છાણાં – સરળ અને સસ્તી અને ઉપયોગી એવી ખોવાયેલી પેદાશ

છાણાં : સરળ અને સસ્તી અને ઉપયોગી એવી ખોવાયેલી પેદાશ
=========================================

એક સમયે અમારા ઘરે રસોઈ બનાવવા માટે સગડીનો ઉપયોગ થતો હતો. લગભગ ચાલીસ વર્ષ પહેલાં. સગડીના ઉપરના ભાગે કોલસા ભરી નીચે એક છાણાંના બે ભાગ કરી તેને સળગાવીએ. દસથી પંદર મિનિટમાં કોલસા સળગીને એકદમ લાલચોળ થઈ જાય એટલે ઉપર તાવડી મૂકી સગડી ઘરમાં લઈ લેતા. આ છાણાંનો તે સમયે ખૂબ વપરાશ થતો. હવા ભરી ચાલુ કરવાનો કેરોસીનનો સ્ટવ પણ હતો જે પેટાવ્યા પછી અવાજ થતો રહેતો તેથી “ભડભડીયો” કહેતા અને ત્યારબાદ દિવેટ વાળા સ્ટવ આવ્યા જેને “મૂંગોપ્રાયમસ” કહેતા હતા. છાણાં ખૂબ સરળતાથી મળી જતા અને પાછા કિંમતમાં પણ સસ્તા હતા એટલે તેનો વપરાશ વધુ રહેતો. જો પાતળા હોય તો એક રૂપિયાના પચીસ અને પ્રમાણમાં જાડા હોય તો તે એક રૂપિયાના વીસ મળી જતા. રોજ ત્રણ વાર સગડી જગાવવાની રહેતી એટલે લગભગ છ થી સાત નંગ રોજ વપરાતા હતા તો પણ પ્રમાણમાં સસ્તું પડતું હતું. એ સમયે છાણાં એક બળતણ તરીકે ખૂબ સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ પેદાશ હતી.આ પેદાશ કે બળતણ એટલે કે છાણાં એ આપણી દેશી પદ્ધતિથી બનાવવામાં આવે છે. એક રીતે જોઈએ તો તે waste માંથી best વિચારનો ઉત્તમ પ્રયોગ છે. કાચો માલ શું? ગાય કે ભેંસનું મળ, ગોબર, છાણ કે પોદળાં! એક પૂરક ઉમેરણ બકરીની લિંડીનું પણ ખરું! અન્ય પશુઓના મળનો વપરાશ નથી થતો તે ખાસ નોંધનીય છે. હા, ઘોડાની ચંદી કે ગધેડાની લાદ એ ક્યાંક લીંપણ-ગુંપણમાં ઉપયોગ થાય છે. છાણાં બનાવવા માટે તો ગાય અને ભેંસનું છાણ જ વપરાય છે.

આ છાણાં શબ્દ છાણ પરથી ઉતરી આવ્યો છે. જે સંસ્કૃતમાં છગણ, દેવનાગરીમાં છાણકં – છાણઊ તરીકે ઓળખાય છે. ગાય કે ભેંસના છાણને બે હાથ વડે મસળી, તેના ગોળ પિંડ બનાવી અને તેને બે હાથ વડે જમીન કે ખરબચડી દીવાલ પર ગોળાકારે થાપી દેવામાં આવે છે. જે સુકાઈ જતા છાણાં તરીકે મુખ્યત્વે બળતણ હેતુથી વપરાશ કરવામાં આવે છે. ઘરઆંગણે કે નજીકની ન વપરાતી જગ્યાએ કે બિન માલિકીની અથવા જાહેર દીવાલો પર થાપવામાં આવે છે. મોટાભાગે આ કાર્ય સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. જે ઘર/પરિવારોમાં આવા દુઝણાં પશુઓ રાખવાનો પરંપરાગત વ્યવસાય છે તેવી જ્ઞાતિ ઓની સ્ત્રીઓ અથવા ખડપીઠેથી આવું છાણ એકત્ર કરીને ઘરે લઈ જઈ સ્વવપરાશ કે વેચાણ હેતુથી છાણાબનાવનારી સ્ત્રીઓ કરતી હોય છે. વેચાણ હેતુથી બનાવાતા છાણામાં વધુ વજન અને વધુ ઝડપી અગ્નિ પકડે તે હેતુથી તેમાં લાકડાનોવ્હેર કે સૂકી કડબના રાળા પણ ભેળવવામાં આવે છે. અનુભવી સ્ત્રીઓ દ્વારા બનતા છાણા હાથથી જ ગોળાકાર અને એક માપના બને પણ ન આવડતું હોય તેવા લોખંડની રિંગમાં દબાવી પછી રિંગ ઉઠાવી લેતા હોય છે. હાથથી છાપેલા છાણાં પર ચાર આંગળીઓની છાપ પણ ઉપસી જતી હોય છે. જાડા અને પાતળા એમ બે વકલ તૈયાર થતી હોય ત્યારે વેચાણભાવ જુદો જુદો હોય છે. જેને જોઈતા હોય તે તેઓના ઘરેથી વેચાતા લઈ આવે. કોઈ લારીમાં કે માથે કોથળા/ગાંસડી નાખી વેચવા પણ નીકળે ખરા.

હાથથી થાપેલા છાણાં સિવાય છાણાંનો બીજો પ્રકાર છે તેને ” અડાયા ” છાણાં કહે છે. જે સંસ્કૃત શબ્દ ” અટ્ટ ” એટલે કે સુકાઈ ગયેલું ( અટ્ટાયું ) પરથી આવેલ છે. જંગલમાં કે સીમમાં જે છાણ પડ્યું પડ્યું સુકાઈ ગયું હોય તેને અડાયું છાણું કહે છે. ખૂબ પ્રચલિત અર્થમાં તેના માટે એમ કહેવાય છે કે; જેને કોઈ અડયું ન હોય તેવું છાણું. આવા છાણાં વીણવા જવું પડે. જે લોકો જંગલમાં લાકડાના ભારા લેવા જતા હોય તે આવા છાણાં પણ વીણી લાવે છે. જેનો સીધો ઉપયોગ બળતણ તરીકે કરી શકાય છે. આવા છાણાં મૂળાકારે હોય છે. પાઘડી જેવો આકાર ખરો! આવા છાણાં મુખ્યત્વે યજ્ઞ કાર્યમાં વાપરવામાં આવે છે. આમ પણ પંચ ગવ્યનું એક ઘટક ગાયનું છાણ પણ છે. જે કર્મકાંડી વ્યક્તિઓ હોય તેના ઘરે આવા છાણાં સાચવી રાખ્યા હોય છે. પશુપાલકો કે છાણાં વેચનારાઓ પણ આવા છાણાં વધુ કિંમત મેળવવાની આશાએ સંઘરી રાખે ખરા!બળતણ સિવાય પણ છાણાં અનેક ઉપયોગમાં લેવામાં આવે છે. જો અડાયા ન મળે તો યજ્ઞમાં આ છાણાં પણ ચલાવી લેવાય છે. હું સમજણો થયો ત્યારથી જોતો આવતો કે જ્યારે પણ કૌટુંબિક નૈવૈદ્ય હોય ત્યારે એક છાણું સળગાવી તેને ધુપેલીયામાં રાખી વડીલો નૈવૈદ્ય જારતા હતા. સૌથી મોટો ઉપયોગ તો હોળીના તહેવારમાં જ ને? હોળી બનાવવા માટે છાણાં જ વપરાય છે. કોઈપણ આકારના, જાડાઈના, પ્રકારના કે ખરીદેલા કે ચોરેલા હોય પણ છાણાંની જ હોળી પ્રગટાવવામાં આવે છે. આ પરંપરા આજ સુધી ચાલી છે. આ તહેવાર માટેનું પ્રચલિત જોડકણું છે; હોળી માતા હોળી, છાણાં લાવ્યા ચોરી. બચપણમાં હોળીના તહેવારે આ ખૂબ ખૂબ ગાયું પણ છે. ત્રીજો ઉપયોગ છે તે શિયાળામાં તાપણું કરવા માટે. જો ચોકમાં બેઠા હોય અથવા ઘરઆંગણે બેઠા હોય ત્યારે ઠંડીથી બચવા – ખાસ તો આનંદથી – આજુબાજુથી છાણાં લઈ આવવાના અને સળગાવી તાપણું કરવાનું. એક ઉપયોગ કરતા ઘરમાં મચ્છરનો ત્રાસ વધે તો એક બકડીયામાં છાણાં સળગાવી તેમાં લીમડાના પાનની ઝુમખીઓ નાખી તે બકડીયું ઘરમાં દરેક રૂમમાં પાંચ-દસ મિનિટ રાખી દેતા. બારી બારણાં ખુલ્લા હોય એટલે મચ્છર તે કડવા ધુમાડાથી ભાગીને બહાર નીકળી જાય અને પછી રૂમ બંધ કરી દેતા. જે ઘરમાં પ્રસૂતા હોય તેને દસ-પંદર દિવસ રોજ રાત્રે છાણાંનો શેક પણ આપવામાં આવતો હતો. એક બકડીયામાં છાણાં સળગાવી તે બકડીયું કાથી ભરેલા ખાટલે સુતેલી પ્રસુતાને નીચેથી આવો શેક આપવામાં આવતો હતો. આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રથા છે. શહેરી વિસ્તારમાં ઓછી જોવા મળે છે. છાણાંનો ભુક્કો કરી તેને પલાળીને ફૂલછોડના કુંડામાં દેશી ખાતર તરીકે પણ ઉમેરવામાં આવે છે. જે પશુપાલકોના ઘરે છાણનો વપરાશ છાણાં બનાવવામાં ન થાય તે આવો ઢગલો ખેતરમાં નાંખવા પણ લઈ જતા. આ છાણીયું ખાતર કહેવાતુ. હિન્દૂ પરિવારોમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે સ્મશાનયાત્રા વખતે ઘરેથી લઈ જવાતી અગ્નિની દોણીમાં સળગતા છાણાં જ હોય છે.કોઈપણ રીતે બળેલું કે સળગેલું છાણું તે પછી પણ ખાસ ઉપયોગમાં આવે ખરું. આ છાણાં બળી ગયા પછી તેની રખ્યાને એક ડબામાં ભરી રાખી તેનો વાસણ ઉટકવામાં ઉપયોગ થતો હતો. કાંસા, પિત્તળ, તાંબા અને જસતના વાસણો રખ્યાથી સાફ કર્યા પછી તે આભલા જેવા ચમકે છે. તે સમયે આજે વપરાતા ડિટેર્જન્ટ કે લિકવિડ કે સાબુનો વપરાશ વાસણ ઉટકવા માટે ન થતો. નાળિયેરની છાલ અને રખ્યાથી વાસણો સાફ થતા હતા તો અઠવાડિયે એકાદવાર આંબલી પલાળી તેને આ કાથી કે ઝાટ સાથે વાસણો ઘસવામાં આવતા હતા. અત્યારે જે ટૂથપેસ્ટ છે તે નહોતી ત્યારે આ રખ્યા ઝીણા ચારણેથી ચાળી લેવાતી અને તેનો લોટ જેવા ભુક્કામાં દળેલું મીઠું ભેળવી તેને બાવળ કે લીમડાના દાતણ સાથે સવારે મોં સાફ કરવામાં કરતા હતા. તેનો તુરો પણ સુગંધી સ્વાદ આજે પણ યાદ છે.શિયાળામાં કે ઉનાળામાં તો છાણાં ઘરઆંગણે રાખી દેવાતા હોય પણ ચોમાસામાં તેને સાચવવાની ખૂબ મગજમારી થાય! છાણાં વિના તો સગડી પેટાવી ન શકાય. છાણાં તો જોઈએ જ! મારા પૂ. બા અમારા ઘરની ખુલ્લી ઓસરીમાં એક છેલ્લે બે ભીંતનાકાટખૂણે છાણાં ગોઠવી તેની ઉપર છાણનું જ લીંપણ કરી નાંખતા. આ છાણાં એક ઉપર એક એમ નહીં પણ બે ઉપર વચ્ચે એક એમ ગોઠવતા. નીચે નાના નાના ત્રણ લાકડાનો ચોરસ ખાંચો રાખતા. જે છાણું દેખાય તે ખેંચી લેવાનું અને પછી એક ડાબેથી અને એક જમણેથીખેંચવાનું એમ તે ચોકઠેથી છાણાં એક એક કરીને ખેંચી સગડી જગાવવાની. છાણું કાઢી લીધા પછી તેને ગાભાનો ડૂચો મારી દેવાનો રહેતો જેથી ભેજ ન જાય. આ આખી રચનાને ” મોઢ કે મોઢયું ” કહેતા. જો તેને નીચે બરાબર ડૂચો ન દીધો હોય તો મોટું જોખમ નાગનું રહેતું. કાળોતરા નાગનું ચોમાસાનું રહેઠાણ આવા મોઢ બને છે. તે ખૂબ ઝેરી હોવાથી જો છાણું લેવા હાથનો પંજો અંદર નાખીએ અને ત્યાં આ નાગ હોય તો ડંખે અને જીવ ગયાના સેંકડો દાખલાઓ છે. ખાસતો ગમાણ કે ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં જ્યારે આવો મોઢ બનાવ્યો હોય ત્યારે ખૂબ સાચવવું પડે. વરસાદ થયા પછી ઉપરનું લીંપણ ઢીલું પડે એટલે કોઈ જગ્યાએથી નાગ અંદર ઘુસી જાય ખરા. આ મોઢ શબ્દ મૂળભૂત રીતે મઢ શબ્દ પરથી વ્યવહારમાં ઉતરી આવ્યો હશે તેવું માની શકાય ખરું..

છાણાં એ લોક જીવનની રસોઈ જેવી અગત્યની કામગીરી સાથે સંબંધિત વસ્તુ છે. છાણ અને છાણાં અનેક રીતે કહેવતો અને રૂઢિપ્રયોગોમાં પણ વણાઈ ગયેલ છે. એક ખૂબ જ પ્રચલિત કહેવત છે કે ” રાજાને ગમે તે રાણી, છાણાં વીણતીઆણી ” એટલે કે રાજા સર્વ સત્તાધીશ હોય છે. બીજા અર્થમાં દીકરાને જે ગમે તે કન્યા સાથે લગ્ન કરવા. બીજી કહેવત છે કે ” છાણાંના દેવ ને કપાસિયાની આંખો ” મતલબ કે જેવું પાત્ર તેવું દાન અથવા તો જેને જેમ શોભે તેમ કરવાપણું. ” છાણાં બાળી ધુમાડો કરવો ” નો અર્થ છે કે રેહ ખાઈને નુકસાની વહોરવી. ” છાણેચડાવીને વીંછી લાવવો ” એટલે કે હાથે કરીને દુઃખ વહોરવું અથવા તો જાણવા છતાં મુશ્કેલી આવવા દેવી. રૂઢિપ્રયોગોમાં છાણાં થાપવા એટલે મર્યાદા નહીં રાખવી કે કોઈને સંતાપવું. છાણાં ભાંગવા એટલે ખાતી વખતે ગોઠણ હેઠે છાણુંદબાવીને બેસવું અને તે ભાંગી ન જાય ત્યાં સુધી ખાતા રહેવું. છાણાં સંકોરવા એટલે ઉશ્કેરવું કે ખોટી બાબતમાં ઉત્તેજન આપવું કે ચડાવવું. છાણું મુકાવું એટલે મરી જવું કે બળી જવું.

વર્તમાનમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ બળતણ તરીકે છાણાંનો ઉપયોગ ઘટ્યો છે કારણ કે પહેલા ગોબર ગેસની અને હવે ગેસના બાટલાની સુવિધા લગભગ ગામે ગામ પહોંચી છે. બીજું કે ગ્રામ્ય કે શહેરી વર્ગોમાં શિક્ષણની સુવિધાથી શિક્ષિત સ્ત્રીઓને આ કામ પસંદ નથી. કેટલાક સમાજમાં તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીકામ કરતા યુવાનોના ઘરે દીકરી આપવામાં પણ દીકરીના માબાપ વિચાર કરતા હોય ત્યારે છાણ-વાસીદા જેવા કામકાજ હોય ત્યાં તો આપવાનો પ્રશ્ન જ રહેતો નથી. શહેરી વિસ્તારોમાં રહેતા જુના પશુપાલકો પણ હવે આ પશુધન રાખતા નથી. ગ્રામ્ય જેવી સુવિધા હોય તો જ શહેરોમાં પશુઓ રાખવા પોસાય છે. જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે તેવા કેટલાક સમાજ/જ્ઞાતિઓમાં શહેરોમાં વસવાટ હોય તો પણ પશુપાલન ધંધો કરતા હોય તો છાણાં બનાવે છે. શહેરોમાં ઘરે-ઘરે પાઈપલાઈનથી રાંધણ ગેસ મળી જતો હોવાથી આ બળતણની જરૂરિયાત જ નથી. ગેસ અને ચૂલા સંબંધી કેટલીક સરકારી યોજનાઓ પણ હોવાથી લોકો તે પસંદ કરે છે. જ્યાં બાટલાથી ગેસ મળે છે ત્યાં એક આકસ્મિક જરૂરિયાત તરીકે કદાચ સ્ટવ કે છાણાં વપરાશ હોય છે.આવી તમામ સ્થિતિ હોવા છતાં પણ કેટલાક લોકોને છાણાંની જરૂરિયાત હોય તો ક્યાં મળી શકે? તેનો ઉકેલ હવે ઘરે બેઠાં વસ્તુઓ પહોંચાડતી કંપનીઓ આપે છે. જે અડાયા છાણાં સીમમાં મફત મળતા હતા તેવા પણ યાંત્રિક સાધનોથી બનેલા અને આકર્ષક પેકીંગમાં જરૂરિયાત પૂરતા છાણાં આવી કંપનીઓ ઓનલાઈન ઓર્ડર મેળવી પહોંચાડી રહી છે! અનેક બ્રાન્ડનૅમ હેઠળ વેચાતા આવા છાણાંઓની ખરીદી અને વેચાણ એમેઝોન નામની ઇ-કોમર્સની કંપની કરી રહી છે. જુદી જુદી ગૌશાળાઓમાં ગાયોના છાણને યાંત્રિક સાધનોથી છાણાંમાં રૂપાંતરીત કરીને તેનું વેચાણ કરવામાં આવે છે. આવી એક પ્રચલિત બ્રાન્ડ છે ” ડોક્ટર કાઉં ” દેશી ગાય કે ગોબર કે કંડે! બીજી બ્રાન્ડ છે ” ગોમાયાકંડે ” ત્રીજી સંજીવની બ્રાન્ડ છે જે રૂપિયા વીસમાં છ નંગ અડાયા છાણાં વેચે છે. પરિવર્તનના આ ઝડપી યુગમાં ચૂલા કે સગડી જ્યારે અપ્રસ્તુત બની ગયા છે ત્યારે સ્વાભાવિક જ છાણાંની પણ આવી સ્થિતિ બને છે. આ સમયમાં અમે ગાયેલું જૂનું એક જોડકણું પણ હવે અસ્થાને જ બની જાય ને?

” ડોશીમાંડોશીમાં ક્યાં ચાલ્યા?
છાણાં વીણવા
છાણાંમાંથી શું મળ્યું?
રૂપિયો
રૂપિયાનું શું લાવ્યા?
ગાંઠિયા
બળે તમારા ટાંટિયા!!! ”

લેખક :- ડૉ. રમણિક યાદવ

સાભાર : વસીમ લાંડા

દરરોજ અવનવી માહિતી વાંચવા અને જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી