પરીક્ષા પેપર ની કે આપણી …! દરેક 90ની આસપાસ જન્મેલા લોકો માટે ખાસ…

પરીક્ષા પેપરની કે આપણી …!

વર્ષ ૨૦૦૫, હાયર સેકન્ડરીમાં ભણવા માટે અમે અમારા ગામથી ૧૨ કિલોમીટર દુર લાઠી ભણવા જતા, એ ટાઈમે અમારી ગામની ૭૦૦૦ની વસતીમાં અમે માત્ર ત્રણ વિદ્યાર્થી એક છોકરી અને બે છોકરાઓ બારમું ભણવા લાઠી જતા હતા.[અને લાઠી સિવાય બીજે ક્યાય અમારી બેચના ગામના છોકરાઓ હાયર સેકેન્ડરી કરતા હોય એવી સંખ્યા ય ગણીને અડધો ડઝન જેટલી. ગામમાં દસ ધોરણ સુધી સ્કુલ હતી( જેનું શિક્ષણ પણ ઉદાહરણ રૂપ હતું/છે,) એટલે મા-બાપો સંતાનોને દસ ધોરણ સુધી તો ભણાવી દેતા પણ પછી હીરા ઉદ્યોગનો પ્રભાવ એટલો વ્યાપક હતો કે દસ પછી આગળ ભણનારી સંખ્યા ખુબ શરમજનક હતી. જોકે અમારી બેચ પછી એ સંખ્યા ઉત્તરોત્તર વધતી જ રહી. હાલ રેશિયો ખુબ સારો છે. પણ હવે ગામના મળતા સમાચાર મુજબ દુખની વાત એ છે કે થોડુંઘણું ભી આર્થિક રીતે પહોચી શકતા હોય એવા લોકો પોતાના બાળકોને ગામમાં સરકારી શાળામાં સારું શિક્ષણ હોવા છતાં ભણાવતા નથી…]આટલું વાંચીને કોઈને લાગ્યું હોય કે પોસ્ટ ગંભીર છે તો ખાંડ ખાવ છો હવે આગળ આ પોસ્ટ અને પોસ્ટ લખનાર બેઉ આડે રવાડે ચડવાના છે,…

હા, તો હવે એ લાઠીમાં ટ્વેલ્થની બોર્ડની એક્ઝામ, ઈંગ્લીશનું પેપર. હિન્દી-ઈંગ્લીશ એમ બેઉ અલગ-અલગ વિષય રાખવાવાળા વિદ્યાર્થી હોય એટલે એક ઈંગ્લીશના પપેર પુરતું મારો સીટ નમ્બર અને રૂમ નંબર બદલાયેલો. હવે પેપર શરુ થતા પહેલા બદલાયેલા રૂમમાં જઈને મારો જઈને મારો સીટનંબર શોધ્યો તો દરેક બેંચ પર બે પરીક્ષાર્થી હોવાના નાતે એ બેંચ પર ઓલરેડી એક છોકરી બેઠેલી. એ માત્ર ‘છોકરી’ નહોતી પણ અમારા સ્કુલના બગીચામાં જે થોડા ઘણા ખુબસુરત ફૂલ હતા એમાંથી આ સૌથી મઘમઘતું ફૂલ હતું. પાસેની બેંચ પર બેઠેલા ભાઈબંધ એવા કલાસમેટે તો મારી સામે એવી રીતે હસ્યો કે જાણે કહેતો હોય કે બેટા આજે તો તારે સુગંધ-સુગંધ જ છે.

હું બેંચ પર બેઠો ત્યાં એણે એક સ્માઈલ આપી આપણે મેં હોઠને બદલે સ્હેજ ડોક હલાવી-નમાવી જવાબ આપ્યો. વાત પૂરી. મૂળે હું ખાસ્સો શરમાળ ખરો એ સમયે. (આમપણ અમારે ગામડામાં એ સમયે દસ-બાર ધોરણ સુધી સાથે ભણવા છતાં ૯૫ ટકા છોકરાઓએ પોતાના ક્લાસની કે ‘આગળ-પાછળ’ના ધોરણમાં ભણતી કોઈ છોકરી સાથે ક્યારેય વાત ના કરી હોય એવું સો ટકા શક્ય હતું.)

પછી તો સુપરવાઈઝર આવ્યાને પહેલા ઉત્તરવહીઓ વહેંચાઇ અને પછી પ્રશ્નપેપર. પછી પેપર લખવાનું ચાલુ થયું, આમને આમ કલાક થયો, આ દરમિયાન પેપર લખતી એ ફૂલની સુગંધ મારી આસપાસ પ્રસરાયેલી જ હતી પણ એ મારા પર છવાઈ ના જાય એ માટે મારે સાલું મનોમન ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એની સાથે વાતચીત તો દૂરની વાત છે એ તરફ જોવાનું પણ ટાળ્યું હતું. પછી જો કે એણે જ અમારી વચ્ચેની ચુપકીદી તોડી અને મને કૈક પેપર રીલેટેડ પૂછ્યું, જે મને આવડતું હશે એટલે કહ્યું, થોડીવાર પછી ફરી એ જ ઘટનાક્રમ દોહરાયો. પછી સુપરવાઈઝર જરા આડા અવળા થયા કે એણે મને કહ્યું, “જયારે ઈંગ્લીશના પેપરમાં તું મારી બાજુમાં આવવાનો એવું જયારે અમારે છોકરીઓમાં વાત થઇ ત્યારે જે અત્યાર સુધીની એક્ઝામમાં તારી બેન્ચમાં આવી ચુકી છે એ છોકરીઓ અને તમારા ગામની છોકરીએ પણ મને કહ્યું કે એ પરીક્ષામાં પાસે ભલેને આવ્યો કે પણ કાઈ બોલશે નહિ કે ઇવન કઈ પૂછીશ તો કોઈ જવાબ કે મદદ ય નહિ કરે…” મેં જરા એની સામે જોયું…

પછી એણે ધીરે રહીને ઉમેર્યું, “પણ એ લોકોએ તારા વિષે જેવું કહ્યું તું સાવ એવો નથી…” મેં પેલીવાર એની સામે આંખમાં આંખ મિલાવીને જોયું. કદાચ એ સમજી ગઈ હતી કે હું બહારથી સખ્ખત ભલે હતો પણ અત્યારે અંદરથી હલી ગયેલો. પણ મારું અંદરથી ખળભળી જવું અને એનું આટલું ઉઘડયા પછી મારા માટે બીડાયેલું રહેવું મુશ્કેલ હતું પણ પેલી છોકરીઓએ એને આપેલી મારી છાપ મેં જાળવવા જેટલી સ્વસ્થતા મેં ધારણ કરી લીધી અને ફરી લાંબુ મૌન…

આખરે પેપર પુર થવાને પંદર મિનીટનો સમાય હતો. મારે લગભગ બધું લખાઈ ચુક્યું હતું. ત્યાં એણે મને પૂછ્યું,“બધું લખાઈ ગયું?” …. ”ના, એક કવિતાનો સ્ટાન્જા પૂછાયો છે એ નથી આવડ્યો.” મેં કહ્યું.

“મારી પાસે કાપલીમાં છે, જોઈએ છે?” એણે ઓફર કરી, આ પહેલા એકપણ એકઝામમાં મેં કોપી કે જેને શુદ્ધ ભાષામાં કહીએ તો ચોરી કરેલી જ નહિ. એ દિવસ પહેલા કોઈ દિવસ હું કાપલી લઇ ગયો નથી. (પછી જો કે આર્ટ ડીપ્લોમાં કર્યું ત્યારે થીયરીકલ વિષયોમાં બિલકુલ રસ નહોતો પણ એવા પાંચ પેપર આવતા જેમાં ય ક્યારેય કાપલી નહોતો લઇ ગયેલો….પણ દરેકમાં આખી બુક જ લઇ ગયેલો.) મેં ઓફર સ્વીકારવા હા ભણી.

પછી એ છોકરીએ કાપલી કાઢવા દુપટ્ટો સ્હેજ સરકાવીને જે અંગ પરથી કવિતાની કાપલી કાઢીને મને આપી કે હું લાખ પ્રયત્ન છતાં રોકી ના શક્યો અને મેં કવિતા લખતા પહેલા એક લાંબો શ્વાસ લઇ એ કાપલી સુંઘી અને એ ય ના રોકી શકી એની જાતને ખીલખીલાટ હસતા…

એ પછી એ સમયના શરમાળ છોકરા એવા મારે આજે એટલું સ્વીકારવું કે કહેવું જોઈએ કે,” મને આજે એ કવિતા યાદ નથી, છોકરીનું નામ યાદ નથી, એનો ચહેરો ય પાક્કો યાદ નથી, પણ મને એ સુગંધ ય યાદ છે , એ અંગ યાદ છે જ્યાંથી એણે કવિતા કાઢેલી….

એ કદાચ એટલા માટે મેં ભલે આજ સુધી કવિતા કરી ના હોય પણ એણે મને પહેલીવાર અહેસાસ કરાવ્યો કે એણે જ્યાંથી કવિતા કાઢેલી હું એ અંગો પર, એ સુગંધો પર કવિતા કરી શકું એમ છું…:

એક છોકરીએ અંગોમાં સાગરના મોજાં રાખ્યા છે…….
અટકળની આ વાત નથી, મેં થોડાં થોડાં ચાખ્યા છે!

છેલ્લી પંક્તિઓ :- ઉદ્દયન ઠક્કર

લેખક :- કાનજીભાઇ મકવાણા

લેખન સંકલન : વસીમ લાંડા

દરરોજ અવનવી માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ

ટીપ્પણી