આજે વિવાહ વિષે કેટલીક અજાણી અને ઇન્ટરેસ્ટિંગ વાતો કરીએ.

આ આઠ પ્રકારના વિવાહ વિશે તમે જાણો છો?

વિવાહ એટલે લગ્ન, સગાઇ, સગપણ, વેવિશાળ એવા સામાન્ય અર્થ સહુ કોઇ જાણે છે પણ આના વિશે આજે કેટલીક અજાણી અને ઇન્ટરેસ્ટિંગ વાતો કરીએ. વિવાહ મૂળ સંસ્કૃત શબ્દ વિ + વહ્ પરથી આવ્યો છે. તેનો અર્થ લઈ જવું એવો થાય છે. ભગવદ ગોમંડળ અનુસાર વિવાહનો વિસ્તૃત અર્થ કન્યાદાન આપવાનું કબૂલ કરવું તે; વાગ્દાન; સગાઈ; સગપણ; વેશવાળ; વર કન્યાનો સંબંધ કરવો તે; દાંપત્ય સંબંધનો સંસ્કાર તે; પાણિગ્રહણ; વર કન્યાનો ગૃહસ્થશ્રમ ચલાવવા માટે એકબીજાં સાથે જોડવાં તે. એવો થાય છે. ગુજરાતમાં મોટે ભાગે વિવાહ શબ્દ સગાઈના અર્થમાં વપરાય છે. સામાન્ય રીતે આપણે વિવાહ અને ગાંધર્વવિવાહથી પરિચિત છીએ પણ પુરાણકાળની વાત કરીએ તો મનુસ્મૃતિ, વિષ્ણુ સ્મૃતિ, શંખ સ્મૃતિ અને હારિત સ્મૃતિ જેવા સ્મૃતિગ્રંથોમાં મુખ્યત્વે આઠ પ્રકારના વિવાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

1, બ્રાહ્મવિવાહ

વરનું કુળ, વર્તન, વિદ્વત્તા, આચરણ, આરોગ્ય વગેરે જોઈને પોતાની કન્યા માટે તે સર્વ રીતે યોગ્ય પતિ છે એવું લાગે તો તેને સારા મુહૂર્તમાં કન્યા અર્પણ કરવામાં આવે તેને બ્રાહ્મવિવાહ કહે છે.

2, દૈવવિવાહ

આ પ્રકારના વિવાહમાં યજ્ઞ વખતે યજમાન પોતાની કન્યા પુરોહિતને આપતો.

૩, આર્ષવિવાહ

વર પાસેથી બે ગાયો લઇને કન્યા આપવામાં આવે તેને સ્મૃતિકારોએ આર્ષવિવાહ કહ્યો છે. જોકે, આ એક પ્રકારનો કન્યાવિક્રય હોવાથી વિવાહની આ પદ્ધતિ દોષિત ગણાવાઇ છે.

4, પ્રાજાપત્યવિવાહ

આ પ્રકારના વિવાહમાં વર પાસેથી કંઈ ન લેતાં કન્યા યોગ્ય વરને સોંપી દેવામાં આવતી.

5, આસુરીવિવાહ

આસુરીવિવાહમાં કન્યના માબાપને કિંમત અથવા કન્યાનું મૂલ્ય ચૂકવવું પડતું. મહાભારતમાં માદ્રીનો પાંડુ સાથે અને રામાયણમાં કૈકેયીનો દશરથ સાથે આ પદ્ધતિથી વિવાહ થયો હતો.

6, ગાંધર્વવિવાહ

વરકન્યા પરસ્પરની સમજૂતીથી લગ્ન કરે તેને ગાંધર્વવિવાહ કે ગાંધર્વલગ્ન કહે છે. આ પ્રકારના વિવાહ પરણવા લાયક કન્યા પોતાનાં વડીલોની જાણ બહાર મનગમતા પુરુષ સાથે લગ્ન કરે છે. તેમાં સ્ત્રીપુરુષ પરસ્પર પ્રેમ ખાતર સ્વેચ્છાથી સંબંધ બાંધે છે. મનુસ્મૃતિ ગાંધર્વવિવાહની છૂટ આપે છે, પણ તેનું સ્થાન બ્રાહ્મ કે આર્ય વિવાહથી ઊતરતું છે. દુષ્યંત રાજા અને શકુંતલાના ગાંધર્વવિવાહ સૌથી વધારે જાણીતા છે.

વિશ્વામિત્ર ઋષિનો તપોભંગ મેનકા નામની અપ્સરાએ કર્યો હતો. તેનાથી તેમને શકુંતલા નામની પુત્રી ઉત્પન્ન થઇ હતી. પછી તેને કણ્વ ઋષિએ આશ્રમમાં ઉછેરી હતી. તેના ચંદ્રવંશી રાજા દુષ્યંત સાથે ગાંધર્વવિવાહ થયાં હતાં. તેમને ભરત નામને ભારે પરાક્રમી પુત્ર થયો હતો. મહાભારત આદિપર્વમાં દુષ્યંત અને શકુંતલાની કથા છે. આ પૌરાણિક કથા અનુસાર એક સમયે પાલક પિતા કણ્વ ઋષિ ભગવાનનું ધર્મ-ધ્યાન, પાઠ પૂજા કરવા નદી કિનારે ગયા, ત્યારે સોમવંશી પુરુકુળના રાજા દુષ્યંત શિકાર કરતા કણ્વ ઋષિના આશ્રમ સુધી આવી પહોંચ્યા. ત્યાં તેમણે શકુંતલાને એકલી જોઈ. શકુંતલા અતિશય સુંદર હોવાથી રાજા કામમગ્ન થયા અને તેની સાથે ગાંધર્વવિવાહ કર્યો. તેમણે શકુંતલાને એવું વચન આપ્યું, ‘ હું થોડા સમયમાં પાલખી વગેરે મોકલી તને તેડાવીશ.’ પછી તે પોતાના નગરમાં પાછા ફર્યા. સમય વીતવા લાગ્યો. શકુંતલાએ પૂરા મહિને એક પુત્રને જન્મ આપ્યો. કણ્વ ઋષિએ તેનું નામ ભરત રાખ્યું. તે બહાદુર અને ચપળ હતો પણ આશ્રમનાં પ્રાણીઓને હેરાન કરતો. તેથી કણ્વે શકુંતલાને પુત્ર સહિત હસ્તિનાપુર મોકલી. દુષ્યંત રાજા શકુંતલાને ઓળખી તો ગયા પરંતુ તેનો સ્વીકાર કરવાની ના પાડી. એટલે શકુંતલા પોતાને અપનાવી લેવા માટે રાજાને ખૂબ કરગરી, પણ દુષ્યંતે તેની વિનંતી સાંભળી જ નહીં. એટલામાં આકાશવાણી થઈ, ‘રાજા, આ તારી સ્ત્રી અને તારો પુત્ર છે. તેનો સ્વીકાર કર. આ સાંભળીને રાજાએ પુત્ર સહિત શકુંતલાનો સ્વીકાર કર્યો. મહાભારતની આ કથાના આધારે મહાકિવ કાલિદાસે સંસ્કૃત ભાષામાં ‘અભિજ્ઞાન શાકુંતલમ્’ નામના નાટકની રચના કરી. તેમની આ કૃતિ જર્મન કવિ ગેટેને એટલી ગમી ગઇ કે તે માથે મૂકીને નાચ્યા હતા.

7, રાક્ષસવિવાહ

આ વિવાહપદ્ધતિ ખૂબ ભયંકર ગણાતી હતી. બળજબરીથી કન્યાનું હરણ કરવામાં આવતું. કન્યાના ભાઈઓની ઇચ્છા વિરુદ્ધ તેને જબરદસ્તીથી લઈ જવામાં આવતી. મહાભારતમાં ભીષ્મ પિતામહે વિચિત્રવીર્યને માટે પણ અંબિકા અને અંબાલિકાનું અને ભગવાન શ્રીકૃષ્ણે રુક્મિણીનું હરણ આ રાક્ષસવિવાહ પદ્ધતિથી જ કર્યું હતું.

8, પૈશાચવિવાહ

કન્યા સૂતી હોય ત્યારે કે બેભાન થઇ હોય ત્યારે તેને વિવાહ માટે લઈ જવામાં આવે તો તેને પૈશાચવિવાહ કહે છે.

મનુસ્મૃતિમાં બાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ, અને પૈશાચ એમ આઠ પ્રકરના વિવાહ છે. યાજ્ઞવલ્ક્ય મુનિએ આઠ વિવાહનો ઉલ્લેખ કર્યો છે પણ બાહ્મ, દૈવ, આર્ષ અને પ્રાજાપત્ય એમ ચાર વિવાહને જ અમલમાં મૂકવા યોગ્ય ગણાવ્યા છે. વિષ્ણુ અને શંખ સ્મૃતિઓમાં પણ પહેલાં ચાર વિવાહ જ અપનાવવા યોગ્ય ગણાવ્યા છે. જ્યારે હારિત સ્મૃતિમાં ફક્ત બ્રાહ્મવિવાહને જ ઉચિત ગણવામાં આવ્યો છે.

લેખન સંકલન : મીરાં ત્રિવેદી

દરરોજ અવનવી જાણકારી અને માહિતીસભર લેખ માટે લાઇક કરો આપણું પેજ.

ટીપ્પણી