આજે દરેક વિદેશ જવા ઈચ્છુક મિત્રો માટે ઉપયોગી માહિતી વાંચો અને જાણો…

કેટલાક લોકો હરવા ફરવાના ખૂબ શોખીન હોય છે. રજાઓ કે વેકેશન આવે કે તુરંત જ કોઈ સારી જગ્યા પસંદ કરી નીકળી પડે છે ફરવા માટે. જો કે આજકાલ લોકોમાં વિદેશ પ્રવાસ કરવાનું ચલણ પણ વધ્યું છે અને કેમ ન હોય ? તહેવારો કે વેકેશનના સમયમાં વિદેશ ફરવા જવા માટે અનેક ઓફર શરૂ થઈ જાય છે. વળી આ સમયમાં ફ્લાઈટની ટિકિટોમાં પણ ખાસ રાહત મળતી હોય છે. તો પછી શા માટે વિદેશ પ્રવાસની જ મજા ન માણે લોકો? પરંતુ વિદેશ પ્રવાસની મજા માણતાં પહેલા તેના વિશેની પુરતી જાણકારી હોવી પણ જરૂરી હોય છે. એટલે કે વિદેશ પ્રવાસ માટે જરૂરી પાયાની જાણકારી તમને ન ખબર હોય તો તમારી મજા અધુરી રહી જાય છે.
વિદેશ પ્રવાસનું પ્લાનીંગ કરતી વખતે સૌથી પહેલા જરૂરી હોય છે સ્થળની પસંદગી, ત્યારબાદ ત્યાંના ચલણી નાણા અંગેની જાણકારી. જો કે આ તૈયારીથી પણ વધારે મહત્વના હોય છે વિઝા. જી હાં જ્યારે તમે એક દેશમાંથી બીજા દેશમાં જાઓ છો ત્યારે તમને જરૂર પડે છે વિઝાની. તો ચાલો વિદેશ પ્રવાસની તૈયારીઓ કરતાં પહેલાં મેળવી લો વિઝા વિશેને આ મહત્વની જાણકારી.

વિઝા એક પરવાનગી પત્ર હોય છે જેના માધ્યમથી એક દેશની સરકાર બીજા દેશના નાગરિકોને તેમના દેશમાં આવવાની પરવાનગી આપે છે. વિદેશમાં કેટલા દિવસ અને કેવી રીતે તમે રહી શકશો તે તમામ વાતો વિઝાની પરવાનગી પર આધાર રાખે છે. વિદેશમાં જવાના વિઝા પણ અલગ અલગ પ્રકારના હોય છે. કયા કયા છે આ પ્રકાર તે પણ જાણી લો તમે.

1. Tourist Visa


આ વિઝાના નામ પરથી ખ્યાલ આવી જાય છે કે આ વિઝા પ્રવાસની પરવાનગી આપે છે. આ વિઝા લઈને અન્ય દેશમાં જનાર વ્યક્તિ ત્યાં નિર્ધારિત દિવસો માટે ફરી શકે છે. પ્રવાસ માટે ગયેલી તે વ્યક્તિ વિદેશમાં કોઈપણ પ્રકારનું કામ કરી શકતી નથી.

2.Student Visa


આ વિઝા વિદેશમાં અભ્યાસ કરવાની પરવાનગી આપે છે. આ વિઝા માત્ર વિદ્યાર્થીઓને જ મળે છે. આ પ્રકારના વિઝા માટે દરેક દેશના અલગ અલગ નિયમો હોય છે તેના આધારે જ વિદ્યાર્થીના વિઝા મંજૂર થાય છે.

3. Business Visa


આ વિઝાને વર્ક પરમીટ પણ કહેવામાં આવે છે. આ વિઝા લઈ એક દેશમાંથી અન્ય દેશમાં ધંધા રોજગાર કે નોકરી કરવા માટે જઈ શકાય છે. આ વિઝા મેળવવા માટે તમારે સૌથી પહેલા સ્પષ્ટ કરવું પડે છે કે તમે કઈ જગ્યા પર અને કયું કામ કરશો. આ ઉપરાંત ત્યાં તમારો ખર્ચ કેટલો હશે. આ વિઝા અલગ અલગ સમય મર્યાદા માટેના હોય છે. આ વિઝાની સમય મર્યાદા 6 માસથી 10 વર્ષ સુધીની હોય છે.

4. Immigrant Visa


આ વિઝાની જરૂર એવા લોકોને હોય છે જે વિદેશમાં જઈ સ્થાયી થવા ઈચ્છતા હોય. વિદેશમાં કાયમ વસવાટ કરવા માટે વ્યક્તિને આ વિઝાની જરૂર પડે છે.

5. Marriage Visa


વિદેશમાં જઈ લગ્ન કરવા હોય તો આ વિઝાની જરૂર પડે છે. સરળ રીતે સમજીએ તો જો કોઈ ભારતીય યુવક કે યુવતીને અમેરિકાના યુવક કે યુવતિ સાથે લગ્ન કરવા હોય તો તેમણે આ વિઝા માટે અરજી કરવી પડે છે.

6. Transit Visa


આ વિઝા અલ્પ સમય માટે વિદેશ પ્રવાસ જવાનું હોય ત્યારે લેવા પડે છે. એટલે કે કોઈ વ્યક્તિને 72 કલાકમાં જ વિદેશ જઈ પરત ફરવું હોય તો તેને આ વિઝા આપવામાં આવે છે. આ વિઝા સાથે તેણે પોતાની રિટર્ન ટિકિટ પણ તૈયાર રાખવી પડે છે કારણ કે સમય મર્યાદા પૂર્ણ થયા પછી તેણે તે દેશ છોડી દેવો પડે છે અને પોતાના દેશમાં પરત ફરી જવું પડે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ ઉપયોગી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી