વાંઝણા વિચાર

વાંઝણા વિચાર

સંતોક એક ખૂબ જ લાગણીશીલ સ્ત્રી. પ્રેમાળ આંખો, ભાવ ભીનો અવાજ, શ્યામવર્ણ નમણો ચહેરો. પહેલી જ નજરે કઠોરમાં કઠોર પુરૂષના મનમાં પણ પ્રેમના અંકુર ફૂંટે એવી સ્ત્રી. જે કોઈ એને નજીકથી જાણતું થયું, એ દરેક વ્યક્તિની એ પ્રિય પાત્ર બની ગઈ છે. પરંતુ, એનાં ઘરમાં ? સાસરી અને પિયર, બન્ને પક્ષે સંતોકને “વાંઝણી” કહી હંમેશા તુચ્છકારી જ છે. તેમ છતાં, સદા હસતો-રમતો ચહેરો !

દર વર્ષે ઉનાળુ વેકેશનમાં તો ભારતમાં જ રહેવું પસંદ કરીએ. વેકેશનમાં વડોદરા આવીએ ત્યારે, સંતોક અને હું ખાસ્સો સમય સાથે ગાળીએ. સ્વભાવે મજાની મળતાવડી અને હોંશીલી પણ એટલી જ. એટલે જ તો, અમને બંનેને સારું ફાવી ગયેલું. હું અને સંતોક એક જ સોસાયટીમાં રહેતાં હોવાથી, સમાજમાં થતી ગણગણથી હું સંતોક વિષે ઘણું ખરું જાણતી. પણ, પંચાતથી દૂર રહેવાની ટેવને લીધે કદી એ ગણગણાટમાં ઊંડી ઊતરી ન હતી.

ગઈકાલે મોડીરાતે અચાનક દાદીમાની તબિયત બગડી. આ સમયે દાદીમાને હોસ્પિટલ લઇ જવામાં સંતોક અને એમના પતિ મોહનભાઈ સૌથી પહેલાં મદદે આવી પહોંચ્યાં. આખી રાત હોસ્પિટલમાં સાથે રહેતાં, બંનેને નજીકથી જાણવા-સમજવાનો મોકો મળ્યો. મોહનભાઈ સંતોકથી ૧૮ વર્ષ મોટા_કંઇક વિચિત્ર લાગ્યું. મોહનભાઈ કોઈક “નીચલી જાતિ”ની વ્યક્તિ અને એમના સમાજમાં એક માત્ર ઉચ્ચ-શિક્ષણ લઇ શહેરમાં આવી વસનાર વ્યક્તિ. “નીચલી જાતિ” ખૂંચ્યું ને ?! હા, મને’ય કદીક ખૂબ ખુંચેલું. એથી જ તો મેં અહીં જાણી જોઈને લખ્યું. આજની તારીખે’ય સામાજિક ઊંચ-નીંચના વાડા થોડાઘણાં અંશે નડે છે. એટલે જ મેં સંતોક સાથે ઓળખાણ થઇ એ સમયે કુતુહલ દબાવીને ચુપ રહેવું પસંદ કરેલું.

“હશે…હવે, મારે શું?!” એવાં ઉદગાર મનોમન નીકળ્યાં હતાં એ આજે પણ યાદ છે.

પણ, કુતુહલને કેટલાં વર્ષો દબાવી શકો ?! આજે મોકો મળી જ ગયો. આ પંચાતિયો સ્વભાવ નથી પણ માનવસહજ છે. વેકેશન દરમિયાનની મારી સૌથી નજીકની મિત્ર એટલે સંતોક. કદી એકબીજાની અંગત વાતોમાં દખલ કરી નથી. પણ, આજે એકદમ નજીકથી જોયું કે, મોહનભાઈ સંતોકને નાની બાળકીની જેમ જ…….. એ બંને વચ્ચે પતિ-પત્નીના સંબંધને બદલે કંઇક વિચિત્ર જ અનુભવ્યું. એક તરફ દાદીમાની લથડતી તબિયતને લીધે ચિંતા અને બીજી બાજુ, બાજુમાં જ બેઠેલાં આ યુગલના વિચિત્ર સંબંધનું કૌતુક.

આજે મારી આંખો..મન..આ જોડીને પતિ-પત્ની માનવા તૈયાર જ નથી. પણ, હકીકત તો એ જ છે. કદાચ, સંતોક મારી આંખોનું કુતુહલ વાંચી ગઈ હશે. થોડી થોડી વારે અનુભવ્યું કે, સંતોક મારી સાથે વાત કરવાની કોઈ તક છોડતી નથી. પણ, સ્હેજ કૈક વાત કરીએ ને કોઈ ને કોઈ કારણોસર વાત અધૂરી અટકી પડે.

સંતોકને ઘણી વખત ગણગણતી જોઈ છે પણ કદી ખાસ ધ્યાન આપ્યું ન હતું કે એ શું ગણગણતી હોય છે. આજે તો કુતુહલ હદ પાર કરી ગયું’તું એટલે કાન માંડી સંભાળવાની કોશિષ કરેલી.

“કોઈ દેશી હમારા હોય…….તો દલની કહીએ………..જો આવો હમારે સાથ…નિજ ભોવન જઈએ…”

“ઓહ્હ….આ તો ગણપતરામનું પદ..” મનોમન હું મારી જ સાથે વાતોએ ચડી. “હું આજ સુધી એની નજીક હોવા છતાં એની મૈત્રીઆશને સમજી ન શકી…ગણગણાટ માનીને અલિપ્ત કેમ રહી ?!”

વહેલી સવારે દાદીમાની તબિયત થોડી સ્થિર થતાં, કેન્ટીનમાં બેસી ચાની ચુસકી સાથે અમે નિરાંતનો શ્વાસ લીધો. મોહનભાઈ ચા-નાસ્તો કરી ઘરે જવા નીકળ્યાં. પણ, સંતોક મારી પડખે જ..આમે’ય એને ક્યાં બાળકોની ચિંતા છે !!

અચાનક લાગ મળતાં, સંતોક મારો હાથ પકડી મને એક ખૂણામાં લઇ ગઈ. એને’ય કશુંક કહી મન હળવું કરવાની ઊતાવળ હોય એવું લાગ્યું.

“દીદી………. બહુ આશ્ચર્ય થાય છે ને ?! મને ને મોહનને જોઈને ?! હું કશું વિચારું, જવાબ આપું એ પહેલાં તો સંતોકની આપવીતી ચાલુ થઇ ગઈ.

“દીદી, આજ સુધી ચુપ રહી બધું જ સાંભળતી આવી છું. તમને મળીને એવું લાગ્યું કે, તમે અમને બંનેને સમજી શકશો એટલે જ મોં ખોલી રહી છું. લગ્નને ૧૫ વર્ષ થશે. દીદી, તમે તો જાણો જ છો કે, અમારી પાછળ આપણી સોસાયટીના લોકો.. અરે આ સમાજ પણ અમને “નીચલી જાત”ના જ સાલ્લા… કહે છે. અમને બંનેને હકીકતથી અજાણ રાખી વડીલોએ અમારાં લગ્ન કરાવ્યાં. મને લગ્ન સમયે સહેજેય જાણ ન હતી કે, મોહન વિધુર છે અને મારાથી ઘણાં મોટા પણ છે. મોહન પણ અજાણ જ હતાં કે હું એમનાથી ૧૮ વર્ષ નાની છું. લગ્ન સમયે મારી ઉંમર ૧૬ ને એ ૩૪ના. શરૂશરૂમાં મોહન કદી મને એની પત્ની તરીકે સ્વીકારી શક્યાં જ નહિ. એક તો એ એમની પહેલી પત્નીને ખૂબ જ ચાહતા હતાં ને બીજું ખાસ કારણ એ પણ હતું કે, હું ઉંમરમાં એમનાથી ઘણી નાની……મારી ઉંમર કરતાં અમારી ઉંમરનો તફાવત મોટો…” (એક તુચ્છ હાસ્ય એનાં ચહેરે ઉપસી આવ્યું.)

હું ઘણાં વર્ષોથી સંતોકને ઓળખું છું. પણ એની ભાષા-શુદ્ધિ, એનું ભાષા પરનું પ્રભુત્વ તો આજે જ જાણ્યું. એ તો દિલની વાત વહાવી રહી,

“એમનું ઉચ્ચ-શિક્ષણ અને એનાથી પણ ઉત્તમ એમના વિચારો…લગ્નના થોડાં વર્ષો સુધી તો, એમના માટે હું નાની બાળકી જ હતી…..મને ખૂબ પ્રેમ કરે…મારી નાની નાની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખે. મારી સારી સંભાળ રાખે. હંમેશા મને ખુશહાલ રાખવા પ્રયત્ન કરે. પણ, દીદી….

એ પ્રેમમાં ‘પતિ‘ નહિ પણ એક ‘વડીલ-મિત્ર‘ની લાગણી. “

આસપાસ અરીસો હોત તો, આજે સતત બદલાતાં મારા ચહેરાના ભાવ ઝીલવામાં એ પણ હાંફવા લાગ્યો હોત. સંતોક તો બોલ્યે જાય છે,

“એ સમયે તો, આખી દુનિયા માટે અમે પતિ-પત્ની હતાં પરંતુ, અમારાં અંગત સંબંધ મિત્રતા ભર્યા જ રહ્યાં. ૨ વર્ષ પછી અમે ગામડેથી આ શહેરમાં આવ્યાં. અહીં આવીને સૌથી પહેલાં તો, એમણે મારું ભણતર ફરી ચાલુ કરાવ્યું. જોતજોતામાં હું, ગામડાની ગમાર મટી શહેરની ડબલ ગ્રેજ્યુએટ સન્નારી બની ગઈ. અહીના સમાજમાં કેમ વર્તવું એ હું એમની પાસેથી જ શીખી છું. મારા વડીલ કહો, શિક્ષક કહો, મિત્ર કહો કે પછી પતિદેવ કહો..મારું સર્વસ્વ મોહન જ છે. આજે મારી ગણતરી સમાજની પ્રતિષ્ઠિત સમાજસેવિકામાં થાય છે તો એનાં ખરા હક્કદાર મોહન જ છે. એમણે જ મને સ્ત્રી ઉદ્ધાર, બાળવિવાહ અને બાળમજુરી વિરુદ્ધ સંસ્થાઓમાં જોડાવા પ્રોત્સાહન આપ્યું છે.

લગ્ન પછીના ૮ વર્ષ તો આમ જ પસાર થઇ ગયાં. અને અમારાં સમાજના લોકોએ મને ‘વાંઝણી’ કહેવાનું ચાલુ કરી દીધું. ગામડે જઈએ ત્યારે મોહનને બીજા લગ્ન કરવા સમજાવવા લાગ્યાં. આ સમયે મારાથી વધુ દુઃખ મોહનને થતું હતું.

હા દીદી, જીવનમાં એ દિવસો પણ આવ્યાં કે જ્યારે અમારાં વચ્ચે શારીરિક સંબંધની શરૂઆત થઇ. પરંતુ, અમારું લગ્ન-જીવન એકદમ નિર્મળ પ્રેમથી શરૂ થયેલું. એટલે આ નવા સંબંધથી અમારું બંધન અતૂટ બની ગયું. હવે સમાજના મેણાં-ટોણાથી અલગ થઈએ એવાં અશક્ત અમે ન હતાં. મોહનની ઢળતી ઉંમરનો વિચાર કરતાં બાળક માટે વિચારવું એ એક ગાંડપણ જેવું લાગ્યું.

સમાજમાં સમજદાર કેટલાં ?! એટલે જ, “ચુપ રહેવામાં જ સમજદારી” વિચારી અમે બન્ને મૂંગે મોઢે મેણાં સહન કરીએ છીએ.

મારા સગાં માં-બાપે મને ધોકો આપ્યો. એ સમયે તો હું કમોતે મરી હોઉં એવું અનુભવેલું. પણ, મોહનના પ્રેમાળ સ્વભાવે મને ખુશહાલ જીવંત રાખી છે. લગ્ન થકી સમાજની દ્રષ્ટિએ હું પરિણીતા બની. પણ મારી દ્રષ્ટિએ, મારો પુનર્જન્મ થયો…

“મોહનની રાધા કહો..મીરાં કહો… કે રુકમણી કહો…

દીદી, મોહનની રાધા-મીરાં-રૂકમણીને ‘વાંઝણી’ કહેનારના “વાંઝણા વિચાર” પર મને તરસ આવે છે.”

હું અપલક….. અવાચક…… સંતોકને સાંભળી રહી.

લેખક – આરતી પરીખ (ખોબર, સાઉદી અરેબિયા)

ટીપ્પણી