વફાદારી

0
1

વફાદારી

કોલેજકાળની પ્રેયસી સોમા પ્રત્યેનું આકર્ષણ ખાળવું અનંત માટે લગભગ અશક્ય હતું. અને એટલે જ આ પ્રણયગાથાથી અજાણ પત્ની પ્રિયાને, અવારનવાર બહાનાઓ બતાવી અનંત ઓફિસથી સીધો સોમા પાસે પહોંચી જતો.

એક રાત્રે ધોધમાર વરસ્યા પછી પણ વરસાદ એકધારી ધીમી ગતિએ પડ્યા કરતો હતો. પ્રિયા પલંગ પર આડી પડી પરાણે એક મેગેઝીનમાં ધ્યાન કેન્દ્રિત કરવા મથી રહી હતી. અનંતને છેલ્લે ક્યારે મોબાઇલ લગાડેલો એ ચકાસ્યું. નવ વાગ્યા પછી અનંતે કોઈ કોલ રિસીવ નહોતો કર્યો. વરસાદે પ્રિયાની ચિંતામાં વધારો કર્યો હતો.

અગિયાર વાગે દરવાજો ખખડ્યો. બારણું ખોલતાં અનંત આંગણામાં ફસડાયેલો દેખાયો. જેમતેમ કરી પ્રિયાએ તેને અંદર લીધો. કોઈ પાર્ટી,મીટિંગ્ઝ ન હોવા છતાં અનંત ખુબ દારૂ પીને આવ્યો હતો. પ્રિયાના કોઈ પ્રશ્નનો જવાબ આપ્યા વગર જ એ ઘેરી ઊંઘમાં સરકી ગયો.

સવારે ડોરબેલ વાગી. દરવાજે ખાખી કપડામાં ઉભેલા એક રિક્ષાચાલકે પ્રિયાના હાથમાં લેપટોપ બેગ મૂકી અને કહ્યું “સાહેબ કાલે ભૂલી ગયા’તા.” સામાન્ય રીતે કેબ અથવા બસમાંજ સવારી કરતા અનંતને મોડું થતાં કદાચ રીક્ષા લેવી પડી હશે એમ પ્રિયાને લાગ્યું. ઉપરથી નશો ચઢેલી હાલત અને વરસાદ પણ હતાં .

અનંતે આખું દ્રશ્ય છુપાઈને જોયું. આ ઓટો ડ્રાઈવર એને સોમાના ઘરેથી પાછાં વળતાં મૂકી ગયો હતો. એટલુંજ નહીં લગભગ અડધો અડધ વખત એ જ ઓટો સોમાના ઘર બહારથી મળતી હતી !!

પ્રિયાએ ઓટો ચાલકને રોક્યો. અનંતનું દિલ થડકી ગયું. પ્રિયા કઈ પૂછપરછ કરશે તો ! સોમા સાથે વિતાવેલી અસંખ્ય પળો બાદ વધેલા સમયમાં મોટાભાગે પ્રિયા પાસે પહોંચાડનાર એ રિક્ષાચાલકની પોતે નોંધ સુદ્ધાં લીધી નહોતી ! ક્યારેક થોડા પૈસા વધુ આપ્યા હોત તો સારું થાત,પોતાનું રહસ્ય સચવાઈ જાત એમ અનંતને રહીરહીને લાગ્યું.

પણ ઓટો ડ્રાઈવરે પ્રિયાની આપેલી બક્ષીશ કપાળે લગાડીને ચાલતી પકડી. અનંત જવા સુધી એને તાકતો રહ્યો. એક અજાણ્યો રીક્ષા ચાલક લેપટોપ સાથે રહસ્ય પણ અકબંધ રાખી,અનંત કરતાં વધુ વફાદાર સાબિત થયો હતો.

લેખક – રૂપલ વસાવડા (બેંગલોર)

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here