.”

પછી એણે ફોન કાપી નાખ્યો અને ફોન આંટીના હાથમાં આપતા ઘણી નમ્રતા પણ દૃઢતાથી કહ્યું કે,”જુવો તમે ધારાસભ્ય સાહેબની ઓળખાણ લાવો કલેકટરસાહેબની, (કિશોરભાઈ ચૌહાણ વેજલપુરના ધારાસભ્ય છે.) પણ તમારો વારો તો લાઈન પ્રમાણે જ આવશે. હા બાકી આમ અમે આજે ફોટા પાડીને કાર્ડ માટે દસ દિવસ પછી લઇ જવાનું કહીએ છીએ એમાં કોઈને ઈમરજન્સી હોય તો વહેલું કરી આપીએ એવું થઇ શકે. પણ આ લાઈનમાં કઈ નહિ થાય. તમારું નામ આઠમું છે એટલે તમે લાઈનમાં ઉભા રહેવાને બદલે પેલી બેંચ પર બેસો. તમારું નામ આવશે એટલે અહીંથી બુમ પાડીશું અને હવે આવો ફોન લઈને ના આવતા. થોડા દિવસ પહેલા મારા જીજાજી હતા તો ય એક કલાકમાં લાઈનમાં ઉભા રહેલા.”

હજુ એણે આ આંટીને વળાવ્યા ત્યાં બીજા એક ઘણી જ મોટી ઉમરના માજીએ આવીને થપ્પો એક ડોક્યુમેન્ટ અને ઝેરોક્ષો ભરેલી થેલી જ એના હાથમાં મૂકી દીધી કે ,”જુવોને સાહેબ આમાંથી શું-શું જોશે…?”

એટલે એણે બીજા લોકોની પૂછપરછના જવાબ આપતા-આપતા. આ માજીના ટોટલ ડોક્યુમેન્ટ તપસ્યા અને વચ્ચે-વચ્ચે સાવ અભણ માજી સાથે કઈ પૂછતા-પુછાતા,..એ ડોક્યુમેન્ટસમાંથી જરૂરી કાગળીયાઓ અલગ તારવી પોતાની ડેસ્કમાંથી એક ઝબલું કાઢી એમાં ભરી આપ્યા કે,”લો આની ઝેરોક્ષ કરાવી લાવો. એટલે બાકીનું ફોર્મ ય હું ભરી દઈશ.” બાકી એ માજીના ડોક્યુમેન્ટ પ્રમાણે માજીને એક દીકરો અને એક ૧૮ વર્ષોનો પૌત્ર પણ હતો. પણ અહી માજી એકલા હતા.

માજીએ એની થેલી અને આ કર્મચારીએ આપેલું ઝભલું હાથમાં લઈને કહ્યું,” સારું, સાહેબ મારા આશીર્વાદ લાગશે તમને…”

અને એ યુવાન કર્મચારીએ હસતા-હસતા એવો જવાબ આપ્યો કે,” માજી, આશીર્વાદ નહિ, આટલા ડોક્યુમેન્ટ્સ આપશો એટલે ચાલશે…”

પછી પૂછપરછ માટે મારો વારો આવ્યો. મને થયું કે, “પહેલા એનું નામ પૂછું.”

👉 લેખક :- કાનજીભાઇ મકવાણા

સંકલન : વસીમ લાંડા

દરરોજ અવનવી માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી