વિરહ, વરસાદને એવું બધું…!

આ વરસાદી મોસમ આવે એટલે, તેને વરસાવવાવાળા વાદળા જેટલાં ઉત્સાહી નહીં થયા હોય એટલાં અમે લોકો એટલે કે લેખક અને કવિ લોકો ઉત્સાહી થઈ જતા હોય છે. આમ સૂકી ભઠ્ઠ ધરા પર બે-ચાર, પછી ઉજ્જડ થઈ ગયેલાં જંગલો પર બે-ચાર, સૂકાઈ ગયેલાં ઝરણાઓ પર અને અટારીએ ક્યારેય નહીં આવતો હોય છતાં લખવાનું ગમે એવા અટારીએ આવતા મોર ઉપર બે-ચાર કવિતાઓ કે લેખો અમે ઘસડી જ મારતા હોઈએ છીએ. અને તેમાં વળી પાછી પ્રેમિકા…

આ મોસમનું સૌથી પ્રિય પાત્ર અને સૌથી નરમ લાકડું જો કોઈ હોય તે તે પ્રેમિકા હોય છે. જેને આવતા-જતાં બધાં જ કવિ મહાશયો અને લેખકડાંઓ શબ્દોના મારા ચલાવીને છેડતાં રહે. આ ચોમાસાની ઋતુના ત્રણ મહિના દરમિયાન તો પ્રેમિકા પર એટલો વ્હાલ ઉભરાઈ આવે કે જાણે પોતે ગરમીની મોસમનો અલખધારી વિશ્વામિત્ર હતાં અને આ પ્રેમિકા કોઈ રંભા નામની વર્ષારાણી હતી જેણે આવીને ગરમી તપસ્યા ભંગ કરી હોય.

ખેર, આ તો બે ઘડી ગમ્મતની વાતો પરંતુ, આ લખનારને પણ ચોમાસુ, વરસાદ અને ગોરંભાયેલા વાદળો ગમે ઘણાં. આ વરસાદી મોસમમાં સૌથી વધુ પીડાદાયક કોઈ પરિસ્થિતિ હોય તો એ છે, વિરહ. પ્રેમી પંખીડાઓના વિરહથી લઈને ધરતીનો વાદળા માટેનો વિરહ. વર્ષા ઋતુની શરૂઆતમાં જો ક્યારેક વાદળાં એકાદવાર આવીને થોડું વરસીને જતાં રહે તો ધરતી બિચારી તેના વિરહની વેદનામાં એટલી ઉકળી ઊઠે કે આપણને એક સમયે તો થઈ આવે કે આ વરસાદ આટલું જ વરસવાનો હતો તો એના કરતા તો ન આવ્યો હોત તો સારું થાત. હવે કેટલો ઉકળાટ થાય છે! અને આ વાક્ય પછી જેવું આપણે એમ બોલીએ કે ખબર નહીં ક્યારે આવશે વરસાદ! બસ બરાબર તે જ સમયે ધરા રાણી પણ બરાડી ઉઠતા હોય છે, ‘હા એ જ ને, કોઈ વહેલો તેડાવો મારા સાજનને…!

મોઢાંમાં ક્યારેય શાંત નહીં બેસતી જીભને ભજીયાના ચટાકા ઉપડે અને તેને સાલે ભજીયાનો વિરહ, બાળકને પાણીથી ભરાતાં છાબોચિયાંનો વિરહ અકળાવે તો વળી રાતના સહેલગાહ પર નીકળતા આગીયાઓની બિચારાઓની મુશ્કેલી જ અનેરી હોય. દિવસ દરમિયાન લીલેરું ઘાસ વાદળાઓને આકર્ષવાનો પ્રયત્ન કરે તો રાતના અંધારામાં આગીયાઓ તેમના ઝબૂક ઝબૂક થતાં પ્રકાશથી તેમને રિઝવવાનો પ્રયત્ન કરે.
આવા જ સમય દરમિયાન એક મજાની વાત બની ગઈ જે વિશે આજે તમ મિત્રો જોડે વાત કરવી છે.

આમ પણ ભરપુર ખીલેલી ચોમાસાની ઋતુ દરમિયાન મુંબઈના મરીનડ્રાઈવ વિસ્તારનો નજારો, સોડમ અને મજા કંઈક અનેરી હોય છે. ભલભલો અનરોમેન્ટીક માણસ પણ અહીંનું સુંદરત્તમ દ્રશ્ય જોઈને રોમેન્ટીક થઈ ઊઠે એવો. હવે આવી જ એક ગોરંભાયેલી, ઠંડા પવનવાળી, વરસવાની જબરદસ્ત તૈયારી કરેલા વાદળાવાળી સવાર હતી. દરિયાની લહેરો જાણે આજે જ મરીનડ્રાઇવની બે ફૂટ પહોળી પાળીને તોડી નાખવાનો ઈરાદો લઈને મંડી પડી હોય એમ ઊછાળા મારી રહી હતી.

હવે આવા નિરાળા મોસમમાં અચાનક નજર પડી કે, એક છોકરો ઉદાસ ચહેરો લઈ પાળી પર બેઠો હતો. તેની આજૂ-બાજૂ ગાંડા થઈ રહેલાં લોકોથી જાણે તેને કોઈ ફર્ક જ નહોતો પડી રહ્યો. અને તેની ઉદાસીના વાઈબ્સ એટલાં સ્ટ્રોંગ હતાં કે જાણે દસ મિનિટની અંદર તેની આજૂ-બાજૂના વાતાવરણમાં બધી ધમાલ શાંત થઈ ગઈ અને બધાં એક ચિત્તે દરિયાની લહેરોને જોવા માંડ્યા. મને થયું કે આમ અચાનક શું થયું હશે?

શું ખરેખર કોઈકની ઉદાસી વાતાવરણને અને આજૂ-બાજૂના માણસોના મનને આટલી બધી અસર કરતી હશે? હું ચૂપચાપ તે છોકરાની નજીક જઈ બેસી ગયો. બીજી દસ મિનિટ એ જ રીતે પસાર થવા દીધા પછી મેં અચાનક તે છોકરાને ખભે ધબ્બો મારતા પૂછ્યું, ‘શું દોસ્ત, આટલાં સુહાના મોસમમાં પણ કેમ તું ઉદાસ છે?’ તે એકીટસે મારી તરફ જોતો રહ્યો. એક સમયે તો મને લાગ્યું કે તે હમણાં ઉઠાવીને મને એક આપી દેશે. પરંતુ થેન્ક ગોડ તેવું કંઈ બન્યું નહીં. પણ તેથી સાવ ઉલ્ટું કંઈક એવું બન્યું જેણે મને વધુ અચંબામાં નાખી દીધો.

તેણે કહ્યું, ‘તમે ક્યારેય ધોધમાર વરસતા વરસાદમાં ફરવા નીકળ્યા હોવ અને છતાં સાવ કોરા રહ્યા હોય તેવું બન્યું છે?’

અરે આ તે કેવો પ્રશ્ન છે? સ્વાભાવિક છે આ પ્રશ્નનો જવાબ તો ના જ હોય. કારણ કે મેં હાથમાં છત્રી પકડી હોય કે રેઈનકોટ પહેર્યો હોય (જોકે આવી અનરોમેન્ટીક ચીજો અમે હાથમાં લઈએ કે પહેરીએ એવું ખૂબ ઓછું બનતું હોય છે.) તો પણ થોડું તો ક્યાંકને ક્યાંકથી ભીંજાય જ જવાનું. પગની પાની કે માથાના બે-ચાર વાળ. કંઈક તો જરા જેટલું ભીંજાવાનું ખરું જ. મેં કહ્યું, ‘ના દોસ્ત, એવું તો ક્યારેય નથી બન્યું. પણ કેમ તું આમ પૂછે છે?’ તો એ બોલ્યો, ‘ખોટું, સાવ ખોટું. આ તમારા વરસાદમાં એટલી પણ તાકાત નથી કે તે કોઈકને પૂર્ણ રીતે ભીંજવી શકે. ‘એટલે તું શું કહેવા માગે છે? મને સમજાયુ નહીં.’ મેં કહ્યું.

‘ગયા વર્ષની વાત છે, ના ના ગયા વર્ષની જ શું કામ, આ વર્ષ પહેલાંના ત્રણ-ચાર વર્ષની વાત છે. હું અહીંની એચ.આર. કોલેજમાં ભણું છું. ફાઈનલ યરમાં છું. જ્યારે હું પહેલાં વર્ષમાં હતો ત્યારથી અહીં દર ચોમાસે વરસાદમાં ભીંજાવા આવું છું. અને એ વર્ષથી રોજ વરસાદી સવારે હું એક અંકલ અને આંટીને જોતો. બંનેની ઉંમર હશે ૭૫ની આસ-પાસ. બંને એવી મજાથી આ વરસાદમાં ભીંજાતા. ક્યારેક વરસાદને જોઈ આ દરિયાની લહેરો તોફાની બનતી ત્યારે જોર જોરમાં ઉછાળા મારતી આ ફૂટપાથ પર પણ આવી ચઢતી, જેમ આજે જોર કરી રહી છે ને, તેમ જ.

અને તે સમયે પેલા કાકા તેની કાકીને એવી સંભાળીને ખભેથી પકડી લેતાં કે જાણે આ લહેરો તેની કાકીથી આકર્ષાઈને તેને જ ચુમ્મી ભરવા આવી ચઢી હોય અને કાકા તેને આ ચુમ્મીઓથી બચાવી રહ્યા હોય. પરંતુ, કાકા પણ એટલાં ધમાલી કે, લહેરોની ચુમ્મીથી કાકીને બચાવી લેવાના બહાના હેઠળ નજીક આવેલા કાકીને તે પોતે જ ચુમ્મી ભરી લેતાં. રોજે રોજ, છેલ્લાં ચાર વર્ષથી હું આમ આખુંય ચોમાસું તેમને જોતો અને મને કાયમ એમ થયા કરતું કે, મારું ઘડપણ પણ આ બંને ડોસલાંઓના જેવું જ હશે.

હું મનોમન હરાખતો અને તેમને આમ વર્ષારાણીના સ્વાગતના બહાને રોમાન્સ કરતા જોતો રહેતો.’ તેણે કહ્યું. ‘વાઉ, સો સ્વીટ…’ મારાથી બોલાઈ ગયું. ‘હા બસ આવું જ, મને પણ મનમાં આવું જ થતું હતું, સો સ્વીટ! પરંતુ આ વર્ષે છેલ્લાં ત્રણ દિવસથી હું આવું છું છતાં એ લોકો ક્યાંય દેખાતા નથી. ખબર નહીં શું થયું હશે! ભગવાન કરે ને તેમની જોડી હજીય સલામત રહી હોય તો સારું, નહીં તો, જો એમાંથી કોઈ એક જણ સાથ છોડીને ચાલી ગયું હશે ને તો સાચું કહું છું આ વરસાદની તો હું…’

પણ થેન્ક ગોડ તેનું આ વાક્ય પૂરું થાય તે પહેલાં જ તેને દૂરથી એક ઘરડું યુગલ આવતું દેખાયું… તે મારી સાથેની વાત અધુરી છોડીને જ ભાગ્યો. દોડતા જઈ તેણે કાકા-કાકીનો હાથ પકડી લીધો અને રડમસ થઈ ગયો. ‘ક્યાં જતા રહ્યા હતાં તમે લોકો, કેટલી રાહ જોવડાવી…! આ વરસાદને નહીં તો કમ સે કમ મને તો તમારો વિરહ સાલતો હોય એટલો પણ વિચાર નહીં આવ્યો તમને લોકોને…?’ પેલા કાકાને સમજાતું નહોતું કે, આ વળી કોણ છે, તે આવું શું કામ બોલી રહ્યો છે, તે વળી અમારી આમ આ રીતે આટલી આતુરતાથી રાહ શું કામ જોતો હોય. તેને વળી અમારો વિરહ નડે? આ તે કેવી વાત…?

પણ સાચું કહેજો એ કાકાના આવા કન્ફ્યુશનથી આપણને કોઈ ફર્ક પડે છે? આપણે તો પેલા છોકરાની વરસાદ સાથે દુશ્મની થતાં થતાં રહી ગઈ એટલી જ વાતથી ખુશ નથી?

લેખક : આશુતોષ દેસાઈ

ટીપ્પણી