વજુ બાદલ – વેહવાર અને સંસારનું ચિત્રણ કરતી નવલિકા !

સાંજના ચાર થવા આવ્યાં છે!! આજુબાજુ નાની અને રૂપકડી ટેકરીઓ વચ્ચે લીલું કુંજાર એક ગામ!! ગામથી ચોટીયાવા આઘે એક નદી!! ચારેકોર લીલોતરી આંખને ટાઢક આપી રહી છે!! ગામને ગોંદરે એક બજરંગદાસબાપાની દેરી અને દેરીને ફરતે એક ગોળાકાર ઓટલો અને આજુબાજુ આઠેક લીંબડા ના ઝાડ!! દૂર દૂર એક ટેકરીઓ પરથી ગોધન ચરતું હાલ્યું આવે છે અને આકાશમાં આછાં કાળા અને આછા ધોળાં એવા વાદળની હારમાળા ગામની બરાબર મધ્યમાં રામજી મંદિર અને એની ધજા ધીમા પવનમાં ફરકી રહી છે.

બજરંગદાસ બાપના ગોળાકાર ઓટલે ભાભલાઓની બેઠક જામી છે!! એય ને અલકમલકની વાતો હાલી રહી છે!! ભાભલામાં તો પુંજાભાભા ,વશરામભાભા, રતુભાભા, લાખાભાભા, દેવશીભાભા અને ખાસ તો જેઠાભાભા આટલા તો આ ઓટલે હોય હોય હોયજ!! જેઠાભાભા એ તમાકુ કાઢી એયને ગોળના પાણીમાં ઝબોળેલી તમાકુ અને ભરી હોક્લીમાં!! કાઢ્યું લાઈટર અને કર્યો ભડકો!! અને પછી ગુડ….. ગુડ ………. ગડ……. કરતાં નીકળ્યા ધુમાડાના ગોટા અને જેઠા ભાભાએ હોકલી માંડી ખેંચવા અને એવી રીતે હોકલી ખેંચતા હતાં પાછી ફૂંકે કે જાણે આખું બ્રહ્માંડ જાણે ના પી લેવું હોય!! અને બાકીના ભાભા ચાતક નજરે પોતાના વારાની રાહ જોતા બેસી રહ્યા છે!! જેઠાભાભા એ હોકલી પુંજાભાભાને આપી અને જાણે સ્વર્ગ મળી ગયું હોય એમ પુંજાભાભાનો કરચલી વાળા ચહેરા પર બત્રીશ કોંઠે દીવા થયા હોય એમ લાગ્યું!!

ત્યાં દૂર દૂર ઉગમણી કોર્ય ધૂળની ડમરી દેખાણી અને બધાનું ધ્યાન એ બાજુ ખેંચાયું!! ડમરી નજી ક આવતી ગઈ એમ એમ એ ડમરીમાંથી એક મોટરનો આકાર ઉભરતો ગયો અને એ મોટર બરાબર આ બધાં ભાભલાની મંડળી જ્યાં જામી હતી ત્યાં આવીને ઉભી રહી!! ભાભલા બધાં જોઈ રહ્યા!! ધૂળની ડમરી શમી અને મોટર બંધ થઇ!! ખટ દઈને દરવાજો ખુલ્યો અને અંદરથી એક યુવાન બહાર નીકળ્યો, આંખો પણ જાંબલી ગોગલ્સ,લીનન નું શર્ટ અને અડીદાસ ના બુટ પહેરેલા યુવાનની આઠેય આંગળીએ હીરાજડિત વીંટી શોભી રહી હતી.

યુવાને ચારેય બાજુ આછી નજર કરીને ઓટલા બાજુ ચાલ્યો અને બરાબર જેથાભાભાની બાજુમાં ગોઠવાયો. અને એ જ વખતે પેલી હોકલી ફરતી ફરતી જેઠાભાભા પાસે આવી અને હજુ જેથાભાભા કશું સમજે એ પહેલા પેલા યુવાને હોકલી આંચકી લીધી અને સળગતી ચલમ ઉંધી વાળી અને ઓટલાના પથ્થર પર ઠપકારી અને હળવેક થી ગોગલ્સ ઉતાર્યા અને બોલ્યો.
“ આતા ,ઓળખો છો કે નહિ” અને જેઠાભાભા એ નેજવું કરીને ફાટી આંખે જોઈ રહ્યા!! થોડી થોડી ઓળખાણ પડતી જતી હતી અને અચાનક જ એને ઘુસાભાભાનો અણસાર દેખાણો અને એ તરત જ બોલી ઉઠ્યા.
“અલ્યા વજુડા તું??? બાદલ જ છોને તું!!?? તું તો મારા દીકરા એકદમ માભામાં આવી ગયો છો હો!! આ હોકલી આંચકી ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે આ તો ઘુસીયાના વજુડા સિવાય કોઈની દેન નહિ કે મારી હોકલી આંચકી લે!! આવ્ય ગગા આવ્ય ઘણાં દિવસે તને જોયો બાદલ!!” એમ કહીને જેથાભાભાએ એ યુવાનને પોતાની બથમાં લીધો. અને બધાને ઓળખાણ પડી કે આ તો ઘુસા આતાનો સહુથી નાનો દીકરો વજુ બાદલ છે!!
“ઘણાં સમય પહેલા સમાચાર સાંભળ્યા હતાં કે તું સુરતમાં છો અને પરણી પણ ગયો છો. ખુબ ખુબ સારું થઇ ગયું છે તારે તે એકલો આવ્યો છો કે વહુને પણ લાવ્યો છો અને આજ સાંજનું વાળું આપણે ત્યાં છે અને કાલ બપોરનું પણ હો, હવે કોઈને તું હા ના પાડતો હો!! હાલ્ય હાલ્ય હવે ઘરે જઈએ!! આમ આવતો હોને તો છોકરાં બધાં ઓળખતા થાય” જેઠાબાપા ઉભા થયાં.
“ વહુને પછી લાવવાનો છું, જમીશ તમારે ત્યાં આઠેક વાગ્યે આવું છું તમારી ડેલીએ અને સુવાનું પણ ત્યાંજ!! ઘરે થાતો આવું!! જોઈ તો લવ કે મારા ભાગના મકાનની શી દશા છે!! મારા બે ય સગલા ભાઈઓ શું કરે છે?? ખબર તો કાઢતો આવું!! ઘણાં દિવસ થયાં મને મળ્યાં વગરના બિચારા અધમુઆ થઇ ગયા હશે!!” વજુ એ બે હાથ ઊંચા કરીને આકાશ સામે જોઇને આળસ મરડી, એની આંખો લાલ થઇ ગઈ હતી.

“જો બટા થવાનું હતું એ થઇ ગયું. તારા ગયા પછી અમે એને ઘણો ઠપકો આપ્યો છે,અને હવે તારે પણ સારા અને સુખના દિવસો જાય છે, બધાને ખબર છે કે એ બેયની ભૂલ જ ગણાય એટલે જોજે કાઈ ડખ્ખો ના કરતો ભલો થઈને તું હો”

“ તમે ચિંતા ના કરો આતા તમે જાવ તમતમારે હું આઠેક વાગ્યે આવી જઈશ!! હવે જ ફિલ્મ શરુ થશે” એમ કહીને વજુએ ગાડી ઉપલી બજારે ચડાવી અને ત્યાંથી રામજીમંદિર પાસે હોર્ન મારીને ભોપાની દુકાનેથી જમણી બાજુએ નીચલી બજારે ચડી ગયો ને ઊંડા મારગેથી ગાડી એણે પ્લોટમાં છેલ્લે જવા દીધી, ગાડી એક મોટા ડેલા આગળ ઉભી રહી અને જોરથી હોર્ન ઉપર ઉપર વગાડવા લાગી.

“કોનું કામ છે અને કોણ છો તમે” આઠેક વરસનો એક છોકરો ડેલીની નાનકડી બારીમાંથી ડોકાયો.

“ તારો કાકો છું કાકો અને બોલાવ્ય તારા બાપને અને કહે કે ડેલી ખોલે,કાકાને ગાડી અંદર લેવી છે” અને વજુ ગાડીની બહાર નીકળ્યો.ગોગલ્સ કાઢીને એણે ગાડીમાં મુક્યા.છોકરો અંદર ગયો અને થોડીવાર માં એનો બાપ લાલજી ડેલીએ આવ્યો અને વજુને જોઇને ઠરી જ ગયો.એની આંખોમાં વિશ્વાસ જ નહોતો કે વજુ આ રીતે આવી ચડશે.

“ડેલો ખોલ્ય એય મોટા કે પછી ડેલો તોડીને ગાડી અંદર લઉં”?? વજુનો આવો અવાજ સાંભળીને અંદરથી મધુ આવ્યો ઈ પણ જોઈ જ રહ્યો અને ફટાફટ ડેલો ખોલ્યો ગાડી અંદર ગઈ!! છેલ્લા ઓરડા પાસે ગાડી ઉભી રહી!! વજુ ગાડીમાંથી ઉતરીને ઓરડા પાસે ગયો.એક બાજુ પાણિયારું હતું પણ સાવ ખાલી અને બારણા પર તોરણ અને તોરણ પર એક ઘુસાઆતાનો ફોટો હતો.ફોટા પર ધૂળ જામી ગયેલી અને આજબાજુ ગરોળી ઓ આંટા મારતી હતી. એક નાનકડો છોકરો પાણી લાવ્યો. વજુ એ ના પાડી અને કહ્યું.

“ એક રાત છે તમારી પાસે આ ઓરડો ખાલી કરી દેજો અને કાલે આહી વચ્ચે એક દીવાલ ચણવાની છે અને આ વંડી તોડીને ત્યાં હું સીધું હલાણ કાઢવાનો છું!! ઈ બજારમાંથી ઉકરડો લઇ લેજો અને આ ડંકી તમારી લઇ જાજો અને નાનકડી કુઈ પણ લેવી હોય અને છાણ હોય તો ઈ ય લઇ જાજો!! એક વાર વંડી થઇ ગયાં પછી હું પાણી ભરવા નહિ દઉં!! થાય ઈ કરી લેવું!! કોઈના બાપથીય હું હવે બીતો નથી!! અને હવે જેટલો મને હેરાન કર્યો છે એટલા જ તમને હેરાન કરવાના છે!!એટલે માટી થઇ જાજો અને હા પીઠ પાછળ ઘા કરવાની મને તમારી જેમ આદત નથી. આહી તો જે કરવાનું એ ખુલ્લું અને વહેવારે જ કરવાનું છે!! અને હું સવારે આવીશ અત્યારે જેઠાઆતાને ત્યાં જમવાનું છે.હાલ્ય મોટા રસ્તો આપ એટલે હું નીકળું” અને વજુ બાદલ મોટર લઈને જેઠાબાપાના ઘર બાજુ ગયો!!

અને આ બાજુ બેય ભાયું!! એની બેય બાયું!! અને નાના મોટા છોકરા સહુ સાંભળી રહ્યા હતાં. છોકરાને તો ખાસ કઈ ખબર ના પડી પણ ભાયું અને બાયું ધ્રુજી ઉઠ્યા અંદરથી!! કારણકે એ પોતાના કાળા કારનામાં જાણતા હતાં!! અને હવે શું થશે!!! એ ભયથી થથરી ઉઠ્યા હતાં!! ત્રણ વરસથી એ ફફડાટમાં આવી ગયા હતાં જ્યારથી એને સમાચાર મળ્યા હતાં કે વજુ સુરતમાં છે,ગામનાને મળે છે!! પરણી ગયો છે અને ખુબજ પૈસાવાળો થઇ ગયો છે ત્યારથી આ બેય ભાઈઓ અંદરખાનેથી દહેશતમાં જીવતા હતાં!!

વજુ ઘુસાઆતાનો સહુથી નાનો દીકરો હતો. ઘુસાઆતા ને બે દીકરા હતાં એક દીકરી હતી અને તેની પત્નીનું અવસાન થયેલું. દીકરી અને મોટો દીકરો પરણવા લાયક હતાં તોય ઘુસાઆતાને ફરીથી પરણવાની કમત સૂજેલી!! જેઠાબાપા એનાં ખાસ ભાઈબંધ એણે ના પણ પાડેલી કે છોકરા પરણવા લાયક થઇ ગયા છે તોય તારે ફરીથી પરણવું છે??,પણ ઘુસાભાભા જેનું નામ એણે કીધેલું કે છોકરા તો મોટા થઇ ને બહાર જાય અને પછી મારું કોણ??

પણ મૂળમાં હજુ અબળખા રહી ગયેલી સંસાર ભોગવવાની અને આમેય જીવ જ્યારે ઘરડો ના થાય!! દૂર દૂર થી એક કન્યા ઘુસાઆતા પોતાના માટે ગોતી આવ્યા ને પરણી ગયેલાં અને વરસ દિવસ પછી આ વજુનો જન્મ થયેલો. અને વજુ બે વરસનો હતો ત્યારે એની મા કોઈની સાથે ભાગી ગયેલી ઘરમાંથી હાથ ફંફેરો કરીને. ઘરેણા પણ બાઈ લેતી ગયેલી.કુલ કેટલી રકમમાં ઘુસાઆતા ખરપાઈ ગયેલાં એ આંકડો કદી બહાર નહિ આવેલો પણ સુખી અને સમૃદ્ધ ઘર એટલે વાંધો ના આવ્યો. જમીન પણ ૯૦ વીઘા હતી. ૩૦ ૩૦ વીઘાના ત્રણ વાડી પડા હતાં. પછી તો દીકરી પરણીને જતી રહી અને બેય દીકરા પણ પરણ્યા અને વાંધો પડ્યો!! બેય મોટા ને એમ લાગ્યું કે આ વજુ આપણી જમીનમાં ભાગ પડાવશે!! ૩૦ વીઘાની સીધી લીટીનો વારસદાર ગણાશે!!

આ બનાવ બન્યા પછી ઘુસાઆતાનું જીવન સાવ બદલાઈ ગયેલું. મોટા બેય દીકરાએ ઘણું બળ કર્યું કે આ વજુને ગમે ત્યાં મૂકી આવો, એના મામાને ત્યાં મૂકી આવો અત્યારથી ફેંસલો કરી નાંખો જે પૈસા ગુડવા પડે એ ગુડી દયો પણ આ સલાડ આપણે નથી જોઈતું. પણ ઘુસાઆતા એ કીધેલું.
“એ પણ મારો દીકરો જ છે, ત્રણ સરખા ભાગ જ થાશે!! મારી ભૂલ એ હું ભોગવીશ, પણ આ ફૂલ જેવા કુમળા છોકરાનો શું વાંક!! આણે તમારું અને મારું શું બગાડ્યું છે!! વજુ રહેશે પણ આપણી સાથેજ અને તમે હજી મારી કમાણી નું જ ખાવ છો!! આ જમીન જાયદાદ, આ મિલકત ઘુસા પરબતે એની જાત મહેનતથી કમાઈ છે ,તમને ના પોહાતું હોય તો હાલતીના થાવ , એક વિઘોય નહિ મળે,જાવ થાય ઈ કરીલો તમતમારે.બહુ ફાંકો હોયને તો કાંડા ના બળથી કમાઈ લ્યો ,જાવ ચારેય દશ ખુલી જ છે ,બાકી હવે પછી આ બાબતની ચર્ચા મારે આ ઘરમાં ના જોઈએ” સમસમી ગયાં બેય ભાઈઓ લાલજી અને મધુ!!પણ કરે શું!!

વજુ મોટો થતો ગયો!! ઘુસાઆતા ની ભેગો જ હોય વજુ!! છ વરસે વજુને નિશાળે બેસાડ્યો. પણ મોટા બેયને આંખના કણાની જેમ ખુંચે એને આ સાવકો ભાઈ!! વજુ પહેલેથી જ હાડેતો અને ઘુસાઆતા એને પોતાની સાથેજ જમવા બેસાડે!!અને પોતાની પડખે સુવાડે!! કયારેક ઘુસાઆતા બહાર આડા અવળાં થયાં હોય અને મોકો મળે એટલે બેય મોટા અને અને પત્નીઓ વજુને રીતસરનો ઉધડો લે અને બરાબરનો ઘસકાવી નાંખે!! મા વગરનો આ દીકરો ધીમે ધીમે સમજનો થતો જતો હતો!! વજુ સાતમા ધોરણમાં હશે ને ત્યારે જ ઘુસાઆતાને એટેક આવેલો અને દવાખાને દાખલ કરેલાં!!

વજુ એની ભેગોને ભેગો જ હોય!! રાતે દવાખાને ય ભેગો જ હતો ને !! ઘુસાઆતાની સ્થિતિ કાબુ હેઠળ હતી.બેય મોટા દાખલ કરીને બહાર જતાં રહેલાં.વજુને બરાબર યાદ હતું કે એના બેય ભાઈઓના મોઢા ઉપર કોઈ દુઃખની લાગણી નહોતી!! રાતે ચારેક વાગ્યે ઘુસાઆતા ભાનમાં આવ્યા! અને વજુ સાથે વાતો કરેલી અને પછી એના બેય ભાઈઓ આવ્યા અને વજુને હોસ્પીટલની બહાર લઇ ગયેલાં અને સરખાઈનો માર્યો!! મૂઢ માર ખુબ જ માર્યો!! પણ મજબૂત બાંધાનો વજુ બધુજ સહન કરી ગયો!!! અને આમેય જેનો મજબુત હોય બાંધો!! એને ઓછો આવે વાંધો!! વજુએ અને મનમાં નક્કી કરેલું કે આતા ને સવારે બધું જ કહી દેવું આતા ઉઠે એટલે વાત!! પણ આતા સવારે ના ઉઠ્યા!! રાતે જે થયું એ સવારે બેય ભાઈ પોક મુકીને સાવ ખોટે ખોટા રોયાં!!!

ગામમાં જાહેર થયું કે ઘુસાઆતા રાતે જ દેવ થઇ ગયાં. સ્મશાન યાત્રા અને અગ્નીદાહની વિધિમાં પણ વજુને સામેલ ના કરાયો!! એક બાજુ નનામી બંધાતી હતી અને બીજી બાજુ ઘરે એક ઓરડામાં મધુને મેથીપાક મળતો હતો. ધમકી મળતી હતી કે બહુ વાયડીનો ના થવું નહીતર મોકલી દેશું તારા આતાની પાસે!! કોઈ બાપોય નહિ આવે પાવળૂ પાણી પાવા.પછી ગામના અમુક માણસો ખીજાયા કે તમને ભાન છે કે નહિ અત્યારે એને મારો છો એક તો ગામને શંકા છે કે ઘુસા આતા મોતે નથી મર્યા નક્કી આમાં તમારો હાથ છે અને તમે એને સાબિત કરી રહ્યા છો, અને વજુના ભાગ્ય કહોકે એ વખતે એ બચી ગયેલો. પણ આ બનાવ પછી વજુના કપરા દિવસો શરુ થયાં!!!
ગામમાં એક શિક્ષિકા વસનબેન રહે!! ઘુસાઆતાની મોટી દીકરી શારદા જે ગામ સાસરે હતી તે જ ગામના આ બહેન એટલે વજુ એને હમેશા વસન ફઇ કહે, વસન બેને હજુ લગ્ન નોતા કર્યા અને જેઠાબાપાના મકાનમાં ભાડે રહે.પહેલા ધોરણથી જ વજુને વસનબેન પાસે ભણવાનું મળેલું. અને વસન ફઈ ને પણ આ વજુ ખુબજ ગમે!! મા વગરના બાળક પ્રત્યે બહેનો ખુબ જ લાગણીશીલ હોય એમાય આ વસન બહેન તો પાછી શિક્ષિકા પણ ખરીને!!

અને જે શિક્ષિકાને આવા બાળક પ્રત્યે વહાલ ના ઉપજે એ શિક્ષિકા જ ના કહેવાય!! વજુને મા નો પ્રેમ આપ્યો આ વસનબેને અને વજુ પણ કોઈનું ના માને પણ વસનબેનનું નામ પડે એટલે એ માની જ જાય. ઘુસાઆતા જીવતા અને વજુ ક્યારેક રિસાય અને કોઈનું ના માને ત્યારે ઘુસાઆતા વસનબેન ને બોલાવી લાવે અને જેવો વજુ વસન બહેન ને જોવે એટલે મિયાની મીંદડી થઇ જાતો!! વસન બહેન ખાલી એટલું જ કહેતા “ બેટા વજુ તને આ શોભે ખરું ,આવા ગાંડા ગદોડવાના તારે ,ચાલ હવે જમી લે તું , નહીતર પછી હું તારી સાથે કિટ્ટા કરી નાંખીશ” બસ વજુ તરત જમી લેતો. વજુની તમામ તકલીફો વસન બેનને જોવે કે તરત જ ગાયબ થઇ જતી.!!

ઘુસાઆતાનું પાણી ઢોળ પતિ ગયું એટલે બેય મોટા પાછા અસલી રંગમાં આવી ગયા. વજુને એણે ઘરની બહાર તગેડી કાઢ્યો. ગામના જે કહેવાતા મોટા માથા હતાં એ બધાયની પાસે વજુ જઈ આવ્યો પણ કોઈએ એની મદદ ના કરી!! પણ વસનબેને વજુને રાખ્યો પોતાની સાથે અને વજુએ સાતમું ધોરણ પૂરું કર્યું!! વસનબેને જેઠા દાદા ને કહી દીધું.

“તમારા ભાઈ બંધનો દીકરો છે એને તમે એનો હક ના અપાવી શકો તો તો તમારા ધોળામાં ધૂળ પડી દાદા!! તમારા ભાઈબંધનો આત્મા કકળશે” અને જેઠાબાપા એ ગામના પંચને એક દિવસ કર્યું ભેગું!! સહુ આવી બાબત હોય ત્યારે રામજી મંદિરે ભેગા થતાં અને આ વખતે પણ ભેગા થયાં રામજી મંદિરે!! જેઠાબાપા એ હળવેકથી વાત મૂકી.

“અહી બેઠેલા સહુ કોઈને ઘુસાબાપાએ મદદ કરેલી જયારે જેવી જરૂર એવી મદદ કરેલી છે, તમે તમારા આત્માને પૂછી જુઓ એકવાર હવે આ ઘુસાબાપાના નાના દીકરાને મદદ ની જરૂર છે!! આપણે કોઈએ એને પૈસાની મદદ નથી કરવાની પણ ઘુસાઆતાના ત્રણ ઓરડાનું મકાન છે એમાં એક ઓરડો આ વજુને મળવો જોઈએ. ૩૦ વીઘાના ત્રણ વાડી પડા છે એમાંથી એક વાડી પડું એમને મળવું જોઈએ આ એના હકનું છે!! ઘુસાઆતાએ જે કર્યું હોય સાચું કે ખોટું એમાં આપણે નહિ પડીએ પણ આ ગભરુ છોકરો હેરાન થાય છે” લાલજી અને મધુને બોલાવવામાં આવ્યા.બધી વાત કરી. લાલજીએ રોકડું પરખાવ્યું.

“વાંધો નહિ પણ બાપા લેણું મુકતા ગયાં એનું શું!! નેવું હજારનું લેણું છે અમારા બેય માથે તો પહેલાં વજુ અમને ૩૦ હજાર આપી દે લેણાંના એટલે પછી આગળ વિચારીએ !! બાકી પંચ જે નક્કી કરે ઈ અમારે પણ કોઈના હકનું લેવું નથી”

“વજુ વાંઢો છે અને વાંઢા માથે લેણું ના હોય” જેઠાબાપા બોલ્યાં.
“વાંઢો નથી એ હવે મોટો ઢાંઢો છે મોટો ઢાંઢો” લાલજી થી નાનો મધુ બોલ્યો. મધુ આમ તો જડભરત જેવો જ લગભગ બોલે જ નહિ અને બોલે ત્યારે બાફી મારતો.

“એવું ના બોલાય મધુ એ તારો નાનો ભાઈ છે, ઘુસાઆતાનું એ લોહી છે લોહી ,થોડીક મર્યાદા રાખ મર્યાદા” જેઠાબાપા બોલ્યાં.

“ એક તો એની મા ઘરમાંથી જે હતું એ લઈને ભાગી ગઈ અને આ રેઢીયાળને વાંહે મુકતી ગઈ છે તે હવે કાઈ બાકી હોય તો એને દઈ દયો!! મારા હાળા અમારી વાહે જ પડી ગયા છે” લાલજી તપી ગયો.પછી તો ઘણી ચર્ચા થઇ ત્રણ ત્રણ વાર ચા ની કીટલીઓ ખાલી થઇ અને પછી નિર્ણય આવ્યો કે
“આઠ દિવસ પછી પૂનમે પાછા ભેગા થવાનું અને ત્યારે વજુએ ૩૦૦૦૦ હજાર રૂપિયા આ બેય ભાઈને આપવાના તો જ ગામનું પંચ એને ન્યાય આપશે નહીતર જમીન અને મકાન બેય મોટાભાઈના , વજુને કાઈ નહિ મળે” અને પંચ વિન્ખાયું હસતાં મોઢે લાલજી અને મધુ ઉભા થયાં એને હવે પોતાનો રસ્તો સીધો થતો દેખાયો.

પૂનમ આવી. બધાં પાછા ભેગા થયાં.અને વજુએ ૩૦૦૦૦ નો ઘા કર્યો.અને બધાના મોતિય મરી ગયા. જેઠાબાપાને પણ નવાઈ લાગી કે મારા બટા વજુએ આટલા રૂપિયા કાઢ્યા ક્યાંથી પણ જેવા વજુએ રૂપિયા આપ્યાં કે જેઠાબાપા રંગમાં આવી ગયા.

“વજુએ પોતાનો વાયદો પૂરો કર્યો, હવે પંચ પોતાનો વાયદો પૂરો કરે,યાદ રહે પંચ પરમેશ્વર કહેવાય અને પરમેશ્વર ક્યારેય એવું કામ ક્યારેય ના કરે કે લોકો એના પર થુંકે “

હવે ખરો શૂળીયો મુંજારો થયો પંચના આગેવાનોને પણ આ તો પંચ એણે વળી ઓર વચલો રસ્તો કાઢ્યો અને ફેંસલો સંભળાવ્યો.

“ ૩૦ વીઘા જમીન અને એક ઘરનાં એક ઓરડા પર વજુનો હક પાકો!!,પણ વજુ અઢાર વરસનો થાય પછી ,અત્યારે એ સગીર ગણાય , અને સગીરને કોઈ લલચાવી ફોસલાવીને જમીન અને ઘર પડાવી લે તો એટલે જ્યાં સુધી અઢાર વરસ ના થાય ત્યાં સુધી એની જમીન આ બેય ભાઈઓ વાવશે અને એમાંથી વજુને કાઈ મળશે પણ નહિ,પણ વજુ અઢાર નો થાય એટલે એને જમીન અને ઓરડો મળી જશે”

“વાહ વાહ ધન્ય છે પંચને ,તમારું નામ તો સોનાના અક્ષરે લખાશે પણ પંચને મારે એક વસ્તુ કહેવાની છે કે આ બેય ભાઈ આને અઢારનો થવા દેશે ખરા??” પણ પંચ પાસે એનો કશો જવાબ નહોતો. દુનિયા ના તમામ પંચો પાસે લગભગ કોઈ જવાબો હોતા નથી.

વજુ હવે સાતમું પૂરું કરીને છૂટક કામ કરી લેતો હતો.વજુના દોસ્તારો વધી ગયાં હતાં.વજુ કામથી થાકે એમ નહોતો.સવાર સાંજ વસનબેનને ત્યાં જમી લે ક્યારેક જેઠાબાપાને ત્યાં જમી લે,અને જેઠાબાપાની અગાશીમાં સુઈ જાય. જેઠાબાપા એ વજુને ખાસ કીધેલું કે ક્યાંય એકલો ના જતો અને મધુ અને લાલજીને ત્યાં તો જવું જ નહિ ગમે એમ કરે એનાથી તારે આઘા જ રહેવાનું!! બહારગામ જા તો ભાઈબંધ સાથે જ જવાનું એટલે એને કોઈ મોકો મળવો જ ના જોઈએ!!

બોબી દેઓલનું એક ફિલ્મ આવેલું અને એમાં એનું નામ હતું બાદલ. વજુ અને એના ભાઈબંધ આ ફિલ્મ જોઈ આવ્યાં અને વજુએ લાંબા વાળ રાખ્યા અને અસલ બોબી દેઓલ જેવો જ દેખાય એટલે હવે બધાય એને વજુ બાદલ કહેતા. ગામ આખામાં છેવટે વજુનું માન વધવા લાગ્યું.પાણી ની લાઈન ખેંચવી હોય તો વજુ બાદલને બોલાવે!! પાઈપ લાઈન ની કપ્લીન પાને થી ના ખુલે એ વધુ એક હાથે ખોલી નાંખે!! મગબાફણા ફાડવા હોય તો વજુ એકેલે હજારા!! ચૂલ ગાળવી હોય કે રીંગ બોરમાં મોટર સલવાણી હોય વજુ બાદલ ને બોલાવો એટલે તમારું કામ થઇ જાય!! લગ્નનો મંડપ શણગારવાનો હોય કે રસોડું ગોઠવવાનું હોય બાદલ હાજર જ હોય!! અને આ વજુ બાદલ હવે સતરનો થયો.લાલજી અને મધુ ઉભે ઉભા બળવા લાગ્યાં.

એવામાં વસન બેનનો સંબંધ નક્કી થયો.અને ટૂંક સમયમાં જ એના લગ્ન હતાં અને વસનબેને એના સાસરિયાના ગામની નજીક બદલી પણ કરાવી લીધી. વજુ ખુબ રોયો.વસન બેને એને આશ્વાસન આપ્યું. નિશાળમાંથી છુટા થવાના આગલાં દિવસે બહેન એને લઈને પંચરંગી હનુમાનજી ને મંદિરે લઇ ગયા હતાં.ગામના ખારાને વટાવીને આ પંચરંગી હનુમાનજી નું એક નાનકડું મંદિર હતું. વસનબેને કહ્યું.

“વજુ મેં તને દીકરાની જેમ સાચવ્યો છે, નાનપણથી તને જોતી આવી છું ,આમ પણ મારે લગ્ન નહોતા કરવા પણ હવે મારી મમ્મીનો ખુબ જ આગ્રહ છે બેટા એટલે હું લગ્ન કરી રહી છું!! મેં તને એક થી સાત ધોરણ ભણાવ્યો છે!! હવે તારી આંખમાં આંસુ આવે તો મારું શિક્ષણ લાજે!! મારા થનાર પતિ મને તારા વિષે પૂછતા હતાં કે વજુ બાદલ કોણ છે!! તારા બેય મોટા ભાઈઓ મારા થનાર પતિ આગળ પણ પહોંચી ગયા છે!!

હવે હું તને ક્યારેય નહિ મળું દીકરા ક્યારેય નહિ , તું તારી રીતે માર્ગ કરી લેજે!! તને ખબર છે કે આ દુનિયામાં એકલા હોવું એ એક રીતે તો ફાયદાકારક જ છે તમે તમારા મનપસંદ રસ્તે ચાલી શકો!! તમારે બીજાને પૂછવાની જરૂર નથી પડતી. આમ તો જાત જેવો બીજો કોઈ એકેય ભાઈબંધ નથી પણ આપણી મોટી તકલીફ એ છે કે આપણે જાત સાથે ભાઈબંધી જ નથી કરતાં!! હવે તું મોટો થઇ ગયો છે,એક વરસ જ તારે કાઢવાનું છે બસ પછી તને તારી જમીન મળી જશે!! મારા આશીર્વાદ તારી સાથે છે બેટા!! સુખી થા અને આગળ વધ”

અને પછી બીજે દિવસે વસનબેને વિદાય લીધી.પણ વજુ બાદલે એક પણ આંસુ ના પાડ્યું જતાં જતાં વસનબેન રોઈ પડ્યા પણ વજુ ના રોયો.

“વાહ વજુ મારું વચન તે પાળી બતાવ્યું, મને ખબર છે કે તને અંદર ખુબજ દુઃખ છે પણ તું બધું સાચવીને બેઠો છે અને આ જ તને સફળતા તરફ લઇ જશે એક દિવસ!! રેલવે એન્જીનમાં જેટલો અગ્નિ વધારે એટલું એન્જીન ઝડપથી દોડે એમજ તું ખુબ જ આગળ વધીશ આવજે દીકરા”
વજુ પછી તો વધારે સમજદાર બની ગયેલો.એક વખત એ એના ભાઈબંધો સાથે સાયકલ લઈને નવરાત્રીમાં બાજુના ગામમાં ભવાયા જોવા ગયેલો અને રાતે પાછા ફરતી વખતે ઊંડા કેડામાં આઠ બુકાની ધારીએ ઘેરી લીધાં.

“આમાંથી વજુ બાદલ કોણ છે એ એક રોકાય બાકીના જાય અમારે એનું જ કામ છે હાથમાં એક ધારિયા વાળો બોલ્યો.

વજુ આગળ આવ્યો એણે એના ભાઈ બંધને કીધું કે હું મારું ફોડી લઈશ તમે જાવ પરાણે પરાણે એણે ભાઈબંધને રવાના કર્યા અને પોતે એકલો ઉભો રહ્યો. આટલી મુસીબતમાં એ શાંત સ્વસ્થ ઉભો હતો.

“બોલો શું કામ છે મારું”

“તને પતાવવાના પૈસા લીધા છે એટલે કામ તો કરવું જ પડશે” બુકાની ધારી બોલ્યો. આટલા સમયમાં વજુએ માનસિક ગણતરી કરી લીધી હતી કેમ કરીને છટકાય અહીંથી. આ સીમ અને એનો વગડો એનો જાણીતો હતો.
બાઇબંધો દૂર જતા રહ્યા પછી વજુ બાદલ બોલ્યો.
“તો પછી કરો કંકુના , હવે સમય ના બગાડો એમ કહીને એણે પાછા પગે દોડ લગાવી. પેલા આઠેય હજુ ધરિયા સરખા કરીને દોડ્યા ત્યાં તો વજુએ એક રાડ પાડીને સામો દોડ્યો પણ તરસો દોડ્યો અને એક ઠેક મારીને થોરની વાડ ટપીને સીધો કાના ભાભા ના ખેતરમાં પડ્યો,ઓલ્યા આઠેય જેમ તેમ કરીને છીંડા ગોતીને ખેતરમાં આવ્યા ત્યાતો વજુ જાય કપાસના ચાસમાં દોડ્યો.આજ એ પોતાનો જીવ બચાવવા દોડતો હતો,કાનાભાભાનું ખેતર પૂરું થતું હતું અને આગળ બેય બાજુ થોરડી ની મોટી વાડ્ય હતી પણ છેલ્લે એક ખાલી કૂવો હતો.

એ કૂવો ઠેકી જાય તો પછી કાનજી ભૂવાનું ખેતર અને પછી તો ડુંગર અને બાવળ શરુ થઇ જાય!! વજુ બાદલે તાકાત લગાવી અને કૂવો ઠેકીને સીધો પડ્યો ભૂવાના ખેતરમાં અને પાછળ દોડતાં આવતાં હતાં પેલા ધારીયાવાળા બુકાનીધારી પણ એ જેવા કુવા પાસે આવ્યાં અને ગાઢ વહ્યા ગયાં.આમેય એ આઠેય ઢગા હતાં. અને ઢગા માં ગાઢ તો હોય નહિ એટલે આખું ખેતર ફર્યા અને એક છીંડે થી ભૂવાના ખેતરમાં આવ્યા ત્યાતો વજુ બાદલ હવા માં ઓગળી ગયો હતો.!! એ બધાં પાછા ફર્યા અને આ બાજુ વજુ દોડતો રહ્યો … દોડતો રહ્યો..

ડુંગર વટાવીને એ એક નદી પાસે આવ્યો.પાણી પીને એ વેકરામાં ઘડીક સુતો અને પાછો ઉભો થયો અને પાછો ચાલવા લાગ્યો અને ચારેક વાગ્યે એ એક રસ્તા પાસે પહોંચ્યો.વળાંકમાં એક બસ આવતી હતી અને એ બસ ની પાછળ ટીંગાઈ ગયો.અને આવી ગયો તાલુકામાં અને ત્યાંથી એક બસમાં બેસી ને થઇ ગયો સુરત ભેળો!! તે પછી આ જ આટલા વરસે એ ગામમાં પાછો ફરતો હતો.

જેઠાબાપાની ઘરે વજુએ વાળું પાણી કર્યા અને અગાશીમાં ખાટલા ઢાળ્યા એમાં જેઠાબાપાની ડેલી ખખડી અને પેલા ભાઈ બંધ મળવા આવ્યા.વજુ બાદલ એને મળ્યો.પેલાએ અફસોસ કર્યો કે ઈ રાતે અમે રોકાણા હોત તો સારું થાત. વજુ બોલ્યો.

“ઈ બધું બરોબર થયું છે જો રોકાણા હોત તો હું પતી ગયો હોત અથવા એમાંથી કોઈક પતી જાત. પણ તમે જતાં રહ્યા એ જ સારું થયું.એ લોકો જાડિયા હતાં એની હારે બાધવામાં આપણે જ ખોટ વળી એની પાસે ધારિયા હતાં આપણી પાસે કાઈ નહોતું.આવાને તો તમે ધોડાવોને તો જ કામનું એ લોકો ઉભા ઉભા બાધી શકે પણ દોડીના શકે મેં એને દોડાવ્યા ખુબ દોડાવ્યા!!અમુક સમયે બળ ના વપરાય કળ જ વપરાય!!

“વજુ પછી તે સુરત જઈને શું કર્યું આટલો બધો પૈસો તે ક્યાંથી કાઢ્યો એ વાત કર તું” જેઠાબાપા બોલ્યાં સુતા સુતા. વજુએ પોતાની કથા આગળ ચલાવી.

“સુરત મારા માટે અજાણ્યું હતું. મોટા વરાછા હું ઉતરી ગયો અને ત્યાંથી તાપીને કાંઠે કાંઠે ચાલવા લાગ્યો એટલે એક ખેતર આવ્યું ત્યાં મેં પાણી પીધું ત્યાં એક દાદા હતાં એને વાત કરી કે મને કામે રાખશો. એ સહમત થયાં,ખેતીનું કામ તો આપણને આવડતું જ હતું અને એ જ કરવું હતું.વળી સિટીમાં આવવું નહોતું અને ગામના કોઈની નજરે પણ ચડવું નહોતું. હું વાડીએને વાડીએ રહેતો. મને ધાર્યા કરતાં વધારે પૈસા મળતાં!! એ દાદાને એક દીકરી હતી એ ભણવા જતી અઠવા લાઈન્સ બાજુ. એક વાર રાતે સલાબત પુરાના કેટલાક લુખ્ખાઓ આવ્યા.

એ ઈ દીકરીની પાછળ પડી ગયા હતાં. દાદા એ દીકરીને લઈને રાતે ખેતરે આવતાં રહ્યા.પેલા પાછળ આવ્યા એટલે મેં પછી એને ધોકાવ્યા!! ખુબ ધોકાવ્યા અને પોલીસ આવી. પોલીસના ચોપડે આ ચારેય વોન્ટેડ હતાં.પોલીસવાળા એને લઇ ગયાં.અને બીજે દિવસે છાપામાં સમાચાર આવ્યા કે પોલીસે દિલધડક રીતે પીછો કરીને આ લુખાઓને પકડ્યા છે અને એ પણ જાનના જોખમે અને સમગ્ર સુરત પોલીસને અભિનંદન આપે છે.મને ખુબ જ હસવું આવ્યું. અઠવાડિયા પછી પેલો પોલીસ મારો આભાર માનવા આવ્યો. કઈ કામ હોય તો કેજે એમ મને કીધું અને મારા માટે નવા કપડાં પણ લાવ્યો,આજુબાજુના ગામમાં પણ આપણી આબરૂ વધી અને પછી તો એ દાદાની દીકરીને હું ગમવા લાગ્યો અને દાદાએ મને એની સાથે પરણાવી દીધો. મેં પણ મારા સાસુ સસરાને ચારધામની જાત્રા કરાવીને ખુશ કરી દીધાં. અને વરસ દિવસ પહેલાં અમારા ખેતર બાજુ નિશાળો નો રાફડો ફાટ્યો.

અમારી જમીન કરોડોમાં મંગાણી, હું મક્કમ રહ્યો. ધાક ધમકી મળી.મેં પેલા પોલીસવાળાને કીધું એટલે એણે બિલ્ડરને કહી દીધું કે એનાથી આઘા રહેજો એને મગજ નથી એ પતાવી દેશે.તમે બિલ્ડર છો એ બોડી બિલ્ડર છે એટલે છેટા રહેવું.આજબાજુ બધી જમીન વેચાણી પછી અમારી જમીનના ત્રણ ગણા ભાવ થયાં એટલે અડધી વેચી ને એમાંથી કામરેજની ઉપર દસ વિઘા જમીન રાખી લીધી છે અને એમાં બનાવ્યો એક બંગલો. અને તોય પૈસા વધ્યા છે!! એ બેંકમાં મુક્યા છે.ખેતીની આવક સારી છે એટલે કોઈ વાતે હવે કમીના નથી. ગયા મહીને મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે.અને હવે હું ફ્રી થયો છું એટલે ગામમાં આવ્યો છું.

મોટા બેય ને ગોઢલી ભેર અને ફૂંફાડા નાંખતા કરી દેવા છે!! હવે જેઠા બાપા કાલે પંચને મળી લઉં અને આવતી અગિયારશે રામજી મંદિરે પંચ ભેગું થાશે અને હવે તો હું ૨૨ નો થયો.આધાર કાર્ડ પણ છે.સુરતનું રેશન કાર્ડ છે.આ નિશાળમાં જન્મતારીખનો દાખલો પણ છે!! હવે તો ત્રીસ વિઘા મારે ખાતે ચડે ને અને એક ઓરડો મારા ભાગનો છે એ અલગ થી વંડી કરીને આપણું અલગ હલાણ કરવું છે. કાલ નિશાળે જવું છે. ગામના છોકરાને આપણા તરફથી જમાડવા છે.સુરતથી જ લાડવા અને બરફી અને ગાંઠીયા લેતો આવ્યો છું એ બધું ગાડીમાં પડ્યું છે” વજુ એ વાત પૂરી કરી.ભાઈ બંધો એને ઘેર ગયાં અને જેઠાબાપા અને વજુ સુઈ ગયાં.

સવારે વજુ નિશાળે ગયો. સાથે પેલા લાડવા બરફી અને ગાંઠીયા લઇ ગયો.મોટાભાગનો સ્ટાફ બદલાઈ ગયો હતો.ફક્ત એક માસ્તર હતાં જે એને ઓળખતા હતાં.નિશાળ સવારની હતી.શનિવાર હતો. વજુ એક રૂમમાં ગયો. આચાર્યને કીધું.

“સાહેબ મને આ બેંચ પર બેસવા દેશો,ફક્ત દસ મિનીટ માટે” એ સાતમાનો ક્લાસ હતો. વજુએ છેલ્લે સાતમું પૂરું કર્યું ત્યારે આ જ કલાસ હતો. એ રૂમમાં ઘણાં બધાં ફોટા હતાં. દર વરસે વિદાય સમારંભ ગોઠવાતો અને એક ફોટો પાડવામાં આવતો અને આ રૂમમાં ટીંગાડવામાં આવતો. વજુએ પોતાના વખતનો ફોટો શોધી કાઢ્યો.ફોટો ઝાંખો અને પીળો પડી ગયો હતો. વજુએ ફોટા પર હાથ ફેરવીને કહ્યું.

“બાળકો જુઓ આ મારો ફોટો છે અને આ છે વસન ફઈ!! હું એને ફઈ કહેતો એ મારી મા કરતાં વિશેષ હતાં.મેં તો મારી જોયેલી નથી પણ મા શબ્દ સાંભળતાં જ મને આ વસન ફઈ યાદ આવે છે.તમે બધાં ખુબ જ ભણજો” વજુ બાદલની આંખો ભરાઈ ગઈ.

બાળકો જમ્યા.શાળામાં મધ્યાહન ભોજન પણ બનેલું હતું!! વજુ બાદલને જુના દિવસો યાદ આવી ગયાં અને એણે મધ્યાહન ભોજન પણ ચાખ્યું. બાળકોને ખુશ કરીને એ સીધો ગામના મોટા માથાઓને મળ્યો.એ બધાં માટે મીઠાઈના પેકેટ લાવ્યો હતો. બધાને ખ્યાલ આવી ગયો હતો કે સુરતમાં હવે આ કામનો માણસ હતો. બધાને વાત કરીકે અગિયારશે પંચ ભેગું કરવાનું છે. બધાંજ સહમત થયાં. પાંચ જ દિવસમાં વજુ એ પોતાની રીતે અલગ વંડી ચણી ને અલગ બારણું મૂકી દીધું હતું. પોતે તૈયાર ડેલી લાવીને હલાણ પણ અલગ જ.!! દરરોજ અલગ અલગ ઘરે જમવાના આમંત્રણ આવવા લાગ્યા. વજુ બાદલ ગામમાં હવે નાની સુની સેલીબ્રીટીથી કમ નહોતો. દશમ ના દિવસે જેઠાબાપા સવારે તૈયાર થયાં.

“કેમ જેઠાબાપા કઈ બાજુ જવાના છો” વજુએ બજરંગ દાસ બાપાનાં ઓટલે બેઠા બેઠા પૂછ્યું.

“એક ગામતરે જવાનું છે કાલ સાંજે તો પાછો આવી જઈશ.કપાણ જ એવી છે કે ગયાં વગર હાલે એમ નથી ,પણ કાલ પંચ ભેગું થાશે એમાં તો હું આવી જઈશ” જેઠાબાપા એ કીધું.

“જોજો ભૂલતા નહિ , પંચમાં તમે એક જ મારા તરફી છો એ તો ખબર છેને અને એમાંય તમે તો મારા બાપાના ખાસ જોડીદાર એટલે કાલ સાંજનું ના ભૂલાય હો “ વજુએ કહ્યું.

“ અરે હા ભાઈ કાલ તો હું આવી જઈશ, અને આ વખતે તો ગામ આખું તારી પડખે છે,બધાયની ઘરે તારા કાજુ કતરીના બોક્સ તો પહોંચાડી દીધા છેને વાલીડા તે” અને વજુ હસી પડ્યો. જમાનાએ એને બધું જ શીખાવડી દીધેલ હતું. ગઈ કાલે જ એ તલાટી મંત્રીને મળી આવ્યો હતો. એને ઘર અને પ્રસાદ ધરવી દીધો હતો. અને પાછું એમ કીધું કે સાહેબ આમાં તમારે ખોટું નથી કરવાનું અને સાચું જ કરવાનું છે અને તમે ને બહેન આવો સુરત ફરવા!! સુરતમાં સાડીઓ સારી મળે છે!! ખાવાની પણ મજા આવે અને હવે તો સુરતની મધ્યભાગમાં વોટરપાર્ક પણ થયો છે આલ્યો મારું કાર્ડ એમ કહીને એક ૨૦૦૦ ની ગુલાબી નોટ એણે તલાટી મંત્રીની છોકરીને આપી દીધી અને બધાં ખુશ થઇ ગયેલાં!! હવે તલાટી મંત્રી થોડું ખોટુ કરે !! બધાં ખોટું કરવાના પૈસા આપે પણ વજુ બાદલ તો સાચું કરવાના પૈસા આપતો હતો.!!!

અને અગિયારશ આવી અને રામજી મંદિરે પંચ ભેગું થયું.પણ આ વખતે તાશેરો જુદો હતો!! ગાદલા પર રેશમી રજાઈ હતી અને એની ઉપર ડબલ તકિયા હતાં અને ત્યાં વજુ બાદલ બેઠો હતો.એની આજુબાજુ પંચના માણસો બેઠા હતાં.વજુએ બાજુમાં ગોગલ્સ મુક્યા હતાં. આંગળીએ વીંટીઓ ઝગારા મારતી હતી.

“અલ્યા ભીખલા જાતો રતુદાની દુકાને થી તાજ,બીસટોલ અને કેવેન્ડરના પેકેટ લઇ આવ્ય બે બે અને હા થોડીક ધાણા દાળની પડીકી અને બે માચીસ લેતો આવજે”વજુએ ખિસ્સામાંથી ૫૦૦ ની લીલી નોટ કાઢીને ઘા કર્યો. ભીખલો ગયો અને વસ્તુ લઇ આવ્યો,જે લગભગ કાયમ સાદી બીડી પીતા હતાં એ પણ આજ સિગારેટ પીવાના હતાં!!

“ભાઈઓ આજ થી ઘણાં સમય પહેલા આપણે નક્કી કર્યું હતું એ પ્રમાણે વજુભાઈને ૩૦ વિઘા જમીન આપવાની છે, એટલે આજ આપણે ભેગા થયા છીએ” મુખીએ તાજ ની સટ મારતા મારતાં કહ્યું.
“તે અમને ક્યાં વાંધો છે. ત્રણેય જગ્યા એ ૩૦ વિઘા છે એને જે જોઈએ એ લઇ લે” એક ખૂણામાં બેઠેલો લાલજી બોલ્યો. લાલજી અને મધુ પલળેલા કાગડાની જેમ બેઠા હતાં.મોઢા ઉતરી ગયા હતાં.

“ એ તો પંચ ના બોલાવ્યું હોત તોય અમે આપવાના જ હતાં” મધુ પણ પરાણે પરાણે બોલ્યાં.

“આ જેઠા આતા નથી દેખાતા હજુ ,આવવાનું તો કહેતા હતાં “ વજુ એ કીધું “હવે ઈ આવે કે ના આવે કોઈ ફેર ના પડે તને જમીન તો મળી જાય છે ને” મુખી એ તાજ પૂરી કરીને બીસટોલ સળગાવી.

“ મારે ત્રણેય વાડીએ દસ દસ વિઘા જોઈએ છીએ!! એક વાડીની નહિ!! ત્રણેય વાડીયે ઉભા ત્રણ ભાગ પાડવાના અને એમાં વચલો ભાગ મારે જોઈએ છીએ.દરેક વાડીયે વચલો બાગ જોઈએ છીએ!! બેય બાજુ મારા બેય ભાઈઓ અને વચ્ચે હું!! હું સહુથી નાનો એટલે આટલી લાડકાઈની તો હું અપેક્ષા રાખું જ ને” જેવો વજુ બોલ્યો કે સોપો પડી ગયો.મધુ અને લાલજી કાળા ધબ્બ!! આખી વેતરણ વીંખાઈ જાય એવી વાત થઇ આ તો.

“ બરાબર છે બરાબર છે “ સિગારેટ પીતા પીતા પંચ બોલ્યું. બધાના પેટમાં વજુ બાદલે આપેલી કાજુ કતરી બોલતી હતી.

“પછી એ જમીન હું બાજુના ગામ વાળા ને વેચી દેવાનો છું” અને વજુએ ચોખવટ કરીકે બાજુના ગામવાળો કોણ ત્યાં તો સન્નાટો છવાઈ ગયો. જેની વાત નીકળી એ એવો નકામો હતો કે એની ઘર આગળ બિલાડી પણ ના નીકળે અને જો આવો શેઢા પાડોશી દરેક વાડીમાં વચ્ચોવચ્ચ હોય તો પછી થઇ રહી ખેતી!! લાલજી અને મધુને જમીન વેચવી જ પડે!!

“એમ કરો વજુને બધી જમીન આપી દો,અમે માંગી ખાશું બીજું શું” લાલજી રડતા રડતાં બોલ્યો.

“ઉત્તમ ઉત્તમ અતિ ઉત્તમ હું બધી જ જમીન રાખી લઈશ , બાકી ભાઈ હોય તો આવા હોય અરે પાડો તાળીઓ!! વજુ બોલ્યો અને બધાએ તાળીઓ પણ પાડી!! મધુ અને લાલજી છોભીલા પડી ગયા. મુખીએ બીસટોલ પૂરી કરીને કેવેનડર સળગાવી.

ત્યાં રામજી મંદિર પાસે એક કાર આવીને ઉભી રહી . બધાએ જોયું એમાંથી આગળ થી જેઠાબાપા ઉતર્યા.એક મોટી ઉમરની વ્યક્તિ કાર ચલાવતી હતી એ ઉતરી. જેઠા બાપાએ કારનો પાછળ નો દરવાજો ખોલ્યો.અને એમાંથી જે ઉતર્યું એ જોઇને સહુ દંગ થઇ ગયાં. વજુ ફટ દઈને ઉભો થયો. અને રીતસરનો દોડ્યો.. અને સીધો એ વ્યક્તિને પગે લાગ્યો.!!! એ હતાં વજુના વસન ફઈ!!!

વસન ફઈ ઉપર આવ્યા વજુ એ એને ગાદલા પર બેસાડ્યા!! આંખ પર ચશ્માં આવી ગયાં હતાં!! સહુએ પોતાની સિગારેટો ઓળવી નાંખી. વજુ એમની સામે અદબ વાળીને બેસી ગયો. જેઠાબાપા બોલ્યાં.

“તને એમ થાતું હતું ને કે પંચમાં મારું કોણ એટલે તારા આ ફઈને હું લઇ આવ્યો બોલ હવે તો ખુશ ને” વજુ એની વસન ફઈની સામે જોઈ રહ્યો.આંખોમાં એક અહોભાવ હતો !! પોતાની મા કરતાં પણ વિશેષ એવી આ વસનબેનને જોઇને વજુ એકદમ શાંત થઇ ગયો. વસનબેને બધી જ વાત સાંભળી.લાલજી અને મધુ ને બરાબર ખીજાયા.ગામના વડીલોને પણ સાચા વેણ કહ્યા અને છેલ્લે વજુને એણે આટલું જ કીધું.

“વજુ બેટા તને આ શોભે?? જો તું નહિ માને ને તો હું તારી સાથે કિટ્ટા કરીશ” અને ખલાસ વજુની આંખમાંથી આંસુની ધારા વહી રહી. બાળપણમાં એ જ્યારે જ્યારે રીસાતો ત્યારે વસન ફઈ એને આ શબ્દો કહેતા અને એ તરત જ માની જતો. વજુ એ બે હાથ જોડ્યા અને એટલું જ બોલ્યો.

“બસ ફઈ તમે કહો એમ થશે બસ તમે કહો એમ”

“ તો નવાણ વાળી ત્રીસ વિઘા તારી બરબાર ને,એ તારા ખાતે થશે પછી જ હું જઈશ બસ!! ત્યાં સુધી હું જેઠાબાપા ના ઘરે રોકાઇશ” અને જેવું વસન બહેન બોલ્યાં કે તરત તાળીઓનો ગડગડાટ થયો.
“એક કૃપા કરશો , આ પૈસા તમે રાખો , અને મને કહેવા દો કે જે ૩૦૦૦૦ હજાર રૂપિયા મેં મારા ભાઈને આપ્યાં હતાં આજ રામજી મંદિરે એ મને તમે આપ્યાં હતાં” આમ કહીને વજુ બાદલે એક પૈસાનું બંડલ વસન બહેન ના ખોળામાં મુક્યું.

“એ પૈસા તો હું ભૂલી ગઈ છું બેટા અને એક વાત યાદ રાખ કે એક વખત અમે વિદ્યાર્થીને આપેલું હોય એ કદી પાછું લેતા નથી પછી એ વિદ્યા હોય કે પૈસા” વસન ફઈએ ગર્વથી કહ્યું. અને પછી જેઠાબાપા એ વચલો રસ્તો કાઢ્યો!! જમીન વજુ ને ખાતે થઇ!! વજુને મકાનમાં જે ઓરડો મળ્યો હતો ત્યાં બાળ મંદિર શરુ થયું!! અને વજુએ જે પૈસા વસન બહેન ને આપ્યાં એ પૈસા પોસ્ટ ઓફિસમાં મુક્યા અને એની માસિક વ્યાજની આવકમાંથી બાળ મંદિરમાં એક ગામની દીકરી રાખી શિક્ષિકા તરીકે એનો પગાર ચૂકવવો એ નક્કી થયું.

“વસન ફઈ બાળ મંદિર” એવું બોર્ડ લગાવવામાં આવ્યું,વસન ફઈના હાથેજ એનું ઉદ્ઘાટન થયું.નવાણ વાળી જમીન વજુએ જતા જતાં એના વછલા ભાઈ મધુને વાવવા આપી.જેઠાબાપા ને વચ્ચે રાખ્યા. વસન ફઈ પણ ગયાં અને બીજે દિવસે સવારે વજુ પણ પોતાની કાર લઈને જવા નીકળ્યો ત્યારે અડધું ગામ એને વળાવવા આવ્યું હતું.

લેખક : મુકેશ સોજીત્રા તા .૫/૭/૨૦૧૭ બુધવાર
૪૨,શિવમ પાર્ક સોસાયટી ,સ્ટેશન રોડ ઢસાગામ તા.ગઢડા જિ.બોટાદ ૩૬૪૭૩૦

આપ સૌ ને મારી આ નવલિકા કેવી લાગી ? અચૂક જણાવજો !!

ટીપ્પણી