વિધાતા – ભૂલ્યા વગર વાંચજો આ સ્ટોરી !!!!

“ગ્રહ તો બરાબર મળે છે. કુંડળીઓમાં કોઈ વાંધો નથી..”

ધનજી પોતાની ત્રીજી પુત્રીને પરણાવવાની વેતરણમાં હતા. ઘરમાં પગ મૂકતાવેંત પત્નીને જવાબ આપતાં તે સોફામાં બેઠા. પત્નીએ હાશકારાનો દમ લીધો અને દેવાંગીને જણાવવા તેના ઓરડા તરફ ઉતાવળે ગયાં. ” દેવાંગી ! હવે જીદ છોડ. તે ઘણું ભણીગણી લીધું.

નોકરી પણ કરી..હવે આ જગ્યાએ હા પાડી દે.” દેવાંગી ટેબલ પર પડેલું મેગેઝીન બાજુ પર મૂકી માતા સામે જોઈ રહી. માંએ કેટલું નિર્દોષતાથી કહી દીધું કે તેણે પરણી જવું જોઈએ. વાત પણ ખોટી નહોતી. પોતે પોતાના જીવનસાથી પાસેથી સારું ભણતર, સંસ્કાર અને નોકરીની અપેક્ષા રાખેલી જે બધું જ તરુણમાં હતું. વળી માતાપિતાને વિશ્વાસ હતો કે જેમ મોટી બંને પુત્રીઓ ગોઠવાઈ ગઈ તેમ વિધાતા દેવાંગીને પણ સુખી રાખશે.

પરણ્યાના અમુક મહિનાઓ બાદ દેવાંગીને તરુણ દેશી અને વધુ પડતો સીધો લાગવા માંડ્યો. તેના શોખ પણ તેને અણગમો આપવા લાગ્યા. જો કે તરુણ દેવાંગી માટે બને તેટલું સરળ રહેવા કોશિશ કરતો હતો. દેવાંગી પોતાની ઈચ્છા મુજબ એક ઓફિસમાં કામે જવા લાગી. બંને વચ્ચેનું ઘર્ષણ વધતું ચાલ્યું. નાની નાની વાતમાં બોલાચાલી, ઉગ્ર ચર્ચાઓ અને કડવાશ વધતાં ચાલ્યાં. દેવાંગી વિધાતાને દોષ આપવા લાગી..ખબર નહીં કેમ તેના મતે તરુણમાં અમુક નબળાઈઓ હતી, જે પહેલાં દેખાઈ જ નહીં.

બસ બરાબર એ જ સમયે દેવાંગી માટે વધુ એક પડકાર આવીને ઊભો રહ્યો. તે હતો ઓફિસમાં એક નવયુવાન મોહનીશનું દાખલ થવું. પરીકથાઓમાં કલ્પેલા અને એક સ્ત્રી સહજ આકર્ષણ જન્માવે તેવા મોહનીશ તરફ તેનું ધ્યાન ખેંચાવા લાગ્યું. મોહનીશ પોતાના તરફ આકર્ષાયો છે એમ સમજીને દેવાંગી હવે ખુશ રહેવા લાગી. મોહનીશ માટે સ્રીઓ સાથે મૈત્રી કરવી એક સહજ બાબત હતી, પણ દેવાંગી આ બાબતથી અજાણ હતી. મનના કોઈ અજ્ઞાત ખૂણે મોહનીશ અને તરુણ વચ્ચે સરખામણી થવા લાગી.

એક દિવસ ઓફિસના લંચ બ્રેકમાં આખો સ્ટાફ નીચેના એક કોફીશોપમાં જઈને ગપ્પા મારતો હતો. તરુણ એ બાજુથી નીકળવાનો હતો. તેણે દેવાંગીને ઘણા કોલ કર્યા પણ દેવાંગી તો ત્યારે પોતાની મસ્તીમાં ગૂલ હતી.તરુણ ત્યાં પહોંચીને લિફ્ટમાં પ્રવેશતો હતો ત્યારે તેણે દેવાંગીને સહકર્મચારીઓ સાથે કોફીશોપમાં જોઈ. નારાજ થવાને બદલે ખુશ થઈને તે ત્યાંથી ચાલતો થયો. ‘ આમાં દેવાંગી ફોન ક્યાંથી ઉપાડે’ એમ સમજીને ! દેવાંગી કેવળ મોહનીશ ઉપર મીટ માંડીને બેઠી’તી તે તરુણની નજર બહાર ગયું. અગાઉ પણ મોહનીશ અને બીજા લોકો સાથેની ઔપચારિક મુલાકાત દરમિયાન તરુણે માત્ર એટલું જ નોંધ્યું હતું કે દેવાંગી પોતાની જોબથી ખુશ છે.

બનવા જોગ તે જ દિવસે તરુણને ઓફિસથી આવતાં મોડું થયું. દેવાંગી રસોઈ બનાવી રાહ જોતી બેઠી હતી. ડોરબેલ વાગતાં ખોલીને જોયું તો તરુણ ઘવાયેલી હાલતમાં, કોઈ અજાણી વ્યક્તિના ટેકે બારણે ઊભો હતો. દેવાંગી બે ઘડી માટે હતપ્રભ બની ગઈ. સાથે આવેલ માણસે કહ્યું કે તરુણને એક ગાડીએ ટક્કર મારતાં તેને પગમાં ઇજા થઇ હતી.

દેવાંગીના ટેકે તરુણ પલંગ સુધી પહોંચ્યો. કઈ રીતે અકસ્માત થયો તે જણાવતાં તેણે થોડું ખચકાઈને કહ્યું, “દેવાંગી ! પેલો મોહનીશ છે ને તારી ઓફિસમાં !”

દેવાંગી એક ધબકાર ચૂકી ગઈ. પોતાના મનનો ભાવ તરુણ કળી તો નથી ગયોને તેની ભાંજગણમાં અટવાઈ. “હા, તો એનું શું ?”

” કઈ નહીં…આજ મને કારે ઠોકર માર્યા બાદ ટેકો આપવા આસપાસના બધાં લોકો દોડતાં આવ્યાં…પણ..”

” પણ શું !! ” દેવાંગી ભયભીત બની.

” મોહનીશ ત્યાં જ સામે ચાની લારી પાસે ઊભો હતો, એક લેડી સાથે..મને નહીં ઓળખ્યો હોય ?….કોણ જાણે કેમ તે આવ્યો નહીં…. ખેર, તને કહેતા ભૂલ્યો. આજ હું તારી ઓફિસે આવેલ પણ મેં તમને બધાંને કોફીશોપમાં બેઠેલાં જોયાં તો ડિસ્ટર્બ કરવા મન ન થયું ને જતો રહ્યો.”

આટલું કહી તરુણ થાકીને સુઈ ગયો. દેવાંગી ગુસ્સાથી ધ્રુજી ઊઠી. પોતાના પતિને જાણતો હોવા છતાં મોહનીશ માણસાઈ ચૂક્યો હતો…અને તરુણ…? ઓફિસે આવ્યો હોવા છતાં પોતાની ખુશીને ખાતર બહારથી જ જતો રહેલો..! ફરી એક વાર સરખામણી થઇ..અને આજની આ સરખામણીમાં તરુણ જીત્યો હતો….. ‘મોહનીશની સાથે એક લેડી પણ હતી….’તરુણના એ શબ્દોએ મગજમાં બીજા કેટલાય કમાડ ખોલી નાખ્યાં. મોહનીશની માયાજાળમાં પડીને હવે વધુ પસ્તાવવું પોસાય તેમ નહોતું.

બહાર ધોધમાર વરસાદ વરસતો હતો..સાથોસાથ સાચા અર્થમાં પ્રેમ કરનાર પતિ તરફ જોઈ રહેલી દેવાંગીની આંખમાંથી પુષ્કળ આંસુઓ વહી રહ્યાં હતાં…. દેવાંગીને લાગ્યું કે વિધાતાએ રચેલા આ ખેલમાં કોઈ સંદેશો હતો. તરુણના જીવનસાથી હોવા અંગેના માતાપિતાના એ કથન સાથે તે આજ સહેમત હતી કે “વિધાતા જે કરશે તે બરાબર જ કરશે. !”

લેખક : રૂપલ વસાવડા (બેંગ્લોર)

આપ સૌ ને મારી પોસ્ટ કેવી લાગી ? અચૂક જણાવજો !!

ટીપ્પણી