વેજિટેબલ ચીઝ પોકેટ્સ – મેકડોનાલ્ડમાં મળતું વેજિટેબલ પફ જેવો જ ટેસ્ટ છે ટ્રાય કરો

વેજિટેબલ ચીઝ પોકેટ્સ

આજકાલ ના બાળકો ને બહારનું ફુડ ખૂબ જ પસંદ હોય છે. મેકડોનાલ્ડ માં મળતું વેજિટેબલ પફ પણ એમાંનું એક છે.પરંતુ એ બધું બહુ હેલ્ધી હોતું નથી. બાળકો ને ચોક્કસ થી કોઈ પણ સમયે આપી શકો એવા જ એક વેજિટેબલ પફ જેવા યમ્મી અને હેલ્ધી નાસ્તા ની રેસિપી લઇ ને આવી છું.

સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી અને બનાવવા માં સરળ એવા વેજિટેબલ ચીઝ પોકેટ્સ માટે ની સામગ્રી :-

કણક માટે

1 1/2 કપ ઘઉંનો લોટ ( મેં મલ્ટીગ્રેન લોટ લીધો છે),
1/4 ચમચી અજમો,
4 ચમચા તેલ,
મીઠું સ્વાદ અનુસાર,
પાણી કણક બાંધવા માટે,

રીત:-

સૌ પ્રથમ ઘઉં ના લોટ માં અજમો, મીઠું, તેલ ઉમેરી બધું બરાબર મિકસ કરો. ત્યારબાદ ધીરે ધીરે પાણી ઉમેરતા જાવ અને કઠણ કણક તૈયાર કરો. હવે ભીના કપડાં થી ઢાંકી ને 30-45 મિનીટ નો રેસ્ટ આપો

સ્ટફિંગ બનાવવા માટે

1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી,
1/2 કપ ઝીણી સમારેલી કોબી,
1/4 કપ ઝીણું સમારેલું ફ્લાવર,
1/4 કપ ઝીણી સમારેલી ફણસી,
1/4 કપ ઝીણું સમારેલું ગાજર,
1/4 કપ ઝીણું સમારેલું કેપ્સિકમ,
2 ચમચી ઝીણા સમારેલા મરચાં,
1/2 કપ છિણેલું ચીઝ,
1 ચમચો તેલ,
1/8 ચમચી હળદર,
ચપટી જીરુ અને હિંગ,
મીઠું અને મરચું સ્વાદાનુસાર,
1/4 ચમચી ગરમ મસાલો,
1/8 ચમચી આમચૂર,
1/8 ચમચી મરી નો ભૂકો (ઓપ્શનલ),

રીત:-

સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરો. પછી તેમાં જીરુ, હિંગ અને હળદર નાખી ને ડુંગળી ઉમેરી ને તેજ આંચ પર થોડીવાર સાંતળો. ત્યાર બાદ બધા જ ઝીણા સમારેલા શાકભાજી ઉમેરો અને તેજ આંચ પર જ 1 મિનીટ માટે સાંતળો. અને તેમાં મીઠું, મરચું,ગરમ મસાલો,આમચૂર ની ભૂકો, મરી પાવડર ઉમેરો અને બરાબર મિકસ કરી ફરી 1 મિનીટ માટે સાંતળી લો અને ગેસ બંધ કરો. હવે છીણેલું ચીઝ ઉમેરી ને બધું મિક્સ કરી લો. સ્ટફિંગ તૈયાર છે.

હવે પોકેટ્સ બનાવવા માટે

કણક ને તેલ વાળા હાથે બરાબર કુણવી લો.પછી નાનાં લુઆ બનાવી ને રોટલી જેવું ગોળ વણી લો. ચારે બાજુ થઈ કાપી ને ચોરસ આકાર નું બનાવો અને પછી વચ્ચે થી બે ભાગ કરી 2 લંબચોરસ કરી લો. હવે કિનારી એ પાણી લગાવી ને પટ્ટી ની એક બાજુ થોડી જગ્યા મૂકી ને એક ચમચી જેટલું સ્ટફિંગ મુકો.

અને બધી બાજુથી બંધ કરી દો. (ફોટો માં દેખાડ્યા મુજબ) હવે કાંટા ની મદદ થી કિનારી બરાબર પ્રેસ કરી ને બંધ કરી લો. બધા પોકેટ્સ આ રીતે તૈયાર કરી લો. આ વેજી ટેબલ પોકેટ્સ ને મધ્ય ગરમ તેલ માં ધીમી આંચ પર આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળી લો.

પછી પોકેટ્સ ને તેલ માંથી નિકાળી ને પેપર નેપકિન પર નિકાળો એટલે વધારા નું તેલ નીકળી જાય.

આ વેજિટેબલ ચીઝ પોકેટ્સ ને સોસ, ચટણી કે ચીઝ ડીપ સાથે સર્વ કરો. મેં સેઝવાન સોસ જોડે સર્વ કર્યા છે.

ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવા વેજિટેબલ ચીઝ પોકેટ્સ જરૂર થી ટ્રાય કરો અને બાળકો ને ખુશ કરી દો…

નોંધ:- પોકેટ્સની સાઈઝ મોટી પણ કરી શકો. રોટલી મધ્યમ પાતળી વણો .. ખૂબ જાડી કે ખૂબ પાતળી ના કરવી. સ્ટફિંગ મુક્યા પછી બરાબર પોકેટ્સ બંધ કરો . સ્ટફિંગ ને તેજ આંચ પર જ સંતળો. ચીઝના ઉમેરો તો પણ ચાલે.
શાક ખૂબ ઝીણું સામારવું. પોકેટ્સ ને ધીમા તાપે જ તળો એટલે સુપર ક્રિસ્પી બનશે. મનગમતા મસાલા કરી શકો છો.
ઇટાલિયન હર્બસ પણ ઉમેરી શકો છો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી