માણસ ભગવાન પાસે જતો રહે તો પાછો આવે ખરો, વાંચો આ વાર્તા

“અંતિમ વિદાય”

“મા, અહિ બધાં રડતાં રડતાં જ કેમ આવે છે ? બીમાર માતાના ખાટલા પાસે બેઠેલી ઊર્મિએ કુતૂહલ પૂર્વક પૂછ્યું. તેની જિજ્ઞાસા વધારે પ્રબળ બની ગઈ જ્યારે તેણે જોયું કે, તેના પિતાજી સળગતા અગ્નિ વચ્ચે મજબૂત ડંડાથી, કાંઈક કરી રહ્યાં હતા. આસપાસ ઊભેલા લોકોના ચહેરા રડમસ લાગ્યાં. માતા હજી કાંઈ ઉત્તર આપે તે પહેલાં જ ઊર્મિએ બીજો સવાલ કર્યો. ” બાપુ ત્યાં શું કરે છે ?”

“ દરવાજો બંધ કરી દે” માતા આટલું માંડ માંડ બોલી ત્યાં શ્વાસ ચઢી ગયો. મનમાં ઉભરાતા સવાલોની ગડમથલ વચ્ચે ઊર્મિએ ઊભા થઈ દરવાજો બંધ કરી દીધો, અને બહારનું દેખાતું દ્રશ્ય બંધ થયું.

છેલ્લા કેટલાય સમયથી સ્મશાનમાં કામ કરતો રવજી હવે મડદાંઓ સાથે જીવતા શીખી ગયો હતો. સ્મશાનની બિલકુલ સામે જ તેનું ઘર. પત્નીની માંદગી અને ઊર્મિના ભણતર ખર્ચમાં જ તેનો નાનો અમથો પગાર ખર્ચ થઈ જતો હતો.

અંતિમક્રિયા કરી રવજી ઘરે આવ્યો ત્યાં જ ઊર્મિએ પેલો સવાલ કર્યો. સવાલ સણસણતો સીધો હ્રદય સોંસરવો ઊતરી ગયો. તેણે ઊર્મિના માથે પ્રેમથી હાથ મૂકતા કહ્યું:

“ બેટા, માણસ ભગવાન પાસે જતો રહેને તે પાછો ના આવે, એટલે બધાને રડવું આવે.” પિતાજીના ઉત્તરથી ત્યારે તો ઊર્મિને ખાસ કાંઈ ના સમજાયું.

આજે, સ્કુલેથી આવતાવેંત એ ચોંકી. ઘરને ફરતાં બધા ટોળે વળ્યા હતાં. પિતાજી માતાના ખાટલા પાસે મોં ઢાળી રડતાં હતાં ! શરીરમાં ધુજારી વ્યાપી ગઈ. તેના મુખમાંથી ચીસ નીકળી. તેણે માતાના ખાટલા તરફ દોટ મુકી. અને માતાના નિર્જીવ દેહને વળગી પડી, અને સાત વરસની નાનકડી ઊર્મિની આંખ ટપક..ટપક વરસી પડી ! પછી તો એ હૈયાફાટ રુદનથી આખું સ્મશાન ગાજી ઊઠ્યું.

લેખક : વિષ્ણુ ભાલિયા

ખુબ દુખદ વાર્તા, શેર કરો અને લાઇક કરો અમારું પેજ દરરોજ અવનવી માહિતી અને વાર્તા માટે.

ટીપ્પણી