આ સંસ્થાઓના નામ તો સાંભળ્યા હશે પણ આ ડીટેલ તમે નહિ જાણતા હોવ…

વિશ્વની પાંચ મહત્ત્વપૂર્ણ ગુપ્તચર સંસ્થાઓ:-

“સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળી વાંકી કરીને કાઢવું પડે” કહેવતને વિશ્વમાં પથરાયેલી જાસૂસી સંસ્થાઓ સંરક્ષણક્ષેત્રે ખરા અર્થમાં સાર્થક કરે છે. દેશની આંતરિક તેમજ બાહ્ય સુરક્ષા માટે, દેશમાં તેમજ સરહદ પારના દેશોમાં શું ખીચડી રંધાઈ રહી છે તે બાબતે દરેક દેશના ઉચ્ચ અફસરો જાગરૂક રહેવા માંગતા હોય છે. બીજા દેશો સમક્ષ પોતાના દેશનું સ્થાન મજબૂત રાખવા કોણ રાજી ન હોય! તેના માટે પણ, યેનકેન પ્રકારે પણ દેશની ગુપ્તચર સંસ્થાનો સહારો લીધા વગર તેમની પાસે કોઈ આરો નથી. આથી, આ પ્રકારની માહિતી મેળવીને દેશની સેવા માટે દરેક જાસૂસી સંસ્થાઓ સજાગ હોય છે. આવી વિશ્વવિખ્યાત સંસ્થાઓમાં મુખ્યત્વે મોસાદ(ઇઝરાયેલ), CIA(અમેરિકા), MI6(બ્રિટન), RAW(ભારત) તથા ISI(પાકિસ્તાન)નો સમાવેશ થાય છે.

સૌ પ્રથમ જાણીએ ઇઝરાયેલી ગુપ્તચર સંસ્થા મોસાદ વિશે:-

1) MOSSAD(મોસાદ):-

એક પછી એક હિંમતભર્યા તેમજ ચાલાકીયુક્ત પરાક્રમોને લીધે મોસાદ અત્યારે દુનિયાની સૌથી શક્તિશાળી જાસૂસ સંસ્થા છે. તેની સ્થાપના ઈ.સ. ૧૯૪૯માં થઈ હતી તેમજ તેનું વડું મથક તેલ અવીવ ખાતે છે. ભૂતકાળમાં એક સમયે એવી ઘટનાઓએ પણ આકાર લીધો હતો જેમાં ઇઝરાયેલની સ્વતંત્રતા ખતરામાં આવી ગયેલી, પરંતુ મોસાદની દીર્ઘદ્રષ્ટિ તેમજ ત્વરિત પ્રતિક્રિયાએ ઇઝરાયેલને આવનારી આપત્તિમાંથી હેમખેમ ઉગારી લીધું હતું. માટે, કોઈ નિઃસંકોચ કહી શકે કે મોસાદના લીધે ઇઝરાયેલવાસીઓ અત્યારે આઝાદીનો લહાવો લઈ રહ્યા છે.
મોસાદ દ્વારા હાથ ધરવામાં આવેલા દરેક મિશનો સફળ અને એકથી એક ચડિયાતા રહ્યા છે. એમાંય “ઓપરેશન એન્ટેબી/ ઓપરેશન થંડરબોલ્ટ” મોસાદના એજન્ટો માટે સૌથી વધુ જોખમી તેમજ દિલધડક રહ્યું હતું. યુગાન્ડાના એન્ટેબી એરપોર્ટ પરથી એકસો છ દેશબાંધવોને આતંકવાદીઓના કબ્જામાંથી છોડાવવા માટે, મોસાદના એજન્ટોએ યુગાન્ડાના સૈનિકો જેવો ગણવેશ પહેર્યો હતો. ઓપરેશન એન્ટેબીમાં દુઃખદ વાત ફક્ત એ હતી કે તેમાં હાલ ઇઝરાયેલના પ્રમુખ બેન્જામિન નેતાનયાહૂના મોટા ભાઈ લેફ્ટનન્ટ કર્નલ યોનાતન નેતાનયાહૂનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું.

૨)CIA(Central Intelligence Agency/સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી):-

અમેરિકન જાસૂસી સંસ્થા CIAની સ્થાપના ઈ.સ. ૧૯૪૭માં થઈ હતી અને વડું મથક વર્જિનિયામાં કાર્યરત છે. CIA વિવિધ દેશોમાંથી અમેરિકાને લગતી માહિતી એકઠી કરીને દેશના પ્રમુખ તેમજ કેબિનેટને પૂરી પાડે છે. CIA દ્વારા પાર પાડવામાં આવેલા બે ઓપરેશનો જગવિખ્યાત છે. એમાંથી એક છે- ઓપરેશન PBSUCCESS કે જેમાં ગ્વાટેમાલાના પ્રમુખ જેકોબો આર્બેન્ઝને રાજીનામુ આપવા ફરજ પડાઈ અને એ રીતે દસ વર્ષથી ચાલતી ગ્વાટેમાલન ક્રાંતિનો અંત આવ્યો હતો, બીજું છે ઓસામા બિન લાદેનની હત્યા. ઓસામા બિન લાદેનના રહેઠાણનો પર્દાફાશ CIA દ્વારા થયો હતો અને ખાતરી થયા બાદ તાબડતોબ “ઓપરેશન નેપચ્યુન સ્પીઅર” દ્વારા, અમેરિકન આર્મીના SEAL કમાન્ડોએ ઇસ્લામાબાદ નજીકના એક નાનકડા શહેર અબોટાબાદમાં રહેતા ઓસામા બિન લાદેનની અર્ધી રાત્રે હત્યા કરી હતી. ‘જગતજમાદાર’ અમેરિકાના પ્રભુત્વ માટે CIA એક મજબૂત આધારસ્તંભ છે.

3)MI6(Military Intelligence,Section 6/ મિલિટરી ઇન્ટેલિજન્સ,સેક્શન છ):-

લંડન ખાતે વડું મથક ધરાવતી બ્રિટનની આ ગુપ્તચર સંસ્થાની સ્થાપના ઈ.સ. ૧૯૦૯માં થઈ હતી. વિશ્વની સૌથી જૂની ગુપ્તચર સંસ્થાનો યશ MI6ને મળે છે. વિશ્વયુદ્ધોમાં બ્રિટનની સફળતાનું મુખ્ય રહસ્ય MI6 છે. MI6ના કારણે જ તો હિટલરે બ્રિટન સામે જડબાતોડ શિકસ્ત ખાધી હતી. હિટલરની સરદારી હેઠળ બ્રિટન ન કચડાયું એ પાછળ MI6ની કામગીરી હતી. હાલની તારીખે MI6 CIA જેવી ઉચ્ચ જાસૂસ સંસ્થાઓ સાથે મળીને વિવિધ ખાનગી મિશનો પાર પાડે છે. MI5 એ દેશમાં અલગ અલગ સ્ત્રોતો દ્વારા આંતરિક બાબતોની માહિતી મેળવે છે અને MI6 મુખ્યત્વે આંતરરાષ્ટ્રિય મુદ્દાઓ પર કામ કરે છે.

4)RAW(Research and Analysis Wing/ રિસર્ચ ઍન્ડ એનાલિસીસ વિંગ):-

RAWની સ્થાપના ઈ.સ. ૧૯૬૮માં થઈ હતી અને તેનું વડું મથક નવી દિલ્હી ખાતે છે. ભારતમાં IB(Intelligence bureau/ઇન્ટેલિજન્સ બ્યુરો) દેશમાં આંતરિક બાબતોને લગતી માહિતી એકઠી કરે છે જ્યારે RAWનું મુખ્ય કામ પડોશી દેશોમાં ભારતને લગતી માહિતી એકઠી કરી એનું એનાલિસીસ કરવાનું છે. બાંગ્લાદેશની સ્થાપનામાં RAWએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. આ ઉપરાંત કારગીલ યુદ્ધ, પોખરણમાં ગુપ્તપણે કરાયેલું અણુબોમ્બ પરિક્ષણ, વગેરેમાં RAWની સક્રિય કામગીરી રહી હતી.

5)ISI(Inter-Service Intelligence/ ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ):-

આ પાકિસ્તાની જાસૂસી સંસ્થા દ્વારા પ્રેરિત આતંકવાદી હુમલાઓ ભારતમાં સુરક્ષાક્ષેત્રે અવારનવાર નાકે દમ લાવી દે છે. ISI વિશ્વમાંથી ગુપ્ત માહિતી એકત્ર કરી, સરકારને પૂરી પાડવાનું મુખ્ય કામ કરે છે. ઇસ્લામાબાદ ખાતે વડું મથક ધરાવતી આ ગુપ્તચર સંસ્થાની સ્થાપના ઈ.સ. ૧૯૪૮માં થઈ હતી. ISIનું મહત્વ જોતાં, ISI તથા પાકિસ્તાન આર્મી ભેગા મળીને દેશ ચલાવે છે તેવું કહેવામાં કશું ખોટું નથી. અફઘાનિસ્તાન સાથે સોવિયેત સંઘની લડાઈમાં સોવિયેત સંઘની હાર પાછળ ISIનો મોટો ફાળો હતો. વર્ષોથી પાકિસ્તાન સરકારમાં કરોડરજ્જુરૂપ ISIએ પાકિસ્તાનને વિશ્વમાં પાકિસ્તાનનું સ્થાન મજબૂત કર્યું છે.

લેખન સંકલન : હાર્દિક કયાડા

દરરોજ અવનવી માહિતી જાણવા અને વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી