એક દા’ડો પગારનો, 30 ‘દી સેલેરીની વાટનાં !

એક દા’ડો પગારનો, 30 ‘દી સેલેરીની વાટનાં !

ગમે તેટલો કેમ ન હોય પણ પગાર માટે કામ કરતો માણસ ક્યારેય `મહામાનવ’ બની શકતો નથી ! પગાર એક એવું મૂલ્ય છે જેને આપણે જીંદગીની કિંમત તરીકે સ્વેચ્છાએ સ્વીકારી બેસીએ છીએ. પગાર એક એવી લાલચ છે જેનાં બદલામાં આપણે અઘોષિત ગુલામીનો સ્વીકાર કરીએ છીએ. ખેર, સેલેરી વિશે આવી ભારેખમ ફિલસૂફીમાં આપણે વધારે ઉંડા કંઈ ઉતરવું નથી. આપણે તો વાત કરવી છે પગારદારની.

જો આપણી આસપાસ નજર કરવામાં આવે કે પછી પોતે જ નોકરી કરતાં હોય તો ક્યારેક અરિસામાં ધ્યાનથી જોવું જોઈએ. ખ્યાલ આવશે કે આપણે હપ્તા ભરતાં-ભરતાં હપ્તાવાર જીવતાં થઈ ગયા છીએ. આપણને જીંદગી પણ ઈએમઆઈની જેમ કટકે-કટકે જીવવા મળે છે. જેવી રીતે આપણે ટૂકડે-ટૂકડે ચૂકવણું કરીને ચીજવસ્તુઓ વસાવીએ છીએ તેવી જ રીતે આપણને જીંદગીનો આનંદ પણ હપ્તાવાર જ મળે છે. પ્રાચીન હિન્દુ સાહિત્યમાં આપણને જીંદગીનાં ચાર આશ્રમો વિશે શીખવવામાં આવેલું છે. જે પગારદારની ચાર અઠવાડિયાની હાલતનાં પણ અસાધારણ ઢબે ઘોતક હોય તેવું લાગે છે.

મહિનાનું છેલ્લુ અઠવાડિયું કેવું હોય? સંન્યાસાશ્રમ જેવું ! આ સમયગાળામાં જીંદગી સાથેની બધી જ મોહમાયાનો લગભગ ભંગ થઈ ગયો હોય છે અને આપણે સર્વ મોજશોખનો ત્યાગ કરીને ફક્ત `મનીશ્વર’ પ્રસન્ન થવાની વાટમાં તપ ધરીને બેઠા હોઈએ છીએ. આ સપ્તાહમાં આપણી જરૂરિયાતો વગર કહ્યે ઘટી જાય છે. ઘણી આવશ્યકતાઓ તો જાણે પોતે જ આપણી હાલત સમજતી હોય તેમ આખર ચાલતી હોવાથી ઉભી થવાનું નામ જ નથી લેતી. આપણે આવી સમજું જરૂરિયાતોનાં આજીવન આભારી રહેવું પડે. આવી જ રીતે ઘણાં નાના ધંધાર્થીઓ પણ આપણને ઉપકૃત કરતાં હોય છે. આપણી કફોડી હાલત છૂપાવીને, આપણું સ્વમાન ઘાયલ ન થાય, જળવાઈ રહે તેની તકેદારી રાખીને આપણને ઉછીનો માલસામાન આપતાં રહે છે. આવી રીતે ચીજવસ્તુ ખરીદતી વેળા આપણને આપણી શાખ ઉપર પણ ગુમાન થતું હોય છે. ક્યારેક તો લાગે કે પૈસા કમાયા તો શું કમાયા? સાચી કમાણી તો આબરુ` છે આબરુ` ! સામે છેડે વેપારીને બચ્ચારા ગરીબડાં નોકરિયાતને મદદરૂપ થવાનો આત્મસંતોષ મળતો હોય છે. ભલે તે વેપારીનાં મૂખમાંથી ઉપકારવાચક શબ્દોનાં ઉચ્ચારણો નથી થતાં પણ તેની આંખો તો બોલી જ નાખે છે… લેતો જા ભૈ, આખર ચાલે છે ને ! ઘરમાં નાના બાળકો હોય તો તેને પણ સમજાવવા નથી પડતાં કે અત્યારે ગજવા ખાલી છે. તેમનાં પણ અકળ કારણોસર એવી પુખ્ત સમજણ કેળવાઈ ગઈ હોય છે. કંઈક રમકડું માગવું હોય તો પણ કહે છે પપ્પા આવતાં મહિને લઈ દેજો ! ટૂંકમાં પગારદારનાં મહિનામાં છેલ્લું અઠવાડિયું નવા પગારની વાટનું કાઉન્ટડાઉન કરવામાં જ પસાર થઈ જતુ` હોય છે. જેમ-જેમ પહેલી તારીખ નજીક આવે તેમતેમ તેની નવી આર્થિક ચેતના સંચારિત થતી જાય છે. જે તેની ઉધાર ખરીદશક્તિ પણ વધારનારી સાબિત થતી હોય છે.

આ પહેલાનું સપ્તાહ વાનપ્રસ્થાશ્રમ જેવું હોય છે. આખા મહિનાની તમામ જરૂરિયાતો પૂરી થઈ ગઈ હોય છે અને એવી જ રીતે સામે બેન્ક બેલેન્સમાં પણ પરચૂરણ ખખડવા લાગ્યું હોય છે. મોટા ભાગનાં ખર્ચા પાર પડી ગયા હોવાથી બાકીનાં દિવસો પસાર કરવાની કોઈ ખાસ ઉપાધી હોતી નથી. ફક્ત હાથખર્ચી જાળવીને કરવાની તકેદારી રાખવાની થાય છે. આ અવસ્થામાં આપણી તમામ આર્થિક ઉર્જા વૃદ્ધની શારીરિક ઉર્જાની જેમ જ તળીયે પહોંચી ગઈ હોય છે. બધું કરી છૂટયાનો ભાવ અને સંતોષ હોય છે. એટલે જ તેની વિપરિત અસરમાં નવો કોઈ થનગનાટ થતો નથી. જો કે આવા કોઈ થનગનાટ માટે આર્થિક અવકાશ પણ હોતો નથી. એકંદરે આપણાં માસિક જીવનમાં આ સમય નિવૃત્તિકાળ જેવો બની જાય છે. જ્યારે કરવાનું બધું કરી ચૂક્યા હોઈએ છીએ અને સુયોજિત હોવાથી ભવિષ્યની ખાસ ચિંતા પણ નથી હોતી. હા, ફક્ત એક ફફડાટ હોય છે. ઓચિંતા કોઈ મોટો ખર્ચ આવી જાય તો આ વાનપ્રસ્થ સપ્તાહ આપણને ભાન ભૂલવી દેનારુ` અને સાન ઠેકાણે પાડી દેનારું બની જતું હોય છે.

વાનપ્રસ્થ પૂર્વે આવે છે ગૃહસ્થાશ્રમ. આ અઠવાડિયામાં પત્ની અને બાળકો સહિત સમગ્ર પરિવારની ખૂશી પોતાની પરાકાષ્ઠા ઉપર રહેતી હોય છે. હરવા-ફરવાથી માંડીને ખરીદી, ફિલ્મ અને હોટેલનાં ખાણા મોટાભાગે આ સપ્તાહનાં ભાગે જ આવતાં હોય છે. ગૃહસ્થજીવન ઉજવી લેવાં માટેનું સ્પેશિયલ અને રોકડું બજેટ હજી હાથ ઉપર હોય છે. આ એ સમય હોય છે જ્યારે પગારદાર પોતાની જીંદગી અને પરિવારની જવાબદારી નિભાવી જાણ્યાનો પૂર્ણ સંતોષ પામતો હોય છે. જેવી રીતે જીવનનાં ચાર ચરણમાંથી ગૃહસ્થાશ્રમ એક ઉત્સવ સમાન હોય છે તેવી જ રીતે મહિનાનુ` બીજું અઠવાડીયું નોકરિયાત માટે મનભરીને માણી લેવાનો જીવનોત્સવ સમાન બની જાય છે. કહો કે આ સપ્તાહમાં દુનિયા તેની મુઠ્ઠીમાં હોય છે. કોઈપણ પ્રકારની યથા(પગાર)શક્તિ ખરીદી કે મોજશોખ કેમ ન હોય ? ડૂંટી ઉપર રોકડું પેમેન્ટ પરખાવી દેવાની ત્રેવડ હજી બચી હોય છે. આ અઠવાડિયામાં પત્નીને પોતાનો નોકરિયાત પતિ દુનિયાનાં શહેનશાહ જેવો લાગે છે અને બદલામાં પતિને પણ પત્નીનાં પ્રેમનો પૂર્ણસંતોષ મળતો હોય છે. બાળકોને પણ આ સમયગાળામાં પોતાનો પિતા કોઈ સુપરહીરોથી કમ લાગતો નથી. પગારદારની યુવાની માસનાં બીજા સપ્તાહમાં સોળે કળાએ ખીલેલી હોય છે અને આ બેફિકર યુવાની ક્યારે શરૂ થાય અને ક્યારે પૂરી થઈ જાય તો ખ્યાલ પણ રહેતો નથી.

આ પહેલાનું અઠવાડીયું એટલે કે બ્રહ્મચર્યાશ્રમ. એકબાજુ પગાર હાથમાં આવ્યાનો અફાટ આનંદ હોય છે અને બીજીબાજુ તેમાંથી ધડાધડ કપાતા ઈએમઆઈ અને બાકી ખાતા ભરવાની મથામણમાં તગડો પગાર પણ ટૂંકો લાગે. પગાર હાથમાં આવે ત્યારે જાણે કુંડલિની શક્તિ જાગૃત થઈ હોય તેવી લાગણી તો થાય છે પણ જેવા બધા હપ્તા કપાઈ રહે ત્યાં આ સમૃદ્ધસમાધિ અવસ્થાનો અકાળે ભંગ પણ થઈ જાય છે. આ સમયમાં આપણી સામે સ્વર્ગમાંથી ઉતરી આવેલી અપ્સરા સામે હોવા છતાં તપભંગ ન થાય તે ધ્યાન રાખવાનું ધર્મસંકટ હોય છે. પગાર હાથમાં આવતાવેંત ઉડાડી નાખવામાં આવે તો આખો મહિનો એક જન્મારાથી પણ લાંબો બની જશે તેવી સમજદારી આપણાં અચેતન માનસમાં વારેઘડીયે અજ્ઞાત ભયનાં ભણકારા વગાડતું રહે છે. આખાં મહિનાનું આયોજન આ અઠવાડિયામાં જ કરવાનું હોવાથી જાળવી-જાળવીને ચૂકવણાં કરવામાં આવે છે. પછેડી કરતાં વધુ સોડ તણાઈ ગઈ હોય તો કોને ચૂકવવા અને કોને થોડું વધું ખેંચાવી લેવું તેનું વિશ્ર્વસ્તરીય રાજકારણ મનોમન ચાલતું હોય છે. આ સપ્તાહ એવું હોય છે જેમાં પગારની વાટ આપણાં કરતાં આપણાં લેણદારોને વધુ હોય છે. જો ત્રીજી તારીખે પગાર થતો હોય તો પહેલી અને બીજી તારીખે પાનની દુકાનવાળો પણ મલકાઈ-મલકાઈને આપણી સામું જોતો હોય છે અને આંખોમાંથી છલકાતી તેની અધીરાઈ આપણને સતત એક જ સવાલ કરતી હોય છે કે `થઈ ગ્યો પગાર?’ આ અઠવાડિયામાં હાથી જેવા રૂપિયા હાથવગાં હોવા છતાં આપણે ખર્ચ ઉપર અંકૂશ રાખવો પડતો હોય છે. એકંદરે કોઈ બાળકની માફક બ્રહ્મચર્યનું પાલન અને શિક્ષા અહીંથી આપણને મળતી હોય છે.

બિનપગારદાર માણસે જીવનનાં ચારેય આશ્રમો જોવા, જાણવા, માણવા અને ભોગવવા માટે આખું આયખું ગાળવું પડતું હોય છે પણ નોકરિયાત વર્ગ આ તમામ આશ્રમો એક મહિનામાં જ જીવી જતાં હોય છે. બીજા લોકોને આ દીર્ઘ જીવનચક્રમાંથી એક જ વાર પસાર થવાનું હોય પણ નોકરિયાત તો દર મહિને જન્મીને છેલ્લી તારીખે મૃત્યુ પામતો રહે છે અને ફરીથી પહેલી તારીખે નવો અવતાર પામીને જીંદગીનું પૈડું ગબડાવતો રહે છે અને તેની સાથે ખેંચાઈને ઢસડાતો રહે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારનાં નાણામંત્રીઓ વરસે એકવાર રૂપિયો ક્યાથી આવશે અને ક્યા જશેની જે માથાફોડી કરતાં હોય છે તે નોકરિયાત માટે નિયમિત અને મંથલી પ્રક્રિયા બની ગઈ હોય છે. જે નાણાખાધ પૂરવા માટે નાણામંત્રીઓને માથાનો પરસેવો પગે ઉતરી આવે છે તે નાણાખાધ ઘટાડવાનાં રસ્તા નોકરિયાત માટે હાથ વગા હોય છે. બજેટમાં કરવામાં આવતાં પ્રસ્તાવો અને જાહેર થતી યોજનાઓની અમલવારી નાણામંત્રીઓને ભલે ઓછી આવકમાં મેરુ પર્વત ઉપાડવા જોવી લાગતી હોય પણ નોકરિયાત પોતાના બજેટમાંથી પરિવારનાં પ્રસ્તાવો અને પોતે જાહેર કરેલી વેકેશન કે બર્થ-ડે પાર્ટીની યોજનાઓ કેવી રીતે કાર્યાન્વીત કરવી તે બરાબર જાણતો હોય છે. હા, આપણી સરકારો અને નોકરિયાત વચ્ચે એક સમાનતા ચોક્કસ છે. બન્ને પાસે આવક થયા પૂર્વે જાવકનાં રસ્તા તૈયાર હોય છે. આવક થવા સાથે જ ખર્ચ એવી રીતે થવા લાગે છે કે ક્યારેક તો આવક પોતે વિચારતી હશે કે હું ખરેખર અસ્તિત્વમા` આવું છું કે નહીં? જો ખરેખર પોતે થતી જ હોય તો તેની ટકવાની આવરદા કેટલી? વાસ્તવમાં તો પગાર અને તેની ખુશીનો સમય એક જ દિવસ પુરતો મર્યાદિત હોય છે. બાકીનાં 29 કે 30 દિવસો ફરીથી સેલેરીની વાટ જોવામાં જ વિતી જતાં હોય છે!

લેખક : વિપુલ રાઠોડ 

રોજ નવી નવી માહિતી તેમજ વાર્તાઓ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ 

ટીપ્પણી