માણસ ધારે તો ગમે એવી વિષમ સ્થિતિમાં પણ રસ્તો કાઢી શકે છે (લેખક – આશુ પટેલ)

- Advertisement -

ઉત્તર પ્રદેશના મીરુત જિલ્લાના નાગલકુંભા ગામની કિશોરી રઝિયા સુલતાન અત્યંત ગરીબ કુટુંબમાં જન્મી હતી. તે પાંચ વર્ષની હતી ત્યારથી દોરડા ગૂંથવાનું અને ફૂટબોલ સીવવાનું કામ કરવા લાગી હતી. તેના ગામમાં તેની ઉંમરના લગભગ બધા બાળકો નાની ઉંમરથી જ કામે વળગી જતા હતા. ગરીબીને કારણે તેના ગામમાં બાળકોને ભણવાની તક પણ મળતી નહોતી. એમાંના ઘણા બાળકોએ તો વેઠિયા મજૂર તરીકે કામે જોતરાઈ જવું પડતું અને મોટા થયા પછી પણ તેમની જિંદગી મજૂર તરીકે જ પૂરી થઈ જતી હતી.

રઝિયાને જો કે ભણવાની તક મળી હતી. પરંતુ તેની ઉંમરના બીજા બાળકોને ભણવાની તક મળતી નહોતી એ જોઈને રઝિયાને ચિંતા થવા લાગી. રઝિયા પાંચમા ધોરણમાં ભણતી હતી ત્યારે વિખ્યાત એક્ટિવિસ્ટ કૈલાશ સત્યાર્થીના ‘બચપન બચાવો’ આંદોલન અંતર્ગત રઝિયાના નાંગલકુંભા ગામ અને આજુબાજુના અન્ય 14 ગામની પસંદગી કરાઈ. કૈલાશ સત્યાર્થીની સંસ્થાએ રઝિયાના ગામમાં બાળમજૂરી બંધ કરાવીને બાળકોને સ્કૂલમાં દાખલ કરાવવાના પ્રયાસો શરૂ કર્યા.

કૈલાશ સત્યાર્થી દ્વારા ચાલતા ‘બચપન બચાવો આંદોલન’માં બાલમિત્ર ગ્રામ પંચાયતની રચના કરાય છે. નાંગલકુંભા ગામમાં બાલ પંચાયતની રચના થઈ એનું વડપણ રઝિયાને સોંપાયું. રઝિયાએ ગામમાં ઘરેઘરે ફરીને બધાને સમજાવવા માંડ્યા કે તમે તમારા બાળકોને સ્કૂલમાં ભણવા મોકલો. તે સમજાવતી કે અભ્યાસની તક મળશે તો તમારા સંતાનો જીવનમાં બહુ આગળ વધી શકશે.

શરૂઆતમાં રઝિયાને બહુ નબળો પ્રતિસાદ મળ્યો. કોઈ તેને ગંભીરતાથી લેતું નહોતું. ગામના મોટા ભાગના લોકો તેની ઉપેક્ષા કરતા હતા. કોઈ કોઈ તો વળી તેની ઠેકડી પણ ઉડાડ્તા હતા. જો કે રઝિયાએ હિંમત હાર્યા વિના પ્રયાસો ચાલુ રાખ્યા. તે લોકોને સમજાવતી કે તમારા વિચારોને કારણે તમારા સંતાનો આખી જિંદગી મજૂર બનીને જ રહી જશે. અને પછી તેમના સંતાનો પણ આખી જિંદગી મજૂરી કરવામાં જ કાઢી નાખશે. ધીમેધીમે લોકો રઝિયાને ગંભીરતાથી લેતા થયા.

રઝિયાના પ્રયાસોને કારણે તેના ગામના બાળકોનાં જીવન બદલાઈ ગયાં. રઝિયાએ તેના કામનો વ્યાપ તેના ગામની બહાર પણ વિસ્તાર્યો. તેણે કૈલાશ સત્યાર્થીના માર્ગદર્શન હેઠળ નેપાળમાં પણ બાળમજૂરો માટે કામ કર્યું. રઝિયાના કામની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઈ અને 2013માં માત્ર 15 વર્ષની ઉંમર તેને યુનોનો મલાલા એવોર્ડ મળ્યો. રઝિયાને ખૂબ ખ્યાતિ મળી.

માણસ ધારે તો ગમે એવી વિષમ સ્થિતિમાં પણ રસ્તો કાઢી શકે છે એનો પુરાવો રઝિયા સુલતાન છે.

લેખકઃ આશુ પટેલ
લેખક કૉકટેલ ઝિંદગી મેગેઝિનમાં પણ લખે છે. સરસ મજાના લેખકોના લેખ તથા વાર્તાઓથી સમૃધ્ધ એવું કૉકટેલ ઝિંદગી મેગેઝિન વાંચવા અહીં ક્લિક કરો.

ટીપ્પણી