“વાહ ખારવા વાહ ! રંગ છે હો ભાઈ , હિંમત તો તમારા બાપની હો બાપલીયા” લાઇક કરો…

છેલ્લા બે દિવસથી સતત વરસતો વરસાદ બંધ થવાનું નામ નોહતો લેતો. સર્વત્ર પાણી ફરી વળ્યું હતું. પવનના ભયાનક સુસવાટાઓથી વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતાં. ઘરોમાં પુરાયેલા લોકોના જીવ ફફડી રહ્યા હતાં. કઠણ છાતીના લોકો માટે પણ ઘરની ભાર નીકળવું મુશ્કેલ હતું. ઈન્દ્રદેવ જાણે મહાપ્રકોપ વરસાવી રહ્યા હોય તેમ અનરાધાર વરસી રહ્યા હતાં. બીચારા નિર્ધાર બનેલા કેટલાંય લોકો જ્યાં ત્યાં ફસાયેલા હતાં. નદીઓ ગાંડીતૂર બની વહેતી હતી. દરિયાકિનારે ત્રણ નંબરનું સિગ્નલ ભયની ઘંટડી વગાડી રહ્યું હતું. સમયસુચકતા વાપરી માછીમારો એ પોતાની બોટોને કિનારે લંગારી દીધી. આ ભયાનક વાતાવરણમાં માછીમારી કરવું અસંભવ જેવું જ હતું. દરિયાની ખાડીમાંથી જાણે ઘોડાપુર ઊમટી પડ્યા હતાં. ધોધમાર વહેતું પાણીનું વહેણ અસંખ્ય વસ્તુઓને પોતાના પ્રવાહની સાથે તાણીને લઇ જતું હતું. ધસમસતાં પ્રવાહને કારણે કિનારે લાંગરેલી બોટોના દોરડા કડકડાટી બોલાવી રહ્યા હતાં. ક્યાંક-ક્યાંક તો વળી મજબુતીથી બાંધેલા દોરડા પણ તૂટવા લાગ્યા હતાં. અને તૂટતાંવેંત અનેક બોટો એકબીજા સાથે ટકરાઈ જતી હતી. ઘડીભર માહોલ તંગ બની જતો અને ખલાસીની દોડાદોડી અચાનક વધી જતી.

દેવજી પણ જાતે ખારવો એટલે નાની બોટ લઈને માછીમારી કરતો અને પોતાનું ગુજરાન ચલાવતો. આમેય ખારવાને દરિયા સાથે રમત કરવામાં જ અનેરો આનંદ આવતો હોય છે. દરરોજ પોતાની હોડી અને જાળ લઈને જાય અને જે મળે તે માછલા પકડી લાવે. તેની પત્ની માર્કેટમાં વેચી આવે અને જે મળ્યું તેમાં ખુશ. આ વરસાદી વાતાવરણમાં માછીમારી કરવા જવાનો અવસર ના મળ્યો. તેમ છતાં હોડીની ચિંતા તો હતી જ ! સવારે જ હોડી સારી રીતે બાંધી છે કે નહિ તેની ચકાસણી કરી હતી. નાનું એવું ઝુંપડા જેવું ઘર પણ બિલકુલ દરિયાની સામે જ. દરિયાના ઘૂઘવતાં પડછંદ મોજાના અવાજો સંભાળતા જ રોજ રાતે સુવાનું હોય અને તો જ નીંદર આવે તેને.
“પપ્પા, આપણી હોડીને જોઈ આવું ? સરખી બાંધીશ કે નહીં ?” સાત-આઠ વરસની દિશા તેના પિતાને નિ:સંકોચતાથી અને જુસ્સાભેર પૂછતાં સામે ઉભી રહી.
દેવજી મૂછમાં હસ્યો.દીકરીની પોતાની હોડી પ્રત્યેની લાગણી તેની નિર્દોષ આંખોમાં તે સ્પષ્ટ જોઈ શક્યો. જોરદાર પવનથી આવતી વાછટથી એકાએક બારીએ ફફડાટ કરી મુક્યો.

“પપ્પા જો તો ખરી, કેવો વરસાદ આવે છે આપણી હોડી તણાઈ જાયની કાંઇક !નાનકડી દિશાએ ફરી પોતાની ચિંતા પપ્પા સામે ઠાલવી.
“અરે મારી દીકરી, એમ કાય થોડી તણાઈ જાય . . .” હજી વાક્ય પુરુ થાય ત્યાંજ એકાએક કોઈ દરવાજા પર ધક્કા મારતું હોય એમ તેમ દરવાજા ધ્રુજી ઉઠ્યાં. એક મોટું ટોળું દેવાજીના ઘરના દરવાજે ઉભું રહી દરવાજો થપકારી રહ્યું. દેવજી ગભરાયો ! શું થયું ? તે હેબતાઈ ગયો. હૈયામાં થોડોક ફફડાટ થયો. તેણે ગૂંચવાયેલા ચહેરે અચકાતાં અચકાતાં દરવાજો ખોલ્યો. વરસાદથી પલળેલા પાંચ સાત માણસોનું ટોળું ઘરમાં ઘુસી આવ્યું. હતાં એ બધા તેના મિત્રો જ ! દિશા દોડીને તેના પિતાની પીઠ પાછળ સંતાઈ ગઈ. ઓચિંતા આટલા બધા લોકોને ઘરમાં આવી ગયેલા જોઈને તે પણ થોડી ધ્રુજી ગઈ.
“અરે, અરે શું છે ? આમ ઓંચિંતા ! આવા વરસાદમાં ? થયું હું ? દેવજીએ એકીશ્વાસે બધું પૂછી નાખ્યું.
“જલ્દી ચાલ તારી હોડી લઈને આપણે બાજુમાં ગામમાં જવાનું છે.” દેવાજીના ખાસ મિત્ર સતિષે આતુરતા અને ઉતાવળ સાથે કહી નાખ્યું.
“પણ થયું છે શું ? ઈ તો કે” દેવજી ગુંચવાયો. તેણે હજી કંઈ સમજાતું ન હતું.

“ઈ બધું તને રસ્તામાં કેશુ, તુ હાલ પેલા. જલ્દી કર. ત્રણ જણાનાં જીવ જોખમમાં છે.” બીજો એક મિત્ર દેવજીને ઘરની બહાર ખેચી જતા કહી રહ્યો. દેવજીએ જતાં જતાં દિશાની ઝાંખી હાકલ સાંભળી ન સાંભળી ત્યાં મિત્રો તેણે દરિયાકિનારે બાંધેલી હોડી સુધી ખેંચી આવ્યા.

“હમણાં ખબર પડી છે કે બાજુના ગામમાં નદીમાં પૂર આવ્યું છે એટલે બચારા એક ઘરના મા’ણા એમાં ફસાઈ ગયા છે. એમનું ઝુંપડું પણ તણાઈ ગયું છે. અને ઈ લોકો પણ નદીની વચમાં ફસાયા છે. આપણે જલ્દી તારી હોડી લઈને ત્યાં જવાનું છે. અને ઈને બચાવા હાટું મહેનત કરવાની છે. સતિષે હોડીના છેડા છોડતાં બધી જ વિગત દેવજીને કહી સંભળાવી. દેવજીની આંખો પણ ચમકી ઉઠી. ‘પાણીના પ્રવાહમાં કોઈ જિંદગી ફસાય અને ખારવો હિંમત ના કરે તો તો લાજી મરવું પડે.

“પણ આપણે હોડીને એ ગામમાં લઇ કેમ જાશું ? ત્યાં કોઈ હોડી જેવું નહી હોય ? આપણે ઉતાવળ કરાવી પડશે” દેવજીએ થોડી શંકા વ્યક્ત કરી.

વરસાદ હજી બંધ થવાનું નામ લેતો ન હતો. એકાએક મેઘગર્જના થઈ એટલે બધાના જીવ ફફડી ઉઠ્યા. વીજળીનો તેજ લિસોટો આકાશમાં દેખાયો ન દેખાયો અને ત્યાં ઝબકારો કરી ગાયબ થઈ ગયો. વીજળીનો ડરામણો અવાજ દરેકના કાનમાં પડઘાતો રહ્યો. સમય સુચકતા વાપરી એક મિત્રએ તાબડતોડ ગાડીની વ્યવસ્થા કરી લીધી. બીજા પણ કેટલાક ખારવાઓ મદદે આવી પહોચ્યા. બધાએ હિમ્મત કરીને હોડીને દરિયામાંથી બહાર ખેંચી લીધી. પોતાની ઘરેલું તરકીબનો ઉપયોગ કરી હોડીને ત્યાંથી મોટી ખુલ્લી ગાડીમાં ચાઢાવવામાં આવી. દેવજી ઉત્સાહમાં હતો. તેને જલ્દી ત્યાં પહોચવું હતું. કદાચ આપના પહોચતા પહેલા ત્યાં અજુગતું બની જાય તો ! તો તો જિંદગીભરનો અફસોસ રહી જાય. તે વિચારથી તેની ભમ્મર ચઢી આવી. હોડીને જેમ તેમ ગાડીમાં બાંધી, છલાંગ લગાવી એકસાથે બધા ચઢી ગયા.

ગામમાં પહોચતાંવેંત ગામલોકો ઉત્સાહમાં કિકિયારીઓ કરી ઉઠ્યાં. ખારાપાણીના ખારવા આવી ગયા છે એટલે હવે હિંમત કરશે. ગમે તેમ કરી પ્રવાહ સાથે તે લડી લેશે પણ મુકશે નહી. તેવો બધાને દ્રઢ વિશ્વાસ બેસી ગયો. ગાંડીતૂર બનીને વહેતી નદી જાણે ક્રોધે ભારાયેલી, ફૂંફાડા મારતી નાગણની જેમ ભયંકરતાથી વહેતી હતી. પ્રવાહની વચ્ચે એક મોટી શીલા દેખાતી હતી. અને હમણાં પ્રવાહમાં તણાઈ જશે તેવી હાલતમાં ડગમગી રહેલું એક વૃક્ષ દેખાઈ રહ્યું હતું. એક ખેડૂત પરિવાર જીવ બચાવવા વલખા મારી રહ્યો હતો. ચાલીસેક વરસના ખડતલ પુરુષનું શરીર પાણીના પ્રવાહમાં તણાતું હતું. તેમ છતાં તેણે ઝાડના થડને ખુબ જ મજબુતાઈથી પકડ્યું હતું. જો ઝાડ ઉખડી જાય તો તે પુરુષનું જિંદગી પણ તે પાણીના પ્રવાહમાં તણાઈ જાય તે નક્કી. તેની અગિયાર વરસની દીકરી અને તેની પત્ની ત્યાં શીલા પર જેમ તેમ કરી પોતાનો જીવ બચાવવા વલખા કરી રહ્યા હતાં. કિનારે ટોળા વળેલા લોકોને બરાડા પાડી પોતાને બચાવવા પોકારી રહ્યા હતાં. હવે તો કંઠમાંથી અવાજ પણ બહાર નીકળતો ન હતો. રડી રડીને આંખો પણ બહાર આવી ગઈ હોય તેમ પહોળી થઈ ગઈ હતી. ત્રણેયના જીવ અધ્ધર હવામાં લટકી રહ્યા હતાં. પણ જાણી જોઈને કોણ મોતના મોંમાં આંગળી નાખે ? ટોળામાંથી કોણ આ વેગીલા પ્રવાહમાં પડે ? કોણ હિંમત કરે ? તે પણ આવા ગડગડાટ થતા મેઘગર્જના અને ધોધમાર વરસાદમાં ! જ્યાં આંખો પૂરી ખોલીને જોઈ પણ નહોતું શકાતું !!

“માં-પપ્પા” ખેડૂતની દીકરીના હૈયામાંથી અંતર્નાદ સરી પડ્યો. વરસાદની બુંદો સાથે આંખોમાંથી વરસતી બુંદો ભળી જતી હતી. વારેવારે ભગવાનને કરગરી રહેલી મા પણ પોતાની નિ:સહાયતા પર દ્રવી ઉઠી. સેંકડો માણસોની હાજરીમાં ત્રણ જિંદગીઓ બુઝાઈ રહી હતી. કિનારે ઉભેલા લોકોના હૈયા પણ વલોવતા હતાં. પણ કરવું શું ? કોણ સાહસ કરે ?

“હાલો હાલો હોડીને હેઠે ઉતારો” દેવજીએ બધાને હાકલ કરી. સાથે લાવેલા દોરડાના હાકલાને તેણે ખભે નાંખ્યો અને ગાડીમાંથી સીધો જ કૂદકો માર્યો. હોડી પ્રમાણમાં નાની હતી પણ દેવજીની હોડી એટલે સુવિધા પણ પૂરી જ હોય. નાનકડું મશીન પણ તેમાં લાગેલું જ હતું. જોકે જે ગતિથી પ્રવાહ વહેતો હતો તે જોતા હોડીને સીધી લીટીમાં ગતિ કરાવી ત્યાં પહોંચાડવી શક્ય ન હતું.

દેવજીએ સાથે લાવેલા દોરડાનો એક છેડો કિનારે ઉભેલા લોકોને આપતા કહ્યું “આને તાકાતથી બધા પકડી રાખજો મુકતા નહી. રામભાઈ તું આયાં જ રહે, આ લોકોની હારે.”

“હા, લાવો છેડો મારી પાસે”
“લે, મદદ કરો બધી” દેવજીએ ટોળાંને ઉદ્દેશીને કહ્યું.
હોડીને ખુબ દૂરથી નદીમાં ઉતારવામાં આવી. જેથી પ્રવાહ સાથે હોડી તણાતી જાય. સીધી ગતિમાં જવાનું હોવાથી પ્રવાહનો અવરોધ કાપતાં ખુબ વાર લાગે. માટે ધીરે ધીરે ગતિ થાય તો પ્રવાહ સાથે તણાતાં પેલી શિલા સુધી પહોંચી શકાય.
બે ત્રણ મિત્રોએ હોડીમાં જગ્યા લીધી. હોડીનું મશીન શરુ થયું. પ્રવાહ સાથે રમકડા જેમ તણાતી હોડી મંદ મંદ કરતાં ફસાયેલા પરિવાર તરફ સરકી રહી. ખેડૂત પરિવારના હૈયામાં થડકારો વધી ગયો. હમણાં જરા જોશમાં પ્રવાહ આવશે એટલે માંડ માંડ ટકી રહેલું આ ઝાડનું થડ તૂટીને પાણી સાથે તણાઈ જશે તો ! એવો ભય સતત માથે તોળાતો રહ્યો.

“બચાવો… બચાવો… ઓહ મા” મોત સામે સતત ઝઝૂમી રહેલી નાનકડી દીકરીનો ચિત્કાર દેવાજીના કાને ટકરાઈને પ્રવાહ સાથે ભળી ગયો. દેવજીનું હૈયું ત્યાં જલ્દી પહોચવા હવે અધીરું બની ગયું. સમય ખુબ ઓછો હતો. જરા સરખી ગફલત પણ ત્રણ જિંદગીઓનો ભોગ લઇ લે તેવી શક્યતા હતી. કિનારે વ્યાકુળ બનીને ઉભેલા ટોળાએ તેના પર મુકેલો વિશ્વાસ તેણે મજબુતાઈ આપી રહ્યો હતો. દોરડાના મોટા હાક્લામાંથી દોરડું સતત ઘટતું જતું હતું. હોડી હવે ખુબ નજીક પહોંચી ગઈ હતી. ખેડૂત પરિવારની આંખો બોચીએ આવી ગઈ હતી. હિંમત ખૂટી ગઈ હતી. હોડીને પકડી લેવા તેમના હાથ અધીરા બન્યા હતાં.

હોડી હવે અડોઅડ આવી ગઈ હતી. પેલા દોરડાનો બીજા છેડાનો હાંકલો કરી દેવાજીના મિત્રએ સામેના બીજા કિનારે પૂરી તાકાતથી ઘા કરી દીધો. આંખના ઇશારે કિનારે ઉભેલા લોકોએ તેણે પકડી લીધો. સામે ઉભેલા અડીખમ વૃક્ષ સાથે તેણે બાંધી દેવામાં આવ્યો. હવે નદીના પટ પર એક સળંગ દોરડું બંધાઈ ગયું હતું. એક છેડો વૃક્ષ સાથે બંધાઈ ગયો અને એક છેડો સામેના કિનારે દેવજીના મિત્રો અને લોકોના ટોળાએ જાણે એક જ ગુરુના બે ચેલા હોય તેમ પૂરી તાકાતથી પકડી રાખ્યો.

“સતીશ આ સેરાને પકડી લે, હોડીને પકડો . . . વચારે રહેજો બધી, નમી ના જાય.” દેવજીએ એ તરફ જોઈ હાકલ કરી.
“હા તું પેલાને લઇ લે જલ્દી. ઝાડ આઘડે તૂટી જાયે.લિ જે મારો ભાઈ.” સતીશનું દિલ ધબકાર ચુકી જતું લાગ્યું.

દેવજીએ ખેડૂતનો હાથ પકડી રાખ્યો. તે સાથે જ નદીના પ્રવાહમાં જાણે એકાએક તાકાત વધી હોય તેમ વૃક્ષ ધરાશાયી થયું. તે સાથે જ વૃક્ષ તણખલાની પેઠે પ્રવાહ સાથે બળીને ચાલી નીકળ્યું. ઝાડ પડતાની સાથે જ ખેડૂતની પત્ની પણ પ્રવાહ સાથે તણાઈ જતી લાગી. બીજા એક મિત્રએ તરત દોરડાનો એક છેડો તેના તરફ નાંખ્યો પેલી સ્ત્રીએ તરાપ મારી છેડો પકડી રાખ્યો. તેના મોમાંથી તીણી ચીસ નીકળી ગઈ. માની હાલત જોઈને દીકરીના મોમાંથી પણ આહ નીકળી ગઈ. “મા”

ડુસકા ભરતી નાની દીકરીનો હાથ પણ છટકતો જણાયો. પાણીની પ્રચંડ તાકાત સાથે અત્યાર સુધી નીડરતાથી લડી રહેલી દીકરીની ધીરજ હવે ખૂટી રહી. ખેડૂતે મહામહેનતે હોડીને પકડી લીધી. જેવી તાકાતથી તેણે અત્યાર સુધી થડને પકડ્યું હતું એ જ તાકાતથી તેણે હોડી પણ તરાપ મારીને પકડી લીધી. દેવજીએ તેણે ચપળતાથી હોડીમાં ખેંચી લીધો. તેની પત્નીને પણ હોડી સુધી ખેંચી લાવવામાં આવી. હોડીમાંથી અડધું શરીર બહાર કાઢી સતિષે નાની દીકરીને હોડીમાં લેવાનો પ્રયાસ કર્યો. અફસોસ ! હાથમાં આવેલો હાથ પકડાયો ન પકડાયો ત્યાં વહેણનો પ્રવાહ થોડે દૂર તાણી ગયો. જોતજોતામાં એકપળનો પણ વિચાર કર્યા વગર દેવજીએ દોરડું પકડી નદીમાં છલાંગ લગાવી દીધી. નદીના ધસમસતાં પ્રવાહમાં વિખુટી પડી ગયેલી દીકરીને આંચકા સાથે તેણે પકડી લીધી. એક હાથે દોરડાના સેરાને દ્રઢ મનોબળથી પકડી રાખ્યો. અને બીજા હાથે દીકરીને પકડી લીધી. સામે વહેતો પ્રવાહ ક્યારેક માથા ઉપરથી પસાર થઈ જતો હતો અને ઘડીભર શ્વાસ રૂંધાવા લાગતો.

“ખેચો . . . જલ્દી . . . “ ફૂલી ગયેલા શ્વાસે તેણે સતીશને હાકલ કરી. માથે વરસતા વરસાદની બુંદો જાણે તીર હોય તેમ ચહેરા પર વાગી રહી. આંખો ખોલીને સામે જોવું પણ કઠિન થઈ પડ્યું.

“હાલો . . ખેચો . . તાકાત કરો . . જલ્દી . . સતિષે રાડ પાડી. ખેડૂત દંપતીમાં તો હવે શારીરક હિંમત બચી જ ન હતી. પણ સામે દીકરીની જીવ સંકટમાં હોય ત્યારે હિંમત હૈયામાંથી જન્મે છે. બધાએ એક સાથે તાકાત કરી દોરડાને ખેચ્યું. કિરણે નદીના પટ પર લંબાવેલા દોરડાને મજબુતાઈથી પકડી રાખ્યું હતું. જેથી હોડી પ્રવાહ સાથે તણાઈ ન જાય.
ઓચિતા બધા જ હોડીમાં એકબાજુ આવી જવાથી હોડી એક તરફ નમી ગઈ.! દરેકના હૃદય એક સાથે ધબકી ઉઠ્યા. બંને કિનારે ઉભેલા લોકોના જીવ પણ તાળવે ચોટયા. ડગુમગુ થતી હોડી ફરી સ્થિર થઈ. અને બધાએ હળવો નિ:સાસો નાંખ્યો.

ક્ષણભર વીજળીના કડાકાથી આકાશમાં જાણે હજારો ટ્યુબલાઈટ એક સાથે ઝબકી હોય તેવો ઝબકારો થઈ ગયો. ફફડતા હૈયે દેવજી અને નાનકડી દીકરીને હોડીમાં ચઢાવવામાં સફળતા મળી. બંને કિનારે ટોળે વળેલા લોકોના જીવમાં જીવ આવ્યો.

દેવાજીનો શ્વાસ ફૂલી ગયો હતો. નાનકડી દીકરી તો બિચારી અર્ધબેભાન અવસ્થામાં જ હોડીમાં ઢળી પડી. વધુ પડતું પાણી પી જવાથી તેની માતા પેટ દબાવવા લાગી. હિબકા દ્વારા પાણી બહાર નીકળ્યું. માની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા. દેવદુત સમાન સામે ઉભેલા ત્રણ મિત્રોને નીતરતી આંખે જોઈ રહી. તેનું હૃદય ભરાઈ આવ્યું.

“ખમ્મા મારા વીરા . . .” વધારે બોલે તે પહેલ તો ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. અને ફરી આંસુ સરી પડ્યા.
“જવા દેવ આસ્તે આસ્તે” દોરડાનો જ સહારો લેતા દેવજીએ સૂચના આપી. હોડી કિનારા તરફ આગળ વધતી રહી. દેવાજીનો શ્વાસ હવે માંડ હેઠો બેઠો.

“વાહ ખારવા વાહ ! રંગ છે હો ભાઈ , હિંમત તો તમારા બાપની હો બાપલીયા” કિનારે ઉતરતાવેંત જ એક વૃધ્ધે દેવજીની ટીમને પીઠ થાબડતાં આશીર્વાદ આપ્યાં.

દેવજીએ સામે ઉભેલા લોકોના ટોળા તરફ નજર કરી. દરેકની નજર મૂક બની તેણે આશીર્વાદ આપી રહી હતી. તેનું હૈયું ગદગદ થઈ આવ્યું. લાગણીના પ્રવાહમાં તણાય તે પહેલા જ તેણે મન મક્કમ કરી લીધું.
“હાલો . . . હાલો . . . હવે હોડીને ગાડીમાં ચઢાવવા લાગો.. અમે તો થાકી ગયા મારા ભાઈ” હસતાંહસતાં તેણે વાતાવરણને હળવું કરી નાખ્યું. દરેકની આંખો ખુશીથી છલકી ઉઠી. તેણે ન્નાનાકડી દીકરીને માથે હાથ ફેરવ્યો.

‘મારી દિશા તારા ભેગી જ ભણે છે ને ! શાળામાં ધ્યાન રાખજે એનું” દેવજીએ દીકરીને કહ્યું અને બધા હસી પડ્યાં.

લેખક : વિષ્ણુ ભાલિયા

ખરેખર ખુબ સાહસી કાર્ય કર્યું છે દેવજીએ, શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી