કાશ… બધી વિધવા સ્ત્રીઓને આવો મોકો મળે… ખુબ લાગણીસભર વાર્તા….

“હું વિધવા છું ! તો એમાં શું થયું ?”

કેશવ ગઇકાલે જ મુંબઈથી ઘરે આવ્યો હતો. કેશવ મુંબઈમાં એક ફાર્મા કંપનીમાં જનરલ મેનેજર છે અને પોતાના વેકેશનનો સમય પરિવાર સાથે પસાર કરવા ઘરે આવ્યો હતો. કેશવ સવારે પરિવાર સાથે બેઠો હતો અને કેશવના પપ્પા બોલ્યા, ” બેટા તું ઘણા સમય પછી ઘરે આવ્યો છે, ત્યારે આપણે સૌ પરિવાર સાથે ક્યાંક ફરવા જઈએ તો ?” કેશવે જવાબ આપતા કહ્યું, “પપ્પા એક દમ મસ્ત આઈડિયા છે, તો બોલો ક્યાં જવું છે ?”

‎કેશવના મમ્મી બોલ્યા, કેશવ મારે તો જૂનાગઢ જવું છે ! કેશવની બહેનને કહ્યું, ભાઈ મારે તો માઉન્ટ આબુ જવું છે ! કેશવે બધાની વાત સાંભળી અને છેલ્લે નક્કી કર્યું કે આપણે બધા જૂનાગઢ જ જઈશું ! કેશવની બહેન તાન્યા પણ જૂનાગઢ જવા માટે તૈયાર થઈ ગઈ !

સાંજે કેશવના મમ્મીએ કેશવને કહ્યું, બેટા કેશવ બાજુમાં એક છોકરી રહે છે, જેનું નામ મોનલ છે તો તેને આપણે સાથે લઈ જઈએ તો ? કેશવે પૂછ્યું, મમ્મી આ મોનલ કોણ ? કેશવની મમ્મીએ જવાબ આપ્યો, બેટા મોનલ એક વિધવા સ્ત્રી છે અને તેના પતિનું મૃત્યુ બે વર્ષ પહેલાં થયું હતું. એની ઉંમર તારી ઉંમર જેટલી જ છે અને તે બે વર્ષથી એના સાસરિયામાં જ રહે છે અને છેલ્લા છ મહિના પહેલા જ અહીંયા રહેવા આવ્યા છે. કેશવે વિચાર્યું, મમ્મી એમાં શું પૂછવાનું ? એ આપણી સાથે આવી શકે છે ! કેશવની મમ્મીએ કહ્યું, બેટા એ ખૂબ સારી ગાયિકા પણ છે અને એ આવશે તો એનો મૂડ પણ સારો થશે ! કેશવે હકારમાં જવાબ આપ્યો !

મોનલનો પરિવાર ખૂબ જ રૂઢીચુસ્ત હતો પણ એના સાસરિયામાં તો જાણે દીકરી હોય એમ જ રહેતી ! મોનલના પતિના અવસાન બાદ મોનલ આજે એના સાસરિયામાં દીકરી બનીને રહી ગઈ હતી, મોનલ એના સાસુ – સસરાને મમ્મી પપ્પા જ કહેતી અને મોનલ નાના બાળકોને સંગીત પણ શીખવતી ! મોનલને જોઇએ તો લાગે જ નહીં કે આ વિધવા સ્ત્રી છે, કારણ કે મોનલના સસરા નિવૃત શિક્ષક હતાં એટલે કોઈ પણ કુરિવાજો પોતાના ઘરમાં નહોતા ઇચ્છતા ! મોનલ આમ હસતી રમતી છોકરી અને દેખાવમાં પણ રૂપની રાણી, પરંતુ પોતાના મનમાં કેટલાય દુઃખ લઇને બેઠી હતી !

રાત્રે કેશવના મમ્મી મોનલના ઘરે ગયા અને મોનલને ફરવા મુકવા માટે એના સાસુ સસરાને વાત કરી ! એ તો રાજી થઈ ગયા પરંતુ મોનલ તૈયાર નહોતી ! મોનલ બોલી, મમ્મી અને પપ્પા હું ફરવા જઈશ તો તમારું ધ્યાન કોણ રાખશે ? મોનલના સાસુ બોલ્યા, બેટા તું બે વર્ષથી ક્યાંય ગઈ જ નથી અને માત્ર ત્રણ દિવસની તો વાત છે, ત્યારે ફરતી આવ ને ! મોનલના સસરા પણ આ જ બોલ્યા અને ઘણી મહેનત બાદ મોનલ આવવા માટે માની ગઈ !

સવારના ચાર વાગ્યા હતા અને બધા જ ઉઠીને તૈયાર પણ થઈ ગયા. બધા કાર સુધી પહોંચ્યા અને ત્યારે જ ત્યાં મોનલ આવી ! કેશવની આખો મોનલને જ જોતી હતી કારણ કે સવાર સવારમાં મોનલ પંજાબી ડ્રેસમાં અતિસુંદર દેખાતી હતી ! મોનલે એના મમ્મી પપ્પા એટલે કે સાસુ સસરાના આશીર્વાદ લીધા અને પછી બધા જ કારમાં બેઠા. કેશવના પપ્પા આગળની સીટ પર બેઠા અને મોનલ, કેશવના મમ્મી અને કેશવની બહેન બેક સીટ પર બેઠા !

વડોદરાથી કેશવનો પરિવાર અને મોનલ નીકળ્યા અને રસ્તામાં કેશવ મીરરમાં બેક સીટ પર બેઠેલી મોનલને જોતો હતો અને આ વાત કેશવના પપ્પા જોઈ ગયા અને કેશવને કહ્યું, બેટા કેશવ મને થોડી ઊંઘ આવે છે અને ડ્રાઇવર પાસે ઊંઘવું સારું નહીં, મોનલ બેટા એક કામ કર તું આગળ આવીને બેસ એટલે હું પાછળ આરામથી સુઈ જવું ! એટલે કેશવે સાઈડમાં કાર ઉભી રાખી અને કેશવના પપ્પાએ અને મોનલે જગ્યા બદલી. મોનલ ઘણા સમય પછી કારમાં બેસી હતી એટલે મોનલને સીટ બેલ્ટ બાંધવામાં તકલીફ પડતી હતી, તેથી કેશવે મોનલને મદદ કરી ! આ દરમ્યાન મોનલ કેશવ સામે જ જોતી હતી !

કેશવે કાર દોડાવી ! વહેલી સવારના સાત વાગ્યા હતાં અને કેશવે એક હોટેલ પર કાર ઉભી રાખી અને ત્યાં બધા બેઠા અને નાસ્તો કર્યો ! કેશવે મોનલને પૂછ્યું, તમે સિંગર છો ? મોનલે હકારમાં જવાબ આપ્યો, અને સ્મિત સાથે બોલી, હા પણ એટલી સારી નહીં ! આમ મોનલ અને કેશવની વાતો શરું થઈ. શાંત વાતાવરણ વચ્ચે અને મોનલ અને કેશવ જતાં હતા. મોનલ અને કેશવ કંઈ જ નહોતા બોલતાં પણ એક બીજાને સ્મિત આપતાં હતા ! બપોરનો સમય થયો અને બધા જ ગિરનાર પહોંચ્યા.

કેશવના પપ્પાએ કેશવને કહ્યુ, બેટા કેશવ, અહીં આપણા એક સંબંધીની જ હોટેલ છે ત્યાં જ જઈએ. કેશવે કહ્યું, ઓકે પપ્પા ! બધા જ હોટેલ પર પહોંચ્યા અને ત્યાં એક બે રૂમ રાખ્યા, એક રૂમમાં કેશવના મમ્મી – પપ્પા અને બીજા રૂમમાં કેશવ, મોનલ અને કેશવની બહેન તાન્યા ! બધા પોતપોતાના રૂમમાં ફ્રેશ થવા ગયા અને ત્યાં કેશવે મોનલને પૂછ્યું, એક ગીત સાંભળાવશો ? મોનલને કહ્યું, પહેલા જમી લઈએ ? તમારા મમ્મી બોલાવે છે ! કેશવે હસતાં કહ્યું, ભૂલી જ ગયો ! સવારનું કંઈખાધું જ નથી, બહુ જ ભૂખ લાગી છે ! ત્યારે કેશવની બહેન તાન્યા બોલી, હમણાંથી મારા ભાઈને ઘણું ભુલાઈ જાય છે ! કેશવે કહ્યું, ચાલો જટ જમવા, મોડું થાય છે !

બધા જ નીચે હોલમાં જમવા બેઠા અને તાન્યાએ મોનલને પૂછ્યું, મોનલ દીદી તમને શું વધારે ભાવે ? મોનલે વિચારતાં કહ્યું, મને તો સૌથી વધારે બાસુંદી ભાવે ! ત્યારે કેશવના મમ્મી બોલ્યા, અરે વાહ અમારા કેશવને પણ બાસુંદી જ ભાવે ! આમ બધા જ વાતચીત કરતાં કરતાં જમવા બેઠાં ! જમ્યા બાદ કેશવના પપ્પા બોલ્યા, બધા અત્યારે આરામ કરી લો અને બપોર બાદ જૂનાગઢમાં જ ફરવા જઈશું અને રાત્રે વહેલા ઊંઘી જવાનું છે એટલે સવારે વહેલા ઉઠીને ગિરનાર ચઢવાનો છે ! બધા જ પપ્પાનો પ્લાન જાણીને ખુશ થઈ ગયા અને મોનલની તો ખુશીનો પાર જ નહોતો !

‎ ત્યારબાદ બધા રૂમમાં ગયા અને કેશવે મોનલને પૂછ્યું, મોનલ હવે તો એક ગીત સંભળાવી દે ! ત્યારે તાન્યા પણ બોલી, હા દીદી. મોનલે એક સુંદર ગીત સંભળાવ્યું અને કેશવ અને તાન્યા બંને ખૂબ જ ખુશ થઈ ગયા ! ત્યાર પછી બધા સુઈ ગયા. બપોર બાદ પપ્પા સાથે બધા જ જૂનાગઢમાં ફરવા ગયા અને જૂનાગઢમાં વિવિધ સ્થળે ફર્યા ! સાંજનો સમય હતો અને કેશવ, મોનલ અને તાન્યા એક ઝાડ નીચે બેઠા હતા. તાન્યાએ મોનલને પૂછ્યું, દીદી આપના પતિ શું કરતાં હતાં ? ત્યારે મોનલ કંઈ જ ના બોલી અને ત્યાંથી ઉભી થઇને ચાલી ગઈ ! કેશવે તાન્યાને કહ્યું, તું પણ કેવો સવાલ એને પૂછે છે ? જો એ નારાઝ થઈ ગઈ, એક કામ કર તું પપ્પા સાથે જા, હું મોનલને મનાવીને આવું છું. ત્યારે તાન્યા પપ્પા પાસે જાય છે અને કેશવ મોનલ પાસે જાય છે. મોનલ એક ખૂણામાં ઉભી ઉભી રડતી હતી ! કેશવ મોનલ પાસે જઈને બોલ્યો, મારી બહેન તરફથી હું માફી માંગુ છું. મોનલ બોલી, ના યાર આ તો પહેલાનું યાદ આવી ગયું એટલે થોડી ઇમોશનલ થઈ ગઈ હતી ! કેશવે મોનલને પૂછ્યું, તને આઈસ્ક્રીમ ભાવે ? મોનલે હા માં જવાબ આપ્યો. કેશવે પૂછ્યું, એક કામ કર મોનલ બધું જ ભૂલીને આપણે આઈસ્ક્રીમ ખાઈએ ? મોનલના ચહેરા પણ સ્મિત આવ્યું ! કેશવ અને મોનલ બંને આઈસ્ક્રીમ ખાતાં પોતાની હોટેલ તરફ ચાલતાં ચાલતાં જતાં હતાં ! કેશવે મોનલને પૂછ્યું, મોનલ મારે તારી સાથે ઘણી બધી વાતો કરવી છે ! મોનલે કહ્યું, હા કરજે પણ અત્યારે હોટેલ પર જઈએ ? મોડું થાય છે ! ત્યારે કેશવ અને મોનલ બંને હસવા લાગ્યા !

બધા જ સાંજે અગાસી પર બેઠા હતા અને સન સેટની મજા માણતા હતા. પપ્પાએ કહ્યું, આપણે સાંજે અહીં જ જમીએ તો ? કેશવે કહ્યું, પપ્પા મસ્ત આઈડિયા છે ! હું અંકલને અત્યારે જ કહું કે અમને ડિનર અહીં જ સર્વ કરે ! બધા જ ખુશ થઈ જાય છે. સાંજે બધા જ અગાસી પર ડિનર કરે છે. બધા હસતાં હસતાં જમે છે. કેશવ તાન્યાની મજાક ઉડાવે છે અને તાન્યા કેશવને મારવા આવે છે. ત્યારે પપ્પા બધાને કહે છે, બધા અત્યારે સુઈ જાજો એટલે કાલે સવારે ત્રણ વાગ્યે ઉઠવાનું છે ! તાન્યા બોલે છે, પપ્પા ત્રણ વાગ્યે કેમ ? પપ્પા જવાબ આપે છે, બેટા તાન્યા ત્રણ વાગ્યે ઉઠીએ ત્યારે ચાર વાગ્યે તૈયાર થઈને ગિરનાર ચઢવાનો છે ! પપ્પા ખૂબ જ ખુશ હોય છે અને આ જોઈને કેશવ પણ ખૂબ જ ખુશ થઈ જાય છે.

બધા જ સુઈ જાય છે અને સવારે વહેલા ત્રણ વાગ્યે ઉઠે છે. મોનલ સૌથી પહેલા ઉઠીને તૈયાર થઈ જાય અને ત્યાર પછી કેશવ અને તાન્યા તૈયાર થાય છે. બધા જ નીચે હોલમાં ભેગા થાય છે અને ચા નાસ્તો સાથે કરે છે. કેશવના પપ્પા કહે છે, બધા જ સાથે રહેજો અને કોઈ આજુ બાજુ નહીં જાય કેમ કે ત્યાં જંગલ જ છે. પછી બધા ગિરનાર ચઢવા માટે જાય છે. કેશવના પપ્પા ખૂબ જ જોશ સાથે ગિરનાર ચઢે છે અને એમના પાછળ બધા જ હોય છે. તાન્યા પપ્પાને કહે છે, પપ્પા થોડા ધીમે ચાલો ને ! હું થાકી ગઈ છું ! પપ્પા કોઈનું સાંભળ્યા વગર જ ચઢતાં જાય છે અને બધા જ ગિરનાર પર ચઢી જાય છે. મંદિરમાં દર્શન કર્યા બાદ મોનલે નાસ્તો પેક કર્યો હોય છે, અને બધા નાસ્તો કરે છે અને અડધો કલાક આરામ કરે છે.

‎ ગિરનાર પર્વત પરથી બધા ધીમે ધીમે નીચે ઉતરતાં હોય છે અને એ મોનલ સૌથી પાછળ ચાલતી હોય છે અને અચાનક મોનલ બૂમ પાડે છે ! બધા પાછળ જુએ છે તો મોનલનો પગ બે પથ્થર વચ્ચે ફસાઈ જાય છે. કેશવ દોડતો મોનલ પાસે જાય છે અને મોનલનો પગ પથ્થર માંથી બહાર કાઢે છે અને ત્યારે મોનલ રડતી હોય છે. પપ્પા બાજુ માંથી પગમાં માલિશ કરવા વાળાને બોલાવે છે અને એ મોનલના પગ પર પાટો બાંધી આપે છે. માલિશ કરવા વાળો કહે છે કે મોનલને મોચ આવી છે અને ઠીક થતા ત્રણથી ચાર કલાક લાગશે ! મોનલ રડતી હોય છે અને ત્યારે પપ્પા બોલે છે, બેટા રડ નહિ ! મોનલ કહે છે, કાકા મારા કારણે આપનો સમય ખરાબ થયો ! મોનલના પપ્પા કહે છે, બેટા તું મારી દીકરી જેવી જ છે ! તાન્યા કહે છે, દીદી બહુ દુઃખે છે. મોનલ કહે છે, હા તાન્યા ! કેશવના પપ્પા કહે છે, પહેલા તો આપણે મોનલને હોટેલ પર લઈ જવી પડશે ત્યાં એ એક બે કલાક આરામ કરશે એટલે બધું જ ઠીક થઈ જશે ! તાન્યા કહે છે, પણ આપણે મોનલ દીદીને નીચે કઈ રીતે લઈ જઈશું ? ત્યારે કેશવ કહે છે, હું મોનલને ઉપાડી લઉં ! મોનલ કંઇ બોલે એ પહેલાં કેશવ મોનલને ઉપાડી લે છે અને કહે છે, મોનલ મને ટાઈટ પકડી રાખજે ! કેશવ મોનલને ઉપાડીને નીચે લાવે છે, મોનલ કેશવની સામે જ જોતી હોય છે ! ગિરનારથી નીચે ઉતરીને એક રીક્ષામાં મોનલને હોટેલ પર લાવે છે અને ત્યાં એક ડોકટર મોનલની મોચ ઉતારે છે ! ડૉક્ટર મોનલને ત્રણ કલાક આરામ કરવાની સલાહ આપે છે !

કેશવના ખભામાં પણ દુખાવો થાય છે. ત્યારે કેશવ તાન્યાને એના ખભા પર ક્રીમ લગાવવા કહે છે અને તાન્યા કેશવના ખભા પર ક્રીમ લગાવે છે અને આ બધું મોનલ જોતી હોય છે ! રૂમમાં મોનલ અને કેશવ એકલા હોય છે અને મોનલ રડતાં રડતાં કેશવને કહે છે, કેશવ આઈ એમ સોરી, તને મેં આજે ઘણી તકલીફ આપી ને ? કેશવ મોનલની નજીક આવે છે અને મોનલના આંસુ લૂછતાં કહે છે, ના મોનલ એવું કંઈ જ નથી ! કેશવ મોનલને પૂછ્યા વગર એક પાણીનો ગ્લાસ ભરે છે અને મોનલને પોતાના હાથથી બેઠી કરે છે અને મોનલને પાણી પીવડાવે છે. કેશવ મોનલને આરામ કરવાનું કહીને બહાર જાય છે. સાંજે બધા અગાસી પર જમવા જાય છે, ત્યારે મોનલ ચાલી શક્તી હોય છે. બધા અગાસી પર જમતાં હોય છે ત્યારે તાન્યા કહે છે, પપ્પા હું, મોનલ દીદી અને કેશવભાઈ અહીં જ અગાસી પર સુઇએ તો ? પપ્પા કહે છે, આઈડિયા સારો છે ! ત્યારે પપ્પા હોટેલમાં ત્રણ પથારી અગાસી પર લગાવવા કહે છે !

રાતનાં નવ વાગ્યા હોય છે અને મોનલ, કેશવ અને તાન્યા અગાસી પર હોય છે. ત્રણેય ઊંઘવાની તૈયારી કરતા હોય છે. મોનલ અને કેશવ બાજુમાં સૂતા હોય છે અને બાજુમાં તાન્યા સૂતી હોય છે. મોનલ અને કેશવ બંને વાતો કરતાં હોય છે. ત્યારે તાન્યાને ખબર પડે છે કે બંને વાતો કરે છે ત્યારે તાન્યા ઉભી થાય છે અને કહે છે, ભાઈ મને અંધારાથી ડર લાગે છે તો હું નીચે રૂમમાં જવું છું. તાન્યા આટલું કહીને રૂમમાં જાય છે. ત્યાર બાદ કેશવ મોનલને એની પહેલાની જિંદગી વિશે પૂછે છે અને મોનલ જવાબ આપે છે ! મોનલ પણ કેશવને કેટલાય પૂછે છે અને કેશવ તેનો જવાબ આપે છે. કેશવ મોનલને તેના પતિ વિશે પૂછે છે ત્યારે મોનલ રડી પડે છે ! કેશવ મોનલની નજીક જાય છે અને તેનાં આંસુ લૂછે છે ! ત્યારે મોનલ કેશવને બાથ ભરી લે છે અને કહે છે, આજ પછી મને આ સવાલ ના પૂછજે ! કેશવ હકારમાં જવાબ આપે છે અને ઉભો થાય છે ! મોનલ પણ ઉભી થાય છે. ત્યાં એક હિંચકો હોય છે ત્યાં મોનલ અને કેશવ બંને બેસે છે અને વાતો કરે છે ! કેશવ મોનલને પૂછે છે, મોનલ તું હવે લગ્ન નહીં કરે ? મોનલ જવાબ આપે છે, કેશવ આ સમાજ માટે હું એક વિધવા છું અને આ સમાજ મને ક્યારેય નહીં સ્વીકારે ! કેશવ કહે છે, મોનલ હું સ્વીકારીશ તને ! મોનલ કહે છે, તારે આ સમાજની વાતો સાંભળવી પડશે. કેશવ કહે છે, મોનલ આપણે મુંબઈ જતાં રહેશું ! મોનલ કાંઈ જ નથી બોલતી અને કેશવને બાથ ભરીને કહે છે, હા હું વિધવા છું, તો હું સમાજમાં પણ ના રહી શકું ! કેશવ કહે છે, મોનલ હું છું ને, બધુ જ ઠીક થઈ જશે ! આમ મોનલ અને કેશવ બંને ખૂબ જ નજીક આવે છે અને બંને એકબીજામાં પરોવાઈ જાય છે !

લેખક : પ્રદિપ પ્રજાપતિ

ખુબ સુંદર વાર્તા, શેર કરો તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!