એક અધુરી પ્રેમ કહાની નો – હમદર્દ – પ્રેમમાં જયારે મુશ્કેલીઓ આવે છે ત્યારે જ સાચા પ્રેમની પરીક્ષા થાય છે…

એક અધુરી પ્રેમ કહાની નો – હમદર્દ

સુરત થી મુંબઇ એક ઓફિસીયલ વર્કથી ગયો હતો. આ વખતે જલ્દી ફ્રિ થઈને મરીન લાઇન દરીયા કિનારે બેઠો હતો. અચાનક જ યાદ આવ્યું કે સમય પણ છે અને સંજોગ પણ, દિપ મુંબઈમાં છે, આજે મળી લઉ. લગભગ ત્રણેક વાગ્યા હશે. મેં સીધો ફોન જ કર્યો કે દિપ તારા ગામ એટલે કે મુંબઇમાં છું. તું ફ્રી હો તો મુલાકાત કરું. મને પોતાની ઓફિસનું એડ્રેસ આપ્યું અને કહ્યું કે પાંચ વાગ્યે હું ફ્રી થઈ જઇશ. તું આવી જજે. આપણે સાથે જમીશું સાંજે. મેં પણ હકારમાં જવાબ આપી ને ફોન મુક્યો.
દિપ અને હું પ્રાથમીક શાળામાં સાથે ભણતા હતા. લગભગ ધોરણ ૫ અને ધોરણ ૬માં હતા ત્યારે અમેં એકબીજાના પાક્કા દોસ્ત હતા. પરંતું પછી અમેં રહેણાંક ફેરવી નાખ્યું. ત્યારે કોઇ ફોન કે અન્ય સુવિધા તો હતી નહિ કે ફરી કોન્ટેક્ટ થઈ શકે. પછી ફેસબુક પર પાછો એનો કોન્ટેકટ થોડા સમય પહેલા થયો. ત્યારે ફોન નંબરની આપલે થઈ. હવે નિયમિત વાત થતી રહે છે. ફોન આવે તો પણ ખાસ્સી વાતો મારી સાથે શેર કરે. ટુંકમાં બાળપણની દોસ્તીનો દોર યથાવત શરું થઈ ગયો હતો એટલે જ લગભગ પંદરેક વર્ષ પછી ફરી મુલાકાત કરવી હતી.

દિપ દ્વારા આપવમાં આવેલું એડ્રેસ મરીન લાઇનથી દસ મિનિટના અંતરે હતું, પ્રાથમિક દ્રષ્ટીએ એવું લાગ્યું જ કે ભાઇ વેલસેટ થઇ ગયા હશે. હું તો સવા પાંચ થયા એટલે દરીયા કિનારાની ઠંડી હવા આરોગીને નિકળ્યો. ઓફિસ ગેટ પર બોર્ડ મારેલુ દિપ કોર્પોરેશન. એકદમ રોયલ ઓફિસ. બહાર મોટો વેઇટીંગ રૂમ. એક ટહુંકો કરતી સુંદરી મને જોઇ બોલી “જી સર કહિએ”.

મેં કહ્યું “દિપ કો મિલના હૈ”. એ છોકરી તો પહેલા ચોકિ ગઈ હશે કે દિપ એના સર હતા. પ્રથમ જ કોઇએ તેમને માત્ર દિપ કહિને બોલાવ્યો હશે. મારૂ નામ પૂછ્યું.

તેણે ફોન જોડ્યો સામેંથી પ્રતિઉત્તર દેતા મને અંદરની ચેમ્બરમાં જવાનો રસ્તો દેખાડ્યો. વિશાળ ચેમ્બર અંદર સોફા, મોટિ ચેર, દિવાલ પર વિશાળ બારી માથી સમુદ્ર ઘુઘવાટા કરતો દેખાતો હતો. હું તો જોતો જ રહી ગયો.
દિપ બોલ્યો “આવ ભાઇ આવ ઘણા વર્ષો પછી.”
મેં કહ્યું “તું તો સાવ બદલાઇ ગયો છે.”
મને કહે “તું તો એવો ને એવો જ છે. એ જ સ્માઇલ અને એ જ સ્ટાઇલ.” અમેં બન્ને હસી પડ્યા.
હવે પાંચ વાગ્યા પછી કોઇ કામ હતું નહિ એટલે બન્ને ગપાટા મારતા હતા. વાતવાતમાં મને પૂછ્યું “તું આજકાલ સ્ટોરીઓ લખે છે. હું બધી સ્ટોરી વાચું છું, મારી લાઇફ પણ એક સ્ટોરી છે.”
મેં કહ્યું “એટલે શું કહેવા માંગે છે?”
દિપ- “આ બધું તું જે જુએ છે એ કઈ એમ જ નથી થયું. ઘણું બધું છોડી અને ઘણું બધું અનુભવ્યા પછી આ રસ્તે પહોચ્યો છું પણ હવે લાઇફ જીવવાની મજા આવે છે.”
હું થોડો અકળાઇ ગયો મેં કહ્યું “શું યાર ગોળ ગોળ ફેરવે છે. જે હોય એ માંડિને કે”
દિપે વાત શરું કરી
“બરાબર રાતના અઢી ત્રણ વાગ્યા હતા. અહિ આવેલી વસઈની ખાડીના પુલ પર બેઠો હતો. ઉંડી ખાઇ બરાબર સામેં જ હતી. દિવસે જે વાતાવરણ મનમોહિ લે એ જ રાતે ડરામણું વાતાવરણ. હું એકલો બેઠો હતો. મારા મનમાં અનેક ટેન્શન હતા. ટુંકમાં હું સંપુર્ણ ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો. સામેંની ખાઇમાં મારી જાતને પડતી મુકવાની તૈયારી ચાલતી હતી. મારા મરવા માટે હિમ્મત અને નફરત બનેનું મનમાં યુધ્ધ ચાલી રહ્યું હતું.” કારણ હતું એ દિશા અને દિપની લવ સ્ટોરી.
“હું કોલેજમાં હતો. ત્યારે શરુઆત તો સામાન્ય હતી. એકવાર કેન્ટિનમાં અમેં છોકરાઓ એક ટેબલ પર નાસ્તો કરતા હતા. પાછળના ટેબલ પર છોકરીઓ મસ્તી કરતી હતી. એક સોસનું પાઉચ તૂટ્યું અને મારા શર્ટ પર બે ત્રણ ડાઘ પણ પડ્યા.”
“એક છોકરી ઉભી થઈને મારી પાસે આવી કહેવા લાગી
“આઇ એમ સો સોરી પ્લીઝ પ્લીઝ. મારી ભુલ છે હું સાફ કરી દઈશ.”
એમ કહિને પર્સમાંથી ટિસ્યુ પેપર લઈને મારા શર્ટ પર ઘસવા લાગી.”
“હું તો એની હરણી જેવી આંખો અને મનમોહક અદા પર મોહિ ગયો હતો. હું તો માત્ર એને જ જોતો હતો આજુબાજુ તો શુન્ય અવકાશ લાગતું હતું, એના ટિસ્યુ પેપર સાથે એની આંગળીઓ મને સ્પર્શ થતો. એ પણ મને ગમવા લાગેલુ. મેં તો અચાનક એના સાફ કરતા હાથ પર મારો હાથ રાખી કહિ પણ દિધુ કે તારો આ સ્પર્શ મને ખુબ ગમ્યો. “

“પછી અચાનક પરિસ્થિતીનું ભાન થતા કઈ નહિ કઇ નહિ ઇટસ ઓકે એમ કહિને ત્યાથી ચાલતી જ પકડી. ત્યા સુધીમાં એ પણ લપસી પડી હતી. ત્રણ વર્ષમાં અમારી દોસ્તી અને એ દોસ્તી પ્રેમમાં બદલાઇ ગઇ. હવે તો એવું હતું કે અમેં એકબીજા વગર તો રહિ જ નહોતા શક્તા. હું બે ત્રણ દિવસ બહારગામ જાઉ ત્યારે એના માટે કોલેજમાં સમય પસાર કરવો અઘરો પડી જાય. એવું જ મારે હતું. બે ત્રણ દિવસ મારે કઈક કામ હોય તો હું એ કામ માટે બહાર ન જવું પડે, એના દરેક પ્રયત્ન કરી જ લઉ પણ સમય એક સરખો રહેતો નથી, લોકો સુખ દુઃખનું મહત્વ ન સમજી શકે. એવું જ મારી સાથે થયું.”

“અમેં એક એક્ઝીબિશનમાં ગયા. ત્યાં જવેલરીની એક શોપ હતી. એમા એક લેડિઝ રીંગ હતી. અંદર એક મોટો ડાયમંડ. પ્રથમ નજરે જોતા જ ગમી જાય. અમને પણ ગમી ગઈ પણ કદાચ એ રીંગને અમેં નહિ ગમ્યા હોય. કેમ કે એ રીંગની કિમત ત્રીસ હજાર હતી. હવે મારા પપ્પા મહિને ત્રણ હજાર વાપરવા આપે તો હું કઈ રીતે આ લઈ શકું?”
“પણ મેં હિમ્મત કરીને કહ્યું આજે તો પૈસા નથી એક્ઝિબિશન પુરુ થાય એ પહેલા તારી પાસે રીંગ આવી જશે.”

“દિશા થોડી વાર કઈ ન બોલી પણ પછી પડી ગયેલા મોં એટલુ જ બોલી કે વાંધો નહિ એ રીંગ ફરજીયાત નથી. એ તો મને ગમતી હતી એટલે કહ્યું.”

“હું તો લાચાર હતો એટલે કઈ પણ ન બોલ્યો. એને ઘર સુધી ડ્રોપ કરવા ગયો. રસ્તામાં પણ કઈ પણ વાતચીત ન થઇ. હું પણ નિરાશ હતો કે આવી પરિસ્થિતિનો પણ મારે સામનો કરવો પડશે. મનમાં નક્કિ કર્યુ કે મારે એના માટે કોઇ પણ સંજોગોમાં રીંગ તો લઇ જ આપવી છે. મારા પ્રેમ કરતા એની કિમત તો મોટી નથી જ. મેં મારુ બાઇક વેચી અને મારા બચાવેલા પોકેટમની અને થોડા ઉછીના એમ કરીને ત્રીસ હજાર રૂપિયા ભેગા કર્યા. એ શો રૂમમાંથી હું એ વીંટિ ખરીદીને લાવ્યો. ત્યારબાદ દિશાને ફોન કર્યો કે મારે તને મળવું છે. તું મરીન લાઇન આવ. મારે સરપ્રાઇઝ આપવી હતી એટલે તેને ચોખવટ ન કરી.”

“એ મને મળવા ઉદાસ ચહેરે આવી અને અજાણ્યા હોય એમ પુછવા લાગી કે બોલ શુ કામ છે કેમ અહિ બોલાવી છે?”

“એના આ પ્રકારના સવાલથી હું સ્તબ્ધ હતો. મેં મન પર કંટ્રોલ રાખી બોક્સમાંથી વીટી કાઢીને આપી. એના મુખની એક પણ મુદ્રા ન બદલાઇ.“

“મેં કહ્યું દિશા આ વિટી હું મારૂ સર્વસ્વ વેચીને લાવ્યો. મેં મારુ બાઇક અને પોકેટમની બધુ વેચી નાખ્યુ અને રિંગ ખરીદીને લાવ્યો છું. તું ખુશ પણ નથી થતી.”
“દિશા એટલુ જ બોલી કે તારે મારી એક ઇરછા પુરી કરવા આટલુ વધુ ઉલટ સુલટ કરવુ પડતું હોય તો જીંદગીમાં મને ખુશ કઈ રીતે રાખીશ?”

“મેં કહ્યું દિશા પૈસા કરતા પ્રેમ મહત્વનો છે. પૈસા કમાવવા પ્રેમને નથી પામી શક્તા યાદ રાખજે. “

“દિશા- ના પૈસા અને પ્રેમ બન્નેની એકસરખી જરુરીયાત છે મારે.”

“આ વાક્ય સાંભળતા મારૂ મગજ તપી ગયુ. એક કચકચાવીને દિશાના ગાલ પર થપ્પડ પડી. કહિ દિધુ ગેટ લોસ્ટ. યુ કેન ગો.”

“એ રડતી રડતી ચાલી ગઈ. હું પણ બે કલાક ત્યા બેઠો. પછી ઘરે જવા નિકળ્યો. ઘરે પપ્પાને ખબર પડી ગઇ હતી કે મેં મારી બાઇક વેચી નાખી છે.”“પપ્પાએ મને કહ્યું તે આજે બાઇક વેચ્યુ કાલે આ ઘર વેચી નાખીશ. જા નિકળી જા મારા ઘરની બહાર. સોસાયટીમાં બધાની વચ્ચે ખરીખોટી સંભળાવી એટલે ઘર પણ છોડી દિધુ. રખડતો રજળતો એક નિર્ણય લીધો કે હવે જીવવું કોના માટે?”

“રાત્રે પહોચ્યો ખાઈના પુલ પર અનેક વિચારોનું વમળ ચાલતું હતું. સંજોગ એવા હતા કે મારી જગ્યાએ કોઇ નબળા દિલનું માણસ હોત તો હાર્ટ એટેક આવી જતે. એક જ વિચાર કે હવે જીવવું કોના માટે? મારો પ્રેમ તો મારાથી દુર ચાલ્યો ગયો.”

“રાત્રે દોઢેક કલાક ત્યાં બેઠા પછી હિમ્મત એકઠિ કરીને કુદવાનો નિર્ણય લીધો. અચાનક જ ફોનમાં રીંગ વાગી. મનમાં થયુ અંતિમવાર જોઇ લઉ કોણ છે?”

“સામેંથી ગુસ્સા અને ચિંતા સાથે અવાજ આવ્યો, બેટા તું ક્યા છે? મને તારી ખુબ ચિંતા થાય છે. તારા પપ્પા પણ સાંજે જમ્યા નથી. તું જલ્દી ઘરે આવી જા. તને કોઇ કહિ પણ નહિ કહે.”

“મારા મમ્મીના આ શબ્દોએ મને હચમચાવી નાખ્યો. વિચાર આવ્યા કે પ્રેમ કરનારાના દિલમાં કેટલો ફર્ક? કોઇક બહારથી કોમળ તો અંદરથી કઠણ અને કોઇ બહારથી કડક છે તો અંદર કોમળ?”

“જીવવાનો નવો વિકલ્પ મળી ગયો. કોના માટે જીવવુ એ પણ જવાબ આ કોલમાં જ મળી ગયો. પાછો મારા ઘરે પહોચ્યો. ઘરે જઈ મમ્મી ઠપકાનો એકપણ શબ્દ બોલ્યા વગર જમાડ્યો. હું સુઇ ગયો. સવારમાં હજી પથારીમાં હતો ત્યા પપ્પાએ મને કહ્યું બેટા હું તને નહિ પુછુ કે બાઇક વેચીને તે શુ કર્યુ? પણ એટલુ જરુર કહિશ કે તારુ ભવિષ્ય તારે કંડારવાનુ છે. એ યાદ રાખીને બધા કદમ ઉઠાવજે. આ લે મારી બાઇકની ચાવી હું તો સીટીબસ ચાલ્યો જઈશ,”

“હું પપ્પાની પાછળ જઈ ભેટિ પડ્યો ખુબ રડ્યો. એ આંસુએ મારી જીંદગી બદલી નાખી. પહેલી વાર પપ્પાના કઠોર દિલ પાછળ મારી પ્રત્યેનો અમાપ પ્રેમ દેખાયો. મારો પુનઃજન્મ હોય એવુ લાગતું હતું. સતત અને સતત પરિશ્રમનો કોઇ વિકલ્પ જ નથી. ઉપર વાળાને ફળ તો આપવુ જ પડે. મેં મારા કર્મને મહાન બનાવ્યુ. ઉપરવાળાને મારા પરિણામને સફળ બનાવ્યુ. આજે હું ખુશ છુ.”
“આટલું કહેતા દિપની આંખમાં આંસુ વહિ રહ્યા હતા. એ આંસુ હરખના તો હતા જ નહિ. “

“મેં દિપની પીઠ થપથપાવતા કહ્યું વાહ દોસ્ત તારી જીંદગી માત્ર સ્ટોરી નહિ પણ પ્રેરણાદાયી સ્ટોરી છે પણ આ સ્ટોરી હજી તો અધુરી છે.”

“દિપ- મને આ સ્ટોરી પુરી કરવામાં કે પ્રેમમાં કોઇ રસ નથી.”
મેં કહ્યું “દોસ્ત ભલે તારુ આખુ દિલ નફરતથી ધધકતું હોય પણ એક ખુણામાં હજુ ક્યાય પ્રેમ તો હશે જ તારા આંસુમાં

એ વેદના મને સ્પષ્ટ દેખાતી હતી.”

દિપ- “ના પણ મને નથી લાગતું.”

હું – “આજ સુધીમાં તને સંપર્ક કરવા કોઇ દિવસ પ્રયત્ન કર્યો છે દિશાએ ?”

દિપ- “ના પણ કરી પણ નહિ શકે. મેં તો એની સાથેના સંપર્કો થતા એ સીમ કાર્ડ, એ ફેસબુક બધુ જ બ્લોક કરાવી દિધુ

હતું. મારૂ રેસીડેન્ટ પણ ફેરવી નાખ્યુ હતું.”

હું- “તો દિપ તને ક્યારેક કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કર્યો હશે. કદાચ એને એની ભુલ સમજાઇ ગઇ હશે.”

દિપ- “પણ તને આ બધુ રિઓપન કરીને શું છે?”

હું- “તું તારા દિલ પર હાથ રાખીને બોલ કે તું એને ભુલી ગયો છે. એ તને ક્યારેય યાદ નથી આવતી. નહિ બોલી શકે કેમ કે તું એને સાચો પ્રેમ કરે છે. તો એ તને યાદ નહિ કરતી હોય? દિપ તે દિવસે તારો ઇગો હટ થયો અને તું આજે આ લેવલ પર છો. એ પણ ન ભુલતો.”
“દિપ મનમાં થોડો વિચાર કરીને બોલ્યો હવે સમ્પર્ક કઈ રીતે થશે અને થાય તો પણ લગ્ન કરી લીધા હોય તો આપણને શુ ખબર પડે?”

“હું દિપ પર તાડુક્યો ટોપા થોડુ પોઝીટીવ વિચાર તો કઈ પ્રોબ્લેમ છે? તું મને એની બધી ડિટેલ જે પણ તારી પાસે હોય એ આપી દે. હું તેને શોધી લઈશ અને તેનો વિચાર પણ જાણી લઈશ. બધી ડિટેલ આપી અને અંતે છુપા રૂસ્તમેં એક

ફોટો પણ આપ્યો. બસ મારા માટે એટલુ જ કાફી હતું.”

“અમેં એક હોટેલમાં જમવા ગયા અને ત્યાથી છુટા પડ્યા.”

“થોડા દિવસ પછી મને દિપે કોલ કર્યો કે આવતી ૨૦ તારીખે મારો બર્થ ડે છે. તારે મુંબઈ ખાસ આવવાનુ છે, આ વખતે સેલીબ્રેશન મોટા પાયે થવાનુ છે. “

“મેં કહ્યું હા ભાઇ પાક્કુ તારા માટે એક ગીફ્ટ પણ લાવીશ તું ભી ક્યા યાદ કરેગા.”

“બરાબર ૨૦ તારીખે ૭ વાગ્યા હું એની બર્થ ડે પાર્ટીમાં પહોચી ગયો. પાર્ટી એક મોટા ફાર્મમાં રાખવામાં આવેલ. ત્યા મોટી મોટી હસ્તીઓ પણ ઉપલબ્ધ હતી. મનગમતા ગીત વાગતા હતા તો, ક્યાય પરિવારના સભ્યો એકબીજાને મળતા હતા. મને તો ઓળખનારો એક જ હતો. હું તો સીધો દિપ પાસે ગયો. દિપ મને જોઇ ખુશ થયો. મેં બર્થ ડે વિશ કરી. ગળે પણ મળ્યો. દિપ આમતેમ જોવા લાગ્યો. મને ખબર પણ હતી જ પણ મેં જાણીજોઇને પુછ્યુ ગીફ્ટ શોધે છે?”
દિપ સ્માઇલ સાથે હા

મેં કહ્યું “હું તારા માટે એવી ગીફ્ટ લાવ્યો છો કે તું જીંદગીભર મને યાદ રાખીશ.”
દિપ કહે “જો કાઇ મજાક ન કરતો. અહિ બધા બહું મારી રિસ્પેક્ટ કરે છે. એવુ હોય તો પાર્ટી પતે પછી આપજે.”
મેં હસતા હસતા કહ્યું “મારો બહાદુર દોસ્ત કેમ આટલો બધો ડરે છે? આંખ બંધ કર મારી કસમ છે. હું જ્યા સુધી ન કહું ત્યા સુધી ખોલતો નહિ.”

દિપ તૈયાર થઈ ગયો. મેં પાછળ ઉભેલી દિશાને દિપની એકદમ સામેં જ ઉભી રાખી દિધી. સફેદ ડ્રેસમાં દિશા એકદમ પરી જેવી લાગતી હતી. મેં કહ્યું “દોસ્ત ઓપન યોર આઇસ.”

દિપ તો આંખો ખોલતા જ ચોકી ગયો હતો. હસવુ કે રડવુ એ ખ્યાલ જ ન હોતો આવતો. બસ મો પર માત્ર અને માત્ર ખુશી જ હતી. મારા ખભા પર માથુ નાખ્યુ. આંખમાંથી આંસુ નીકળતા હતા સામેં દિશા પણ પોતાના આંસુ લુછતી હતી.

મેં કહ્યું “પાગલ મારા ખભે શુ કામ માથુ નાખે છે? પેલીનો ડ્રેસ ખરાબ થશે એટલે?”
એ તો હસતા હસતા જઈને દિશાને ભેટી પડ્યો અને રડવા લાગ્યો. દિશા પણ ચોધાર આંસુએ રડવા લાગી. મેં અધુરા જી રહા હું હર ગમ યે કહ રહા હું મુજે તેરી જરુરત હૈ આ સોંગ પણ આ દ્રશ્યને વધુ ભાવુક બનાવતું હતું. પાર્ટીમાં આવેલા બધા ભાવુક હતા.

અચાનક જ દિશાએ પુછ્યુ “મને ગમતી હતી એ રીંગ નહિ પહેરાવે? તે દિવસે હાથ આપી પણ પહેરાવી દિધી હોત તો?”
મેં એક બોક્સ દિપના હાથમાં મુક્યુ તેમા એ જ સુંદર રીંગ હતી. એ પહેરાવીને દિશાને પ્રપોઝ કર્યો. પાર્ટીની રોનકને ચાર ચાંદ લાગી ગયા હતા. ખુબ એન્જોય કર્યો અને મોડી રાત્રે પાર્ટી પુરી થઈ. ફાર્મમાં હું, દિશા અને દિપ અમેં ત્રણેય એક ટેબલ બેઠા હતા.

દિપ મને લગભગ નવમી દસમી વાર થેન્ક્સ કહિ ચુક્યો હતો. દિપ ફરીવાર થેન્ક્સ કહિ પુછ્યુ કે હવે તો કે આ બધુ કઈ રીતે શક્ય બન્યુ દોસ્ત?

મેં કહ્યું મારે તારી અધુરી સ્ટોરી પુરી કરવી હતી એટલે હું કઈ પણ કરી શકુ? મેં ફેસબુક પરથી એને શોધી લીધી. વાત કરવા બહું કોશીશ કરિ પણ એ જવાબ આપતી ન હતી.

પછી મેંસેજમાં લખ્યુ કે કોઇકની રીંગ ખરીદવાની ક્ષમતાને પ્રેમની ક્ષમતા ન માની શકાય અને તો તમેં એમ સમજતા હોય તો આજે એ વ્યક્તિ દસ રીંગ ખરીદવાની ક્ષમતા રાખે છે. એને વિચાર પણ ન કરવો પડે. કદાચ તમેં દસ ગણા પ્રેમના હકદાર હોવ.
તેણે સીધુ જ કહ્યું તમારા નંબર આપો. મેં નંબર આપ્યો એટલે તરત જ એણે મારી સાથે વાત કરી અને મળવા કહ્યું. હું કોફી કાફેમાં મળવા ગયો. મને તેણે રડતા રડતા કહ્યું કે મારાથી ખરેખર મોટી ભુલ થઈ ગઈ હતી. મારી ફ્રેન્ડના મેંણા ટોણાને લીધે મેં તેની સાથે આવુ વર્તન કર્યુ હતું. મને જ્યારે મારી ભુલનો ખ્યાલ આવ્યો ત્યારે ખુબ મોડુ થઈ ગયુ હતું. ત્યાર બાદ માફિ માંગવા ફોન ટ્રાય કર્યા તો સ્વીચ ઓફ ફેસબુક અકાઉન્ટ પણ બ્લોક. હું રોજ આ વાતથી જ દુઃખી હતી પણ મારો પ્રેમ સાચો હતો એટલે તમારા ધ્વારા અમેં પાછા મળીશુ.

મેં તું જે રીંગ કહેતો હતો એ એના ચેનમાં નાખીને ગળામાણ પહેરલી જોઇ એટલે મને પણ લાગ્યુ કે તારા માટે હજી પણ એ જ પ્રેમ છે.

મેં કહ્યું જે થયુ એ વાત ભુલી જવાનુ પણ જો તારે એની સાથે જીવન વિતાવવુ હોય તો જ એને મળજે નહિ તો એ જુના ઘાવ હજી રુજાયા નથી. ફરી નવા ઘાવ એના દિલ પર ન પડે એવુ હું ઇરછુ છુ.

દિશા કહે ના મારી ઇરછા છે જ મારા મમ્મી પપ્પા મારી પસંદગી પર ક્યારેય વાંધો નહિ ઉઠાવે મને વિશ્વાસ છે.
મેં કહ્યું તો પછી ૨૦ તારીખે એનો જન્મદિવસ છે. સરપ્રાઇઝ આપવા તૈયાર થઈ જજે. મેં તેને કહ્યું કે આ રીંગ લાવવાનુ ભુલતી નહિ.

અને આજે તમેં મળી ગયા.અધુરી પ્રેમ કહાની પુરી.

દિપ મને ભેટી પડ્યો એની આંખોમાં આસુ હતા. મેં એના આંસુ લુછતા કહ્યું કે, આ આંસુમાં પ્યોર હેપ્પીનેસ છે. એમ આઇ રાઈટ?

દિપ સજળ આંખે હસતા હસતા કહે છે યસ યસ.
મેં કહ્યું ચલ હું જાવ. હવે મારે પણ સવારમાં વહેલી ફ્લાઇટ છે.
દિશા અને દિપ બેઠા હતા. હું ઉભો થઈ ચાલવા લાગ્યો. દિપ અને દિશા બન્નેએ મને બુમ પાડિ ને કહ્યું થેન્ક્સ દોસ્ત લવ યુ.

મેં કહ્યું લવયુ ટૂ વેલકમ

એવા જ પ્યોર હેપ્પીનેસના આંસુ સાથે હું ગાર્ડનમાંથી બહાર નીકળતો હતો. મારા મનમાં ‘એ વિલન’ ફિલ્મનો ડાયલોગ જબ તક હમ કિસી કે હમદર્દ નહિ બનતે, તબ તક દર્દ હમ સે ઔર હમ દર્દ સે જુદા નહિ હોતે એ શબ્દોની ધુન સતત સંભળાયા જ કરતી હતી.

લેખક : વિજય ખુંટ શૌર્ય

દરરોજ આવી અનેક અદ્ભુત વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી