“વહુ અને સાસરું” – આજના દરેક ફેમેલી ને બંધ બેસતી વાત !!

રસોડામાં રસોઈ બનાવતાં આંખના ખૂણે આવેલા ખારાં આંસુઓને લૂછતાં લૂછતાં અપર્ણા મનમાં ખૂબ ખુશ થઇ રહી હતી. આજે તેની બાળપણની સખી અનુ આવનાર હતી. અપર્ણા પોતાના ઘરની એક માત્ર અને લાડકી વહુ હતી, પણ તેની સાસુએ લગ્નના બીજા જ દિવસે તેના પર રસોઈની જવાબદારી નાખી હતી અને કહ્યું હતું, ” આ તમારું ઘર છે, અને આજથી જ રસોડું સંભાળી લો, જેટલું જલ્દી રસોઈ બનાવતાં શીખશો તેટલો વધુ બધાંનો પ્રેમ પામી શકશો.

મેં પણ લગ્નના બીજા જ દિવસથી ઘરની દેખરેખ મારા હસ્તક લઇ લીધી હતી.”અપર્ણાના લગ્ન તેના પિતાના મિત્રના દીકરા સાથે થઇ હતી, અને આ જ કારણ હતું કે અપર્ણા તેના સાસરામાં ઝડપથી ગોઠવાઈ ગઈ હતી. જયારે તમે કોઈની પસંદ, નાપસન્દથી પહેલીથી વાકેફ હોવ ત્યારે આ રીતે ગોઠવાવું ઘણું સહેલું બને છે.

ત્યારથી માંડીને આજના દિવસ લગી અપર્ણાએ ખડે પગે ઘરનું કામ કર્યું હતું. તેને સાસુની તમામ ઈચ્છાઓને પૂરી કરી હતી, અને કદાચ એટલે જ તે બધાંની લાડકી બની ગઈ હતી. અપર્ણાને કોઈ વાતે ખોટ નહોતી, તે પોતાના ઘર-સંસારમાં ખુશ હતી. એક દિવસ તેની બહેનપણી અનુનો ફોન આવ્યો કે તે અપર્ણાને મળવા તેના ઘરે આવશે.

અપર્ણા તે જાણીને આનંદથી ઝૂમી ઊઠી, આખરે અનુ તેની બાળપણની સખી હતી. કોઈ કારણસર તે અપર્ણાના લગ્નમાં નહોતી આવી શકી અને આજે આ બંને સહેલીઓ દસ વર્ષ પછી મળવાની હતી. અપર્ણાએ બધી તૈયારીઓ કરી લીધી અને આતુરતાથી તેની રાહ જોવા લગી. ત્યારે અચાનક ડોરબેલ વાગી અને દરવાજો ખોલતાં જ જાણે કોઈ વાવાજોડું પ્રવેશ્યું હોય તેમ, અનુ ખુશ થઈને અપર્ણાને ભેંટી પડી.સુતેલી સાસુ જયારે ઉઠી ત્યારે તેને લાગ્યું કે બેઠકરૂમના સોફા પર આટલાં વર્ષોની દોસ્તી વિસ્તરાઇને પડી હતી. ખોંખારો ખાઈને સાસુએ પોતાની હાજરી બતાવી એટલે બંને સખીઓ જરા સાવધાન થઇ.” બહુ જૂની અને પાકી દોસ્તી લાગે છે તમારા બંનેની “, સાસુએ અનુને પગથી માથા લગી નીરખી અને પૂછ્યું. ” અરે આંટી, અમે તો બંને સ્કૂલના સમયથી સાથે જ છીએ, કોલેજમાં પણ જોડે હતાં, બસ અપર્ણા લગ્નના મામલે મારાથી આગળ નીકળી ગઈ”. અનુએ અપર્ણા તરફ જોઈને કહ્યું. ” અપર્ણા ચાનો સમય થઇ ગયો છે, જરા બધાં માટે ચા બનાવો, અનુ તમે ચા પીઓ છો ને !” સાસુએ ઘડિયાળ તરફ જોઈને કહ્યું.

અનુ પણ અપર્ણા સાથે રસોડામાં ચાલી ગઈ. અપર્ણા ભજીયા બનાવવા માટે બેસનનો ઘોળ તૈયાર કરવા લગી, અણુએ કહ્યું ” અરે યાર, હું આ બધું નથી ખાતી તને તો ખબર છે, પછી શું કામ આટલી મહેનત કરે છે. ચાલને તારા રૂમમાં બેસીએ, મારે તારી સાથે ઘણી બધી વાતો કરવી છે.” ” મને ખબર છે, આ તારા માટે નથી, મમ્મીજી માટે છે, કેમકે તે ક્યારેય એકલી ચા નથી પીતાં. તેમને જોડે કશુંક ચટપટું ખાવાની આદત છે.” અપર્ણાએ અનુને કહ્યું.

બંનેએ જલ્દીથી બેઠકરૂમમાં ચા મૂકી ને રૂમ તરફ જવા લાગી. ત્યારે જ સાસુએ ચાનો કપ ઉપાડતાં અપર્ણાને કહ્યું, ” બેટા રાતે કોઈ ખાસ વાનગી બનાવજે, તમારા પપ્પાજીને કૈક સરસ ખાવાનું મન છે. ” ” જી મમ્મીજી..હું બનાવીશ” અને અપર્ણા અનુનો હાથ પકડીને રૂમમાં જતી રહી.

” આવ અનુ, આરામથી બેસ, કેવો લાગ્યો તને મારો રૂમ? ખબર છે કે મારા આવ્યા પહેલાં જ મમ્મીજીએ મારો રૂમ તૈયાર કરાવી નાખ્યો હતો. ” અનુએ રૂમ તો ન જોયો પણ તે પોતાની સખીને ભારે નવાઈથી જોઈ રહી હતી. ” શું થયું અનુ, કેમ આ રીતે જુએ છે ?” અપર્ણાએ પૂછ્યું. ” કશું નહીં. હું મારી પહેલાની અપર્ણાને શોધી રહી છું, જે કદાચ વ્યવહારિક જીવનમાં ખોવાઈ ગઈ છે.” અને અપર્ણાનો હાથ પકડીને કહ્યું, ” તું ખુશ છે ને અપર્ણા ? તારી સાસુ તો મને હિટલર જેવી લાગે છે, દરેક કામ પરફેક્ટ અને સમયસર થવું જોઈએ તેવો આગ્રહ રાખે છે.” ” હું ખુશ છું યાર, બસ વાત એટલી જ છે કે હું એક જ વહુ છું એટલે બધી જવાબદારી મારી જ છે. હવે તું તારી વાત કર.”

અપર્ણાએ અનુને સંતોષજનક જવાબ તો આપ્યો પણ તેના મનમાં કેટલાક સવાલો ઊઠી રહ્યા હતા. બંને સહેલીઓ વાતોએ ચડી હતી ત્યારે જ સાસુએ અપર્ણાના રૂમમાં આવીને કહ્યું, ” અપર્ણા તમને યાદ તો છે ને કે ડિનર તમારે જ બનાવવાનું છે ?” એ સાંભળીને અપર્ણા અને અનુ ઊભાં થઇ ગયાં અને અનુએ કહ્યું, ” અપર્ણા મારે હવે નીકળવું જોઈએ, માં સાથે બજાર પણ જવાનું છે. તમને મળીને આનંદ થયો આંટી, નમસ્તે” એ પહેલાં કે સાસુ કઈ કહે અપર્ણા રસોડામાં ગઈ અને તૈયારી કરવા લાગી.

” અપર્ણા તમારી આ બહેનપણીના હજુ સુધી લગ્ન નથી થયાં? ” સાસુમાંએ પૂછ્યું. ” ના મમ્મીજી,થોડાં વર્ષો નોકરી કરીને પછી તે લગ્ન કરશે.” ” હંમેશા આવી જ સખીઓ કોઈનું વસેલું ઘર તોડાવે છે કેમકે એમને એ ખ્યાલ નથી હોતો કે સાસરે રહીને સંબંધો કેમ સચવાય છે. તમે એની વાતોમાં આવીને પોતાનું નુકસાન ન કરી નાખતાં.”

સાસુની આ વાત અપર્ણાને ન ગમી, કેમકે તે અનુને ઓળખ્યા વગર જ અનુમાન કરી રહી હતી. પણ તે ચૂપ રહીને પોતાનું કામ કરવા લાગી. અપર્ણા ખુશ હતી કે તેની લાગણીઓ સમજનાર એવી તેની સખી અનુ, હવે એ જ શહેરમાં રહેવાની હતી. અનુના આવ્યા પહેલાં અપર્ણા ખુશ હતી પણ એના આવી ગયા બાદ તેને લાગ્યું કે તે કશુંક ગુમાવ્યાનો અહેસાસ કરી રહી હતી. તે દોસ્તીની ખુશાલીભરી પળોને ખોયાનો અનુભવ કરી રહી, જેમાં કોઈ ઔપચારિકતા નથી હોતી, કે નથી હોતી કોઈ શરત, ન તો કઈ ખોવાનો ડર કે ન તો કઈ પામવાની ઈચ્છા. બસ એક જ વચનનો આધાર રહેતો હોય છે: દરેક સંજોગોમાં એકબીજાની સાથે રહેવું.

તે દિવસે અપર્ણાની નણંદ અને તેનો પરિવાર પણ જમવા આવવાનો હતો. તે બધી તૈયારીઓમાં પડી હતી ત્યાં તેનો ફોન રણક્યો, અનુનો ફોન હતો. ” અપર્ણા જલ્દીથી કોફીશોપમાં આવી જા, કોઈ ખાસ વ્યક્તિ સાથે તારી મુલાકાત કરાવવાની છે.” અનુએ ગભરાટમાં કહ્યું,” અનુ યાર, હું નહીં આવી શકું, મારી નણંદ ડિનર માટે સહપરિવાર આવવાની છે. મારે ઘણું કામ છે, આપણે કોઈ બીજા દિવસે મળીશું.” ” અરે હજુ તો ઘણો સમય છે, તેં તો બધી તૈયારીઓ કરી જ નાખી હશે. ચાલ હવે નખરાં કર્યા વગર જલ્દીથી આવી જા.” અપર્ણાને થયું, વાત તો સાચી છે. હજુ તો ડિનરને વાર છે ત્યાં સુધીમાં જલ્દીથી જઈને આવી જઈશ.

અપર્ણા કોફીશોપ પર પહોંચી પણ જલ્દીમાં પોતાનો ફોન ઘરે જ ભૂલી આવી હતી. અનુએ પોતાની જે વ્યક્તિ સાથે સગાઇ થઇ હતી તેની જોડે તેની મુલાકાત-ઓળખાણ કરાવી, પછી તો શું કહેવું..બંને એવા વાતોએ ચડ્યાં કે બાળપણથી લઈને લગ્નના કપડાંની ડિઝાઇન સુધીની વાતો થઇ. અપર્ણાએ જોયું કે મોડું થઇ રહ્યું હતું એટલે ઘરે જવા નીકળી. તે અનુના લગ્નને લઈને ખુબ ખુશ હતી. તેને દહીં લેવાનું યાદ આવ્યું અને તે દુકાન પર લેવા ગઈ ત્યાં તેને સાસુની એક મિત્ર મળી ગઈ.

તેની સાથે પણ વાત કરવી જરૂરી હતી, પણ તે કેમેય કરીને વાતો પર લગામ મૂકીને ત્યાંથી જતી રહી. તેને હતું કે સમયસર પહોંચીને બધું કામ પતાવી નાખીશ. પણ જેવી તે ઘરે પહોંચી ત્યાં તે નણંદના કુટુંબને દીવાનખંડમાં જોઈને ચોંકી ગઈ. સાસુ બધાંને ચા-નાસ્તો પીરસી રહયાં હતાં. અપર્ણાને પરસેવો વળી ગયો કેમકે તે જાણતી હતીકે સાસુ હવે તેની ખબર લઇ નાંખશે. જેમતેમ કરીને તે ઘરમાં પ્રવેશી. ” અરે દીદી, તમે તો ઘણા વહેલાં આવી પહોંચ્યા , તમે બધાં કેમ છો ?” અપર્ણાએ વાતચીત શરુ કરી. ” આ એનું ઘર છે, જરૂરી નથી કે ડિનર પર જમવા બોલાવી હોય તો રાતે જ આવે. મારી દીકરી જલ્દી ન આવી શકે ?” સાસુનો ગુસ્સો તેના મારેલાં મહેણાંમાં સ્પષ્ટ દેખાઈ આવતો હતો.

અપર્ણાને અહેસાસ થયો કે તેણે આ રીતે કહેવું નહોતું જોઈતું. ” ભાભી ઘરનું કામ પતી ગયું હતું, એટલે થયું ચાલો વહેલાં નીકળીએ.” નણંદે પોતાની માનાં મહેણાંને ઉવેખીને કહ્યું.

બધાંએ રસોઈના ખૂબ વખાણ કર્યા પણ આ વખતે સાસુના મોમાં જાણે દહીં જામી ગયું હતું. બધાંને વળાવીને અપર્ણાએ સાસુ સાથે વાત કરવા ચાહી પણ તેમણે વાત સવાર ઉપર ટાળી.

બીજા દિવસે પતિ અને સસરા દુકાને ગયા બાદ જયારે અપર્ણા અને સાસુ નાસ્તો કરવા બેઠાં ત્યારે અપર્ણાએ કહ્યું, મમ્મીજી મને ગઈકાલે જે થયું તે માટે માફ કરો, મને ખબર હોત કે દીદી જલ્દી આવવાના છે તો હું અનુને મળવા ન જ ગઈ હોત.” સાસુએ અપર્ણાનો હાથ પકડીને કહ્યું, ” બેટા એમાં માફી શું માંગવાની, તમારી પોતાની અંગત જિંદગી પણ છે, તમારી પણ ઈચ્છાઓ છે, અમે નસીબદાર છીએ કે તમે અમારાં વહુ છો.

મને માફ કરો, વર્તન તો મારું બરાબર નહોતું, મારે મારા ગુસ્સા અને જીભ પર થોડો કાબૂ રાખવાની જરૂર છે. બેટા સાચા મિત્રો બહુ મુશ્કેલીથી મળે છે અને એટલે જ તેમને સાચવવા જોઈએ. જ્યારથી એનું આવી છે ત્યારથી મેં તમને હસતાં, ખીલતાં જોયાં છે અને અનુભવ્યું છે કે અમે તમારા નાજુક ખભા પર આખા ઘરની જવાબદારી નાખીને, ઘરની વહુ બનાવીને, તમારી ચંચળતા છીનવી લીધી છે. હવેથી હું પણ તને ઘરકામમાં મદદ કરીશ, મને વિશ્વાસ છે આ રીતે કોઈક દિવસ આપણે સારા મિત્રો બની જઈશું.” અપર્ણા ભાવવિભોર થઇ રડવા લાગી કેમકે અજાણતાં તે મનોમન સાસુ વિશે ખરાબ વિચારવા લાગી હતી. હવે પસ્તાવાથી તેની આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં હતાં.પણ સાસુમા રાતોરાત આ બદલાવ આવ્યો કઈ રીતે તે હજુ પણ અપર્ણાને મન કોયડો હતો.

પોતાના વિચારોમાં ખોવાયેલી અપર્ણા કપડાં સુકવી રહી હતી ત્યાં તેની નણંદનો કોલ આવ્યો. ” ભાભી કેમ છો ? પેલા દિવસ જરા જલ્દીમાં નીકળવું પડ્યું તેમાં તમારી સાથે વાત ન થઇ શકી, માફ કરજો. મને થયું ચાલો આજે ફોન કરી લઉં.” ” હું મજામાં છું દીદી, માફી માંગીને મને શરમાવશો નહીં,માફી તો મારે માગવી જોઈએ. તે દિવસે મને આવતાં મોડું થયું અને તમારી સાથે વધુ વાત ન થઇ શકી.” ” ભાભી…માંએ કઈ વધુ પડતું તો નથી કહી નાખ્યું ને, કઈ કહ્યું હોય તો ખોટું ન લગાડશો. તમે તો એના સ્વભાવને જાણો છો.”

પોતાની નણંદ પાસેથી આ વાત સાંભળીને અપર્ણા સમજી ગઈ કે સાસુમા રાતોરાત આવેલા ફેરફારનું કારણ એ હતી.” દીદી, તમારો આભાર, મારી અને મમ્મીજીના સંબંધમાં તિરાડ પડે તે પહેલાં જ તમે વાત સંભાળી લીધી. મને ખબર છે તમે મને ખૂબ ચાહો છો અને એ જ પ્રેમને કારણે આજે હું ને મમ્મી પણ એક થઇ ગયાં. ” “ભાભી,મેં કઈ નથી કર્યું, બસ માંને યાદ અપાવ્યું છે કે આપણા ઘરનું ભવિષ્ય તમારાથી જ છે. જો તમે ખુશ નહીં રહો તો મારું પિયર મુરઝાઈ જશે. મારા ગયાં બાદ તમે જ કુટુંબને એક તારે બાંધી શકો તેમ છો. મેં તો તમારું કામ સહેલું કરી દીધું છે.” પછી બંને ખૂબ હસ્યાં.

આપણે વહુને ઘરમાં લાવીને હંમેશા એવી જ આશા રાખીએ છીએ કે તે જલ્દી બધાંને અપનાવી લે, પણ એ ભૂલી જઈએ છીએ કે કોઈ છોડને આંગણમાં વાવીને, તેને પણ પ્રેમથી સીંચવો પડે છે, જ્યારે તેને વિશ્વાસરૂપી તડકો મળે છે ત્યારે જ તો તેના મૂળ મજબૂત બને છે અને આગળ ઉપર તેના પર સુંદર ફૂલ ઉગે છે.વહુ પણ એક છોડ સમાન છે, જેટલો પ્રેમ અને માન તેને પોતાના સાસરામાં મળશે તેનાથી બમણો પ્રેમ અને સમર્પણ તે બદલામાં આપશે. પણ આ પહેલ ઘરના મોટેરાંઓએ કરવી પડશે. ખરું ને ?

સંકલન – અનુવાદ : રૂપલ વસાવડા

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી