વેજિટેબલ ટીક્કી – ખૂબ જ સરળ અને ઝડપથી બની જતી આ ટીક્કી સ્ટાર્ટરમાં પણ બનાવી શકાય છે.

વેજિટેબલ ટીક્કી 

આલુ ટીક્કી બધા ના ઘરે બનતી જ હોય છે. જો બાળકો ને નાસ્તા માં કાંઈક વધુ હેલ્ધી આપવું હોય તો તમે આ ટીક્કી ચોક્કસ થી બનાવજો. ખૂબ જ સરળ અને ઝડપ થી બની જતી આ ટીક્કી સ્ટાર્ટર માં પણ બનાવી શકાય છે. આ ટીક્કી માં તેલ કે ઘી નો વપરાશ સાવ ઓછો કરવામાં આવ્યો હોવાથી વધુ ફાયદાકારક છે. ઘણી બધી અલગ અલગ રીતે ટીક્કી બનાવી શકાય છે. આજે જે રેસિપી લાવી છું એ ખૂબ જ પૌષ્ટિક અને ટેસ્ટી છે.

વેજિટેબલ ટીક્કી માટેની સામગ્રી:-

3 કપ બાફેલા બટેટાનો માવો,
11/2 કપ બાફેલા શાક ( ગાજર, ફણસી અને વટાણા),
1/2 કપ પૌઆ નો ઝીણો ભૂકો,
1/2 કપ સિંગદાણા નો ઝીણો ભૂકો,
1 ચમચી આદુ મરચાંની પેસ્ટ,
1 ચમચી લાલ મરચું,
1/2 ચમચી હળદર,
ચપટી હિંગ,
1/4 ચમચી આમચૂર,
1/8 ચમચી ગરમ મસાલો,
મીઠું સ્વાદ અનુસાર.

તેલ કે ઘી શેકવા માટે

રીત:-

સૌ પ્રથમ એક બાઉલમાં ઉપરની બધી સામગ્રી લો.

અને હળવા હાથે બધું બરાબર મિક્સ કરી લો. અને ટીક્કી નો માવો તૈયાર કરો

હવે નાનાં ભાગ કરી ને મનગમતા આકાર ની ટીક્કી વાળી લો.

હવે એક ગરમ પૅન માં 1 ચમચી તેલ કે ઘી મુકો અને 3-4 ટીક્કી ને ધીમા તાપે શેકવા મુકો.

પછી બીજી સાઈડ ફેરવી ને પણ શેકી લો.

મેં અહીં ટીક્કી ને સીધી જ તેલ માં શેકી લીધી છે કોઈ પણ કોટિંગ કર્યા વિના. ધીમા તાપે ટીક્કી ને બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

(તમે ઈચ્છો તો 2 ચમચી મેંદા માં 1/2 કપ પાણી નાખી ને સ્લરી બનાવો અને વાળેલી ટીક્કી ને આ સ્લરી માં ડીપ કરીને બ્રેડ ક્રમબ્સ માં રગદોળી લો અને પછી શેકો.)


પૅન માંથી એક પ્લેટ માં નીકાળી લો. અને ઉપર થી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી ને સર્વ કરો. હવે આ ગરમાં ગરમ ટીક્કી ને ચટણી, સોસ , સલાડ કે સૂપ સાથે સર્વ કરો.

નોંધ:– ટીક્કી બનાવા માટે જોઈતા બટેટા થોડા વહેલા બાફી લેવા. જેથી પાણી નો ભાગ ના રહે અને ટીક્કી વધુ સારી રીતે વાળી શકો. તમે ઇચ્છો તો વહેલા બાફી ને ફ્રીઝ માં પણ મૂકી શકો છો. બટેટા વધુ પાણી પોચા ના હોય તે ધ્યાન રાખવું. શાક ને બને તો વરાળ માં બાફો અથવા તો સાવ ઓછા પાણી માં બાફી ને ચારણી માં નીકાળી લેવા. તમે ટીક્કી ના શાક માં કોબી , ફ્લાવર અને બીટ નો પણ ઉપયોગ કરી શકો છો. બટેટા અને શાક બંને એકસરખા માપ માં પણ લઈ શકો છો. તમે ઇચ્છો તો સિંગદાણા નો ભૂકો અધકચરો કરી શકો છો. મસાલા માં તમારી ઈચ્છા મુજબ ટેસ્ટ કરી શકો છો.. ઝીણો સમારેલો ફુદીનો અને કોથમીર પણ ટીક્કી માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. ટીક્કી ને ધીમા તાપે જ શેકો. અને જેટલી સારી શેકાશે એટલી વધુ ક્રિસ્પી લાગશે . ટીક્કી નો માવો વધુ સોફ્ટ લાગે તો બ્રેડ ક્રમબ્સ ઉમેરી શકો છો અથવા તો સિંગદાણા નો ભૂકો વધુ ઉમેરો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી