વિદ્યાનું મૂલ્ય – અચૂક વાંચવા લાયક સ્ટોરી !

“હું એકવાર ફોન કરી પૂછી લઉં મમ્મા ! “ડરતાં ડરતાં અભિષેકે દેવી પાસે આજીજી કરી. દેવીએ મોબાઇલ પછાડી આપતાં કહ્યું..” છેલ્લીવાર આપું છું, હવે જો પાર્થનું ઘર ન મળ્યું તો ઘરભેગા થવાનું..કઈ જાતનું સરનામું આપ્યું છે..ન તો બિલ્ડીંગ નું નામ, ન તો કોઈ લેન્ડમાર્ક. મારા ફોનમાં બેલેન્સ નથી સમજ્યો !! ” દેવીનું આખું અસ્તિત્વ ગુસ્સાથી ધણધણી ઉઠ્યું.” હું નવરી નથી તને આખો વખત ફ્રેન્ડ્ઝને ત્યાં મુકવા ને લેવા..”

દેવી પોતાના દસ વર્ષના પુત્રને તેના એક મિત્રના ઘરે મુકવા જતી હતી. પાર્થના નામથી એને ચીડ હતી. ‘જયારે જુઓ ત્યારે પાર્થ..! ક્યાંથી ફૂટી નીકળ્યો છે આ નવો ફ્રેન્ડ !’ નસીબજોગે ખૂબ શોધ્યા બાદ હવે પાર્થનું ઘર પાસે આવતું જણાતું હતું. પાર્થ એના ભાઈઓ,બહેનો અને માતા સાથે દરવાજે ઊભો હતો. દ્રશ્ય જોકે દેવીને ગમે તેવું નહોતું. આડાઅવળા પાટિયા જોડી એક નાનો ઝાંપો બનાવેલો હતો જેની બહાર ટોળું સ્વાગત માટે ઊભું હતું. પાછળ એક ખુલ્લા, નાના ભાગમાં ઝાડની ડાળીઓ પર દોરી બાંધી, હાથે ધોયેલા નીતરતા કપડાં ટીંગાતાં હતાં. ડાબી બાજુ બ્લુ કલરના બારી દરવાજાવાળી નાની ઓરડીઓ હતી.

પાર્થની માતા તદ્દન સસ્તી કહી શકાય તેવી સાડીમાં ઉમળકાથી આવકારવા આવી. દેવીએ મોડું થવાનું કારણ આપતાં પાર્થની માતાએ કહ્યું ” કઈ વાંધો નહીં, અભીને લેવા આવો ત્યારે ચોક્કસ અંદર આવજો. આજે પાર્થનો જન્મદિવસ છે. એમ ન જશો.” દેવી ઘરનું દ્રશ્ય જોઈ થંભી ગઈ હતી.મગજમાં વિચારોનો આતંક થયો ‘ અભી કોણ જાણે કેવા મિત્રો બનાવે છે…ખરેખર એની સ્કૂલ જ બરાબર નથી…કેવા ‘ક્લાસ’ના લોકો છે”

ઘરે પહોંચતાવેંત પોતાની ખાસ મિત્ર નલિનીને ફોન જોડ્યો..” હાઈ ! તને ખાસ કહેવા જ કોલ કર્યો કે અભીને પેલી મોર્ડન સ્કૂલમાં એડમિશન મળી ગયું !! અત્યારની એની સ્કૂલમાં કઈ ઠેકાણા નથી..બકવાસ છે એકદમ.રામજાણે કઈ ઘડીએ પસંદ કરી’તી. સસ્તી સ્કૂલ છે..એટલે ‘crowd’ પણ એવુજ હોયને ! હા મોર્ડનમાં ફીઝ તગડી છે..પણ એ તો ઠીક..” અલકમલકની વાતો કરી પણ વચ્ચે મોર્ડન સ્કૂલ વારંવાર ઉલ્લેખ પામી.

સાંજે અભીને લેવા ગઈ ત્યારે પાર્થના ઘરમાં જવું જ પડ્યું..હકીકતે નાની ઓરડીઓની પાછળ એક સુંદર ઘર હતું. પાર્થની માતાએ ઘરે જ બનાવેલી વાનગીઓ પીરસી. દેવી વધુ વિચારે તે પેહલા પાર્થની માતાએ કહ્યું ” હું ગૃહ ઉદ્યોગ ચલાવું છું. અમારા ઘરમાં અમે દસ મેમ્બર્સ, મારા પતિનો પગાર ઓછો..મારા બે અને મારા સ્વર્ગીય નણંદના બે બાળકોની ફીઝ ભરવી અઘરી પડે છે. એટલે મેં નાના મોટા પાર્ટી ઓર્ડર્સ લેવા શરુ કર્યા છે. ફીઝ ભરવાનો સમય થઇ ગયો ફરી… પંદર હજાર ભેગા કરું છું…”

દેવીએ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું..ઘર કરકસરથી સજાવેલું હતું. પાર્થના દાદી પણ ટચુકડી ટેઈલરીંગ શોપ ચલાવતા હતાં. નાનકડા બગીચામાં લીંબુ,ભીંડો,ચીકુ અને રીંગણ ઉગેલા હતાં. કરકસર અને સંઘર્ષનું પ્રતિબિંબ એવું આ ઘર સાબિત કરતુ હતું કે મુશ્કેલીઓ વચ્ચે પણ પાર્થ સારું પરિણામ લાવતો હતો..ઈનફેક્ટ અભી કરતા રમતગમત અને ભણતર બંનેમાં આગળ હતો. દેવી ભોંઠી પડી. અભીની જે શાળા એને ગમતી નહોતી, એ જો ન હોત તો આજે કેટલાય પાર્થ ભણતરની સીડી ચડી ન શક્યા હોત. ફીઝની રકમ ઓછી અને તે પણ બે હપ્તેથી ગોઠવવામાં આવી હતી. મોંઘીદાટ સ્કૂલમાં પોતે જરૂર અભીને મુક્યો, પણ સફળતાની કોઈ ખાતરી એ નવી સ્કૂલે આપી નહોતી. જે બાળકમાં દમ હોય તે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં અને ગમે તેવી શાળામાં ઝળકે જ છે.

પાર્થના ઘરના તમામ લોકો ખૂબ પ્રેમથી અભી અને દેવીને ઝાંપા સુધી વળાવવા આવ્યા. પાછા ફરતાં દેવીને પોતે નાનપણમાં શીખેલું સૂત્ર યાદ આવ્યું ‘सा विद्या या विमुक्तये ‘ બે દિવસ પાર્થની માંનો કિસ્સો યાદ આવતો રહ્યો. જે એક નાની રકમ ભરવા તનતોડ મહેનત કરતી હતી, આંખોમાં પાર્થ માટેની આશાઓના તરવરાટ સાથે. બીજી બાજુ મોર્ડન સ્કૂલની ‘status’ મુજબની કો-ઓર્ડીનેટર આંખો સામે આવતી રહી.. વાંકડિયા વાળ, કડક પાટલીવાળી સિલ્કની સાડી.. જેણે લાલચટ્ટક લિપસ્ટિક લગાડેલા હોંઠ મચકોડી અમેરિકન એક્સેન્ટમાં કહેલું..” The total amount that you have to pay is Rs 3 Lakhs ..” અને પછી સામે બેઠેલા પેરન્ટ ની ફાઇનાન્શ્યલ સ્ટેબિલિટી ચકાસતી હોય એમ, આંખોમાં ધારદાર ચમક લાવી, હોંઠ મરડેલાં..”….. and that shall be a one shot payment …!”

લેખક : રૂપલ વસાવડા (બેંગ્લોર)

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

 

ટીપ્પણી