કૂવો : લગભગ ભુલાય ગયેલો પાણીનો અમૂલ્ય સ્ત્રોત…

માનવસંસ્કૃતિની શરૂઆત અને વિકાસના પ્રત્યેક તબક્કાએ જો મહત્વનું કોઈ આવશ્યક તત્વ રહ્યું હોય તો તે જળ અર્થાત પાણીનું રહ્યુ છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી જ કારણ કે મોટાભાગની માનવસંસ્કૃતિ પાણીના કાયમી સ્રોતો ઉપલબ્ધ હોય ત્યાંજ વિકસી છે અને તેમાં સૌથી વધુ નદીઓનો ફાળો રહ્યો છે. પાણીના બે જ મુખ્ય સ્રોતો છે એક તો વરસાદી પાણી અને બીજું ધરતીમાંથી પ્રાપ્ય ” ભૌમ ” પાણી .. આ પાણીના સ્રોતોમાં નદીઓ , કૂવા , કૂઈ , વાવ , કુંડ કે હોજ વિગેરેનો સમાવેશ થાય છે. તળાવ કે બંધો મુખ્યત્વે વરસાદના પાણી સંઘરતા જળાશયો છે. ક્યાંક કોઈ તળાવ કુદરતી રીતે જમીની પાણી આપતું તેવું પણ છે તો સૌથી નાનું એવું પ્રાપ્તિસ્થાન ” વીરડો કે વિયડો ” તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્યાંક આવો પાણીનો સ્ત્રોત કુદરતી રીતે ફુવારા તરીકે કે ધોધ કે ધારા તરીકે સેંકડો વર્ષોથી અવિરત વહ્યા કરે છે. માનવજીવનને પ્રાથમિક આવશ્યકતા પાણીની રહેતી હોવાથી મોટા ભાગના કદાચ તમામ ગામો / શહેરો નદી કાંઠે વસ્યા છે અને જ્યાં તેવું નથી ત્યાં વિકલ્પે તળાવો બાંધી જોઈતું પાણી સંગ્રહિત કરી લેવામાં આવે છે. નદીના પટ કે તળાવની મધ્યે / આજુબાજુમાં કૂવા ગાળવામાં આવ્યા હોય છે અને જે બારેમાસ લોક જરૂરિયાતનું પાણી પૂરું પાડે છે. કેટલાક પરિવારોતો પોતાની પાણીની જરૂરિયાત કાયમી રીતે સંતોષાતી રહે તે માટે પોતાના રહેણાંક મકાનમાં જ કૂઈ ગળાવી લેતા હોય છે જે મેં ખાસ ભરૂચ શહેરમાં જોયું છે. આદ્યુનિક સમયે તેનાથી નાની એવી કાયમી સુવિધા માટે ” શારડી કૂવા ” ( બોરવેલ ) ઘરે જ બનાવી લેવામાં આવે છે જેમાંથી ઘરવપરાશનું પાણી મળ્યા કરે અને પીવાલાયક પાણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઘરે ઘરે નળ વાટે પહોંચાડી રહી છે. આજે પાણીના આવા મુખ્ય અને હવે લગભગ ભુલાય ગયેલા એવા એક સ્ત્રોત તરીકે કૂવાની વાત કરવી છે.

સૌ પ્રથમ સવાલ કૂવો એટલે શું ? ભગવદ્ગોમંડલે દર્શાવેલો જવાબ ” જમીનમાંથી પાણી કાઢવા માટે ખોદેલો ખાડો ; કૂપ ” આ છે. આજની નવી ખાસ કરીને શહેરી પેઢીએ આવા કૂવાઓ કદાચ જોયા ન હોય તેવું પણ બને અને જો શહેરમાં ક્યાંય જોયા હોય તો પણ બૂરાયેલા અથવા ઢાંકેલા અથવા દૂરથી જોયા હોય કે જ્યાં જવા માટે કેટલીય સારી નરશી વાતો તેઓએ અફવા કે દંતકથા તરીકે પરિવારમાંથી કે નજીકના વર્તુળોમાંથી સાંભળી હોય ! ગ્રામ્ય સંસ્કૃતિ સાથે પારિવારિક નાતો જોડાયેલો હોય તો ખેતરોમાં સિંચાઈ હેતુથી ગાળેલા કૂવાઓ અથવા ગામના કૂવાઓ જોયા એવું બને ખરું અને તો ત્યાં એ વાત પણ બને કે ત્યાંથી પાણી ખેંચવાનો / સિંચવાનો અનુભવ ન હોય ત્યારે તેમાં તેના કઠોડા પરથી તેમાં ધુબાકા મારીને ન્હાવાનો લ્હાવો તો ન જ લીધો હોય.. અહીં બીજો અર્થ ” કૂપ ” છે અને તે એક મર્યાદિત પાણીના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ સાથે કૂપી શબ્દ પણ છે કે જ્યાં તેમાં તેલ રાખી બારી / દરવાજા / ખાટ વિ. માં સિંચાય તો અવાજ ન આવે.. કોઈપણ યંત્ર હોય તે દરજીનો સંચો હોય કે રેંટિયો હોય તેમાં આ કૂપી થી તેલ લગાવી સરળ રીતે ચાલે તેવું કરાય છે. કૂપ મન્ડુક શબ્દ પણ એટલે જ નાની / સાંકડી / સંકુચિત વિચારધારા ધરાવતા લોકો માટે વાપરવામાં આવે છે ! કૂવા માટે શ્રી વિનીત કુંભારાણા એ વિશેષ પરિચય આપ્યો છે અને તે મુજબ ભૂગર્ભ જળના વિપુલ જળસંપતિના ઉપયોગ માટે ખોદેલા ગોળ અને ઊંડા ખાડાને કૂવો કહે છે. અહીં પણ અંતિમ અર્થતો ખાડો છે પણ તે ઊંડો અને ગોળ હોય છે તે લક્ષણો કૂવાની ઓળખ માટે આવશ્યક છે. જે સ્તરે ભૂગર્ભ જળની મોટી હાર પકડાય જાય ત્યાં સુધી તેને ખોદવામાં આવે છે એટલે તે દરેક સ્થળે જુદી જુદી ઉંડાઇ ધરાવતો હોય તેવું બને છે. તેનો મૂળાકાર ગોળ હોય છે પરંતુ ઉપર તેનો કઠોડો ગોળ , ચોરસ , ષટકોણ , અષ્ટકોણ આકારે હોય શકે છે. તેના પર સીધા ધારેથી અથવા ત્રિકોણાકારે ગોઠવેલી ત્રાંસી લાકડાની કમાન અને છેડે લોખંડની ગરેડી હોય છે જ્યાં પનિહારી પોતા સાથે લાવેલ સીંચણિયા નામે ઓળખાતી રસ્સીથી બેડુ બાંધીને કૂવામાં ઉતારે છે અને તે ભરાય ત્યારે ઉપરથી ખેંચી પાણી બહાર કાઢવામાં આવે છે. કૂવાઓ પર આવી ગરેડીઓ બે , ચાર , છ વિ. સંખ્યામાં કાયમી રીતે જડેલી હોય છે. કૂવાના આવા કઠોડા સામાન્ય રીતે પથ્થરથી બનેલા હોય છે અને એક હેતુ સુરક્ષાનો પણ હોય છે. તેનાથી બેડુ પણ દિવાલોથી છેટુ રહે છે અને ઘોબા પડતા નથી કે ઘસાતું નથી.

કૂવાના મુખ્ય દસ પ્રકારો તેની પહોળાઇને આધારે પાડવામાં આવ્યા છે અને તેનો ઉલ્લેખ બૃહદ શિલ્પશાસ્ત્રમાં છે. તે મુજબ લઘુત્તમ ચાર હાથથી અને મહત્તમ તેર હાથ સુધી તેના પ્રકારો છે. ચાર હાથની પહોળાઈ વાળા કૂવાને “શ્રીમુખ” , પાંચ હાથ પહોળાઈ વાળાને “વૈજય” , છ હાથની પહોળાઈ વાળાને “પ્રાંત” , તે પ્રમાણે સાત હાથનો ” દુંદુંભિ ” , આઠ હાથનો ” મનોહર ” , નવ હાથનો ” ચૂડામણી ” , દસ હાથનો ” દિગભદ્ર ” , અગિયાર હાથનો ” જય ” , બાર હાથનો ” નન્દ ” અને તેર હાથની પહોળાઈ વાળો કૂવો ” શંકર ” તરીકે ઓળખવામાં આવે છે. આ દરેક નામોનો પોતાનો એક સ્વતંત્ર અર્થ છે જેમ કે “શ્રીમુખ” એટલે કે ભવ્ય અને સુંદર મુખ તો “વૈજય” નો અર્થ છે સુંદર મુખાકૃતિ ! જો કૂવો ચાર હાથની પહોળાઈથી નાનો હોય તો ? તો તેની ઓળખ કૂવો મટીને ‘ કૂઈ ‘ બની જાય છે. તેની લિંગ પણ બદલાય જાય છે ! જુના જમાનામાં સ્થપાયેલા નગરોમાં એક કુટુંબની જરૂરિયાતને ઘરવપરાશનું પાણી પૂરું પાડવા નિર્માણ કરાયેલા સાધનને કૂઈ કહેવાય છે અને તેની પહોળાઈ ચાર હાથથી નાની હોય છે.

કૂવાના ઉપરોક્ત નામો એક શાસ્ત્રાર્થ નામો છે કે ઓળખ છે. કૂવાને લોકોએ પણ પોતાના નામો આપ્યા છે. ગુજરાતમાં મહેમદાબાદ પાસે ભમ્મરિયો કૂવો છે. આ કૂવો આજથી ૬૦૦ વર્ષ પહેલાં મહમ્મદ બેગડાએ બંધાવ્યો હોવાનું મનાય છે. આ કૂવામાં બેગડો ઉનાળાના સમયમાં હવા ખાવા માટે આવતો હતો. તેમાં અંદર ઉતરવા ચાર સિડી છે. અંદર ઓરડાઓ છે અને બેગડો ત્યાં સોનાના હિંડોળે હિંચકા ખાતો હતો.બહારના તાપમાનની સામે તેનાથી ૮૦ ટકા ઠંડક અંદર રહેતી હતી. આ કૂવા માટે એમ પણ કહેવાય છે કે તેમાં ગુપ્ત ખજાનો પણ છે. આવા કૂવા ચાંપાનેર અને હાલોલમાં પણ છે. હાલમાં તો આ કૂવો ઝીર્ણ અવસ્થામાં છે. આ કૂવાના સંદર્ભમાં એક લોકગીત પણ છે :

” હું નાજુકડી નાર , કેમ કરીને પાણીડાં ભરાય
ભમ્મરિયા કૂવાને કાંઠડે ભમ્મરિયા કુવામાં પડઘા પડે..”

તે સિવાય ગુજરાતમાં જૂનાગઢ ખાતે ઉપરકોટ વિસ્તારમાં આવેલ નવઘણ કૂવો પણ તેના બાંધકામ હેતુથી જગપ્રખ્યાત છે. તેમાં પણ છેક પાણી સુધી પહોંચવામાટે પગથિયાં મુકાયેલા છે. ડુંગર જેવી ઊંચાઈ પર હોવાથી તે ઊંડો પણ ખૂબ છે. તે માટે એક લોકોક્તિ પણ બોલાય છે કે :

” અડીકડી વાવ ને નવઘણ કૂવો , જે ના જુએ તે જીવતો મુઓ ”
કોઈ લોકગીતમાં તેને શ્રવણ સાથે પણ જોડી દેવાયુ છે..જેમ કે !
” અડીકડી વાવ ને નવઘણ કૂવો , ત્યાં શ્રવણનો જનમ હુવો ..”

જે કૂવાની ખૂબ ઉંડાઇ હોય અને તેને કારણે તેમાં નીચે અંધારું હોય તો તેવા કૂવાને અંધારીયો કૂવો ( અંધકાર + કૂપ ) કહે છે. જે કૂવામાં ભેખડો ઘસી પડતા અટકાવવાના હેતુથી લાકડા કે ધાતુના ભૂંગળા ઉતારવામાં આવ્યા હોય તેને ભૂંગળીયો કૂવો કહે છે. પથ્થર કે કોલસાની ખાણોની ખરાબ હવા બહાર કાઢવા માટે બાજુમાં કૂવો ખોદવામાં આવે છે તે ઉચ્ચ કૂવો કહેવાય છે. બારેમાસ પાણીથી છલકાતો કૂવો તે જીવતો કૂવો કહેવાય છે. તે સિવાય કેટલાક કૂવાને ઓળખવા માટે ખાલી નામ આપ્યા હોય છે જેમ કે ગંગા જેવું મીઠું અને પવિત્ર પાણી ગણતા કાયમી પાણી વાળા કૂવાને ગંગાજળીયો કૂવો , હાલમાં પાણી હોય પણ કોઈ કારણોસર માનવ વસ્તી ત્યાં ન જતી હોય તેવા નિર્જન રસ્તા પર કે સ્થળે આવેલો અવાવરું કૂવો કહેવાય છે. કોઈ કૂવામાં વારંવાર કોઈના પડવા / ડૂબાવાથી મોત થતા હોય તો ગોઝારીયો કૂવો કહે છે. તો કોઈ તળાવમાં એક થી વધુ કૂવા હોય તો ઓળખ માટે ઓતરાદો કૂવો , આથમણો કૂવો , પેલો કૂવો , બીજો કૂવો , વડવાળો કૂવો , લીમડા વાળો કૂવો , વચલો કૂવો વિ. નામો હોય છે. ગરેડી વાલો , ગરેડી વિનાનો , જ્ઞાતિના નામ જોગ કૂવો , બાંડીયો કૂવો , રામ કૂવો , સીતા કૂઈ , આરા વાળો કૂવો , ભગતનો કૂવો / કૂઈ વિ. નામો પણ હોય છે. આ નામો ઓળખ માટે છે જેથી તે સ્થાન / કૂવો ઝલદીથી ઓળખાય જાય છે.

કૂવાને બુદ્ધિ સાથે વધુ સાંકળવામાં આવે છે. જેમ પાણી માનવજીવન માટે આવશ્યક છે તેમ બુદ્ધિ પણ સારા , સરળ અને વ્યવહારુ જીવનમાં ઉપયોગી છે. ઘણી વખત કોઈની બુદ્ધિ મર્યાદિત હોય અથવા ઘરજોગી જેવો હોય તો તેને કૂવાના દેડકા એમ કહે છે કારણ કે તેણે બહારની વિશાળ દુનિયા જોઈ જ નથી. જેમ મુખ્ય સ્ત્રોતમાં કોઈ વસ્તુ હોય તો તે પેટા સ્થાને જાય તેવા અર્થમાં એમ પણ કહેવાય છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે ને ? આ સંદર્ભ પિતા પુત્ર , ગુરુ શિષ્ય , નેતા કાર્યકર એવા અનેક સંબંધોમાટે વાપરવામાં આવે છે. આ ખૂબ પ્રચલિત લોકોક્તિઓ છે. તે સિવાય કૂવાના સંદર્ભમાં અન્ય રૂઢીપ્રયોગો / કહેવતો નીચે મુજબ જાણવા મળ્યા છે :

(૧) આગ લાગે ત્યારે કૂવો ખોદવો – જ્યારે જરૂર હોય ત્યારે વસ્તુ બનાવવા બેસે તેને , કોઈ પૂર્વ તૈયારીનો અભાવ હોય અને જરૂરત ઉદભવે ત્યારે તે લેવા / મેળવવા / શોધવા બેસવું અને સમય વીતતો જતો હોય તેવી સ્થિતિ (૨) કૂવાની છાયા કૂવામાં સમાય – દુઃખને સમજવા છતાં નિરુપાય બની સહન કરવું તે, મનનું મનમાં રાખવું (૩) કૂવાના મોઢે કઇ ઢાંકણું છે ? – જે જાહેર છે તે તો જાહેર જ છે , ખુલ્લું જ હોય (૪) કૂવાને મોઢે ગરણુ બંધાય છે ? – લોકોને જાહેરમાં વાત કરતા થોડા અટકાવી શકાય છે ? તે સંદર્ભમાં , કૂવો અહીં જાહેર જનતા છે એમ માની તેમાંથી સાચું ખોટું કઇ પણ સંભળાય અને તે સહન કરવું પડતું હોય છે. (૫) કૂવા માં ઉતારવું – આડું અવળું સમજાવીને કે ભોળવીને નુકશાની ના ખાડામાં ઉતારી દેવો (૬) કૂવામાં ઉતારીને વરત કાપવો – દગો દેવો (૭) કૂવામાં ઊતરવું – પુરેપુરા જોખમમાં ઊતરવું , ખૂબ મુશ્કેલી વેઠવી (૮) કૂવામાં નાખવું – નુકસાનીમાં નાંખવું (૯) કૂવામાં પડવું – આપત્તિમાં પડવું (૧૦) કૂવો કરવો / પુરવો – દુઃખનું માર્યું કૂવામાં પડીને આત્મહત્યા કરવી (૧૧) કૂવો ખોદયો – દેવું કરવું , ઉધાર લેવું , બીજાનો નાશ કરવા હાનિ પહોંચાડવી (૧૨) કૂવો ભરવો – ભેગું કરવું , સંગ્રહ કરવો , દાટવું (૧૩) બાપના કૂવામાં કાંઈ ડૂબી થોડું મરાય ? – બાપીકી મિલકત પણ સમજીને વપરાય / યોગ્યતા મુજબ વપરાય ….( ભ. મં )

કૂવાઓ બાંધવા એ એક સમયે પરોપકારનું કાર્ય ગણવામાં આવતું હતું અને ખર્ચાળ પણ હતું ત્યારે મોટા ભાગે રાજવીઓ કે નવાબો તેનું બાંધકામ કરાવી જાહેર જનતાની સેવા કરતા હતા. જૈન સમાજના લોકોનું પણ આ સદપ્રવૃત્તિમાં યોગદાન છે. ક્યાંક કોઈ સમજુ માણસ પોતાના ગામમાં અથવા જ્યારે મુસાફરીના સાધનો નહોતા ત્યારે ચાલતા કે ગાડામાં જતા ત્યારે લોકોને પાણીની સગવડતા મળે તે માટે કૂવા કે વાવ બંધાવી આપતા હતા. આજે સંપૂર્ણ સુખસુવિધા વચ્ચે કૂવા બાંધકામની કોઈ આવશ્યકતા રહી નથી. જો કે ગ્રામય વિસ્તારોમાં ઘણી જગ્યાએ આજે પણ પીવાના પાણીનો એક માત્ર સ્ત્રોત કૂવા જ છે તે પણ હકીકત છે.

કૂવાઓ ના સંદર્ભમાં એમ કહેવું હોય તો પણ કહી શકાય કે જે કૂવાઓ હયાત છે તે દરેક કૂવાને પોત પોતાનો એક યુગ હતો.

વળી આવા કૂવાઓ અનેક પ્રેમ કથાઓના પણ સાક્ષી બની રહ્યા હશે , અનેક શોર્ય કથાઓના સાક્ષી બની રહ્યા હશે , અનેક કોડભરી યુવતીઓના હૃદયની વાણીઓને કઠોડેથી પોતાના પેટાળમાં ઉતારી દીધી હશે , અનેક દુઃખી પરિણીતાઓના દુઃખો સાંભળ્યા હશે તો અનેકને દુઃખો સાથે પોતાના ઊંડાણમાં જળ સમાધિ આપી હશે , અનેક વીરોની બહેનોએ પોતાના વીરને કૂવેથી રાહ જોતી જોતી આવકાર્યા હશે , અનેક વટેમાર્ગુઓ પાણીથી પોતાની તરસ છિપાવી નવજીવન જાણે કે મેળવ્યું હોય અને સહૃદય દુઆઓ કૂવાના બાંધનારાઓને આપી હશે તે કૂવા એ જ સાંભળી હશે …

સાહિત્યમાં તો લોક સાહિત્યએ કૂવાની ખૂબ નોંધો કરી છે. ચિત્રકારોએ કૂવાના દ્રષ્યો ચીતર્યા છે. કોઈએ ભજન તો કોઈએ ગીતો ને કવિતાઓ પણ લખી છે. કૂવો લોકજીવનમાં ખૂબ વણાયેલો હતો પણ આદ્યુનિક જીવન પદ્ધતિએ કૂવાને ભુલાવી દીધો છે. ક્યાંક આ જ કૂવાઓ સાથે કોઈને બોધ મળ્યા છે તો કોઈને ઈશ્વર પણ મળ્યા છે ! કહેવાય છે કે ગોંડલ પાસેના ઘોઘવદરના સંત શ્રી દાસી જીવણને જ્યારે જૂનાગઢ પાસેના પરબ ધામે કૂવામાં ઉતારવામાં આવ્યા ત્યારે તેઓએ ઈશ્વરને આરાધીને ખાલી કૂવામાંથી પાણી સાથે બેઠા બેઠા ઉપર આવ્યા હતા અને આજે પણ એ કૂવો ત્યાં એક હાથવા પાણીથી છલકાતો રહે છે અને ભાવિકો તે પાણી પીને ધન્યતા અનુભવે છે.

કૂવો એ બુદ્ધિમતા કે વડિલપણાનું પ્રતીક કેવી રીતે છે તેની એક બોધકથાને ટૂંકમાં અહીં રાખું છું. એક જાન બીજા ગામ પરણવા જવાની હતી. વેવાઈએ કહ્યું કે કોઈ વડીલ / ઘરડા ન જોઈએ જાનમાં ! જાનને આવકારતા વેવાઈએ કહ્યું એક રેતીનો હાર બનાવી લાવો એટલે જાન માંડવે લઈ આવીએ.. જુવાનિયાઓ તો મૂંઝાયા ! હવે શું કરશુ ! કેટલાક હાર બનાવા બેઠા પણ ઉપાડવો કેમ ? લાગ્યું કે આજે હવે પરણ્યા વિના જ પાછું જવું પડશે ! ત્યારે એક ગાડા નીચે સંતાઈને આવેલા ગામના ગોર તભા ગોર પ્રકટ થયા અને કહ્યું કે જાવ વેવાઈને કહો કે એક રેતીના હારનો નમૂનો આપો એટલે બનાવી નાખીએ ! વેવાઈને જાણ કરી એટલે સમજી ગયા કે કોઈ તો કૂવા સમાન વડીલ સાથે છે જ .. ફરી વેવાઈએ વાત કરી કે તમારા ગામનો કૂવો લઈ આવો એટલે જાનને તોરણે લાવો..હવે તો ગોર બાપા હતા એટલે કોઈને મૂંઝાવાનું નહોતું એટલે પૂછ્યું કે અદા , વેવાઈતો આવું કહે છે ત્યારે ગોરે જવાબ આપ્યો કે જાવ વેવાઈને કહો કે તમારા ગામની કૂઈ ને સાથે સામૈયા માટે મોકલો એટલે અમારો કૂવો આવે છે..!

છેલ્લે , ઘરડા ગોરના સન્માનથી જાન પરણી પાછી આવી ત્યારે થયું કે ગામમાં પણ કૂવા હોવા જ જોઈએ ..ઘરડા વગર ગાડા પાછા ન વળે અને જ્યાં આવા બે ચાર કૂવા હોય ત્યાં દીકરી ને પરણાવાય ….!

👉 ડો. રમણિક યાદવ
■ તારીખ : ૧૭ / ૦૬ / ૨૦૧૭
■ ઉમેરણ આવકાર્ય છે.
■ મિત્રો પોતાના ગામના કે પોતે જોયેલા કૂવા વિશે નામ , વિશેષતા વર્ણન , દંતકથા કે પોતાના અનુભવો અહીં રજૂ કરશે તો આનંદ થશે.

સંકલન : વસીમ લાંડા

દરરોજ આવી નવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી